શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019

બીઝનેસ સૂત્ર | ૧૦.૧ | નિયતિ વિ. અભિલાષા



બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન - વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ
-      સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.
-      નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.
-      બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.
-      ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા  નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે.
-      પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
-      છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાંહેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતાઅને  ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી.
-      ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.
-      ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.
-      ૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં 'જાતિ : કોણ ચડીયાતું - પુરુષ કે  સ્ત્રી?', બીજા ભાગમાં  પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું? અને ત્રીજા ભાગમાં નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ ની ચર્ચા કરવામાં આવી છે.
હવે ૧૦મા, છેલ્લા અંકમાં, દેવદત્ત પટ્ટનાઈક ભારતીયતા વિષે ચર્ચા કરે છે. ભારતમાં પણ અનુભવસિદ્ધ
ડહાપણ છે અને તેની માન્યતાઓ અને પ્રણાલિકાઓમાંથી આજે પણ કંઈ નવું શીખવા જેવું છે તેવો વિશ્વાસ, કોઈક એક સમયે, ભારતીયો તેમના પોતાપણામાં ખોઈ બેઠાં છે. પરિણામે આપણે કોઈ એક તબક્કે સંરક્ષણાત્મક અને આપણામાં કચાશ સ્વીકારવાની ભાવના ધરાવતાં બની ગયાં છીએ. દેવદત્ત પટ્ટનાઇકનું કહેવું છે કે ભારતીય વિચારોને અનુ-અનુ-આધુનિક નવી નજરે જોવાનો સમય પાકી ગયો છે. આધુનિક નજરનો અભિગમ પરંપરાગત વિચારસરણીમાં ખોટું કે સાચું એમ એકદિશામાં જોવાનો રહે છે. અનુ-આધુનિક દૃષ્ટિકોણની નજરે પરંપરાગ્ત કે આધુનિક એવી કોઈ જ વિચારસરણીનું મહ્ત્ત્વ નથી કેમકે તેની નજરે તો બધું સાપેક્ષ છે. અનુ-અનુ-આધુનિક દૃષ્ટિકોણ બધાંનો સંદર્ભ જૂએ છે, અને તેને કારણે ભારતીય માન્યતાઓની સાપેક્ષ વાસ્તવિકતાઓને સમજે છે અને બીજી વિચારસરણીઓથી તે ાલગ છે તેમ સ્વીકારે છે  ભલે દરેક પરિસ્થિતિઓમાં નહીં, પણ અમુક પરિસ્થિતિઓમાં તે ઉપયોગી પણ છે.
બીઝનેસ સૂત્ર | ૧૦.૧ | નિયતિ વિ. અભિલાષા   
કોલીન્સ શબ્દકોશ મુજબ 'ભારતીયતા'ની વ્યાખ્યા 'સામાજિકપણે, સાંસ્કૃતિકપણે , અને અધ્યાત્મિકપણે 'ભારતીય હોવાની' અનુભૂતિ કે લાગણી' થાય છે.

નેટ પર ઉપલબ્ધ 'ભારતીયતા' પરનું સાહિત્યમાં સ્વાભાવિક છે કે વધારે ઊંડાણમાં ભારતીયતાનાં સાંસ્કૃતિક, સામાજિક કે આધ્યાત્મિક પાસાંઓની જ ચર્ચા કરવામાં આવી હોય. આપણે એ સ્વીકારીએ છીએ કે આપણી માન્યતા, અને તેના પરથી આપણા નિર્ણયો અને આપણું વર્તન ઘડવામાં આ દરેક પાસંનું મહત્ત્વ રહેલું છે. જોકે આપણી હાલ પૂરતી ચર્ચા આપણી માન્યતાઓ, નિર્ણયો અને વર્તન આપણી વ્યાપાર કરવાની રીતભાત પર શું અસર કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ સંજોગોમાં આપણે હવે દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ સૂત્ર શ્રેણીના ૧૦ મા અંક - સમાપન - વ્યાપારની ભારતીય પધ્ધતિ ના પહેલા ભાગ - નિયતિ વિ. અભિલાષા માં આજના વિષયે દેવદત્ત પટ્ટનાઈક આપણી સમક્ષ શું રજૂ કરે છે એ તરફ જ વળીએ.


માથું હલાવવાનું પ્રખ્યાત ભારતીય રીત 'હા', 'ના', કે 'એમ પણ'માંનું કંઈ પણ હોઈ શકે છે.….
 હંમેશં કઈક મર્ગ કાઢાવ્ણિ વેંતમાં જોવા મળે છે…
ચોક્કસ નિયમો કે માળખાંનું બહુ મહત્ત્વ ન દેખાય...નસીબનો શારો કે દોષ.. કે પછી હોતી હૈ ચલતી હૈ...ક્યં તો ભરોસાવાળો અભિગમ કે પછી જુગાડુ દૃષ્ટિકોણ ..


આપણે ખરેખર શું છીએ?
આપણે શું છીએ? અનેક જન્મોમાં આપણા વિશ્વાસને કારણે,આ જન્મમાં પાછલાં જન્મોના કર્મોને ખપાવવાની નિયતિમાં માનનારાં  હોઈએ, તો એવાં પ્રારબ્ધવાદીઓ હોવાને કારણે જો સારૂં થાય તો નસીબ અને ખરાબ થાય તો 'એ તો એમ જ હોય' માનીને બેસી રહેનારાં છીએ? પશ્ચિમનાં લોકોની જેમ 'કંઈક તો કરવું જ છે' એમ માનીને મચી પડનારાં આપણે કેમ નથી?
આ પ્રશ્ન સમજવા માટે આપણે બે કથાઓની મદદ લઈએ..
આપણી પહેલી કથા ગૌતમીની છે. ગૌતમી એક વિધવા છે જેનો એકને એક દીકરો જંગલમાં ગયો હોય છે
ત્યાં સર્પદંશથી તેનું મૃત્યુ થાય છે. એક શિકારી, અર્જુનકા, પણ ત્યાં આવી ચડેલ હોય છે એટલે તે પેલા સાપને પકડી લે છે. ગૌતમી સમક્ષ એ બંદીવાન સાપને રજૂ કરીને શિકારી કહે છે કે તમારે એને મારી નાખવો છે કે પછી હું એને સજા કરૂં? તેના જવાબમાં ગૌતમી કહે છે કે તેને છોડી દ્યો. તેને સજા કરવાથી મારૉ દીકરો પાછો નહીં આવે. મારા દીકરાનું આટલું જ આયુષ્ય લખ્યું હશે. તેનાં પાછલાં કર્મોએ તેનાં મૂત્યુનો સમય અને સંજોગ નક્કી કરી રાખેલ છે. આ સાપ તો તે માટે એક નિમિત્ત છે. તેના પર શું કરવા ગુસ્સો કરવો ! આ છે એક લાક્ષણિક પ્રારબ્ધવાદી, જે સમયની માંગનાં સત્યને શરણે થઈ રહે છે. નિયતિ, કે  કર્મ, વડે તેની માન્યતા ઘડાઈ છે.
બીજે છૅડે છે સાવિત્રીની કથા. સાવિત્રી એક રાજકુમારી છે જેને એક કઠિયારા, સત્યવાન, સાથે પ્રેમ થઈ જાય છે. સત્ય્વાનનું મૃત્યુ એક વર્ષમાં થશે એવું જ્યોતિશીઓનું કહેવું હતું. તેમ છતાં સાવિત્રી તેના પ્રેમને મહત્ત્વ આપે છે અને સત્ય્વાન સાથે જ લગ્ન કરવાની વાતને વળગી રહે છે. તેમનાં લગ્નનાં બરાબર એક વર્ષ બાદ સત્યવાનનું મૃત્યુ થાય છે. સત્યવાનના પ્રાણ લઈ જતા યમરાજની પાછળ પાછળ સાવિત્રી ચાલી નીકળે છે. છેક મૃત્યુ લોક સુધી તે કેયમરાજનો કેડો નથી મૂકતી, એટલે, યમરાજ અકળાય છે અને
સાવિત્રીને કહે છે કે આમ પાછળ પાછળ આવાવાથી કંઈ અર્થ નહીં સરે. આ બધું તો નિયમાનુસાર જ બની રહ્યું છે. તું હવે પાછી જા અને તારા પતિનાં શરીરના અંતિમ સંસ્કાર કર. જેના પ્રતિભાવમાં સાવિત્રી યમરાજને કહે છે કે શરીર તો ખોળીયું છે, મારા પતિનું જે ખરૂં મહત્ત્વનું છે તે તો તમે લઈ જાઓ છો. યમ કહે છે કે એ તારા પતિની નિયતિ હતી, એટલે હવે તું વાસ્તવિકતા સ્વીકાર અને પાછી વળ. પરંતુ, સાવિત્રી તો યમનો પીછો નથી છોડતી. થાકીને યમ સાવિત્રીને કહે છે કે તું જો પાછી વળી જા તો હું તને ત્રણ વરદાન આપીશ. સાવિત્રી ત્રણ વરદાન માગે છે. પહેલું એ કે તેના સસરાની સંમૃધ્ધિ પાછી આવે. બીજું એ કે તેના પિતાને વારસમાં પુત્ર મળે, કેમકે તે તો દીકરી છે અને પરણીને જતી રહી છે, અને ત્રીજાં વરદાનમાં તે સત્યવાનના પુત્રની માતા થવાનું માગે છે. યમ તેને ત્રણે વરદાન આપે છે. તો પણ સાવિત્રી હજૂ પાછળ પાછળ આવે છે. યમરાજ કહે છે કે તને તારાં માગેલાં ત્રણ વરદાન આપ્યાં તો તું પાછી કેમ નથી વળતી. સાવિત્રી કહે છે કે સત્યવાનનો પ્રાણ પાછો મળ્યા સિવાય તમારૂં ત્રીજું વરદાન પૂરૂં કેમ કરીને થાય !. યમ હસી પડે છે અને કહે છે કે, તું બહુ ચતુર છો. એટલું જ નહીં, તું બહુ કૃતનિશ્ચયી પણ છો અને વધારામાં પાછી બહુ ઉદારદિલ પણ છો. તારાં ત્રણ વરદાનમાંથી પહેલાં બે વરદાન તેં તારા સસરા અને પિતા માટે માગ્યાં, અને તે પછી જ તેં તારા માટે કંઈ માગ્યું. તું તારા પતિને  પાછો મેળવવા ખરેખર હકદાર છો.
આમ પુરાણમાં માનવ જીવનની સૌથી વધારે નિશ્ચિત નિયતિ, મૃત્યુ,ને પણ પોતાની દૃઢ મનોકામનાથી પાછી ઠેલતી નારીની આ ક્થા છે. આમ થવાનું મૂળ માનવીની ઈચ્છાશક્તિમાં  બતાવાયું છે. આમ ઈ્ચ્છા, અથવા સંકલ્પ , કે કામ, એ બીજું પ્રેરક બળ છે. એક બાજુ કર્મ છે તો બીજી બાજુ કામ છે. એક તરફ સાવિત્રીની કથા છે તો બીજી તરફ ગૌતમીની કથા છે.  હિંદુ વિચારસરણીના આ બે સામસામા અંતિમો છે.
એટલે, આપણે ગૌતમી જેવાં છીએ કે સાવિત્રી જેવાં? 
એ સવાલનો જવાબ પણ એક ક્થા દ્વારા જ સમજીએ. ઉપનિષદોમાં એક બહુખ્યાત ઋષિ છે - યાજ્ઞવલ્કય. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આપણૂં જીવન શું છે? એ નિયતિથી દોઅરવાય છે કે ઈચ્છાઓથી? ત્યારે જવાબમાં તેમણે જીવન બે પૈડાંવાળા એક રથની જેમ કલ્પવા કહ્યું. રથનાં કોઈ પણ એક પૈડાં પર તમે વધારે ભાર આપશો,કે બેમાંથી એક પૈડું નબળું હશે તો તમે ગોળગોળ ફર્યે રાખશો. જીવનની ગાડીને તેની સફરમાં આગળ ધપાવ્યે રાખવા માટે આપણે, પરિસ્થિતિ મુજબ, નિયતિને શરણ થઈએ છીએ, અથવા તો ઇચ્છાઓને વશ થઈએ છીએ.
આજની આ ચર્ચાને વ્યાપાર જગત સાથે શી રીતે સાંકળી શકાય?
એ તો આપણી સાથે જે લોકોના વ્યાપાર સંબંધો છે એમને પૂછો. ધ્યાનથી જોશો તો દેખાશે કે એ લોકો કેટલાં ગુંચવાયેલાં જણાતાં છે. એમાં પણ ખાસ તો યુરોપીઅનો કે અમેરિકનો, જેઓ હા કે ના જેવા બે જ ચોખ્ખા વિકલ્પોની ભાષામાં વાત કરવાનું પસંદ કરે છે. જ્યારે આપણા જવાબામાં  'આમ પણ શક્ય છે', 'હા, પણ', 'એ તો એવું છેને..'  જેવાં શબ્દપ્રયોગો વધારે જોવા મળશે.
કદાચ...
ભારતીય એવું કહે છે તેની પાછળનું કારણ એ છે કે તેના મનમાં હંમેશાં એમ રહે છે કે હજૂ કંઈક વધારે સારૂં શકય તો બની શકે. ભારતીય વિચારસરણીની આ જેટલી તાકાત છે તેટલી જ નબળાઈ પણ છે. આપણે હંમેશાં સંદર્ભોચિત જ વિચાર કરીએ છીએ. પ્રમાણભૂત, એક ચોક્કસ માળખાંની વિચારસરણીમાં બંધાવાને બદલે આપણને આપણા મુજબ બધું ગોઠવાયેલું  મળે, ગોઠવી શકાય, એવું વધારે ગમે.
આ ભાવને વ્યક્ત કરવા માટે એક બહુ સરસ શબ્દનો પ્રયોગ આપણાં વ્યાપાર જગતમાં થાય છે..
શું છે એ?
જુગાડ.
આમ, આજના ભાગની ચર્ચામાંથી એક વાત તો એ ફલિત થાય છે કે, જીવનની સફરને આગળ ચલાવવા માટે, સંજોગો પ્રમાણે, જીવનમાં પ્રારબ્ધ અને અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. જોકે ભારતીયો માટે આ વિચારસ્રણી, સંજોગો અનુસાર, આ સારૂં કે પેલું વધારે સારૂં એમ વિચારવાની, એક નવી શકયતાનાં દ્વાર ખોલી આપે છે. મોટા ભાગના કિસ્સાઓમાં તે કોઈને કોઈ જુગાડમાં પરિણમે છે અને સંજોગવશાત તત્કાલિન સુધારણા કરતા રહેવું તે જ એની જીવનશૈલી બની જાય છે.
હવે પછી, આપણે દેવદત્ત પટ્ટનાઈકની ટીવી શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના ૧૦મા અંક ના બીજા ભાગજુગાડુવૃત્તિ- ઈચ્છનિય કે નહીં?ની ચર્ચા કરીશું..
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો