જ્યોર્જ ઑર્વેલ (મૂળ નામ એરિક આર્થર બ્લેર -
જન્મ ૨૫-૬-૧૯૦૫ /\ અવસાન ૨૧-૧-૧૯૫૦) બહુખ્યાત અંગ્રેજ
નવલથાલેખક, નિબંધકાર, પત્રકાર અને વિવેચક છે. સરળતા અને સ્પષ્ટતા, સામાજિક અન્યાય માટેની જાગૃતિ, એકહથ્થુ આપખુદશાહીનો વિરોધ, અને લોકશાહી
સમાજવાદ માટે ખુલ્લો ટેકો તેમનાં લખાણોમાં દૃશ્યમાન રહેતાં આવ્યાં છે. વિશ્વમાં
ચારેકોર જોવા મળતાં ઉષ્કેરાટભર્યાં આજનાં વાતાવરણમાં, જાહેર સંવાદમાં સ્પષ્ટતા, શિષ્ટતા અને
પ્રમાણિકતા જોવા માગતાં લોકો માટે જ્યોર્જ ઑર્વેલનાં લખાણો ચોક્કસ દિશાનિર્દેશ કરનારાં જણાય છે.
જ્યોર્જ ઑર્વેલની રચનાઓનો વ્યાપ સાહિત્યિક વિવેચન, પદ્ય, ફિક્શન અને વિવાદાસ્પદ પત્રકારત્વ
જેવાં અનેકવિધ પાસાંઓમાં જોવા મળે છે. જોકે તેમની સૌથી વધારે પ્રસિદ્ધ કૃતિઓ
તો રૂપકાત્મક લઘુનવલ એનિમલ ફાર્મ (૧૯૪૫) અને દુઃસ્થાનક નવલકથા નાઈન્ટીન એઈટી-ફોર (૧૯૪૯) છે.
બીજાં વિશ્વયુધ્ધ સમયે જ્યોર્જ ઑર્વેલે બે એક વર્ષ માટે બીબીસીના
સંવાદદાતા તરીકે કામ કર્યું હતું, તેની યાદમાં ૨૦૧૬માં લંડન સ્થિત
બીબીસીનાં કાર્યાલય સામે, શિલ્પકાર માર્ટીન જેનિંગ્સ દ્વારા રચિત,
તેમનું એક શિલ્પ સ્થાપિત કરવામાં આવ્યું
છે.
જ્યોર્જ ઓર્વેલની આ રચનાઓ વિષે વાત કરતાં પહેલાં આપણે તેમના ગૈરકાલ્પનિક
લેખોના અનુવાદ કરીશું, અને તેનાથી પણ પહેલાં આજે તેમનાં
કેટલાંક વિચારપ્રેરક અવતરણો દ્વારા તેમના વિચારોથી પ્રાથમિક સ્તરે અવગત થશું.
-
છેતરપિંડીના જમાનામાં સાચું બોલવું એ
ક્રાંતિકારી પગલું છે.
-
સમાજને નષ્ટ કરી નાખવાની સૌથી અસરકારક
રીત છે લોકોને તેમના ઈતિહાસથી અવગત ન કરવાં અને ઈતિહાસની તેમની જે કંઈ સમજણ હોય
તેની ભૂંસી કાઢવી,
-
કોઈ પોતાને પ્રેમ કરે તેના કરતાં વધારે
જરૂરી એ છે કે પોતાને બરાબર સમજે.
-
ભૂતકાળ જેનાં નિયમનમાં છે તેનો ભવિષ્ય
પર અંકુશ છે. વર્તમાન જેના નિયમનમાં છે તેનો ભૂતકાળ પર અંકુશ છે.
-
બેવડી વિચારધારા એટલે બે વિરોધાભાસી
વિચારસરણીઓને મનમાં સંભાળી શકવું અને બન્નેનો સ્વીકાર પણ કરવો.
-
સ્વતંત્રતાનો જો કોઈ અર્થ હોય તો એટલો
જ લોકો જે સાંભળવા નથી માંગતાં તે કહી શકવાનો હક્ક.
-
પીડાની સામે કોઈ બહાદુરી ટકતી નથી.
-
માનવ હોવાનું હાર્દ છે ક્ષતિહીન સર્વોત્કૃષ્ટતાની
પાછળ ન દોડવું.
-
માનવજાત પાસે સ્વતંત્રતા અને ખુશી એમ
બે વિક્લ્પો હોય છે. મોટા ભાગનાં લોકોની પસંદ ખુશી હોય છે.
-
વાસ્તવિકતા માનવ મનમાં જ વસે છે,
બીજે કશે નહીં.
-
લોકો રાત્રે પથારીમાં સુખે એટલે સુઈ
શકે છે કે કેટલાંક લોકો તેમના વતી હિંસા આચરવા તૈયાર હોય છે.
-
સામાન્યતઃ માનવી સારૂં બનવા જ માગે છે,
પણ બહુ ઝડપથી, બહુ વધારે પડતાં સારાં પણ નહી.
-
આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિ સત્તા
છોડી દેવાના આશયથી સત્તા કબજે નથી કરી.
-
નાકની નીચે શું છે તે જોવું એ એક સતત
સંઘર્ષ છે.
-
જ્યારે મનુષ્ય હોવાનું કોઈ જ પરિણામ
દેખાતું ન હોય ત્યારે પણ માનવતા ટકાવી શકાય તો પેલાં લોકોને તમે હરાવી ચૂક્યાં છો.
-
માણસ જ એક એવું પ્રાણી છે કંઈ પણ પેદા
કર્યા વિના વાપરે જાય છે.
-
જે લોકો ભ્રષ્ટ રાજકારણીઓ, ઠગ, ચોર કે દગાબાજોને ચૂંટે છે તેઓ પરિણામ
ભોગવતાં બલિ નહીં પણ સહાપરાધી મળતિયાં છે.
-
માણસની નોંધપાત્ર ઓળખ હાથ છે, જેના વડે તે બધાં ઊંધાંપાતરાં કરે છે.
-
સામાન્યતઃ, જેટલી સમજ વધારે તેટલો જ વધારે ભ્રમ; જેમ વધારે બુદ્ધિશાળી તેટલું ઓછું ડહાપણ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો