ભગવદગીતામાં કંસ દેવકીનાં
બાળકોને મારી નાખે છે. કૃષ્ણ કંસને મારી નાખે છે. રામયણમાં રાવણ બીજાની પત્નીઓનું
અપહરણ કરી લાવીને તેમને શીલભંગ કરવા માટે લલચાવે છે. રામ રાવણને મારી નાખે છે.
દેવી પુરાણમાં અસુરો દેવોને તંગ કર્યા કરતા રહે છે. દુર્ગા અસુરોનો નાશ કરે છે. આ
બધાં કથાનકોમાં નોંધવાલાયક બાબત છે કળાકૃતિઓમાં કૃષ્ણ, રામ કે દુર્ગાનું
નિરૂપણ. એ લોકો તો એટલાં જ શાંત દેખાય છે,
જેટલાં તેઓ તેમનાં
સહચર સાથે આલિંગન કરતાં શાંતચિત્ત હોય છે. તેમના ગુસ્સાનો ભાવ મોટા ભાગે 'માતા પિતાના બનાવટી ગુસ્સા'
જેવો જ હોય છે,
જે તેમણે તેમનાં
હઠીલાં બાળકો સાથે કામ લેતી વખતે અભિનય (સંસ્કૃતમાં - લીલા) રૂપે કરવો પડતો હોય
છે.
કૃષ્ણએ જેને કૌરવોનો નાશ
કરવાનું સમજાવ્યો છે તે અર્જુન કરતાં કૃષ્ણ કે રામ કે દુર્ગાના ભાવ સાવ જ ઉલટા છે. અર્જુનના ચહેરા પર ઉદ્વેગ,
અપરાધ અને શરમ છવાઈ
ગયાં છે. તેના ભાવમાં ભયની અમળાહટના સળ પડી ગયેલા છે.
દેવો નિર્ભય હોય છે? ના, જરા પણ નહીં. તેમને તો
માનવતાના ભયની જાણ છે. એ ભય સ્વાભાવિક છે. તે જ નિર્જીવને સજીવમાં ફેરવે
છે. તેને કારણે જ માનવી મૃત્યુથી દૂર ભાગીને જીવન માટે સંઘર્ષ કરે છે.માનવ કલ્પના
શક્તિ માનવીના આ ભયને અનેક ગણો વધારી મૂકે છે. અને એ કલ્પનાને પણ નકારી તો ન જ
શકાય, કેમકે તે જ તો
માનવીની ઓળખ છે, જે તેને નવી જ રીતથી વિચારવાનું અને નવુ નવું શોધી કાઢવા પ્રેરે છે. ગૃહસ્થ
જીવનનાં ઘડતરનો પાયો જ આ કાલ્પનીક ભય છે. માત્ર સંન્યાસી જ ભય અને કલ્પનાનાં બંધન
તોડવા માગે છે.
અગ્રણીએ ભય બાબતે સજાગ
રહેવું જોઈએ. ભય તેને સિદ્ધિ તરફ પણ આગળ વધારી શકે છે અને તેમનાં સહયોગીઓને તેમના
સાથે એકસૂત્ર થતાં રોકી પણ શકે છે. માતાપિતા ગભરાઈ ગયેલાં સંતાનોને થાપડીને, ભેટીને ભય દૂર કરવા પ્રયત્ન કરે, તો સામે તેઓ બાળકોને શાળાએ
જવા કે ઘરનાં કામકાજ કરવા ડરાવે ધમકાવે પણ.
ભય ઓછો કરવો અને ક્યારેક ડરાવવું એ માતાપિતા હોવાનાં બે પાસાંઓ છે. આવું જ
મૅનેજમૅન્ટને પણ લાગુ પડે છે.
મૅનેજમૅન્ટમાં આપણે ભય શબ્દ
પ્રયોગ નથી કરતાં પણ 'તનાવ' શબ્દ પ્રયોગ કરીએ છીએ. તનાવ એ માપી શકાય તેવી
મનોવૈજ્ઞાનિક ઘટના છે, પણ ભયનું એવું નથી. ભય
માનસીક અવસ્થા છે. વિજ્ઞાનને માપી ન શકાય તે બધું જ નથી ગમતું એટલે તે ભયને
નજ઼રાઅંદાજ કરે છે.આમ જૂઓ તો મનોવિજ્ઞાન અને વર્તણૂક વિજ્ઞાન માની લીધેલ માન્યતાઓ
અને પ્રણાલિઓ પરથી બનેલા વિજ્ઞાન છે, કારણકે તેના મુખ્ય વિષય, મન,નું તો ઘણું બધૂં માપી શકાય
એવું નથી. પરંતુ હકીકત તો એ છે કે દરેક પ્રકારના તનાવનું એક કારણ ભય છે. ભયને
કારણે પશુ ભાગી છૂટવા મથે છે કે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં થીજી જાય છે કે પછી
લડવા મંડી પડે છે.
કાર્યસ્થળ પર બધાં જ ભય હેઠળ
હોય છે. નિવેશકને ભય છે કે તે પોતાનું રોકાણ ખોઈ બેસશે. નિયામકને ચિંતા છે કે તેના
આદેશો ગંભીરતાથી નહીં લેવાય. સંચાલકોને ભય છે કે તેઓ સંકટને બરાબર હલ નથી કરી
શક્યાં. સુપરવાઈઝરને ડર છે કે તે બહુ ઢીલો પડશે તો તેની ટીમ તેને ગધેડે
ચડાવશે.સંચાલકોને તેમનાં બૉસ ડરાવી ધમકાવીને કાબુમાં રાખે છે. કામદારોને ભય છે કે
તેઓ કંઈ કહેવા જશે તો તેમની નોકરી જશે,
એટલે તેમને તેમનઅ
વતી બોલનાર જોઈએ છે.
ભયને કારણે આપણે આપણી ટીકા
નથી સાંભળતાં, આપણને આપણાં વખાણ સાંભળવાં ગમે છે, આપણને પુરસ્કાર મળે
તે ગમે છે, આપણને માનસમ્માન મળે તે ગમે છે. ભય એટલે આપણું ચિંતામગ્ન રહેવું, અધીર બની જવું, દરેક પરિયોજનાની ઝીણી ઝીણી
બાબતોમાં માથાં મારવાં, લોકોને સંપેલાં કામ શાંતિથી કરવા ન દેવાં. ભય એટલે આપણને લોકોની આવડત પર ભરોસો
ન હોવો. આપણે તેમના વિષે અભિપ્રાયો બાંધવામાંથી એટલી પણ ફુર્શત નથી મળતી કે તેમને
વખાણવા માટે આપણી પાસે સમય જ નથી રહેતો. ભયમાં ને ભયમાં, આપણે બીજાંને પ્રેરણા જ
પૂરી નથી પાડી શકતાં, આપણે લેવાના નિર્ણયો નથી લઈ શકતાં, આપણે જાણે લકવાગ્રસ્ત બની જઈએ છીએ.
પણ જો ભયનો યોગ્ય રીતે ઉપયોગ
કરવામાં આવે તો ભય અગ્રણી માટે બહુ પ્રભાવકારક ચાલકબળ પરવડી શકે છે,જેને કારણે તે હાથ પરનાં
કામો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે, બહુ વધારે પડતા વિશ્વાસમાં નથી સરી પડતો. આપણી અંદરના ભયને
બરાબર સમજવાથી બહારના ભયને સમજવા આસાન બને છે. આપણી આસપાસનાંનો ગભરાટ આપણાથી સમજી
શકાય છે. આપણે તમની સાથે સમાનુભૂતિ અનુભવી શકીએ છીએ, તેમને પ્રેરણા પૂરી પાડી
શકીએ છીએ, દોરવણી પૂરી પાડી શકીએ છીએ, તેમના ભયને પડકારી શકીએ છીએ અને પરિણામે તેમને સાંત્વના આપી શકીએ છીએ અને
સ્વસ્થ તેમ જ હકારાત્મક રહેવામાં મદદરૂપ બની શકીએ છીએ.
જોકે, ભયનો ભય ન હોવો એ સ્વાભાવિક
નથી. ભયનો ભય ન હોવો એ કથાકારોએ ઘડી કાઢેલો એક કાલ્પનિક ખયાલ છે. કોઈ અગ્રણીને
ભયવિહિન થવું પોષાય નહીં. ભયવિહિન અગ્રણીઓ માનસીક રોગીઓ કહી શકાય. તેઓ પોતાની
લાગણીઓ બાબતે, તેમજ આસપાસનાં લોકોની લાગણીઓ બાબતે પણ, લાગણીશૂન્ય હોય છે. જે
લોકોને ભય નથી લાગતો એ લોકો પ્રેમ પણ ન કરી શકે. પ્રેમ તો બીજાં લોકોને ભય સાથે
કામ લેવા સક્ષમ કરી આપતું એક સબળ પરિબળ છે.
નવી ઑફિસમાં દાખલ થતાં આપણાં
મનમાં ડર હોય છે. નવી ઑફિસ બાંધતી વખતે પણ આપણા મનમાં ડર હોય છે. આપણું કામ,
વ્યવસાય કે નોકરી
બદલતી વખતે પણ આપણને ડર લાગે છે. આપણને કામની નવી તકો ઊભી કરતી વખતે પણ ડર લાગે
છે. સંસ્થાનું માળખું બદલતી વખતે પણ આપણને ડર તો લાગે જ છે. નવાં બજારમાં દાખલ
થવું હોય કે જૂનાં બજારમાંથી નીકળી જવું
હોય તો પણ આપણને ડર રહે છે.
વધારે પડતો ભય આપણા વિશ્વાસ
અને ધીરજને કોરી ખાય છે. બહુ ઓછો ભય હોય તો આપણે આપણી જાત પર મુસ્તાક બની બેસી
શકીએ છીએ. ભયની યોગ્ય માત્રા આપણને ટકાવી રાખે છે. ઈશ્વરને એ ખબર છે. કૃષ્ણ,
રામ, દુર્ગા એ બધાંને એ ખબર છે.
એમની દૃષ્ટિમાં કંસ, રાવણ કે અસુરો ભયના માર્યા
તિરસ્કરણીય કૃત્યો કરતા હતા. તેઓ દુર્જનને નથી ધિક્કરતાં. તેઓ તેમની અસલામતીની
ભાવના, ધીરજના આભાવમાટેનાં કારણો અને વિશ્વાસના અભાવને સમજે છે. એટલે જ્યારે સમજાવટ
કામ નથી આવતી ત્યારે તેઓ સાચો ક્રોધ નહીં
પણ 'બનાવટી ગુસ્સા'નો પ્રયોગ કરે છે, કેમકે સાચુકલો ક્રોધ તો
અસહાયપણાની નિશાની છે અને ઈશ્વર તો ક્યારે પણ અસહાય હોઈ ન શકે. ભયની અસ્વીકૃતિમાં
શાણપણ નથી, શાણપણ તો ભયના સ્વીકારમાં છે, આપણામાં રહેલા ભય બાબતે સજાગ રહેવામાં અને બીજાંઓના ભય પ્રત્યે ધ્યાન આપતાં
રહેવામાં છે.
- ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ માં ૪ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Fear plays a key role in organisations, harness it wisely નો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો