બુધવાર, 10 જુલાઈ, 2019

હાથીને ગોળીએ દીધો (૧૯૩૬) - જ્યોર્જ ઑર્વેલ :: (૧)


'હાથીને ગોળીએ દીધો' (Shooting an Elephant) જ્યોર્જ ઑર્વેલના બ્રહ્મદેશના ૧૯૨૨-૧૯૨૭ દરમ્યાનના ઈન્ડિયન ઈમ્પિરીયલ પોલીસમાં નોકરી કરતી વખતના રહેવાસ સમયનો સ્વાનુભવનો કિસ્સો છે.
જ્યોર્જ ઓર્વેલે વર્ણવેલ આ આખો પ્રસંગ આપણે ત્રણ ટુકડામાં અહી પ્રકાશિત કરીશું. આજના અંકમાં લેખક સમયની સ્થિતિમાં તેમની મનોદશા સમજાવે છે જેના પ્રભાવ હેઠળ ગાંડા થયેલા હાથી સાથે તેમણે કામ લેવાનું છે અને સાથે સાથે રોશે ભરાયેલાં બે હજાર જેટલાં સ્થાનિક લોકોને પણ સંદેશો આપવો છે. આ એ જ લોકો છે જેમણે તેમની પાછળ તેમનાં એટલાં અપમાન કર્યાં છે કે તેમને મનમાં થયા કરે છે કે એ લોકોના પેટમાં બંદુકની સંગીન ભોંકી દેવાની મજા માણી લેવી જોઈએ.


બર્માના નીચેના ભાગમાં આવેલ મૌલમૈનમાં મોટાં ભાગનાં લોકોને હું પસંદ નહોતો - જીવનમાં મને આટલું અગત્ય આ એક જ વાર મળ્યું હશે. હું ગામનો સબ-ડિવિઝનલ પોલિસ અફસર હતો. ત્યાં કોઈ જ ઉદેશ્ય વિનાની, નગણ્ય હોવી જોઈએ એવી, યુરોપિયન વિરોધી લાગણી બહુ વધારે કડવાશભરી લાગતી હતી. કોઈનામાં તોફાન બોફાન કરવાની હિંમત તો નહોતી, પણ જો કોઈ યુરોપિયન સ્ત્રી બજારમાં એકલી નીકળે તો તેનાં કપડાં પર કોઈ પાનનો રસ જરૂર થુંકે. પોલિસ અફસર તરીકે હું તો સ્વાભાવિક નિશાન હતો, એટલે જ્યારે જ્યારે સલામત લાગે ત્યારે મને બકરો બનાવાતો. જ્યારે એક ચપળ બર્મીએ મને ફુટબૉલ મેદાનમાં આંટી મારીને પછાડ્યો, ત્યારે જોનારાં બધાં ક્રૂર મજાકમાં, જોર જોરથી, હસ્યાં હતાં. આવું એકથી વધારે વાર થયું હતું. પછી તો જ્યારે જ્યારે મને પીળીયા ચહેરાવાળા યુવાનોનો ભેટો થઈ જતો, ત્યારે ત્યારે જેવો હું થોડો દુર પહોંચું કે મારી પીઠ પાછળ અપમાનજનક શબ્દોનો ધોધ વહેવા લાગતો. હવે તો મને પણ એ બાબતે ચીડ ચડવા લાગી હતી. યુવાન બૌદ્ધ સાધુઓ તો બધામાં સૌથી વધારે ખરાબ હતા. ગામમાં એવા હજારો સાધુઓ હતા, જેમની પાસે ખૂણેખાંચરે ઉભા રહીને યુરોપિયનોની ખીલ્લી ઉડાડવા સિવાય બીજું કોઈ જ કામ નહોતું.

આ બધું બહુ અસ્પષ્ટ અને અસ્વસ્થ કરનારું હતું. હું તે સમયે મનથી નક્કી કરી ચૂક્યો હતો કે સામ્રાજ્યવાદ બહુ ખરાબ છે, એટલે મારે બને એટલાં મારી જલદી નોકરીમાંથી નીકળી જવું જ સારૂં છે. સૈધ્ધાંતિક રીતે- અને હા, ખાનગીમાં જ વળી - હું બર્મી લોકોના પક્ષમાં ઢળતો હતો તો તેમના પર દમન કરનારા, બ્રિટિશરો,ની વિરુદ્ધ હતો. હું જે કામ કરતો હતો તેને હું સમજાવી શકું તેનાથી પણ વધારે કડવી રીતે ધિક્કારતો હતો. આ પ્રકારનાં કામમાં સામ્રાજ્ય વતી થતાં ગંદાં કામ નરી આંખે દેખાતા. લૉક-અપનાં ગંધાતાં પાંજરાંઓમાં બિંચારાં કેદીઓનું ટુંટિયાંવાળીને કણસવું, લાંબા સમયના કેદીઓના ડરના માર્યા ભૂખરા થઈ ગયેલા ચહેરા, વાંસનાં ડંડાઓના માર ખાઈને સૂજી ગયેલા કેદીઓનાં પાછલા ભાગ, વગેરેને કારણે મને અસહ્ય ગુન્હાહિત લાગણીનો ત્રાસ છૂટતો હતો. પણ મને સાચું શું છે તે દેખાઇ જ નહોતું રહ્યું. હું યુવાન અને ઓછું ભણેલો હતો. મારે, પૂર્વમાં રહેતા અંગ્રેજો પર લાદી દેવાતી હતી એવી જ મારી સમસ્યાઓ વિષે, મારાં એકાંતની શાંતિમાં જ, વિચાર્યા કરવાનું હતું. મને તો એ પણ ખબર નહોતી કે અંગ્રેજ સામ્રાજ્ય છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે. એટલે મને એ તો ક્યાંથી જ ખબર હોય કે તેને બદલે જે નવાં સામ્રાજ્યો આવશે તે બ્રિટીશ સામ્રાજ્યને તો બહુ સારૂં કહેવડાવશે? મને માત્ર એટલી ખબર હતી કે જે સામ્રાજ્યની હું નોકરી કરતો હતો તેના માટેના ધિક્કાર અને મારાં કામ કરવાને અશક્ય બનાવી રહેલ પેલા શેતાનો વચ્ચે હું ખરો ફસાયો હતો. એક તરફ મને બ્રિટીશ સામ્રાજ્ય, પગે પડેલાં લોકોની મરજી પર, સદૈવ ઠોકી બેસાડેલ, જડબેસલાક જુલમગાર શાસન લાગતું હતું તો બીજી તરફ પેલા બૌધ્ધ સાધુઓના પેટમાં બંદૂકની સંગીન ભોકી દેવાનો અનેરો આનંદ માણવાનું મન થતું હતું. જો કોઈ એંગ્લો-ઈન્ડિયન અફસર ખાનગીમાં મળી જાય, અને તમને જવાબ આપે, તો ખબર પડશે કે સામ્રાજ્યવાદની આ બહુ સામાન્ય આડપેદાશ છે.

એક દિવસ એવું કંઈક થયું જે, અવળો કાન પકડાવીને પણ, આંખ ઉઘાડનારૂં હતું. આમ તો એ સાવ નાની ઘટના હતી, પણ તેને કારણે મને સામ્રાજ્યવાદનાં સાચા આશય - તાનાશાહી સરકારોની સાચી દાનત-ની સારી પેઠે ઝાંખી થઈ. એક દિવસ વહેલી સવારે શહેરના બીજા છેડાનાં પોલીસ થાણાના સબ-ઇન્સપેક્ટરે મને ફોન કરીને જણાવ્યું કે એક હાથી અહીં બજારને ધમરોળી રહ્યો છે. હું ત્યાં આવીને કંઈક કરૂં એવી તેની વિનંતિ હતી. હું શું કરી શકું તેમ હતો તે તો મને ખબર નહોતી, પણ ત્યાં શું થઈ રહ્યું છે તે મારે જોવું હતું, એટલે હું, મારાં ટટ્ટુને પલાણી, બજાર તરફ જવા નીકળ્યો. મારી જૂની, .૪૪ માન્ચેસ્ટર રાઈફલ સાથે રાખી લીધી હતી. જોકે હાથીને મારવા માટે તો તે બહુ નાની પડે તેમ હતી, પણ મને થયું કે તેનો અવાજ પૂરતો ભય પેદા કરી શકશે અને હાથીને બીવડાવી શકાશે. રસ્તામાં મને ઘણાં બર્મી લોકો રોકતાં ગયાં અને હાથીનાં કરતૂતો જણાવતાં ગયાં. તે જંગલી હાથી તો નહોતો જ, પાળેલો હતો જે 'મદમસ્ત' બનીને ગાંડો થયો હતો. પાલતુ હાથી જ્યારે મદમસ્ત બનવાનો હોય ત્યારે જેમ સાંકળે બાંધી દેવાય, તેમ આ હાથીને પણ સાંકળો સાથે બાંધી દેવામાં આવ્યો હતો, પણ ગઈ રાતે તેણે સાંકળ તોડી નાખી હતી અને ભાગી છૂટ્યો હતો. તેને આ સ્થિતિમાં અંકુશમાં લાવી શકે એવો એક માત્ર માણસ, તેનો મહાવત, તેની શોધમાં નીકળી ચૂક્યો હતો. જોકે તે ઊંધી દિશામાં જતો રહ્યો હતો, પરિણામે, અત્યારે તે બાર કલાક જેટલાં અંતરે હતો. તે દરમ્યાન હાથી સવારે ફરીથી ગામમાં જોવા મળ્યો હતો. બર્મી લોકો પાસે કોઈ હથિયાર નહોતાં એટલે હાથી સામે તેઓ સાવ લાચાર હતાં. કોઈકનું વાંસનું ઝુંપડું તો હાથી તોડી ચૂક્યો હતો, એક ગાયને મારી નાખી હતી અને ફળની એક દુકાન પર હુમલો કરીને બધાં ફળ સફાચટ પણ કરી ચૂક્યો હતો. મ્યુનિસિપાલિટીની કચરાની ગાડી તેને સામે મળી તો તેનો ચાલક તો ઉતરીને ભાગી ગયો, પણ હાથીએ એ ગાડી ઉંધી વાળી તેને સરખું નુકસાન પહોંચાડ્યું હતું.

બર્મી સબ-ઈન્સ્પેક્ટર અને કેટલાક હિંદી કોન્સ્ટેબલો જે વિસ્તારમાં હાથી હતો ત્યાં મારી રાહ જોતા હતા. એ ખૂબ ગરીબ વિસ્તાર હતો, જેમાં એ સીધાં ચઢાણવાળી ટેકરી તરફ ફેલાયેલાં, નાળિયેરીનાં પાનથી ઢંકાયેલી છતવાળાં, વાંસનાં ઝૂંપડાઓ એકબીજામાં ગુંચવાઈને એક ભુલભુલામણીભર્યાં જાળાં જેમ પથરાયેલાં હતાં. મને યાદ છે કે એ વાદળ છાયો દિવસ હતો, ગોરંભાયેલી સવારમાં વરસાદ પણ પડવાનો શરૂ થયો હતો. હાથી કઈ બાજુએ ગયો છે એ વિષે અમે લોકોને પૂછવાનું શરૂ કર્યું, અને હંમેશા થતું આવ્યું હતું એમ, કોઈ જ ચોક્કસ માહિતી નહોતી મળતી. પૂર્વના દેશોમાં આવું જ બને છે; દૂરથી કથની બહુ સ્પષ્ટ દેખાય પણ જેમ જેમ બનાવની જગ્યાની નજદીક આવતાં જાઓ તેમ તેમ વિગતો અસ્પષ્ટ થવા લાગે. કેટલાંકે કહ્યું કે હાથી એક દિશામાં ગયો હતો, તો બીજાં કેટલાંક બીજી દિશામાં ગયો એમ કહેતાં હતાં. કેટલાંકે તો હાથી વિષે સાંભળ્યું જ નથી એમ કહીને હાથ ધોઈ નાખ્યા. મને મનથી નક્કી લાગવા માંડ્યું હતું કે આખી વાત જુઠાણાંઓની કહાણી છે, ત્યાં અમને થોડાં અંતરે રાડારાડ સંભળાઈ. કોઈ, ભયનું માર્યું, જોર જોરથી ચીલ્લાઈ રહ્યું હતું, 'મારાં બાળ ! હમણાંને હમણાં, જા અહીંથી, જા'! તે સાથે એક બુઢ્ઢી સ્ત્રી ઝુંપડાના ખૂણામાથી બહાર આવી. ખોટા વાળની છૂટી સેર નાગાંપૂગાં છોકરાંઓ તરફ હલાવી હલાવીને તેમને ભગાડી રહી હતી. તેની પાછળ બીજી કેટલીક સ્ત્રીઓ પણ હતી જે મોઢેથી 'હાય, હાય' જેવા ડચકારા કરી રહી હતી, જાણે છોકરાંઓએ કંઈ એવું જોઈ લીધું હતું જે તેમણે નહોતું જોવું જોઈતું. હું ફરીને ઝુંપડામાં ગયો અને ત્યાં મેં એક મૃત્યુ પામેલા માણસના શબને કાદવમાં પડેલું જોયું. તે એક હિંદી, શ્યામ, દ્રવિડ, કૂલી દેખાતો હતો. તે લગભગ નિર્વસ્ત્ર હતો. તેને મૃત્યુ પામે બહુ વાર નહીં થઈ હોય એમ લાગતું હતું. લોકોનું કહેવું હતું કે ઝુંપડાંની ધારેથી નીકળી આવીને હાથી કૂલી પર ઓચિંતો ધસી આવ્યો હતો, કૂલીને સૂંઢથી પકડ્યો અને તેની પીઠ જમીન સાથે દબાવીને રગડી કાઢી હતી. આ ઋતુ ચોમાસાંની હતી અને જમીન ભીની થઈને પોચી બની ગઈ હતી, એટલે હાથીના મસમોટા દાંતે જમીનમાં એકાદ ફૂટ ઊંડો અને બેએક વાર લાંબો ખાડો કરી નાખ્યો હતો. પેલો માણસ તેના પેટના બળ પર ઊંધો પડ્યો હતો, તેના હાથ પેટ પર આંટી મારીને પડ્યા હતા અને તેની ગરદન એક બાજૂ આંચકો ખાઈને મરડાઈ ગઈ હતી. તેનું મોં કાદવથી ખરડાઈ ગયું હતું, આંખો ફાટી ગઈ હતી, દાંત તરડાઈ ગયા હતા અને મોં અસહ્ય પીડાના ભાવથી વિલાઈ ગયું હતું. (જોકે, મને કદી કહેશો નહીં કે મૃત વ્યક્તિ હંમેશાં શાંત દેખાય છે. મેં જેટલા મૃતદેહો જોયા છે તે તો ડરામણા જ લાગતા હતા.) મહાકાય પ્રાણીના પગ સાથે ઘસાવાને કારણે પેલા માણસના બરડાની ચામડી, સસલાંની ખાલ ઉતારી નાખી હોય તેવી સફાઈથી, ઉતરડાઈ ગઈ હતી. એ મરેલા મણસને મેં જોયો કે તરત જ મારા ઓર્ડરલીને નજદીક રહેતા મારા મિત્રને ત્યાં હાથીને મારવા કામ આવે એવી રાઈફલ લેવા મોકલી દીધો હતો. બીકના માર્યા બખેડો ન કરે અને હાથીની વાસને કારણે મને પીઠ પરથી ઉલાળીયો ન કરી દે એટલે મેં મારાં ટટ્ટુને તો પાછું મોકલી જ દીધું હતું.
હવે શું થશે? તેની વાત હવે પછીના અંકમાં કરીશું…...

  • જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Shooting an Elephant નો આંશિક અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૦ જુલાઈ,૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો