બુધવાર, 17 જુલાઈ, 2019

બૌદ્ધિક ગીતાથી સંવેદનાત્મક ગીતા તરફ - દેવદત્ત પટ્ટનાઈક


પદ્મ-પુરાણના ઉત્તર ખંડમાં શિવ પાર્વતીજીને કહે છે કે વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું હતું કે ગીતાનાં પહેલા પાંચ અધ્યાય તેમનાં પાંચ મસ્તિષ્ક છે, પછીના ૧૦ અધ્યાય તેમના દસ બાહુઓ છે, સોળમો અધ્યાય તેમનું ધડ છે અને છેલ્લા બે અધ્યાય તેમના પગ છે. પછી તેઓ દરેકે દરેક ૧૮ અધ્યાય માટે એક્કેક કહાની સંભળાવે છે, એટલે કુલ ૧૮ કથાઓ થઈ. એમ કહેવાય છે કે એ ૧૮ કથાઓને સાંભળવી એટલે વિષ્ણુની ભક્તિ કરવી અને ગીતાનો સાર પામવો. આપણે ખરેખર તો ભગવદ ગીતા વાંચી જ નથી. ભગવદ ગીતાનું કથાવસ્તુ તો આ કથાઓમાં વણી લેવાયેલ દૈવી સ્વરૂપ છે.
ગીતા પાઠ પહેલાં અને પછીથી વંચાતી ગીતા-ધ્યાન અને ગીતા માહાત્મ્ય  એ બે રચનાઓ ગીતાનાં આ દૈવત્વને દર્શાવે છે. હવે વૈશ્નવ તંત્રસારનો ભાગ ગણાતું ગીતા-ધ્યાન સોળમી સદીના તર્કશાસ્ત્રી મધુસુદન સરસ્વતીએ રચ્યું કહેવાય છે. મધુસુદન સરસ્વતી પર બંગાળના ચૈતન્ય મહાપ્રભુની બહુ અસર હતી.
એ નવ શ્લોકોનું સ્તોત્ર છે જેમાં ગીતાને પ્રેમાળ મા તરીકે વર્ણવવામા આવેલ છે, જેનું કથન કૃષ્ણ કરે છે, વ્યાસજી, મહાભારતમાં. તેની નોંધ કરે છે, જેના વડે અર્જુન સંકટની ઘડી પાર કરી શકે છે. યુધ્ધ કૌરવો દ્વારા સર્જાયેલ અશાંત પાણીમાં ઘુમરાતું વહેણ છે જેને ગીતાની મદદથી પાંડવો પાર કરે છે. કૄષ્ણને એવા ભગવાન બતાવાયા છે જેની કૃપા મૂકને બોલતો કરે છે અને પંગુને પર્વત પાર કરાવે છે. વ્યાસજીના શબ્દોમાં રચાયેલાં મહાભારત સમાં સરોવરમાંથી ગીતા કમળ તરીકે બહાર આવે છે. ગીતાને ઉપનિષદનું દૂધ પણ જણાવાયેલ છે, જેને કૄષ્ણ બાળક રૂપ અર્જુનને પીવડાવે છે.
આઠમીથી સમી સદી દરમ્યાન લખાયાનું મનાતાં વરાહ પુરાણમાં ગીતા માહાત્મ્ય જોવા મળે છે. તેમાં ધરતીની મૂંઝવણનું વર્ણન છે. ધરતી વિચારે છે કે જીંદગીની દુન્યવી બાબતોમાં ફસાયેલો, જેણે તેના ભૂતકાળનાં કર્મોના ફળ ભોગવવાનાં જ છે એવો, માનવી બધી જંજાળમાંથી મુક્ત થઈને કેમ કરીને ખરા અર્થમાં ખુશી મેળવી શકશે.  વિષ્ણુ, જે ભગવાન છે, તે જવાબમાં કહે છે કે, ગીતાનાં વાચનથી આમ કરવું શક્ય છે. ગીતાને તે યાત્રાનાં બધાં સ્થળોની સાથે, બધાં દેવી દેવતાઓ સાથે સરખાવે છે અને જણાવે છે કે ગીતાનું વાંચન માનવીને જળમાં રહેલ કમળની જેમ બધા દુન્યવી અનુભવોનો સામનો કરવાનું શીખવે છે. જેમ સરોવરનાં પાણીનાં બુંદ કમળ પંખુડી પરથી કોઈ જ અસર કર્યા વિના સરી જાય છે તેમ દુનિયાનાં દુઃખો પણ ગીતાનું વાંચન કરનાર માનવીને અસર કર્યા વિના પસાર થઈ જાય છે. જે કોઈ ગીતા પાઠ કરશે તેમને મદદ કરવાનું તેઓ વચન આપવાની સાથે જણાવે છે કે ગીતા પાઠ કરવાની ઈચ્છા, કે 'ગીતા' શબ્દના જાપ, કે કોઈ એક મંત્ર પર વિચાર કરવા માત્રથી ગીતાના ફાયદા મળી શકે છે. તેઓ આગળ કહે છે કે જે ગીતા પાઠ નથી કરતાં તે ભૌતિક દુનિયાની આંટીઘુંટીમાં ફસાયેલાં રહે છે, એટલે આનંદ જેમાંથી પેદા થઈ શકે તેવી દુનિયા તેમને દેખાતી જ નથી.
આ બધા પ્રકારના વિચારોથી બૌદ્ધિક ગીતા સંવેદનાત્મક ગીતાં રૂપાંતરિત થાય છે. આ રૂપાંતરણ જ હિંદુ ધર્મની લોકચાહનાનું કારણ છે. લોકોએ સ્વીકારી લીધું છે કે બધાં માણસો બૌદ્ધિક ન હોઈ શકે. ગીતાને પામવા માટે બૌદ્ધિક દૃષ્ટિકોણ એક માત્ર માર્ગ પણ નથી. જ્ઞાનાત્મક પ્રક્રિયાથી ગીતાને જે અનુભૂતિ શક્ય છે તેટલી જ, અને તેવી જ, અનુભૂતિ બિન-જ્ઞાનાત્મક માર્ગ દ્વારા જરૂરથી અનુભવી શકાય છે.

 ધ મિડ-ડે માં ૧૧ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો