શુક્રવાર, 19 જુલાઈ, 2019

વાર્તા કેમ કહેવી ? - માર્ક ટ્વૈન,

માણાની સ્ત્રીનાં ઘરેણાં
હાસ્ય કથા કહેવા વિષે નિબંધ
માર્ક ટ્વૈન, ૧૮૯૭
આપણે આપણા સહકર્મચારીઓ, સાથીઓ તેમજ ઉપરનાં પદના સંચાલકો સાથે વાર્તાલાપ કરતાં જ હોઈએ છીએ. વિષય કોઈ નવી પરિયોજનાનો હોય, હરીફની નવી વ્યૂહરચનાનો હોય, વાર્ષિક પગાર વધારાનો હોય, ગઈ કાલે થયેલાં મોટાં રીજેક્શનનો હોય પણ તે વાર્તાના આલાપમાં થાય તો જ સામેવાળાંને ગળે ઉતરે છે. આ કળા જેટલી મહત્ત્વની છે તેટલી જ અઘરી પણ છે.
હાવર્ડ બિઝનેસ રિવ્યુમાં કેરોલિન ઑ'હૅરાHow to Tell a Great Story શીર્ષક હેઠળ એક ખાસ લેખ લખ્યો છે તે બાબત જ સંચાલક તરીકે આ કળાનું અગત્ય સમજવા માટે પૂરતો પુરાવો છે.
રમૂજી વાત કહેવાની એક આદર્શ રીતને તબક્કાવાર સમજાવતા માર્ક ટ્વૈનના ૧૮૯૭ના એક લેખનો, આપણી અહીની પરિસ્થિતિને અનુરૂપ થાય એવો ભાવાનુવાદ અહીં રજૂ કર્યો છે.
+ + + + +
મારો એવો કોઈ દાવો નથી કે વાર્તા જે રીતે કહેવાવી જોઈએ તેમ જ હું કહું છું. મારો દાવો તો એટલો જ છે કે વાર્તા કેમ કહેવાવી જોઈએ તે મને ખબર છે, કેમકે કેટલાંય વર્ષોથી માહિર વાર્તાકારો સાથે મારો સંગાથ રહ્યો છે.
વાર્તાઓ ઘણા પ્રકારની હોય છે, પણ અઘરી તો એક જ છે - હાસ્યરસની. હું વધારે અંશે એવી જ વાર્તાઓની વાત કહેવાનો છું. રમૂજી વાર્તાઓ અમેરિક્ન હોય છે, જ્યારે વિનોદાત્મક વાર્તાઓ બ્રિટિશ હોય છે અને માર્મિક વિનોદસભર વાર્તાઓ ફ્રેંચ હોય છે. રમૂજી વાર્તાની અસર તેની કહેવાની રીત પર આધાર રાખે છે; વિનોદાત્મક અને માર્મિક હાસ્ય રસવાળી વાર્તાઓ તેનાં વસ્તુ પર નિર્ભર હોય છે.

મૂજી વાર્તાને લાંબી ખેંચી શકાય અને ક્યાંય પણ પહોંચ્યા સિવાય, જ્યાં અને જેટલું મન થાય ત્યાં સુધી રખડી આવી શકાય. તેની સામે વિનોદી અને માર્મિક હાસ્યવાળી વાર્તાઓ ટુંકી હોય અને કોઈ એક મુદ્દા પર પૂરી થાય. રમૂજી વાર્તાઓ ધીરે ધીરે ખૂલે, જ્યારે બીજા પ્રકારની વાર્તાઓ ધડાકાબંધ ખૂલે.

રમૂજી વાર્તા એ માત્ર અને માત્ર કળાનો વિષય છે - તે પણ,ઊંચી અને નાજુક કળાનો - જે સાચો કળાકાર જ કરી શકે; પરંતુ વિનોદી કે માર્મિક વિનોદવાળી વાર્તા કહેવામાં કોઈ કળા નથી, તે તો ગમે તે કહી શકે. મુદ્રિત માધ્યમોમાં છપાતી નહીં, પણ મોંયા મોં કહેવાતી રમૂજી વાર્તાની કળાનો ઉદ્‍ભવ અમેરિકામાં થયો અને અમેરિકામાં જ એ કળા રહી ગઈ.

રમૂજી વાત બહુ ગંભીરતાથી કહેવામાં આવે છે- વાર્તામાં ક્યાંક, થોડું પણ હાસ્ય છૂપાયું છે તે વાત છૂપાવવા વાર્તાકાર પૂરેપૂરી કોશિશ કરતો હોય છે. જ્યારે વિનોદી વાર્તા કહેનાર તો પહેલવહેલાં જ જાહેર કરી દે છે કે તે એક જબરદસ્ત વિનોદની વાત કહેવાનો છે, અને પછીથી જોરશોરથી તે કહેવા લાગી પડે છે. વિનોદવાળી વાત આવે ત્યારે હસી પડવામાં પણ તે પહેલો હોય. જો તે બહુ સફળ થયો હોય, તો જોરનો ધક્કો બીજી વાર પણ હળવેથી લગાવી દે, શ્રોતાઓના ચહેરાઓ પર નજર ફેરવે અને જે કંઈ દાદ મળતી દેખાય તે માણે. આવું તે બે ત્રણ વાર પણ કરી લે. એટલે સુધી, કે જોતાં જોતાં દયા આવે.

હા, ઘણી વાર, ધડ માથાં વગરની રમૂજી વાર્તા પણ હાસ્યના ફુવારા છોડાવે તેવી પરિસ્થિતિએ આવી અટકી જતી હોય છે. એવા સમયે શ્રોતાએ બહુ ધ્યાન આપવું પડે કેમકે વાર્તાકાર, બહુ કાળજીપૂર્વકના સામાન્ય અને બેપરવાહ જણાતા ઉપાયો દ્વારા, એ જોરના ધક્કાવાળા ભાગ પરથી શ્રોતાનું ધ્યાન બીજી તરફ ખેંચશે, અને ઉપરથી પાછો પાક્કો દેખાવ કરશે કે જાણે હાસ્યના જોરના ધક્કાવાળી સ્થિતિ આવી ગઈ છે તેની તેને ખબર જ નથી.

આરટમસ વૉર્ડ આ યુક્તિનો બહુ ઉપયોગ કરતા; અને જ્યારે શ્રોતાઓને મોડે મોડે એ મજાક સમજાય ત્યારે એ શ્રોતાઓ શેને માટે કરીને હસી રહ્યાં છે તે ન સમજાયું હોય એવા અચરજના સાવ ભોળા ભાવે તેમની સામે જોઈ રહે [આપણે ત્યાં આવું સમાંતર ઉદાહરણ શાહબુદ્દીન રાઠોડનું આપી શકાય.]

પણ વિનોદી વાર્તા કહેનારને હાસ્યનો ફુવારો ખોલી નાખતી પંક્તિ આવે ત્યારે લોચા વાળવાની જરૂર નથી પડતી, એ તો દરેક વખતે ગાઈ વગાડીને કહેશે. અને પછી જ્યારે તે ઈંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને ઈટલીમાં તેને છાપે ત્યારે તેને ધ્યાન ખેંચાય એવા વાંકા અક્ષરમાં છાપશે, વાક્યને અંતે બેચાર આશ્ચર્ય ચિહ્નો છાપશે,અને ક્યરેક હજૂ વધારે ભાર આપવા કૌંસમાં પણ છાપશે.[આપણે ત્યાં ભદ્રંભદ્ર ને યાદ કરો.] ક્યારેક આ બધું એટલું કંટાળાજનક લાગે કે ટુચકા કહેવાનું બંધ કરી બીજી કોઈ, સારી, રીતે જીંદગી જીવવાનું મન થાય.

એક બહુ જાણીતી, ૧૨૦૦ -૧૫૦૦ વર્ષોથી જાણીતી, રમૂજી, નાની, વાર્તાનું ઉદાહરણ લઈએ. મોટા ભાગના વાર્તાકરો તે આ રીતે કહેતા હોય છે.
ઘવાયેલો સિપાહી
એક લડાઈ દરમ્યાન પગમાં ગોળી વાગવાથી ચાલી ન શકતા એક સિપાહીએ તેના સાથીને તેને પાછળની દાકતરી છાવણી સુધી પહોંચાડવાની વિનંતિ કરી. મંગળમાંથી આવેલો એ પરમાર્થી સાથી તેને ઉપાડવાની વયવસ્થા કરી રહ્યો હતો ત્યારે પણ એ ઘવાયેલો સિપાહી પોતે કેમ કરીને બહાદુરીથી દુશ્મનો સામે લડી રહ્યો હતો અને તેને આ ગોળી વાગી એટલે હવે તેની મનશા અધુરી રહી જશે વગેરે વગેરે વાતો પણ એ પેલા સાથીદારને સમજાવતો રહ્યો. ગોળીઓ અને તોપગોળાની તો ચારેકોર ધાણી ફૂટી જ રહી હતી. એવો એક ગોળો આવીને ખભે ઉપાડેલા ઘવાયેલા સિપાહીનાં માથાંને ઉડાડી ગયો. તેને ઉપાડનાર સાથીને આ વાતની ખબર નથી. થોડો જ આગળ એ ગયો હશે ત્યાં તેના અફસરે તેને બોલાવ્યો અને કહ્યું :
"તારે ખભે આ લાશ ઉપાડીને ક્યાં ચાલ્યો?"
"પછવાડે, સર, તેનો પગ કપાઈ ગયો છે"
"એનો પગ, મુર્ખા " અચરજ પામી રહેલા અફસરથી બોલાઈ જવાયું, 'ઓહો, સમજ્યો, તારો કહેવાનો મતલબ તેનું માથું છે, ને."
એટલે સિપાહીએ પોતાના ખભેથી ભાર ઉતાર્યો, અને તેની સામે મુંઝાયેલા ચહેરે જોઈ રહ્યો. ખાસ્સી વારે તેના મોંમાંથી અવાજ નીકળ્યો :
"વાત તો તમારી સાચી હો. સાહેબ, તમે કો' છો એમનું જ છે." થોડી વાર આટકીને પછી તેણે ઉમેર્યું , "પણ એણે તો મને પાક્કું કહ્યું હતું કે એનો પગ કપાઈ ગયો છે.! ! ! ! !"
* * * *
વિનોદની રીતે કહેવામાં આ વાત ધોઢ-બે મિનિટમાં કહી શકાય. પણ જેમ્સ વ્હીટકોમ્બ રીલેને આ વાત કહેતાં સાંભળો તો એ પંદર વીસ મિનિટ સુધી કહ્યે રાખતા જોવા મળશે. તેઓ આ વાત એક ગામડીયા ખેડૂતના મોંએથી કહેવાતી હોય તેમ ચાલુ કરે, પછી તેમાં ગામ ગામની, ન જોઈતી વિગતો ઉમેરતા જાય - જેમકે ખેડૂત પેલા સિપાઃહીનું નામ યાદ કરવા મથે, એમાં મુંઝાય, ગોટા વાળે, વાર્તાને આગળ વધારવને બદલે નામ શું હતું તેની કથા માડે વગેરે.

વાર્તાકારે સાવ ભોળા ભાવે વાર્તા કહેવાની રહે, વચ્ચે હસવાનું રોકવાનો પ્રયાસ પણ કરવો પડે. એમ કરતાં પેલી મૂળ મુદાની વાત આવી જાય, શ્રોતાવૃંદ ખડખડાટ હસી લે, હસતાં હસતાં લોટપોટ થઈ જાય, આંખમાં આંસુ સુદ્ધાં આવી જાય, ત્યારે પણ વાર્તાકાર તો ગંભીર મોઢૂં રાખીને જ બેઠો હોય.

વાર્તામાં ગામડીયા ખેડૂતનાં ભોળપણ વિષે, તેની કર્તવ્યનિષ્ઠા અંગે, છેલ્લે તેને પણ થતાં અચરજ વિષે તો કોઈને શંકા જ ન હોય. વાર્તાકારની વાર્તા કહેવાની કળાની એ ખરી ખૂબી છે. એ કળાનું એક અંગ છે વાર્તામાં બીનજરૂરી જણાતી, પણ રસ પકડી રાખતી વિગતો ઉમેરવી. બીજું છે મૂળ મુદ્દાની વાતને સાવ નિસ્પ્રુહ, ભોળા ભાવે કહેવી. ત્રીજું છે, અમુક પહેલેથી વિચારી રાખેલ મુદ્દા એવી રીતે કહેવા જાણે ત્યારે જ યાદ આવ્યા હોય. અને છેલ્લું છે અમુક ચોક્કસ મહત્ત્વની જગ્યાએ અટકવું . જેમ કે આપણી વાર્તામાં મદદ કરનારો સિપાહી અફસરને કહે - 'પછવાડે"- વિરામ – કેમકે - વિરામ - તેનો પગ કપાઈ ગયો છે - વિરામ. વગેરે
હવે, આ વાર્તાને રમૂજી વાર્તા કહેવાનાં આ અંગોને ધ્યાનમાં રાખીને, તમારી સામે એક શ્રોતાવૃંદ છે તેમ કલ્પીને કહેવાનો અભ્યાસ કરો -
માણાની સ્ત્રીનાં ઘરેણાં
એક નાનું શું ગામ, એને છેવાડે ઊંચાં ઉંચાં ઘાસનાં એદાનો, એ મેદાનોમાં ઘાસપુસના છાપરાંની બનેલી એક નાની સરખી ઝૂંપડી. એમાં રહે એક ભલો ભોળો, માથે ધોળાં આવવાની શરૂઆત થઈ છે, કમરેથી થોડો વાંકો વળવા લાગ્યો છે, મોઢાં પર ક્યંક ક્યાંક કરચલીઓ પડવા માંડી છે એવો એક માણસ. આપણે તેને માણો કહીને ઓળખીશું. તેની સાથે કેટલાય સમયથી માંદી રહેતી તેની પત્ની પણ રહે છે.
કુદરતનુ કરવું કે પત્ની એક દિવસ સવારે ઊઠી જ નહીં. માણાને સવારે ચા ન મળી એટલે તેણે ઝુંપડીમાં નજર કરી, તો બાઈ બીચારી નિશ્ચેતન પડી હતી. માણાનું મગજ તો ખાંપણની તૈયારી, ચાર ડાઘુ ભેગા કરવા, મસાણનાં લાક્ડાં લાવવાં એવી દુન્યવી બાબતોમાં ચકરાવા લાગ્યું. બહાર જઈને માથે હાથ દઈને બેઠો, ત્યાં એને યાદ આવ્યું કે નાની હતી ત્યારે તેની પત્નીએ જીદ કરીને સોનાનાં બે બલોયાં અને બે ભારેખમ પાટલા બનાવડાવ્ય હતા. જોકે તે પછી એક વાળી બનાવવાની પણ વેંત નહોતી થઈ ! બાઈએ પોતાનાં શરીરથી એ બલોયાં અને પાટલા એક પળ માટે પણ અળગા ન કરતી. લગનની લાલ ચુંદડી પહેરાવીને નનામી પર તેના મૃત દેહને ચડાવતાં પહેલાં એ ઘરેણાં ઉતારી લેવાનું તેને (ભલું) યાદ આવ્યું.
રામ બોલો ભાઈ રામ કરતા તેના દેહને કાંધે ચડાવ્યો અને ગામનાં સમસાન તરફ બધાએ ચાલવાનું ચાલુ કર્યું. આખે રસ્તે માણાનાં કાનમાં એની સ્ત્રીનો અવાજ ગૂંજ્યા કરે - મારાં... બલોયાં... ક્યાં? પાટલા... કોણે... લીધા? (તમારા ચહેરા પર માણાની મુંઝવણના ભાવ દેખાવા જોઈએ.)
ચિતાને આગ દીધી ત્યારે પણ માણાને પુરી ખાતરી થઈ હતી કે કે તેની બાયડીએ જીણી આંખે તેને ફરી એક વાર પૂછ્યું હતુ - મારાં... બલોયાં... ક્યાં? પાટલા... કોણે... લીધા? (તમારા ચહેરા પર અને તમારા અવાજમાં હવે થોડો ભય પણ ભળવો જોઈએ.)
ચિતા ઠારી અને રાખ વાળી અસ્થિ ભેગાં કર્યાં ત્યારે પણ એ અસ્થિઓએ માણાને પૂછ્યૂં જ હતું - મારાં... બલોયાં... ક્યાં? પાટલા... કોણે... લીધા? (હવે તો તમારો અવાજ થરથર કાંપવા લાગવો જોઈએ.)
બારમાના દિવસે તો માણાની હિમ્મત નહોતી રહી કે નદીએ નહાતાં નહાતાં પેલો સવાલ - મારાં... બલોયાં... ક્યાં? પાટલા... કોણે... લીધા? - તે સાંભળી શકે. (તમારા હાવભાવ જ આ ડરને વ્યકત કરી દે.)
માંડ માંડ રાતના માણો ખાટલા ભેગો થયો. બીકના માર્યા રાતે બટકું ય મોંમાં ગયું નથી, એટલે નીંદર તો શેની આવે ! (તમારા મોં પર પણ વ્યગ્રતાના ભાવ !)
કાનની બાજુમાં પત્નીનો અવાજ સંભળાય છે - તેં જ...ચોર્યાં હતાં..ને..મારાં ...સોનાનાં બલોયાં ને પાટલા...મને ખબર જ હતી...જે દિ' તને લાગ … મળશે...ત્યારે તું… આ કાળો કામો (ખાસ ભાર) … કરાવાનો જ !!..(ભાર...વિરામ...શ્રોતાવૃંદ પર એક સરસરી નજર.. કોણ બેઠકમાંથી ડોકું ઊંચું કરે છે તેની નોંધ લ્યો)….એટલે જ...(નજર પેલાં ઊંચી ડોકવાળાં પર સ્થિર…) મેં તેને...(વિરામ...) તારા ખાટલાની નીચે જ દાટી રાખ્યાં છે……(વિરામ)ચોરેલાં, ખોટાં, ત્યાં દાટ અને સાચાં કાઢી લે….(આ વાક્ય સ્પષ્ટ અવાજમાં એક સાથે બોલી જાઓ અને પછી વિરામ…...લોકોની પ્રતિક્રિયાની રાહ જૂઓ, ગણગણઅટ કે ખડખડાટ શમે એટલે ધીમેથી આગળ વધો...)...
અરે તારી ભલી થાય...મેં તો બાર દિવસમાં ખાટલાની જગ્યા દરરોજ બદલી છે………...


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ  ǁ ૧૯ જુલાઈ,૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો