બુધવાર, 24 જુલાઈ, 2019

'શું' અને 'શી રીતે' સમજાવતાં પહેલાં લોકોને 'કેમ' સમજાવો - કેપ્લર નૉટ્ટ


કીડીમંકોડા જેવા ઝીણા ઝીણા શબ્દોથી ભરેલ, સ્લાઈડસ પર સ્લાઇડ્સ આવ્યા જ કરતી હોય, એક એક ચાર્ટમાં માહિતીના ખજાના ઠાંસ્યા હોય એવાં પ્રેઝ્ન્ટેશનમાં બેસવાનો તો તમને અનુભવ હશે. વચ્ચે એકાદ કપ ચા આવે ત્યાં સુધી તો ધ્યાન પ્રેઝન્ટેશન પર રહે પણ પછી જેવી જમવા જવાની તલપ લાગે, એટલે બસ, થઈ રહ્યું!
એનાથી સાવ ઉલટો અનુભવ તમને તમારાં દાદાદાદીની વાતો સાંભળવાનો થયો હશે  - તેમની આંખોમાં તમારી આંખોનું તારામૈત્રક, તેમની યાદોમાંથી હસતાં રમતાં આવી રહેલી વાતો તમે કેવાં એક ધ્યાનથી સાંભળતાં. એ જે બનાવની વાત કરતાં હોય એ હોય સાવ સામાન્ય ઘટના, પણ તમે તો એ વાતના પ્રવાહમાં મંત્રમુધ બની ચાલ્યાં હો તે નક્કી.
થાય છે એવું કે આપણી વ્યાવસાયિક જીંદગીમાં આપણે આપણા શ્રોતાઓ કે વાચકો સાથે 'કેમ'થી વાત શરૂ કરવાને બદલે, સીધાં જ 'શું' અને 'શી રીતે' પર જ કુદકો લગાવી બેસીએ છીએ. એટલે મોટા ભાગના કિસ્સાઓમાં વાત 'એમના'  બદલે 'તમારા' વિષેની બની રહેતી હોય છે.
માર્ક ટ્વૈને ૧૮૯૭માં (રમૂજી) વાર્તા કહેવાની રીત (How To Tell A Stoty?) પર એક બહુ સ-રસ નિબંધ લખ્યો છે, તેમાં તેમણે તેમની દાઢમાં કાંકરો રાખવાની આગવી શૈલીમાં વાર્તા કહેવાના ચાર મુખ્ય મુદ્દા પણ જણાવ્યા છે અને અભ્યાસ માટે એક વાર્તા પણ કહી છે.
તેઓ વાર્તાનાં 'વસ્તુ' જેટલું જ, અને અમુક કિસ્સાઓમાં તો તેનાથી પણ વધારે મહત્ત્વ, વાર્તા કહેવાની 'રીત'ને આપે છે. પાવરપોઇન્ટની સવારી સિવાય જેમને પોતાનો પ્રસ્તાવ સમજાવવાની બીજી કોઈ રીત દેખાતી નથી એવાં લોકોને આ વાંચીને થોડો ધક્કો લાગશે. એમાં પણ ખાસ કરીને જો વાતને તમે હળવાશથી રજૂ કરવા માંગતાં હો, કેમકે તેમાં તો સહી સમયે થતી સહી રીતની રજૂઆત એ સોનીની હથોડીની એક ટકોર જેટલી મૂલ્યવાન નીવડી શકે છે.
માર્ક ટ્વૈનની વાત અને તેની સાથે જોડાયેલાં રમૂજ, અભિનય, નાટક વગેરે સાહિત્યના સંદર્ભમાં જરૂર  છે, પણ તેઓએ જે કહ્યું છે તે મૅનેજમૅન્ટના વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને પણ રસ પડે એવું છે - તેમણે કહેલી દરેકે દરેક વાત ભલે સીધી સીધી અમલ ન કરી શકાય હોય તેમ લાગતી હોય તો પણ.
એમનાં સૂચનોમાંથી નોંધપાત્ર કહી શકાય એવા કેટલાક મુદ્દાઓ -
  • ·   સારી રીતે વાર્તા કહેવા માટે જરૂરી છે કે 'વાચક / શ્રોતા પર ધરારની મૂર્ખતાઓ થોપી દેવામાં ન આવે.' એટલે કે બહુ વધારે પડતા 'કળાત્મક' – કૃત્રિમ - જણાતા શબ્દપ્રયોગોનો બેહિસાબ, બેજરૂર વપરાશ ટાળવામાં આવે. વ્યવસાયની લગભગ દરેક શાખાઓમાં એવા ભારેખમ 'ભદ્રંભદ્રીય' શબ્દપ્રયોગોની ખોટ નથી, પણ તેમનો આડેધડ પ્રયોગ વાચક /શ્રોતાને વિતંડાત્મક (હા, આથાકૂટીયું)પરવડી શકે છે. ટ્વૈનનું કહેવું છે 'અતિ (વિદ્વતા)થી છેડો ફાડો.'
  • ·        વાર્તામાં રહેલાં પાત્રોનાં વ્યક્તિત્વો અને તેમની નિયતિમાં પોતાના વાચક /શ્રોતાઓને ઊંડો રસ પડે તેમ કરવાની જવાબદારી વાર્તાકારની છે.' આપણે આપણાં એકબીજાં સાથેનાં કામને જીવંત અને એકમેક સાથે વ્યક્તિગત સ્તરે જોડાતાં કરી શકીએ તો આપણા વ્યવસાયના આંકડાઓની માયાજાળને સજીવ કરીને તેને વધારે રસપ્રદ બનાવી શકાશે.
  • ·        તે ઉપરાંત અભ્યાસ માટે આપેલી વાર્તામાં લાંબી લાંબી વિગતો ઉમેરતાં ગયા બાદ જે વાત કહેવાની છે તો તો સ્પષ્ટપણે કેમ અને ક્યારે કહેવી તે વિષે તેમનાં સૂચન સ્પષ્ટ છે. શબ્દોની પસંદગી પણ ગોળગોળ કરવાને બદલે સીધા, સરળ શબ્દપ્રયોગોમાં જ કરવી જોઈએ તે વિષે પણ તેમનું સૂચન સ્પષ્ટ છે.

લેખક તેમના ક્લાયંટ્સને પણ પોતપોતાના હિતધારકોને માટે જણાવવાની વાતને રસપ્રદ વાર્તાનાં સ્વરૂપમાં  કહેવા માટે તૈયાર થવામાં મદદ કરે છે. તેમના જાત અનુભવથી તેઓ કહી શકે છે કે ઉપર જણાવ્યા છે તેવા સિદ્ધાંતો પોતપોતાના વ્યવસાયમાં પણ ઘડી શકાય છે, કારણકે આખરે તો આપણે આપણા હિતધારકને તેમની સફરમાં મદદરૂપ થવાની ભૂમિકા જ ભજવવાની છે.
પોતાનાં કામ સાથે વણાયેલી વાર્તા કહેવાની ટેવ પાડીએ જેથી આપણને જેમની સાથે કામ છે તેમને સમજાય કે એ કામ સાથે તેમનો શું સંબંધ છે અને તેનું તેમને માટે શું મહત્ત્વ છે. આખરે તો આપણે આપણાં દાદાદાદીને આપણા માટે ગર્વ થાય તેમ કરી બતાવવું છે ને…… !
ManagementMattersNetwork.com, પરના કેપ્લર નૉટ્ટ ના અસલ અંગ્રેજી લેખ, Help people understand “why” before you tell them “what” or “how” નો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો