બુધવાર, 31 જુલાઈ, 2019

માયામાં - કત્લ કરનાર અને કત્લ થનાર - દેવદત્ત પટ્ટનાઈક


ભાવુક હિંસા માપી નથી શકાતી. તેમાં પણ જો તે ધર્મ જેવી ખયાલી બાબત પ્રત્યે આચરવામાં આવતી હોય. તેની સામે, ભૌતિક હત્યા માપી શકાય છે, તે એવો ગુન્હો બને છે જે સાબિત થઈ શકે, અને તેથી તે વધારે મોટો ગુન્હો ગણવામાં આવે છે.
પાંડવોએ યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસંગે કૃષ્ણને આમંત્રિત કર્યા એટલે શિશુપાલને અપમાન લાગ્યું અને તે કૃષ્ણને ગાળો બોલવા લાગ્યો. બધાં બહુ નારાજ થઈ ગયાં, પણ કૃષ્ણ શાંતિથી સાંભળતા રહ્યા. જ્યારે શિશુપાલે ૧૦૦મો અપશબ્દ કહ્યો ત્યારે કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર તેની ઉપર છોડ્યું અને તેનો શિરોચ્છેદ કરી કાઢ્યો. ધીરજ અને ક્ષમાની હદ પાર થઈ ચૂકી હતી.
ફ્રાંસનું કટાક્ષ-વિષયક અઠવાડીક, ચાર્લી હેબ્ડોનાં વ્યંગ્ય ચિત્રો તેમની તીખી ધાર માટે જાણીતાં છે; પણ તેને આખી દુનિયામાં પ્રસિદ્ધિ મળી તેમાં છપાયેલાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવાં વ્યંગ્ય ચિત્રોને કારણે તેના કર્મચારીરીનું કોઈએ ખુન કરી નાખ્યું તેથી. એ ઘટના ની સાથે સાથે ચાર્લી એક સામયિકમાંથી એક જીવતો જાગતો માણસ બની ગયું, એના કર્મચારીની હત્યાએ તેને વિચાર વ્યક્ત કરવાનાં સ્વાતંત્ર્ય્ની વેદી પર શહીદ બનાવી દીધું. એ હત્યાનો વિરોધ કરનારાં હીરો બની ગયાં. પૅરિસની સડકો પર લાખો લોકો, પોતે ચાર્લી છે એમ કહેતાં,ઉતરી આવ્યાં.
પણ જો કોઈ ચાર્લીના કર્મચારીના હત્યારાનો પક્ષ લે તો શું આવા મોરચા નીકળશે? હત્યારા કોણ હતા? મુસ્લિમ, ખરાબ મુસ્લિમો, ગાંડા મુસ્લિમો કે બિન-ઇસ્લામી મુસ્લિમો? પેશાવરમાં અને અન્ય સ્થળોએ શાળાનાં બાળકો પર કે નિર્દોષ લોકો પર થતા હીચકારા હુમલાઓમાં જેમ આ હત્યારા ઓળખ વિનાના બની જાય છે તેમ આવા બધા કિસ્સાઓમાં, સામાન્યપણે ધડાધડ પોતાનાં મંતવ્યો લખતા  તંત્રીલેખો નિર્ણય પર આવવા અશક્તિમાન બની જાય છે. શાળાનાં બળકો કે મસ્જિદમાં દુઆ માંગતાં લોકોએ તો કોઈ ઉશ્કેરણીજનક કામ પણ નથી કર્યું  હોતું, કોઈનાં કર્યાંની સજા કોઈએ ભોગવવી પડે છે.
ચાર્લીવાળા કિસ્સામાં ઉશ્કેરણી કરવાનું કામ કર્યું હતું મહમ્મદ પયંગંબરનાં, એટલે ઈસ્લામનાં, માની લીધેલાં અપમાને. પણ ચાર્લી હેબ્ડો તો પોતાના એવા દેશના કાયદાની સીમાની અંદર હતું જે 'સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો'નાં સુત્રને આત્મસાત કરી ચૂકેલ છે. ઈસ્લામમાં પણ ભાઈચારાની (અરબીમાં 'ઉમ્માહ')  અને સમાનતાની વાત તો છે .જોકે તેમાં સ્વતંત્રતાનો વિચાર સીમિત છે કેમકે અલ્લાહની મરજી સામે તો હર બંદાએ શરણે થવું જોઈએ એવું તેમાં માનવામાં આવે છે.
જે માપી શકાય તેમ છે તેની સાથે કામ પાર પાડવું
પોતપોતાની રીતે સમાનતામાં માનતાં બે ભાંડરૂએ એકબીજાને દુઃખ પહોંચાડવાનું નક્કી કર્યું - એકનો રસ્તો હતો લાગણીનો અને બીજાંનો હતો ભૌતિક દુઃખનો. ભાવુક હિંસા માપી નથી શકાતી, જ્યારે ભૌતિક હિંસા માપી શકાય છે. ભૌતિક હિંસા સાબિત થઈ શકે છે, એટલે ભૌતિક હિંસા વધારે મોટો ગુન્હો બને છે તેમાં પણ ભાવુક હિંસા જો ધર્મ જેવી મનોગત બાબત સાથે સંકળાયેલ હોય તો વાત વધારે ગંભીર બની જાય છે. કેમકે, આપણો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક હોય છે ને !
સમસ્યા જ વિજ્ઞાન અને વિધેયાત્મકતાના પાયામાં રહેલ માપણી સાથે છે.
જે માપી શકાય તેમ હોય તેની સાથે તો આપણે કામ પાર પાડી શકીએ. પણ જે માપી શકાય તેમ નથી તેનું શું કરવું? તેનું કોઈ મહત્ત્વ ખરું? લાગણીઓ માપી નથી શકાતી. મનને માપી નથી શકાતું, એટલે જ શુદ્ધાચારવાદીઓ મનોવિજ્ઞાન અને વ્યવહારલક્ષી વિજ્ઞાનને કૃત્રિમ વિજ્ઞાન કહે છે. ઈશ્વરને માપી નથી શકાતો. વિજ્ઞાનીઓ માટે, એટલે, ઈશ્વર હકીકત નથી. તેમના માટે બહુ બહુ તો એ એક ખયાલ છે. મુસ્લિમોને તે  નથી ગમતું, કારણકે તે તો અલ્લાહમાં માને છે અને તેમને માટે અલ્લાહ હકીકકત છે, માપી ન શકાય, તો પણ, હકીકત તો છે. એ તેમનું વિષયલક્ષી સત્ય છે. મારૂં સત્ય, તેનું કંઈ મહત્ત્વ ખરૂં કે નહીં?
આપણે વિષયલક્ષી સત્યને હકીકત ગણીશું કે કલ્પના? કેટલાંકે પોતાને 'વિચાર રજૂ કરવાનું સ્વાતંત્ર્ય' આપ્યું છે તો બીજાં કેટલાંકે પોતાને 'ઈશ્વર, એક અને એક માત્ર સાચો ઈશ્વર' આપેલ છે. છે બન્ને વિષયલક્ષી, સાપેક્ષ, સત્ય, જે આપણી વાસ્તવિકતાને ઘડે છે. તેનું પોતાનું મહત્ત્વ પણ છે, પણ આપણે તેમને કોઈ એક નિશ્ચિત સ્થાન નથી આપી શક્યાં, કેમ કે તે માપી શકાય તેમ નથી.
ચાર્લી હેબ્ડોનાં વ્યંગ્ય ચિત્રોએ મુસ્લિમ સમાજને જે દુઃખ પહોંચાડ્યું તે આપણે માપી શકીએ તેમ નથી. આપણે મુસ્લિમ સમાજની, કે આપણી પણ, સંવેદનાનું માપ કાઢી શકીએ તેમ નથી. પરંતુ હત્યા કરનારનાં પગલાંનાં પરિણામ આપણે માપી શકીએ તેમ છીએ. એટલે આપણે ધડ દઈને હિંસાને વખોડી નાખી શકીએ છીએ. તેને કારણે કેટલાંક લોકોને એટલું દુઃખ થયું,એટલો ગુસ્સો આવ્યો, એટલી માનહાનિ અનુભવાઈ કે તેમણે ફટ દઈને બંદુક ઉપાડી લીધી, એ પણ માપી ન શકાય તેવું  અનુમાન છે, માન્યતા છે. તર્કવાદી અનીશ્વરવદીઓ માટે માન્યતા એક મજાક છે.
બૌદ્ધિકો તેમના શબ્દોથી દુઃખ પહોંચાડી શકે છે. સિપાહી તેનાં શસ્ત્રથી ઈજા કરી શકે છે. આપણા આજનાં જગતમાં બૌદ્ધિકના શબ્દથી થતું દુઃખ સ્વીકાર્ય છે, તેને તો પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે, પણ શસ્ત્રથી થતી ઈજા સ્વીકાર્ય નથી. આ નવ્ય-બ્રાહ્મણવાદ છે જે વૈશ્વિક ગામડાંએ અપનાવેલ છે. જે લોકો વિચારે છે અને બોલે છે તે મારપીટ કરનાર અને ખુનખારાબા કરનાર કરતાં ચઢિયાતાં છે, શબ્દ-પ્રક્ષેપાત્રથી થતું દુઃખ ભલે વધારે ઊંડે સુધી ઉતરે, લાંબો સમય અસર કરતું રહે, અને હંમેશાં ઝડપથી અસર કરતું હોય. એટલે જ અહિંસાના પુજારી ગાંધીજી હિંસાના આચરનાર ગોડસેની સામે તુલનામાં મુકાય છે. બૌદ્ધિક તરીકે મને તમને ઉશ્કેરવાની છૂટ છે, પણ જેને માત્ર શસ્ત્ર વડે હિંસા આચરતાં જ આવડે છે એવા તમને,જંગલીને, ઉશ્કેરાવાનો, અને પોતાને જે આવડે છે તેવા એક માત્ર રસ્તે પ્રતિભાવ આપવાનો, હક્ક નથી. જો તમે ઉશ્કેરાઈ જાઓ તો પણ તમારો પ્રતિભાવ તો મારી ભાષામાં જ હોવો જોઈએ, તમારી ભાષામાં નહીં. કળ ચાલે પણ બળ નહીં કેમ કે કળ વધારે તાકાતવાન છે. બૌદ્ધિક બ્રાહ્મણ તરીકે નિયમો પણ હું જ ઘડું. તમને એટલી પણ ખબર નથી ?
અહિંસા વળી એક નવો, સાવ સાચો, દેવ છે. આપણે જ્યારે હિંસાની વાત કરીએ છીએ ત્યારે જંગલીઓ દ્વારા આચરાતી શારીરીક હિંસાની જ વાત કરીએ છીએ, તેમાં બૌદ્ધિકો દ્વારા આચરાતી માનસીક હિંસા નથી આવરી લેવાતી. એટલે રાજ્કુમાર હિરાની અને આમીરખાનની ફિલ્મ 'પીકે'ની જેમ, કે વેન્ડી ડોનિજરનાં પુસ્તક 'ધ હિન્દુસ: એન ઓલ્ટરનેટીવ હિસ્ટ્રીની જેમ બૌદ્ધિક લોકો હિંદુત્વની મશ્કરી કરી શકે , પણ જે ફિલ્મની કે પુસ્તકનાં પ્રદર્શન પર નિષેધ ફરમાવવાની માંગ કરે એ લોકો જડ, જંગલી કે સભ્ય ચર્ચાના દુશ્મન કહેવય કેમકે તેઓ પોતાની વાત કહેવા (શારીરીક) હિંસા પર ઉતરી આવે છે. એ લોકો ચાર્લી પર હુમલો કરનારા જેટલા ખરાબ કદાચ ન કહેવાય, પણ બન્નેનો રસ્તો તો એક જ છે.
વિચારવાન વ્યક્તિની ભૂમિકા
આપણે લોકો દલીલોને નિષ્ઠુર, બિનલોહીયાળ, માનસીક યુધ્ધ માનવા તૈયાર નથી.આપણે ચર્ચા સભાઓને રણભૂમિઓ તરીકે નથી જોતાં. આપણને કહેવાતું આવ્યું છે કે માનસીક ત્રાસ એ એક પ્રકારનો ખયાલ છે, સત્ય નહીંં. તેને સાબિત કરવું મુશ્કેલ છે. પત્ની પર માનસીક ત્રાસ ગુજારતો પતિ (કે તેનાથી ઉલટૂં પણ) ક્યારેય પકડાતો નથી, પણ શારીરીક મારપીટ કરનાર પકડાયા વિના નથી રહેતો. આપણને શારીરીક માર ખાનાર સાથે અનુકંપા થાય છે પણ માનસીક ત્રાસ સહન કરનાર વધારે પડતું આળું છે તેમ આપણે મનાવી લઈએ છીએ. માનસીક ત્રાસ સહન કરી રહેલ પત્ની તેના પતિને મારી નાખે તો જેલના સળીયા જોવાનો વારો, તેના પતિનો નહીં પણ, પત્નીનો આવે. તેનો ગુન્હો સાબિત કરી શકાય, પણ તેના પતિનો નહીં.
એવું કહેવાય છે કે જે વિચારક હોય તે કામ કરનાર ન હોય. એટલે વિચારકની ચડામણીથી થતી હત્યાઓ, મોટે ભાગે, ધ્યાન પર નથી આવતી. શારીરીક સ્વરૂપનાં કામો કરવા સિવાય બીજી ભાષા જેને નથી આવડતી એ જંગલી બિચારો પકડાય, તેને સજા થાય, ત્યારે હિંસાનું બીજ વાવનાર વિચારક બેઠો બેઠો તાલ જુએ અને હિંસાનાં નિર્દય તાંડવમાં ઘી હોમતો રહે. પેલો બીચારો જંગલી જો તેને શબ્દો વડે જવાબ દેવાની હિંમત કરે તો તેની પાછળ ટ્રોલ કરવાવાળી જમાત મશ્કરીએ લાગી જાય.
સંસ્કૃતમાં 'માયા' શબ્દનું મૂળ 'મા' - માપવું છે. આપણે માયાનો અર્થ આભાસ કે ભ્રમ કરીએ છીએ, પણ તકનીકી સ્વરૂપે તેનો અર્થ થાય માપણી દ્વારા રચાયેલું વિશ્વ. આમ 'માયા'   તાર્કિક જગતમાં વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દ છે. તે સારૂં પણ હોય કે ખરાબ પણ હોય, એ કોઈ નિર્ણય કે ફેંસલો નથી. તે તો માત્ર એક નિરીક્ષણ છે. માપણી પર આધારિત વિશ્વ મૂર્ત બાબતો પર ધ્યાન આપે છે અને અમૂર્ત બાબતોનો દૃષ્ટિકોણ ગુમાવી બેસે છે. એ માપેલ સાચને સીમિત સત્ય માનવાને બદલે ને (પૂર્ણ) 'સત્ય' માની લેશે.
મહમ્મદ પયંગર સાહેબની મશ્કરી કરનારાંઓ પોતે જ સાચાં છે  એવી માયાનાં પડળ હેઠળ મસ્ત હતાં. તો તેને જઘન્ય ગુન્હો ગણનારાં પણ એટલાં જ માયાંધ હતાં. હત્યા કરનાર અને હત્યા થનાર બન્ને માયામાં અટવાઈ ગયેલ છે. જે લોકો એક પક્ષને ઈજા વેઠનાર અને બીજાને વિલન ગણવાનો ન્યાય તોળવા બેઠાં છે તેમની આંખે પણ માયાનો પરદો છે. આપણે બધાં જ આપણી રચેલી વાસ્તવિકતામાં વિહરતાં હોઈએ છીએ, જેમાંની કેટલીક માપણી પર આધારિત હોય છે તો કેટલીકને માપણી સાથે લેવા દેવા પણ નથી હોતી. પણ બન્ને એકબીજાને અપ્રસ્તુત ગણીને કાઢી નાખવા આતુર હોય છે.: એક એવાં જંગલી છે જેમને જ્ઞાન આપવાની જરૂર છે તો બીજાં એવાં બૌદ્ધિકો છે જેમને ખતમ કરવામાં જ સાર છે.
મૂળતઃ. માયા આપણને પક્ષ લેવા પ્રેરે છે. આપણે જ્યારે માપીએ છીએ ત્યારે આપણે શું નાનું કે શું મોટું, શું ઊંચું કે શું નીચું, શું સાચું કે શું ખોટું, શું મહત્ત્વનું કે શું બિનમહત્ત્વનું એવા વિકલ્પ વચ્ચે પસંદ કરવાની અવઢવમાં રહેતાં હોઈએ છીએ. જુદા જૂદા માપદંડ જૂદાં જૂદાં તારણો પર પહોંચાડે છે. વેન્ડી ડોનિજરને પૂરો ભરોસો છે કે તે જ સાચાં છે, માટે બીચારાં ભારતીયો માટે પોતાનાં લખાણો દ્વારા લડવા માટે ઉપયુક્ત હીરો કે શહીદ બનવા તે જ લાયક છે. સનાતન ધર્મની જાણી જોઈને ગેરસમજણ કરવા બદલ તેમનો વિરોધ કરનાર દિનાનાથ બત્રા પોતાને મહાનાયક માને છે. પીકે જેવી ફિલ્મો પર નિષેધની માગણી કરનારાંઓ પોતાને સાચાં માને છે, તો ફિલ્મના નિર્માતા, સ્વાભાવિકપણે, તેમાં પોતાના વિચારોની રજૂઆત કરવાનું સ્વાતંત્ર્ય જૂએ છે અને તેમનાં તગડાં થતાં બેંક બેલેન્સને કારણે એ લોકો એમ માને તેમાં કદાચ ખોટું પણ નથી.  પોતપોતાની માયાના સંદર્ભમાં બધાં જ સાચાં છે.
દરેક ક્રિયાની પ્રતિક્રિયા અવશ્ય હોય છે. એ પ્રતિક્રિયાનું પરિણામ સારૂં નીવડશે કે નહીં તે તો પરિણામ આવ્યા પછી જ ખબર પડી શકે છે. પ્રબુદ્ધતાનો સમયખંડ સામ્રાજ્યવાદનો પણ સમય છે. વીસમી સદીનાં, વિશ્વ યુદ્ધોથી લઈને શીત યુદ્ધો સુધીનાં,  દુનિયાનાં સૌથી ભીષણ યુદ્ધો બિનસાંપ્રદાયિક હતાં. અહિંસક વિચાર અહિંસક શબ્દોમાં વ્યક્ત થઈને હિંસક પ્રવૃત્તિઓમાં પરિણમે છે. પરિણામનું ફળ માપી શકાય છે, પણ જરૂરિયાતનું બીજ નથી માપી શકાતું. બીજને ફળથી કે વિચારને ક્રિયાથી અલગ કરવું એ તો પ્રેરણાને પ્રતિભાવથી અલગ કરવા જેવું છે. તેને કારણે નિદાન ખોટું થઈ શકે છે, અને નિદાન ખોટું હોય તો સારવાર પણ ખોટી નક્કી થઈ શકે. હત્યારો વિચારને નથી હણી શકતો. વિચારનો એક અંશ પણ અનેક હત્યારાઓ પેદા કરી શકે છે.
જે જાય છે તે હંમેશાં પાછું આવે છે. હિંસાની સામેનો આક્રોશ વ્યંગ્ય ચિત્રો સામેના આક્રોશને ભડકાવે છે. હિંદુ વિચારસરણી (હિંદુત્વની વિચારધારા નહીં) આને કર્મ કહે છે. અહિંસક આક્રોશ કે હિંસક વિરોધ થકી આપણે આ ચક્ર તોડવા નથી માગતાં. માયા કે કર્મ જેવા ખયાલો દુનિયાને માપણીનાં સાધનોથી બચાવવા બેઠેલા પાશ્ચાત્ય વિ્ચારસરણીવાળાઓને નિહથ્થા કરી કાઢવાને કારણે ચીડવે છે - એ લોકો માનવીય પરિસ્થિતિનાં વિચક્ષણ નિરીક્ષણને નિયતિવાદ તરીકે ખપાવીને બાજૂએ હડસેલી દેવા માગે છે. 
ભુતકાળમાં, શિશુપાલ વૈકુંઠનો દ્વારરક્ષક જય હતો જેને સનત ઋષિએ પોતાના પ્રવેશને રોકાવાની ધૃષ્ટતા કરવા બદલ, વિષ્ણુથી દૂર, પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. દ્વારપાળ જયે ઘણી દલીલો કરી કે તે તો પોતાની ફરજ બજાવી રહ્યો હતો, પણ શ્રાપ અફર રહ્યો. જય શિશુપાલ તરીકે જન્મ્યો . વિષ્ણુએ તેને બને તેટલા વહેલા શ્રાપમુક્ત થઈ વૈકુંઠ વાપસીનું વચન આપ્યું હતું. શિશુપાલે વિપરિત ભક્તિનો માર્ગ લીધો અને અશિષ્ટ વચનો દ્વારા પોતાનો પ્રેમ વ્યકત કરવાનો રસ્તો લીધો. કૃષ્ણ જ વિષ્ણુ છે તે ભલીભાંતિ જાણતો હોવાથી તેણે કૃષ્ણ પર પમાનનો ધોધ વહાવ્યો કે જેથી વિષ્ણુએ તરત જ કંઈક પગલાં લેવાં પડે. ક્ષમાની એક સીમા હોય છે. પણ પ્રેમને કોઈ સીમા નથી હોતી.
  • ધ હિન્દુ માં ૧૪ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, In maya, the killer and the killedનો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો