બુધવાર, 7 ઑગસ્ટ, 2019

જીવનના બોધપાઠ - અઝિમ પ્રેમજી


જુલાઈ ૩૧, ૨૦૧૯ના રોજ શ્રી અઝિમ પ્રેમજીએ તેમની વિપ્રો લિમિટેડના કાર્યકારી ચેરમેન તરીકેની ૫૩ વર્ષની ઇનિંગ્સ પૂરી થયેલ જાહેર કરી. તેમની મૅનેજમેન્ટ શૈલી ઉદ્યોગ સાહસિકો માટે એક આદર્શ મનાય છે. તેમનું માનવું રહ્યું છે કે નેતૃત્વની શરૂઆત તમારી અંદરથી થાય છે. જ્યારે આપણે મુંઝાઈ જઈએ છીએ ત્યારે અંદરથી ફુટતો એક મંદ મંદ સ્વર તમને કઈ તરફ જવું એ માર્ગ બતાવતો હોય છે. તમારી અંદરના એ અવાજ પર, તમારા પર, ભરોસો રાખો.
કોઈ એક બીઝનેસ સ્કુલના પદવીદાન સમારંભ સમયે આપેલાં એક પ્રવચનમાં તેમણે પોતાના જીવનના ૧૦ બોધપાઠ કહ્યા છે. એ પ્રવચનનો અહીં અનુવાદ રજૂ કર્યો છે.

# ૧ શરૂઆત પોતાની શક્તિઓથી કરો
એક બાળ સસલાંને શાળામાં દાખલ કરાયું. બીજાં બધાં સસલાંઓની જેમ તે કુદાકુદમાં તો નિપુણ હતું પણ તેને તરતાં નહોતું આવડતું. વર્ષને અંતે તેને કુદવામાં સૌથી વધારે માર્ક્સ મળ્યા, પણ તરવામાં તે નાપાસ થયું. તેનાં માબાપને પણ ચિંતા થવા લગી. તેમણે બાળ સસલાંને કહ્યું, 'કુદવામાં તો તું હવે નિપુણ થઈ જ ચુક્યું છે, એટલે હવે તારૂ ધ્યાન તરવાનું શીખવા પર આપ.' તેના માટે જંગલના તરવાના ખાસ ટ્યુશન ક્લાસીસમાં, તગડી ફી ભરીને, પ્રવેશ પણ મેળવાયો. હવે શું થયું હશે તે કલ્પી શકાય છે? સસલું કુદવાનું ભુલી ગયું અને સસલાંને તરવાનું આવડે જ ક્યાંથી !
આપણે કઈ બાબતમાં કાચાં છીએ તે જાણવું જરૂર મહત્ત્વનું છે, પણ આપણે કઈ કઈ બાબતોમાં સારૂ કરી શકીએ છે તે જાણીને તેનું મહત્ત્વ પણ સમજવું એટલું જ જરૂરી છે. આપણા નબળાં પાસાંને શશક્ત બનાવવાનૂ બળ આપણી સબળ બાજુઓની ઉર્જામાંથી મળી શકશે.
# ૨ કશેથી મળેલા પાંચ રૂપિયા કરતાં કમાયેલા બે રૂપિયા વધારે કિંમતી છે
મારા એક મિત્રની આઠ વર્ષની ભત્રીજી છે. સવારના નાસ્તા માટે તેની હંમેશાં ફરિયાદ ઉભી જ હોય. મહારાજે બધાજ શક્ય નુસ્ખા અપનાવી જોયા, પણ ભત્રીજી બહેનનો અસંતોષ દૂર ન જ થયો. છેવટે મારા એ મિત્ર તેને સુપર માર્કેટમાં લઈ ગયા અને  રાંધવા માટે તૈયાર વાનગીનું એક પૅકેટ અપાવ્યું. ભત્રીજીએ હવે તે પૅકેટ ખોલી, ગરમ પાણીમાં મેળવી અને પોતાની વાનગી બનાવ્યા વિના છૂટકો નહોતો. પોતે તૈયાર કરેલી વાનગી તેને ભાવી પણ. જીવનમાં પહેલી જ વાર તેણે જાતે રાંધીને કંઈ બનાવ્યું હતું.
પોતાની મહેનતનાં ફળથી વધારે મીઠું કંઈ જ નહીં લાગે. જે કંઈ ભેટમાં કે વારસામાં મળે તે તો 'આમ આવ્યું અને આમ ગયું'વાળા નિયમને જ અનુસરતું દેખાશે. આપણી પાસે જે કંઈ છે તેનું મહત્ત્વ તો જ સમજાય જો તે મેળવવા માટે આપણે મહેનત કરી હોય.
# ૩ (ક્રિકેટમાં) દરેક દાવમાં સદી ન થાય કે દરેક ઓવરમાં વિકેટ ન મળે
જીવન એટલે પડકારો પાર કરવાની વિઘ્ન દોડ. દરેક જીતની મજા કંઈ ઑર જરૂર છે, પણ તેને કારણે છકી ન જવાય. જીત જેવી મગજ પર સવાર થઈ નથી કે આપણી હાર ભણીની સફર ચાલુ થઈ નથી. ન કરે નારાયણ ને ખરેખર કોઈ નિષ્ફળતા આવી પણ પડે, તો તેને સ્વાભાવિક ઘટના ગણીને સ્વીકારી લઈએ. એ  માટે દોષનો ટોપલો પોતા પર કે કોઈ બીજા પર પહેરાવવા ન બેસીએ. હકીકતનો સ્વીકાર કરીએ, અને તેમ થવામાં આપણો ફાળો કેટલો તે શોધી લઈએ, તેમાંથી બોધપાઠ લઈએ અને આગળ વધીએ. મહત્ત્વનું એ છે કે ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં ભલે નિષ્ફળતા મળી પણ બોધપાઠ લેવામાં ક્યારે પણ નિષ્ફળતા ન મળવી જોઈએ.
# ૪ વિનમ્રતાનું મહત્ત્વ
કોઈ વાર જીવનમાં એટલું બધું મળી જતું હોય છે કે આપણને વિચાર થઈ પડે કે હું તેને માટે, કેટલી હદે, યોગ્ય છું ! કેટકેટલી બાબતો માટે આપણે કોઇનાંને કોઈનાં આભારી છીએ - આપણાં માબાપ, આપણાં શિક્ષકો, આપણાં વડીલો, આપણાં મિત્રો - દરેકે આપણા જીવનમાં કંઈને કંઈ યોગદાન અવશ્ય આપ્યું છે. એમાનું ઘણું તો આપણે ક્યારે પાછું પણ કદાચ ન વાળી શકીએ. ઘણાં લોકોને જીવનની ઓછપ જ દેખાય છે, પણ બધાં તો કંઈ સર્વગુણસંપન્ન ન જ હોય. એટલે આપણે જે કંઈ મેળવી શક્યાં છીએ તેનો સ્વીકાર એ પહેલું મહત્ત્વનું પગલું છે.
જીવનમાં કંઈ પણ કાયમી નથી. એટલે કોઈ સંબંધમાં કડવાશ આવી જાય તો એ કડવા સ્વાદને મમળાવવાને બદલે એ સંબંધની જે કંઈ હતી એ મધુર પળોને યાદ રાખીએ.
# ૫ હંમેશાં ઉત્કૃષ્ટતાનો જ આગ્રહ રાખો
ઉત્કૃષ્ટતા સિધ્ધ કરવાનો એક રસ્તો  છે તમારાથી સારૂં કરતાં હોય તેમનો અભ્યાસ કરવો. એ લોકો આપણા કરતાં શું અને કેમ જુદું કરે છે તેની નોંધ લો. જોકે ઉત્ક્રૂષ્ટતા બહારથી આયાત ન કરી શકાય. આપણને  તેની જરૂરિયાત અંદરથી અનુભવાવી જોઈએ.  એ માટે આપણું મગજ જ નહીં પણ  તેની પૂરી ઊંડાઈથી આપણું મન સુદ્ધાં તેમાં પરોવાવું જોઈએ. ઉત્કૃષ્ટતા એ કોઈ એકાદ કામ સારી રીતે કરી નાખવું એટલું પુરતું નથી, તે તો આદત બની જવી જોઈએ.
મને એક કાવ્યની પ્રેરણાદાયક પંક્તિઓ યાદ આવે છે જેમાં કહેવાયું છે કે તમારી પહોંચ હાથથી એક વેંત પણ દૂર હોવી જોઈએ. એ જ તો પૃથ્વી પરનું સ્વર્ગ છે. 
આખરે તો, આપણે જ આપણાં શ્રેષ્ઠ હરીફ છીએ.
# ૬ વિપરીત સંજોગો સામે હાર કદાપિ ન માની લ્યો
તે તો આપણા પર કોઈ જ ચેતવણી વિના જ આવી પડે છે. હંમેશાં યાદ રહે કે આગમાં તપ્યા વિના સોનું શુદ્ધ નથી થતું અને પોલાદ મજબુત નથી બનતું. મારા એક મિત્રએ મને આ વાત કહી હતી. એની આઠ વર્ષની દીકરી એક જિગસૉ પઝલ જોડે કલાકોથી માથાફોડ કરી રહી હતી, પણ સફળ નહોતી થઈ રહી. તેનો સુવાનો સમય પણ વીતી ચૂક્યો હતો.
મારા મિત્રએ તેને કહ્યું કે, 'બેટા હવે મૂકી દે. મને લાગે છે કે આજે મેળ નહીં પડે. કાલે નવેસરથી કરીશું.' દીકરીએ તેની સામે અચરજભરી નજરે જોયું અને કહ્યું, 'પપ્પા, એમ તે કેમ મુકી દઉં? બધ પાસા તો લગભગ ગોઠવાઈ જ ગયા છે. મારે હવે બસ તેને એક વાર બરાબર બાંધણીમાં મુકી દેવાના જ બાકી છે.!"
જો પૂરતી ધીરજ રાખીશું તો, અંધારાં બોગદાંના અંતે પ્રકાશનું કિરણ દેખાશે જ.
# ૭ પરિવર્તન સ્વીકારો, પણ મૂલ્યોના ભોગે નહીં
મહાત્મા ગાંધી કહેતા કે તાજી હવા આવે એ માટે બારીઓ જરૂર ખુલી રાખો, પણ એ હવામાં ઊડી ન જવાય તેનું ધ્યાન રાખો. પ્રમાણિકતા, નૈતિક્તા, બીજાં માટે દરકાર, વિનમ્રતા જેવાં મૂલ્યો પેઢી દર પેઢી ટકી રહ્યાં છે. મૂળે, તો માણસની ખરી કિમત તેની સિદ્ધિઓથી નહીં, પણ તેનાં મૂલ્યો થકી થાય છે. ટુંકા ગાળાના ફાયદાની લાયમાં ન આવી જવું જોઈએ. ટુંકા રસ્તા ખોળવામાં મૂળ રસ્તો ખોવાઈ જાય છે, અને, અંતમાં, લક્ષ્ય સિદ્ધિનો માર્ગ સૌથી વધારે લાંબો નીવડે છે.
# ૮ બધાં ખોટા ઠેરવે તો પણ આપણા વિચારો પરનો આપણો ભરોસો તૂટવા ન દઈએ
છાપાં વેંચનારનો એક ગ્રાહક ભારે ઉધ્ધત હતો. દરરોજ સવારે એ છાપું લેવા આવે, છાપું વેંચનારની સવારની સલામને ગણકારવાનું તો બાજુએ રહ્યું, પૈસા પણ ફેંકે અને છાપું ઝૂંટવી લેતો હોય તેમ લઈને જતો રહે. છાપું વેંચનાર હળવેકથી પૈસા લઈ લે અને હસતે મોંએ તેનો આભાર માને. 
આ દરરોજનૉ જાણે ક્રમ બની ગયો હતો. એક દિવસ છાપું વેંચનારના મદદનીશે કહ્યું, 'એક દિવસ તમે પણ એના મોં પર છાપું મારો ને ! સમજે શું છે, એ તેના મનમાં.'
છાપું વેંચનારે હસીને જવાબ આપ્યો, 'એ તો ઉધ્ધત થવામાંથી સુધરી નથી શકવાનો, તો મારે મારી નમ્રતા શા માટે છોડવી જોઈએ !
પોતાનાં મૂલ્યો અને વિચારો સાથે જે બાંધછોડ નથી કરતો એ કોઈ પણ કામમાં, અંતે તો, સફળ થાય જ છે.
જેમને પોતાની જીતમાં શ્રધ્ધા છે તેમની જ જીત થાય છે.
પ્રાર્થના એ કંઈ સંકટ સમયની સાંકળ નથી કે મુશ્કેલીમાં હોઈએ ત્યારે તેની મદદ લેવા દોડીએ. એ તો જીંદગીની રાહ ન ભુલી જવાય એ માટેનું દિશાસૂચક યંત્ર છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૭ ઓગસ્ટ,૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો