બુધવાર, 11 સપ્ટેમ્બર, 2019

માન્યતાની શક્તિ સમજીએ - દેવદત્ત પટ્ટનાઈક


માન્યતા વ્યક્તિગત સચ્ચાઈ છે: તમારી સચ્ચાઈ અને મારી સચ્ચાઈ છે, પણ એ સત્ય નથી. આપણે આપણી સચ્ચાઈ વાર્તાઓ,પ્રતિકો અને રીતીરિવાજો દ્વારા જણાવીએ છીએ.આપણા વડવાઓ પાસેથી તે આપણને વારસામાં મળે છે અને આપણાં સંતાનોને તે સોંપતાં જવાનાં છીએ.
પુરાણ શાસ્ત્ર આ વાર્તાઓનો, પ્રતિકોનો અને રીતીરિવાજોનો અને તેમાંથી ફલિત થતી વ્યક્તિગત સચ્ચાઈનો અભ્યાસ છે.
જે જગતમાં વિધેયાત્મકતાનું મહત્ત્વ રહ્યું છે ત્યાં વ્યક્તિગતતા સમસ્યારૂપ બની શકે છે. આપણને જણાવાતું આવ્યું છે કે સત્ય મારી સચ્ચાઈ કરતાં મોટું છે. પણ સત્ય જાણવા કોણ ગયું છે? પંડિતો? વૈજ્ઞાનિકો? શિક્ષણવિદો? ખબરપત્રીઓ? કર્મશીલો? એટલું નક્કી કે હું કે તમે તો નહીં જ, એ સિવાય અન્ય કોઈક પણ.
આપણે જે દુનિયામાં વસીએ છીએ તેમાં એક સચ્ચાઈ માટે જ જગ્યા છે - તે છે સત્ય. એટલે આપણે જે કંઈ સાંભળીએ છીએ તેના વિષે હંમેશાં શંકા કરતાં રહીએ છીએ અને દલીલો કરતાં રહીએ છીએ. આપણને દલીલ કરવી ગમે છે કેમકે તે આપણને સત્ય તરફ દોરી લઈ જઈ શકે છે. આપણને સામેવાળાંની સચ્ચાઈ સાંભળવામાં રસ નથી કેમકે આપણને ખાત્રી છે કે તે નર્યાં જુઠાણાં છે.
ધર્મમાં શ્રધ્ધા ધરાવતાં લોકોને તેમના ધર્મગ્રંથમાં સત્ય દેખાય છે. વૈજ્ઞાનિકોને માપણીમાં સત્ય દેખાય છે. પુરાણશાસ્ત્રોનું કહેવું છે કે તમારૂં સત્ય તમારી કથાઓમાંથી જ નિપજે છે. તમે બ્રહ્મા છો અને તમારી કથાઓ તમારાં વિશ્વને રચે છે - તમારાં ઈંડાંને, તમારાં બ્રહ્માંડને રચે છે.
દલીલોમાં આપણે સામેવાળા બ્રહ્માને આપણી સચ્ચાઈથી જીતવા માગીએ છીએ.પરંતુ વિ-વાદનો બીજો વિકલ્પ પણ છે - સં-વાદ. સંવાદમાં આપણે તમારી સચ્ચાઈને સાંભળીએ છીએ, અને આપણી સચ્ચાઈમાં તેના માટે જગ્યા બનાવીએ છીએ. આમ, આપણી સચ્ચાઈ વિકસે છે. આપણે વાતચીત કરવાની શરૂ કરી તે પહેલાં જાણતાં તેના કરતાં વધારે જાણીએ છીએ. પુરાણશાસ્ત્રો સંવાદ છે. વિજ્ઞાન અને ધર્મ વિવાદ છે. આપણાં વિશ્વમાં આજે, દલીલબાજીઓની માનસિક હિંસા અને લડાઈઓની શારીરીક હિંસાથી વિવાદ ખદબદે છે.
માન્યતાની શક્તિ આખીને આખીને રમતને પલટાવી કાઢી શકે છે. એ તમને તમારી સચ્ચાઈ અને સામેવાળાની સચ્ચાઈ માણવા દઈને તેમને વધારે વિસ્તૃત સચાઈ તરફ દોરે છે. એવી બહુઆયામી સચ્ચાઈઓનું વિશ્વ, જ્યાં સચ્ચાઈઓ હંમેશાં ખસકતી રહે છે અને વિકસતી રહે છે; એવું વિશ્વ જ્યાં આપણે સંવેદનશીલ અને પરવા રાખનાર હોઈએ છીએ.
વિજ્ઞાનમાં જે માપી શકાય તે જ સચ્ચાઈ છે. દ્રવ્ય માપી શકાય, મન નહીં. એટલે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર કે જીવશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન તરીકે ઓળખાય છે, જ્યારે મનોવિજ્ઞાન એ કૃત્રિમ વિજ્ઞાન છે. અર્થકારણ કે રાજકારણ ભલે વૈજ્ઞાનિક સિધ્ધાંતોને અનુસરતાં હોય, પણ તેનાં બધાં તારણો માપી નથી શકાતાં; તે નિષ્ણાતની વ્યક્તિલક્ષિતા પર નિર્ભર ધારણાઓ છે. એ પોતાની માન્યતાઓને લખાણોમાં ઉતારે છે. બહુ ઓછાં લોકોને ધ્યાન પર આવ્યું છે કે જે પાશ્ચાત્ય વિચારોએ પાશ્ચાત્ય સમાજને ઘડ્યો છે તે વિચારોનાં મૂળ પશ્ચિમના સમાજની માન્યતાઓમાં રહેલ છે.
વિજ્ઞાનનું કહેવું છે કે જિંદગી એક જ હોય છે, કેમકે તે સિવાય બીજું કંઈ તે માપી શકે તેમ નથી. પશ્ચિમની માન્યતા પણ એક જ જિંદગીમાં માને છે. પશ્ચિમની આ માન્યતા વિજ્ઞાનની સાથે બહુ મળતી આવે છે. જોકે વિજ્ઞાન સચ્ચાઈની પરવા નથી કરતું; તે તો તર્ક, ગણિત અને હકીકતો (કે માહિતીસામગ્રી) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સત્ય એ ધાર્મિક શબ્દ છે, વૈજ્ઞાનિક નહીં. તે એક જ સાચા ઇશ્વર છે તેવી,અને ખોટા દેવોને નકારી કાઢતી, અબ્રાહમી માન્યતાઓમાંથી ઉતરી આવેલ છે.
આ એક જ અને એક માત્ર જિંદગીને શી રીતે જીવવી? વિજ્ઞાન પાસે આનો જવાબ નથી. ગ્રીક માન્યતાનું કહેવું છે કે આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવી જોઈએ. અબ્રાહમી માન્યતા સહમત નથી થતી; તેનું કહેવું છે કે આપણે આપણી જિંદગી સાચી રીતે જીવવી જોઈએ. પણ સાચી રીત કઈ છે?
એ રીત જે ક્યાં તો ઇશ્વર દત્ત છે કે પછી લોકોએ નક્કી કરેલ છે. આમ અબ્રાહમી માન્યતામાં વ્યક્તિને બદલે સામુહિકને પ્રાધાન્ય અપાયું છે, તો ગ્રીક માન્યતામાં સામુહિકને બદલે વ્યક્તિને પ્રાધાન્ય અપાયું છે. બધાં કર્મશીલો અને ઉદારમતવાદીઓ ગ્રીક નાયકોની માફક વિચારે છે, જે ઇશ્વરની આજ્ઞાને આધીન થવાને બદલે તેનો વિરોધ કરતા. તે જ રીતે, બધા રાષ્ટ્રવાદીઓ, ધાર્મિક લોકો અને કોર્પોરેશનો અબ્રાહમી સંતો જેમ વિચારે છે, અને લોકોનાં ભલાં માટે કરીને ઈશ્વરની ઇચ્છાને લોકો પર ફરજ પાડે છે. ગ્રીક અને અબ્રાહમી વિચારસરણી એકબીજા સાથે વિવાદ જ કરતી રહેશે. એ પશ્ચિમની રીત છે, હિંદુસ્તાનની નહીં.
હિંદુસ્તાની રીત સમજવા પહેલાં આપણે થોડાં ફંટાઈને ચીની રીત સમજીએ.
ગ્રીક કે અબ્રાહમી, કોઈ પણ માન્યતા કુદરતને મહત્ત્વ નથી આપતી. ચીની માન્યતામાં તેનું મહત્વ સ્વીકારાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં વધારે પ્રચલિત તાઓવાદી ચીની માન્યતા વ્યક્તિને કુદરતનું અંગ માને છે; એટલે કે કુદરત સાથે સંવાદિતતા માટે તેની સાથે એકાકાર થવું, નહીં કે વ્યક્તિગત ઇચ્છા તેની પર ઠોકી બેસાડવી.  તાઓવાદી સંતને કન્ફ્યુશિયસની માન્યતાએ પડકાર  કર્યો. કન્ફ્યુશિયસી માન્યતા કુદરતમાંનાં સામુહિકત્વની વાત કરે છે અને સંસ્કૃતિને વ્યવસ્થા નિયમનનો આધાર માને છે. અહીં મહત્ત્વનું એ છે કે પ્રજા રાજાને આધીન રહે, યુવાનો વૃધ્ધોને આધીન  રહે અને સ્ત્રી પુરુષને કે સંતાનો માબાપને આધીન રહે. મિત્રતાને તે સંબંધોની પાંચમી કડીના સ્વરૂપે મહત્ત્વ આપે છે. જેડ સમ્રાટે સંવાદિતા જાળવી બતાવી હતી, એટલે પ્રતિબંધિત નગરના સમ્રાટ માટે તો વ્યવસ્થા નિયમન જાળવવા માટે તેની ધાર્મિક સંસ્કાર સ્વરૂપે નકલ કર્યા સિવાય બીજો માર્ગ જ બચ્યો ન હતો. અહી એ વ્યાવહારિક માર્ગ હતો જે હવે વિશ્વવ્યાપી દૃષ્ટિકોણ બની રહેલ છે. તેને વરદાયિની ભૂમિ -ઈલિસિયમ-માં કોઈ રસ નથી. 
પશ્ચિમનાં અને ચીનનાં એ બન્ને પુરાણશાસ્ત્રો કરતાં હિંદુ પુરાણ અલગ છે. હિંદુ પુરાણ અનંતની અને અસ્થાયીત્વની વાત કરે છે. બધું જ પરિવર્તનશીલ છે. કશું જ કાયમ ટકતું નથી, મૃત્યુ પણ નહીં. આ પુનર્જન્મનો પુરાણાભ્યાસ છે. જે વિશ્વમાં આ એક  જ માત્ર જિંદગી નથી, ત્યાં મૃત્યુને પણ જૂદા દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. દેવો દૈત્યોને મારી નાખે, પણ દૈત્યો હંમેશાં પાછા જન્મ લે. અમરત્વની ખોજ એ મૃત્યુને ટાળવામાં નથી, પણ પરિવર્તન પછીનાં સાતત્યના સ્વીકારમાં છે. હિંદુ વિચારસરણીમાં ખેંચતાણ સાધુ અને ગૃહસ્થ વચ્ચે, શ્રમણ અને શ્રાવક વચ્ચે છે - દુનિયાદારીમાં ભાગ લેવો કે તેમાંથી અલગ થવું; પ્રવૃત્તિ માર્ગ લેવો કે નિવૃત્તિ માર્ગ લેવો. બુદ્ધે તેમની ભરયુવાનીમાં સંસાર ત્યાગ કરી નાખ્યો હતો, તિર્થંકરે પોતાની દુન્યવી જવાબદારીઓ પૂરી કર્યા બાદ સંસાર ત્યજી દીધો હતો, શિવ સંસાર ત્યાગ કરે છે પણ દેવી તેમને ગૃહસ્થાશ્રમ તરફ પાછાં લઈ આવે છે. વાત ઘર છોડી વનમાં જવાની અને ફરીથી વનમાંથી ઘર તરફ પાછાં ફરવાની છે. આ ક્રિયા અને પ્રતિક્રિયાની - કર્મની - દુનિયા છે, પોતાના ભયને આઘો રાખવા જેને માનવી હકીકત કે કલ્પના કે સાચ અને જૂઠના ત્રાજવે તોળતો રહે છે. કુદરત આ વિષે મૌન છે, અને આપણે સત્ય કયું છે તેના વિચારે ચડી જઈએ છીએ. જીવનનો અર્થ નક્કી કરવા આપણે ચોકઠાં શોધતાં ફરીએ છીએ જે આપણને માન્યતા સુધી પહોંચાડી દે છે.
વિરોધની ગ્રીક માન્યતા કે અબ્રાહમની અનુપાલનની; કુદરતને માનતી તાઓવાદી કે સંસ્કૃતિનો આદર કરતી કન્ફ્યુશિયસની; જીવન કષ્ટ્દાયક છે તેવી બુદ્ધની કે આનંદમય છે તેવી હિંદુ માન્યતા વચ્ચે નક્કી કરવામાં માનવી કાયમ અથડાતો ફરે છે. આ પ્રક્રિયા - કાલવિહિન -સનાતન છે. જ્યાં સુધી માનવી હશે ત્યાં સુધી વ્યક્તિગતતા રહેશે, દરેક માણસ હંમેશાં આગ્રહ રાખશે તેની સચ્ચાઇ જ સાચી છે. પણ માન્યતાઓના અભ્યાસ કરતાં પુરાણોને જો આપણે મહત્ત્વ આપતાં હોઈએ, તો આપણે વ્યક્તિગતતાને મહત્ત્વ આપીશું, સામા માણસની સચ્ચાઈ પર ધ્યાન આપીશું, અને આપણી સચ્ચાઈને વિસ્તારીશું. માન્યતાની આ જ શક્તિ છે
અનેકાનેક માન્યતાઓમાં એક સત્ય રહેલું છે.
બધું તો કોને દેખાય છે?
વરૂણને હજાર,
ઈન્દ્રને સો,
પણ મને ને તમને તો બે જ આંખ છે.
dailyo.in માં ૨૧ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The power of myth explainedનો અનુવાદ

અનુવાદકની નોંધ - અહીં દર્શાવેલ ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે અને પ્રતિકાત્મક છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો