બુધવાર, 18 સપ્ટેમ્બર, 2019

હાથીને ગોળીએ દીધો (૧૯૩૬) - જ્યોર્જ ઑર્વેલ : [૩]


ગામમાં મદમ્સ્ત બનેલા હાથીનો કેર વર્તાયો છે. સ્થાનિક લોકોની ભયમિશ્રિત ઉતેજના વાતાવરણમાં પ્રસરી રહી છે. સ્થાનિક પોલીસના વડા હોવાને નાતે પરિસ્થિતિ પર કાબુ મેળવવો એ લેખકની ફરજ છે. તેમના હાથમાં બંદૂક જોતાં જ લોકોની અપેક્ષા પણ ઊંચે ચડી બેઠી છે.
લેખક દ્વિધામાં છે. ગોરા હાકેમ તરીકે તેમણે જે કરવું જોઈએ તેમાં તેમનું પોતાનું મન હામી નથી ભરી રહ્યું. વ્યક્તિગત રીતે તેઓ આમ પણ બીજાં લોકો પર બળજબરી શાસનના પક્ષમાં તો નહોતા જ, અને તેમાં વળી સાવ અકારણ કોઈ એક સજીવ પ્રાણીની હત્યા કરવા પણ તેમનું મન નહોતું માની રહ્યું.
આત્મક્થાનક સમા આ લેખના પહેલા ને બીજા ભાગમાં આપણે પણ વાતાવરણની ઉત્તેજના અને લેખક્ની અવઢવ અનુભવી ચૂક્યાં છીએ.
સ્થળ પર ભેગાં થયેલાં સ્થાનિક લોકોની જેમ હવે શું થશે તેનો આપણને પણ બેસબ્રીથી ઈંતજ઼ાર છે…..

હવે શું કરવું જોઈએ તે ચિત્ર મારા મનમાં સાવ સ્પષ્ટ હતું. મારે હાથીની નજદીક, વીસેક ફૂટ સુધીનાં અંતરે, જવું જોઈએ અને તેની વર્તણૂક ચકાસવી જોઈએ. જો તે હુમલો કરે તો મારે તેના પર બંદુક ચલાવવી અને જો તો મને અણદેખ્યો કરતો રહે તો, તેનો મહાવત ન આવે ત્યાં સુધી તેને છૂટો મુકી દેવો સલામત જણાતું હતું. પણ, મને એ પણ ખબર હતી કે હું એ મુજબ કરવાનો નહોતો. બંદુકથી નિશાન તાકવામાં હું કાચો હતો, વરસાદનાં પાણીને કારણે જમીન સાવ પોચી પડી ગઈ હતી, એકે એક ડગલું કાદવમાં ખુંપી જતું હતું. જો હાથીએ હુમલો કર્યો અને હું મારૂં નિશાન ચૂકી ગયો, તો સ્ટીમ રોલરની નીચે ચગદાયેલા દેડકા જેટલી જ બચવાની મારી પાસે શક્યતા હતી. જોકે હજૂ હું મારી જાન બચાવવાની બહુ ફિકર નહોતો કરી રહ્યો. મારા મનમાં તો, મારા પર નજર ખોડી રહેલા, પેલા પીળચટ્ટા ચહેરાઓ જ દેખાતા હતા.. જો હું એકલો હોત અને જેટલો ડરી રહ્યો હોત, એટલો તો, દેખીતી રીતે, હું ડરી નહોતો રહ્યો, 'સ્થાનિક' લોકોની સામે ગોરા સાહેબને ડરવું પોસાય પણ શેનું ! એટલે તે ડરે તો નહીં જ ! મારા મગજમાં એક  જ વિચાર હતો કે જો કંઈ આડુંઅવળું થયું તો બે હજાર સ્થાનિક લોકો મારો પીછો થતો જોશે, મને રગદોળાતો ને ટેકરી પર તરડાઈ ગયેલા મોંવાળા પેલા હિંદુ કુલી જેમ ઢીમ ઢળી ગયેલો જોશે. જો એમ થયું, તો એ પણ શક્ય છે કે તેમાંના ઘણાં મારા પર હસશે. એમ તો કોઈ કાળે ન થવા દેવાય.
મારી પાસે એક જ રસ્તો હતો. મેં બંદૂકનાં મેગેઝીનમાં કારતૂસ ભર્યા અને રસ્તા પર સુઈ જઈને સારી રીતે નિશાન તાકવા માટે જગ્યા ગોઠવી. ટોળું હવે સાવ સ્થિર થઈ ગયું હતું. રંગમંચનો પરદો ખુલતાં પહેલાં શ્રોતાઓની જેવી સ્થિતિ હોય તેમ અગણિત લોકોનો ઊંડો, ધીમો, આનંદમિશ્રિત શ્વાસ, દબાયેલી ઉત્તેજનાથી, ધબકી રહ્યો હતો. તેમને  મળવાનો તેમની મજાનો ભાગ આખરે હાથવેંત લાગતો હતો. મારા હાથમાં બંદૂક હતી તે જર્મન બનાવટની, નિશાન તાકવામાં મદદરૂપ બને તેવી ઝીણા તારની ચોકડીવાળી સાઈટથી સજ્જ હતી. તે સમયે મને ખબર નહોતી કે હાથીને મારવા માટે તેના બે કાનનાં કાણાંને જોડતી કલ્પિત રેખાને નિશાનમાં લેવી જોઈએ. હાથી આડો ફરીને ઊભો હતો, એટલે મારે તેનાં કાનનાં કાણાંને જ નિશાનમાં લેવું જોઈતું હતું. હાથીનું મગજ તેના માથાના આગળના ભાગમાં હશે એવું ધારીને મેં તેના કરતાં થોડાં ઈંચ આગળની બાજુએ નિશાન તાક્યું.
મેં જ્યારે બંદૂકનો ઘોડો દબાવ્યો ત્યારે મને ન તો ધડાકો સંભળાયો કે ન તો ખભા પર થડકારો અનુભવાયો, પણ ટોળાંમાંથી ઉઠેલી એક તીણી ચીસ મારા કાને જરૂર અથડાઈ. ગોળી હાથી સુધી પહોંચે એટલા ટુંકા સમયમાં પણ એમ માની શકાય કે હાથીમાં પણ કંઈકને કંઈક ફરક તો પડવો જોઈતો હતો. પણ એ તો ન તો જરા પણ હલ્યો કે ન તો ઢળી પડ્યો, પણ તેનાં શરીરની બધી રેખાઓ બદલવા લાગી હતી. અચાનક જ તે ખખડી ગયેલો, કોચવાઈ ગયેલો, બુઢ્ઢો થઈ ગયેલો લાગતો હતો - જાણે કે ગોળી વાગવાથી તે પડી જવાને બદલે લકવાગ્રસ્ત થઈ ગયો હોય. થઈ હશે તો પાંચેક સેકન્ડ, પણ જાણે કલાકો વીતી ગયા હોય તેમ મને લાગ્યું; તેના ઢીંચણ ઢળવા લાગ્યાં હતાં. તેના હોઠ લબડવા લાગ્યા હતા. અચાનક જ તે એકદમ બુઢ્ઢો થઈ ગયો હતો, જાણે કે તે સીધો જ હજારેક વર્ષનો કેમ ન થઇ ગયો હોય !  મેં ફરીથી એ જ જગ્યાએ ગોળી મારી. બીજી ગોળી વાગી ત્યારે તે જમીનદોસ્ત થઈ જવાને બદલે પોતાના પગ પર ઊભો થતો લાગ્યો. સીધો ઊભો તો થયો પણ તેના પગ જવાબ દઈ રહ્યા હોય, ને માથું ઝુકી ગયું હોય, તેમ લાગતુ હતું. મેં ત્રીજી ગોળી ધરબી. હવે તેના પરની અસર ચોખ્ખી વર્તાતી હતી. પીડા હવે તેના શરીરને હચમચાવતી હતી અને શક્તિનું છેલ્લું ટીપું નચોવી નાખતી હોય તેમ જણાતું હતું.  પડતાં પડતાં પણ એક ક્ષણ માટે તે ઉભો થવા માગતો હોય તેમ લાગ્યું. તેના પાછલા પગ ફસકી પડ્યા હતા, જેને કારણે કોઈ મોટી શિલા પડતાં પહેલાં ઉછળે તેવું તેનું શરીર પણછ ખાતું દેખાતું હતું. તેણે, પહેલી અને છેલ્લી વાર,  મોટેથી દહાડ દીધી પછી તે જમીન તરફ ઢળ્યો, તેનું પેટ મારી તરફ હતું. જમીન પર પડવાની સાથે પેદા થયેલી જમીનમાંની ધ્રુજારી હું આડો પડ્યો હતો ત્યાં સુધી અનુભવાઈ.
હું ઊભો થઈ ગયો. બર્મી લોકો તો મને પાર કરીને કાદવવાળી જમીન તરફ દોડવા લાગ્યા હતા. હાથી હવે ક્યારેય પાછો ઊભો નહીં થઈ શકે તે તો નક્કી હતું, પણ તે હજુ મર્યો પણ નહોતો. લાંબા લાંબા, અટકતા અટકતા, તેના શ્વાસ ચાલી રહ્યા હતા અને તે સાથે તેનું મોટુંમસ શરીર પણ ધીમા તાલમાં ઊંચું નીચું થતું હતું. તેનું મોઢું એટલું ખુલી ગયું હતું કે તેનાં ગુલાબી ગળાનાં છેક ઊંડાણ સુધી મારી નજર પહોંચતી હતી.  તેના મરવા માટે મેં ઠીક ઠીક વાર રાહ જોઈ,પણ તેનો શાસોચ્છશ્વાસ ધીમો નહોતો પડતો. મેં, હવે, મારી પાસે બચેલી છેલ્લી બે ગોળી પણ મને તેનું હૃદય હોવાની ખાત્રી જણાતી હતી એ જગ્યાએ તેનામાં ધરબી દીધી. તેના શરીરમાંથી મખમલના લાલ ટુક્ડા જેવું જાડું લોહી વહી રહ્યું હતુ, પણ હજુ તે મર્યો નહોતો. તેને ગોળીઓ વાગતી હતી ત્યારે તેના શરીરમાં એક નાની સરખી ધ્રુજારી પણ નહોતી દેખાઈ, પણ જાણે કોઈ ઊંડી પીડામાં ઘુંટાતો હોય તેવો તેનો શ્વાસ વણથભ્યો ચાલી રહ્યો હતો. તે બહુ ધીરે ધીરે, ખુબ વધતી જતી પીડામાં મૃત્યુ તરફ, એવી એક બીજી દુનિયા તરફ, સરકી રહ્યો હતો, જ્યાં આવી બંદુકની કોઈ પણ ગોળી તેને કોઈ વધારે નુકસાન કરી શકે તેમ નહોતી.  એની એ પીડામાંથી તેને, અને મને પણ, મુક્તિ અપાવવી જોઈએ તેમ મારૂં મન કહેતું હતું. આવાં મહાકાય પ્રાણીને આવી બેબસ સ્થિતિમાં જોયું નહોતું જાતું. તેનામાં ન તો હલનચલન કરવાની શક્તિ બચી હતી કે ન તો મૃત્યુ પામવાની શક્તિ દેખાતી હતી. તેને ખતમ કરી નાખવાની શક્તિ હવે મારામાંથી પણ હણાઈ ગઈ હતી. મેં મારી નાની બંદુક મગાવી અને તેના હૃદયમાં, તેનાં ગળાંમાં, ગોળીઓનો વરસાદ કરી નાખ્યો. જોકે તેની કોઈ અસર તો દેખાતી નહોતી. ઘડિયાળના ધબકારા જેમ એ હાથીના પીડામાં ઘુંટાતા શ્વાસ ચાલી રહ્યા હતા.
મારાથી હવે જોયું નહોતું જતું, એટલે હું ત્યાંથી ચાલતો બન્યો. મને પછીથી જાણવા મળ્યું કે તે પછી અર્ધા કલાકે તે મૃત્યુ પામ્યો હતો. મારા ત્યાંથી જવા પહેલાં જ બર્મી લોકો તો તપેલાં ને બાલદીઓ લઈ આવ્યા હતા.મને પછીથી જાણ થઈ કે બપોર સુધીમાં તો લોકોએ તેનાં ભારેખમ શરીરને હાડપિંજરમાં ફોલી નાખ્યું હતું.
પછીથી, અપેક્ષિત જ હતું તેમ, હાથીને ગોળીએ દેવાને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. હાથીનો માલિક તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો, પણ એક હિંદુસ્તાની હોવાને કારણે તે કંઈ કરી શકે તેમ નહોતો. વળી કાયદાની દૃષ્ટિએ તો મેં જે કંઈ  કર્યું તે બરાબર  હતું - તેનો માલિક જો તેના ગાંડાતુર થયેલા કુતરાને અંકુશમાં ન રાખી શકે તો જેમ તેને પણ જેમ મારી નાખવો એ જ એક ઉપાય છે તેમ અંકુશ ન થઈ શકે તેવા મદમસ્ત હાથીને પણ મારી નાખવો એ જ એક શક્ય માર્ગ હતો.  ત્યાંના યુરોપિયનોના અભિપ્રાયો એકમત નહોતા પડતા. મોટી ઉમરનાં લોકોને હું સાચો લાગતો હતો જ્યારે યુવાન પેઢીને એક તુણિયાત કુલીની ખાતર એક મહામૂલા હાથીને મારી નાખવો એ નરી મૂર્ખતા હતી. પછીથી હું પણ રાજી થયેલો કે કુલી માર્યો ગયો હતો; તેને લીધે હું કાયદાની દૃષ્ટિએ લડત આપી શકવા સક્ષમ બનતો હતો;તે કારણે મને હાથીને ગોળી મારવા માટે પુરતું બહાનું મળી રહેતું હતું. મને કાયમ શંકા રહી છે કે મેં આ કામ હું મૂરખ ન દેખાઉં માટે કર્યું હતું તેમ કોઈને ધ્યાનમાં તો નથી આવ્યું ને !
  • જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Shooting an Elephant નો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો