બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

માન્યતાઓ અને તેની પૌરાણિક કથાઓમાંથી છટક્યે છટકાય નહીં - દેવદત્ત પટ્ટનાઈક


દુનિયાને જોવા માટે દરેકનો પોતપોતાનો એક આગવો સંદર્ભ હોય છે. ઈશ્વર સિવાય કદાચ બીજાં કોઈને સમગ્ર ચિત્ર તો દેખાતું જ નથી. નિયતિ, મુક્ત ઇચ્છાશકતિ અને  ઈશ્વર એ સંદર્ભના ત્રણ એવા ચોકઠાં છે જેના થકી સંસ્કૃતિ સદીઓથી ટકી રહી છે. આ ત્રણેય એવા સંદર્ભ છે જેને નથી તો સાબિત કરી શકાતા કે નથી તો ખોટા ઠરાવી શકાતા. તેમને તો બસ માનવા જ રહ્યા. અને જ્યારે તેમને માનો છો ત્યારે વ્યક્તિઓ અને સમાજો ફાલેફૂલે છે.
ગ્રીકોએ તર્ક દ્વારા સત્યને - એક એવી સમજ કે જ્યારે પણ, કોઈ પણ સ્થળે, તેની ચર્ચા કરો ત્યારે પરિણામ એનું એ જ આવે- વિચારશક્તિ દ્વારા શોધવા પ્રયાસ કર્યા, જે તર્કસંગત દૈવી સિદ્ધાંત, તર્કસંગતતા, અકરણીગત વિચાર તરીકે ઓળખાય છે. વિજ્ઞાન અને ગણિતનો જન્મ તેમાંથી થયો. તેમાંથી ફલિત થયું કે માણસ 'ખરેખર' કેમ જન્મ્યો કે સૂર્ય 'ખરેખર' કેમ ઉદય થાય છે. માણસને તેણે ચંદ્ર પર પહોંચાડ્યો, પણ માણસ સૌ પ્રથમ આ પૃથ્વી પર જ કેમ અસ્તિત્વમાં આવ્યો તે સમજાવી શકવામાં વિચારશક્તિ હજૂ પૂરેપૂરી રીતે કામયાબ નથી રહેલ.
વિજ્ઞાન આપણને 'એમ' સમજાવી શકે છે, પણ 'શા માટે' તે નથી સમજાવી શકતું. ખુલાસાઓ સમસ્યાઓનાં સમાધન નથી બની શકતાં. સંસ્કૃતિઓને સમસ્યાઓના ઉકેલ - જીવનનાં ઉખાણાંના ઉકેલ - જોઈએ. એવા ઉપાય જોઇએ જે અર્થ પણ સમજાવે અને ઉદ્દેશ્ય પણ જણાવે, કટોકટીઓ સાથે બાથ ભીડી શકાય તેવાં ઓજારો આપે, અપેક્ષાઓને ઉચિત ઠેરવે અને સમાજનું ઘડતર કરે. ઘડી કાઢેલી વાસ્તવિકતાઓમાંથી ખસી જવા અને ગમે તેટલી સાહજિક મર્યાદાઓ સાથેના પણ સંદર્ભનાં એક માળખાંને વળગી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. માન્યતાઓ અને તેની પૌરાણિકકથાઓમાંથી છટક્યે છટકી શકાય તેમ નથી.
માન્યતાઓ મૂર્ત નથી હોતી. નસીબ કે મુક્ત ઇચ્છાશક્તિ કે ઇશ્વરની અનુભૂતિ કરવા માટે આપણને કથાઓ, પ્રતિકો અને વિધિવિધાનોની જરૂર પડે છે. આ બધાં એવી ભાષા છે જે સાંભળી શકાય છે, જોઈ શકાય છે કે જાતે કરી શકાય છે. કથાઓ, પ્રતિકો અને વિધિવિધાનોનું હાર્દ જે સ્વરૂપે લોકો સુધી માન્યતાઓ પહોંચાડે છે તે પુરાણ કથાઓ તરીકે ઓળખાય છે. હિંદુ, ખ્રિસ્તી, ગ્રીક કે અમેરિકન કોઈ પણ સંસ્કૃતિ હોય પણ તે આ પુરાણકથાઓ દ્વારા જણાવાતી માન્યતાઓથી દોરવાય છે.
જ્યારે કોઈ એક સંસ્કૃતિની માન્યતાઓ અને પુરાણકથાઓ બીજી સંસ્કૃતિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેમાં કેટલીક સમાનતાઓ અને કેટલીક વિસંગતતાઓ પણ રહેવાની. સમાનતાઓ સંસ્કૃતિનૂ માનવીય પાસું દર્શાવે છે, જ્યારે વિસંગતતાઓ તે સંસ્કૃતિનાં આગવાપણાને દર્શાવે છે. હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિમાં પુનર્જન્મનાં ચક્રને માનવાની સમાનતા છે, પણ શાશ્વત, અપરિવર્તનશીલ આત્માની વિભાવનાની બાબતે બન્ને  અલગ પડે છે. હિંદુ અને મુસ્લિમ ઈશ્વર સર્વશક્તિમાન હોવાની બાબતમાં એક મત છે, પણ મુસ્લિમ ધર્મ એક જ જન્મમાં અને મોહમ્મદ પયગંબરે ચીંધેલા માર્ગ પર ચાલવું એ જ ઇશ્વર સુધી પહોંચવાનો એક જ માર્ગ છે તેમ માને છે.
વિશ્વની એકસમાન સમજ - એક સમાન સંદર્ભ માળખું, એક સમાન માન્યતાઓ કે સમાન નાગરિક કાનૂનસંહિતા -  કેળવવા માટે માનવજાત હંમેશાં પ્રયત્નશીલ રહી છે. આમ થવું બહુ મુશ્કેલ છે કેમકે એ માટે સમગ્ર માનવજાતે જીવનને એક બારી - અને તે પણ પાછી અતાર્કિક બારી - સિવાય કોઈ અન્ય બારીમાં જોવું પડે.
કોઈ માન્યતાને તર્ક દ્વારા જણાવવાનો કોઈ પણ પ્રયાસ નિશ્ચિતપણે નિષ્ફળ રહેવાનો છે. નસીબ કે મુક્ત ઇચ્છાશક્તિ કે ઈશ્વરને લગતાં કોઈ પણ નિરૂપણ બાબતે સવાલ તો ઉઠાવી જ શકાય. એટલે જ, બધી જ સંસ્કૃતિઓમાં પુરાણકથાઓમાં વાસ્તવિકતા અને તર્કસંગતતાને બાર ગાઉનું છેટું જ જોવા મળશે - જેમકે, ત્રણ માથાળાં દેવ, અષ્ટભુજા દૈત્યો, કુંવારે જન્મ દેવો, સમુદ્રએ માર્ગ દઈ દેવો, વરદાયિની ભૂમિઓ, અગ્નિ સંસ્કાર કે લોહીના કરાર સંબંધો  વગેરે તર્કને લઈને આટલી લાપરવાહી નિશ્ચિત કરે છે કે માન્યતાને તર્કની એરણે ન ચડાવવામાં આવે, પણ અવિશ્વાસને એક કોર કરીને વિના કોઈ શર્ત સ્વીકારી લેવામાં આવે.
શ્રધ્ધાળુઓ માટે માન્યતા વાસ્તવિકતા છે, પવિત્ર છે. તેને કારણે માન્યતાઓ પેઢી દર પેઢી, કોઈ પણ ભૌગોલિક સ્થિતિમાં કોઈ જ પ્રકારની તોડમરોડ સિવાય, હસ્તાંતરિત થઈ શકે છે. જોકે માન્યતા અગતિક નથી. જેટલું તે ઈતિહાસ કે ભૂગોળ વિષે જાણ કરી શકે છે, તેટલું જ તે ઈતિહાસ કે ભૂગોળમાંથી શીખે પણ છે. એટલે જ સમયે સમયે આસ્થાઓ અને રિવાજો બદલતાં રહે છે. એક સમયે માન્યતા હતી કે માણસ માણસ અસમાન છે. જ્યારે આજે બધાં જ માણસો એક સમાન માનવામાં આવે છે.
માનવ જીવન તર્ક વડે દોરવાતું નથી. પ્રેમ, ઘૃણા, લોભ, અપેક્ષાઓ જેવી લાગણીઓને તર્ક વડે બાંધી ન શકાય. એટલે લોકોને પુરાવા-આધારિત, વૈજ્ઞાનિક ચર્ચાઓથી જીવન જીવવાની સમજ નથી પડતી. ટકી રહેવા અને સ્વસ્થ માનસીક હાલત જાળવી રાખવા તેમણે કોઈને કોઈ સંદર્ભનાં માળખાંમાં માનવું પડે છે. તેમને માન્યતાની જરૂર પડે છે, અને માન્યતાને જરૂર પડે છે પૌરાણિક કથાશાસ્ત્રોની.
 ધ સ્પીકિંગ ટ્રી માં ૨૨ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, There Is No Escape From Mythનો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો