બુધવાર, 2 ઑક્ટોબર, 2019

બિનઉત્પાદક અને સમયની સાથે સાથે જૂનાં થયેલાંનો ત્યાગ કરવો ઘટે - ઉત્પાદકતા વધારવાનો, નવોન્મેષની ચીનગારી પ્રગટાવવાનો અને ખર્ચા ઘટાડવાનો ખાતરીબંધ માર્ગ


આડેધડ વધેલાંને માફકસરની કાપકૂપ કરવાથી અને કાળગ્રસ્ત અને અપ્રચલિતને વિદાય આપવાથી સંસાધનોને ફાજલ કરી શકાય


પીટર ડ્ર્કરે ત્યજતાં રહેવા વિષે બહુ બધું લખ્યું છે. આર્થિક પરિણામો સિધ્ધ કરવાના માર્ગમાં આ વિચાર કદાચ સૌથી મહત્ત્વનો રણનિર્ણયાત્મક વિચાર ગણી શકાય.
કંપનીની ઉત્પાદકતા વધારવા માટે તેના મૂડીગત સંસાધનોનો અસરકારક ઉપયોગ પીટર ડ્ર્કરની પહેલી કસોટી છે, તો બીનઉત્પાદક અને અપ્રચલિત સંસાધનોને ત્યજી દેવાં એ તેમનો અમલીકરણનો પહેલો નિયમ છે.  પરિણામો પર જેમણે ધ્યાન કેન્દ્રીત કરવું છે એવી સંસ્થાઓ માટે ખર્ચાઓ પર નિયમન કરવા માટેનો આ સૌથી સારો, અને કદાચ એક માત્ર, રસ્તો છે. દરેક સંસ્થાએ પોતાના પ્રયત્નો અને સંસાધનો તકનો મહત્તમ લાભ લેવામાં અને પરિણામોની સિધ્ધિમાટે જ કામે લગાડવાં જોઈએ. તેમાં બીનઉત્પાદક પ્રવૃત્તિઓ અને સમસ્યાઓને વચ્ચે ન આવવા દેવી જોઈએ.
જરૂરથી વધારે વિકસી પડેલ, બહુ ઘસાઈ ગયેલ કે અપ્રચલિત બની ચૂકેલ બાબતો પર ધ્યાન હટાવવાથી બહુમૂલ્ય સંસાધનોને ફાજલ કરીને વધારે વળતરવાળાં કાર્યક્ષેત્ર પર ધ્યાન આપી શકાય છે.
બહારથી ધક્કો ન વાગે ત્યાં સુધી ન હલવાની સંસ્થાગત નબળાઈને કારણે મોટા ભાગની સંસ્થાઓ ગઈકાલનાં વચનો પૂરા કરવામાં ગુંચવાયેલ રહે છે, ફાલતુ પ્રવૃત્તિઓના વિપુલ ફાલ હેઠળ દબાયેલ રહે છે કે અપ્રચલિત પુરવઠાકારો કે ઉભરાતા માલના જથ્થા હેઠળ કચડાયા કરે છે, કે પછી તુમારશાહીની અંતહિન ભુલભુલામણીમાં અટવાયા કરે છે.
ટુંકમાં, સામાન્ય સંજોગોમાં, સંસ્થા ગ્રાહક માટે, કે સંસ્થા માટે, કંઈ જ ઉપજાઉ ન હોય તેવી ઢગલાબંધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને મસ્ત બની રહેલ હોય છે.
'કંઇ પણ પ્રવૃત્તિને અટકાવી ન શકવું એ સરકારી રાહે ચાલી રહેલી સંસ્થાઓનો દૂઝતો ઘા છે, જે સંસ્થાને કાયમ બિમાર હાલતમાં જ રાખ્યા કરે છે' એમ ડ્રકર સ્પષ્ટપણે માનતા આવ્યા છે.
પદાર્થ પાઠ:
દરેકે સંસ્થાએ તેની કામગીરી અને ભવિષ્યના પડકારોને ઝીલવાની ક્ષમતાને અસર કરતા ભૂતકાળને ત્યાગ કરવાની આવડત અને મનોબળ કેળવવાં જ રહ્યાં. તેમ કર્યા સિવાય, તેની પાસે ઉપલ્બધ, વર્તમાન કે ભાવિ, સંસાધનો સંપોષિત સફળતા જાળવી રાખવામાં હંમેશાં ટાંચા જ પડશે.
પરિચય
પીટર ડ્રકર હંમેશાં ભારપૂર્વક કહેતા રહ્યા કે ત્યાગ કરવો અને ધ્યાન કેન્દ્રિત કરવું એ બન્ને બાબતો સિક્કાની બે બાજુઓ છે.
બિનઉત્પાદક અને બીજે ધ્યાન ખેંચતી પ્રવૃત્તિઓના ત્યાગને  કારણે વધારે મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકવા માટે સમય ફાળવી શકવાથી સંચાલકો વધારે અસરકારક બની શકે છે. 
આ ફકરો વારંવાર વાંચીને કંઠસ્થ કરીને આત્મસાત કરી લેવો જોઈએ.
ત્યાગને ધ્યાન કેન્દ્રીત સાથે સાંકળીને ડ્રકરે 'થોડામાં ઘણું' રૂઢપ્રયોગનો ખરો અર્થ સમજાવ્યો છે. દરેક સંસ્થાએ સમયે સમયે સંસ્થાનું ધ્યાન અને સમય રોકી લેતી, પણ તેના લાંબા ગાળાના હેતુ સાથે ન સંકળાયેલ, પેદાશો, સેવાઓ કે સાહસોથી છેડો ફાડવો જોઈએ. સંસ્થા માટે આજે અને આવતી કાલે જે વ્યૂહાત્મક રીતે વધારે ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં એ 'ભૂતકાળ' અવરોધ પેદા કરે છે.
સામાન્યપણે, આ વાત સમજાઈ જાય છે આસાનીથી, પણ તેને અમલમાં મુકવું એટલું જ અઘરૂં છે. તેના માટે અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ જ જોઈએ.
પ્રભાવકારી બનવું હોય તો ધ્યાન કેન્દ્રીત કરવું પડે
અપેક્ષિત આર્થિક પરિણામો સિધ્ધ કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરવું પડે.
મનમાં, અને મોટેથી, આ વાત ચાર વાર દોહરાવો.
ડ્રકર હંમેશાં કહેતા કે 'સંચાલકે શક્ય તેટલી ઓછી પેદાશો  કે સેવાઓ પર કે ગ્રાહકો કે બજારો કે વિતરકો પર કે અંતિમ ઉપયોગો જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીને, એટલામાંથી મોટા ભાગનો વકરો શક્ય બને તેના ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
ધ્યાન કેન્દ્રીત કરવાના આ સિધ્ધાંતથી વધારે અસરકારકતા જાળવી રાખાવાના અન્ય કોઈ સિધ્ધાંતનું વધારે ઉલ્લંઘન નહીં થતું હોય.
ઉદાહરણો તો ચારેબાજુ જોવા મળશે. આજે ઉચ્ચ શિક્ષણની કેટલીય સંસ્થાઓ અનેક પ્રકારના અભ્યાસક્રમો પોતાને ચોપડે રાખવાનો આગ્રહ રાખતી જોવા મળે છે. ધ્યાન કેન્દ્રીત કરી શકાય તેનાથી વધારે વિસ્તાર પર નજર દોડાવવાથી નજર સામેનું જ દેખાવાનું બંધ થઈ શકે છે.
જે જે ક્ષેત્રોમાં તેમની પાયાની કુશળતા પ્રતિપાદિત થઈ ચૂકી છે, એટલા જ વિષયો પર ધ્યાન કેન્દ્રીત  કરવાથી તેઓ પોતાના ગ્રાહકો માટે વધારે મૂલ્યવૃધ્ધિ કરી શકવાની પોતાની ક્ષમતા વધારે છે.
ખર્ચાઓ પર અસરકારક નિયમન કરવા માટે ત્યાગ કરવો રહ્યો
પરિણામો પર ધ્યાન કેન્દ્રીત કરવું એ સૌથી વધારે અસરકારક ખર્ચ નિયમન છે. જે ક્ષેત્રો કે પ્રવૃત્તિઓનો પરિણામો સાથે સંબંધ નથી તેમ નક્કી  થાય તેનાથી વેગળું થઈને જે ક્ષેત્રો અને પ્રવૃત્તિઓ લાંબાગાળે મહત્ત્વનાં પરિણામો પર અસર કરી શકે છે તેના પર ધ્યાન આપવું જોઈએ..
આમ જૂઓ તો ખર્ચનું પોતાનું આગવું અસ્ત્વિત્વ હોતું નથી. પીટર ડ્રકરનું કહેવું હતું કે -
ખર્ચ - કમસે કમ ખર્ચનોનો આશય -તો કંઈક પરિણામ મેળવવા માટે કરાતું હોય છે. એટલે ખર્ચ કેટલું થયું છે તેના કરતાં પરિણામની સરખામણીમાં કેટલો પ્રયાસ ખર્ચ કરવો પડ્યો તેની ગણતરી કરવી જોઈએ. પ્રયાસ ગમે એટલો સહેલો, કે કાર્યક્ષમ, કેમ નથી પણ જો તે તેના પ્રમાણમાં પરિણામ ન લાવી શકે તો તે વ્યર્થ છે.
એટલે તકનો મહત્તમ લાભ લઈ શકાય એ રસ્તો જ પરિણામ અને પ્રયાસના ગુણોત્તરને ઉંચો લાવી શકે, અને તે સાથે ઓછાં ખર્ચ સાથે પ્રવૃત્તિઓનું નિયમન કરી શકે.
ખર્ચ ઓછું કરવાનો એક રસ્તો છે એવો પ્રયાસ કે પ્રવૃત્તિ સદંતર બંધ કરી દેવાં. આમ પણ જ્યારે અર્થતંત્ર (મંદીના) ચક્રાવે ચડે છે ત્યારે સંસ્થાઓ ખર્ચાઓમાં આડેધડ કાપ મૂકવા રઘવાઈ તો થાય જ છે. ડ્રકર આને 'નિદાન પહેલાં જ અંગવિચ્છેદ' કહે છે.
ખર્ચ ઘટાડવું મહદ અંશે અસરકારક નથી નીવડતું. જે પ્રવૃત્તિ કરવાની જ જરૂર નથી તેને ઓછાં ખર્ચે કરવા પાછળ પણ પ્રયાસ શા માટે વેડફવો જોઈએ !
પ્રયાસો અને સંસાધનોને પધ્ધતિસર રીતે પરિણામો અને તકો તરફ વાળવાથી સંસ્થાની ઉત્પાદકતા વધારેમાં વધારે વધારી શકાય છે.
ચોખ્ખા શબ્દોમાં કહીએ તો, ઓછાં વળતરવાળા પ્રયાસો અને કાર્યક્રમોનો ત્યાગ કરીને જ ઘટાડેલાં ખર્ચે વધારે ઉત્પાદકતા મેળવી શકાય. 
બીજી રીતે કહીએ તો - દરેક સંસ્થાએ પોતાનાં ટાંચાં અને મોઘાં સંસાધનો - ખાસ કરીને, સારામાં સારાં લોકો-ને ઓછાં વળતરવાળી પ્રવૃત્તિઓ પરથી ખસેડીને સંસ્થા માટે લાંબે ગાળે મહત્તમ ઈષ્ટ પરિણામો લાવવા માટે આવશ્યક પ્રવૃત્તિઓમાં કામે લગાડવાં જોઈએ.
આ માટે સંસાધનોનો જેમાં ઓછાં વળતર સાથેનો વ્યય થાય છે તે વ્યય બંધ કરવાની જરૂર છે, નહીં કે વધારેને વધારે સંસાધનો કામે લગાડવાની.
ત્યાગ અનેક સ્વરૂપે અમલમાં મૂકી શકાય
ડ્રકર સંસ્થઓ દ્વારા - પેદાશો કે બજારો કે જરીપુરાણી ઉત્પાદન સવલતો જેવી કોઈ પણ બાબતના-  ત્યાગને લગતી નીતિઓ વિકસાવવાના આગ્રહી રહ્યા છે. નીતિનો અમલ કરતી વખતે ઉદ્દેશ્યોની સિધ્ધિની સમીક્ષા બહુ જ નિયમિતપણે થવી જોઈએ.
તેઓ એ વાત પર પણ ભાર મૂકતા કે ત્યાગ અનેક સ્વરૂપે શકય છે, જેમકે જે કરીએ છે તે જ વધારે કરવું પણ જૂદી રીતે કરવું.
તેમનું આ બાબતનું એક ઉદાહરણ જોઈએ -
દરેક પુસ્તક પ્રકાશક જાણે છે કે તેમનું મોટાભાગનું વેચાણ એક વર્ષથી જૂનાં પ્રકાશનોમાં રહેલ છે. સંસ્થાની લાંબા ગાળાની નફાકારકતા અને વર્ષાંત નફા માટે માટે તો પુરેપૂરૂં યોગદાન તેના દ્વારા જ મળતું હોય છે.
પરંતુ, નવાં પ્રકાશનોનાં વેચાણ માટે જેટલો પ્રયાસ થાય છે તેના પ્રમાણમાં એક વર્ષથી જૂનાં પ્રકાશનોને વેંચવામાં નહિવત જ પ્રયાસ કરાતો હોય છે, અને તે પણ ધ્યાન કેન્દ્રીત કરીને તો નહીં જ.
એક પ્રકાશકે નવાં પ્રકાશનો અને એક વર્ષથી જૂનાં પ્રકાશનો એમ બન્ને ક્ષેત્રોની જવાબદારી તેમના શ્રેષ્ઠ બે સંચાલકોને સોંપી.
બે વર્ષના ટુંકા ગાળામાં એક વર્ષથી જૂનાં પ્રકાશનોનું વેચાણ ત્રણ ગણું વધી ગયું, અને કંપનીનો નફો લગભગ બમણો થઈ ગયો.
દરેક સંસ્થાએ બે સવાલના જવાબ પધ્ધતિસર વિચારવા જોઈએ :
૧. શેનો ત્યાગ કરવો જોઈએ? , અને 
૨. ત્યાગ શી રીતે કરી શકાશે / કરવો જોઈએ?  
જો આ કામ પધ્ધતિસર રીતે નહીં કરવામાં આવે તો ત્યાગ કરવાના નિર્ણય અનિશ્ચિત સમય સુધી ઠેલાતા જ રહેશે.
આજે 'થોડામાં ઘણું'ની ચર્ચા ચોતરફ છે, પણ એક ઉપાય તરીકે, એ ચર્ચાઓમાં ત્યાગની હાજરી  ભાગ્યેજ જોવા મળશે. 
'થોડામાં ઘણું' સિધ્ધ કરવાની ચાવી ત્યાગ કરવાની નીતિના ઘડતર અને અમલમાં રહેલી છે.
આવનારા સમયમાં, ત્યાગ માટેના પધ્ધતિસરના, શિસ્તબધ્ધ અને સાતત્યપૂર્ણ પ્રયાસો સંસ્થાઓની સંપોષિતતા નીતિઓનો એક મહત્ત્વનો, પાયાનો પથ્થર બની રહેશે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો