ઉત્તર પ્રદેશમાં દેવ-ગઢ નામે એક શહેર
આવેલ છે, જેનો શબ્દાર્થ દેવોનો કિલ્લો થાય. ત્યાં એક મંદિરના ભગ્નાવશેષો જોવા મળે છે. એ
મંદિર આશરે ૧૫૦૦થી વધારે વર્ષ જૂનું હોવાનું મનાય છે. તેનું નિર્માણ ગુપ્ત વંશના
રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની દિવાલો પર શેષનાગ પર પોઢેલ એક વ્યક્તિની
મૂર્તિ છે. અનેક ગુંચળાંમાં વીંટલાએલા એક શેષ નાગને અનેક ફેણધારી શિર્ષ છે. તેમની
આસપાસ એ વ્યક્તિનાં પત્ની,
અનેક યોધ્ધાઓ અને ઋષિઓ પણ બેઠેલાં છે. આખું દૃષ્ય કોઈ રાજ્ય
દરબાર પરથી પ્રેરિત છે તેવું સ્પષ્ટપણે જણાતુ આખું દૃશ્ય દૈવી છે. એ દૃશ્ય એ
ક્ષણનું છે જ્યારે વિશ્વનું સર્જન થયું હતું.
હિંદુઓ માને છે કે જ્યારે નારાયણ
જાગ્યા ત્યારે વિશ્વનું સર્જન થયું.અનેક માથાંવાળા શેષ નાગની શય્યા કરીને બેઠેલ એ
વ્યક્તિ નારાયણ છે. તેઓ જ્યારે સ્વપ્નવિહિન તંદ્રામાં હોય છે ત્યારે વિશ્વનું
અસ્તિત્વ નથી હોતું. જ્યારે તેઓ એ તંદ્રામાંથી જાગે છે ત્યારે વિશ્વ પણ અસ્તિત્વ
ધારણ કરે છે. આમ નારાયણ એ માનવ ચેતનાનું દૃષ્ટિગમ્ય સ્વરૂપ છે. માનવ ચેતના જ આપણાં
વિશ્વનાં અસ્તિત્વનું સૂચન કરે છે.
રસપ્રદ વાત એ છે કે જેના પર નારાયણ
પોઢ્યા છે એ નાગનું નામ આદિ-અનંત-શેષ નાગ છે, જેનો શબ્દાર્થ છે મૂળભૂત-અનંત- બાકી
રહેલો અંશ, અને જેને આંકડામાં ૧-∞-૦ તરીકે વર્ણવી શકાય. આરંભની પહેલી
ક્ષણ, અનંત સંભાવનાઓ અને આરંભની પહેલી ક્ષણ પહેલાં કંઈ જ નથી
હોતું તેના વિષે આપણે વાકેફ બનીએ છીએ તે પણ ચેતના જ છે ને !
ગ્રીક વિશ્વદર્શન કરતાં આ સાવ જ ઊલટું
છે. તેના અનુસાર વિશ્વનો આરંભ સંપૂર્ણ અંધાધૂંધીમાંથી થયો, તે પછી ઈશ્વરે આવીને વ્યવસ્થા સર્જી. વ્યવસ્થા આવવાની સાથે વ્યાખ્યાઓ આવી, સીમાઓ, નિશ્ચિતતાઓ અને આગાહીક્ષમતા આવી. તે અબ્રાહમી વિશ્વદર્શનથી પણ અલગ છે, જેમાં ઈશ્વર શૂન્યમાંથી વિશ્વનું સર્જન કરે છે અને તેમણે જે વિશ્વનું સર્જન
કર્યું છે તેની 'સાક્ષાત્કાર' સુધીની જ આયુષ્ય રેખા છે. ગ્રીક અને અબ્રાહમી વિશ્વદર્શન આપણે જેને પાશ્ચાત્ય
વિશ્વદર્શન તરીકે ઓળખીએ છીએ તે જણાવે છે. આ વિશ્વદર્શન સંસ્થાની વિકલ્પનાથી
મનોગ્રસ્ત છે, તેને અવ્યવસ્થા અને બીનઆગાહીક્ષમતાનો સખત ભય રહે છે. આપણે ભારતીયો આ બન્નેથી
મહદ અંશે ટેવાયેલાં છીએ, અમુક અંશે તો આપણને એ ગોઠે પણ છે, અને તેમાં આપણે ખીલી પણ ઊઠીએ છીએ.
હિંદુ વિશ્વદર્શન પર હંમેશાં અનંત
(અંત વિહિન સર્વ), શૂન્ય (કંઈજ નહીં) અને એક (આરંભ) છવાયેલ રહેલ છે. જોકે આ વિશ્વદર્શન હિંદુથી વધારે પ્રાચિન હિંદુ સંસ્કૃતિનું
વિશ્વદર્શન કહી શકાય, એ એવી વિચારસરણી છે જેમાંથી હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મોની વિચારસરણીઓ
જન્મી ગણવામાં આવે છે. આ ત્રણેય વિચારસરણીમાં પુનર્જન્મ, સમય ચક્ર અને સીમાવિહિન વિશ્વદર્શન સમાનપણે જોવામાં આવે છે. બૌદ્ધ
વિચારસરણીમાં નિર્વાણ (પરમ મુક્તિ) અને શૂન્ય(જેનો અર્થ આપણે જેને મીંડું - કંઈ જ
નહીં - કરીએ છીએ તે વિદ્યમાન છે તો જૈન ધર્મમાં
અન-એકાંત-વાદ (અંતવિહિન સંભાવનાઓ)ની વાત કરવામાં આવી છે.
આ બાબતે મહાન સિકંદર સાથે સંકળાયેલ એક
વાત જરૂર યાદ આવે. તે પર્સિયા જીતીને હિંદુસ્તાનમાં દાખલ થયો ત્યારે તેને સિંધુ
નદીના કિનારે એક ઋષિ મળ્યા જે દિગંબર તપસ્વી તરીકે રહેતા હતા. તેઓ એક શિલા પર
બેસીને આખો દિવસ આકાશ શામે જોઈ રહેતા હતા. સિકંદરે તેમને પૂછ્યું કે તેઓ આ શું કરી
રહ્યા છે. જેના જવાબમાં સાધુએ કહ્યું કે તે તો કંઇ જ ન હોવાનો અનુભવ કરી રહહ્યો છે, પણ સિકંદર શું કરી રહ્યો છે? સિકંદરે જવાબ આપ્યો કે તે વિશ્વવિજય કરવા નીકળ્યો છે. બન્ને એકબીજા પર હસ્યા, બન્ને માનતા હતા કે સામેવાળો મૂર્ખ છે. સાધુની દૃષ્ટિએ
સિકંદર જેની કોઈ સીમા નથી એવાં વિશ્વનો વિજય કરવા નીકળીને પોતાનો સમય બરબાદ કરી
રહ્યો છે, ખાસ તો જ્યારે તેને અનંત ભવ મળ્યા છે ત્યારે આ તો એવી ઉતાવળથી જાણે મચી પડ્યો
છે જાણે કે તેને તે એક જ ભવ મળ્યો છે. તો સિકંદરને લાગતું હતું કે સાધુને મળેલી એક
માત્ર જીંદગીમાં કંઇ નહીંના અનુભવ માણવાની પાછળ તે પોતાનો સમય વ્યય કરી રહ્યો છે. એક જ ભવ હોવો એ ગ્રીક વિશ્વદર્શનનો અને પછીથી અબ્રાહમી વિચારધારાનો પાયો છે જે નિશ્ચિત સમયમાં સિધ્ધિ હાંસલ કરવાને
મહત્ત્વ આપે છે. જ્યારે અનંત પુનર્જન્મ એ પ્રાચીન હિંદુ વિચારસરણીનો પાયો છે, જે સિદ્ધિઓને અર્થહીન માને છે અને વિવેકવિચાર તેમ જ સમજણને મહત્ત્વ આપે છે.
જ્યારે છેદમાં ભાજક રકમ એક હોય છે ત્યારે જે વિશ્વ જવાબમાં મળે છે તેની સામે છેદમાં ભાજક અનંત હોય તેના કરતાં સાવ
અલગ હોય છે.
હિંદુસ્તાનનું આનન્ત્ય અને શૂન્ય
સાથેનું દાર્શનિક વળગણ ગણિતશાસ્ત્રીઓને શૂન્યની વિકલ્પનાની અવધારણા તરફ જ ન દોરી
ગયું, પણ સાથે સાથે તેને સ્વરૂપ (બિન્દુ),અને દશાંશ પધ્ધતિમાં સ્થાન, પણ અપાવ્યું. આ લગભગ એ સમયે જ થઈ રહ્યું હતું જ્યારે ગુપ્ત વંશના રાજા
દેવગઢમાં મંદિરનુંબાંધકામ કરી રહ્યા હતા. ઈ.સ. ૬૩૮માં બ્રહ્મગુપ્ત નામના
ગણિતશાસ્ત્રીએ શૂન્યની સંખ્યાને સ્વરૂપ આપ્યાનું
અને તેના ઉપયોગ માટેના પહેલા નિયમ ઘડ્યા હોવાનું મનાય છે. દશાંશ પધ્ધતિના
ઉદ્ભવ સાથે મોટી રકમના, મોટાં મૂલ્યના, આંકડા લખવાનું શક્ય બન્યું. આ પ્રથાનાં મૂળ ઈ.સ. પૂર્વે ૧૦૦૦માં લખાયેલ વેદિક
ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ પ્રકારનાં મૂલ્યો એ સમયનાં વિશ્વના અન્ય કોઈ ભાગમાં
જોવા નથી મળતાં.
૧૬મી સદીમાં યુરોપના સાગરખેડુ
વેપારીઓએ હિંદુસ્તાન સાથેનો હાથ કર્યો તે
પહેલાં કાપડ અને તેજાના માટેની હિંદુસ્તાનની દરિયાઈ ખેપ કરનારા આરબ વેપારીઓને
શૂન્યની કિંમત બરાબર સમજાઈ અને તેઓ તે તેમની સાથે એરેબીયા લઈ ગયા. આરબ
ગણિતશાસ્ત્રી ખોવારીઝીમીએ શૂન્ય માટે એક બહુ નાનું વર્તુળ વાપરવાનું સૂચવ્યું. આ
વર્તુળને 'સિફ્ર' તરીકે ઓળખવામાં આવ્યું. 'સિફ્ર'નો અરબી ભાષામાં અર્થ 'ખાલી' થાય છે, જે એકંદરે તો 'શૂન્ય' જ છે. શૂન્ય પર્સીઆ અને મેસોપોટેમીઆ થઈને ધર્મયુદ્ધો દ્વારા યુરોપમાં
પહોંચ્યું. સ્પેનમાં, ફિબોનૅસ્સીને મણકાઘોડીની મદદ વિના સમીકરણો હલ કરવામાં શૂન્ય બહુ મદદરૂપ
નીવડ્યું.ઈટલીની સરકારની આ અરબેઈક વયવ્સ્થા શંકાશીલ જણાઈ, એટલે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો. વેપારીઓ હવે તે ખાનગીમાં વાપરવા લાગ્યા, એટલે હવે 'સિફ્ર' 'cipher’બન્યું. 'cipher’ 'આદ્યાક્ષર સંજ્ઞા' છે, જે હવે 'શૂન્ય' માટેની સાંકેતિક સંજ્ઞા બની ગઈ. સંખ્યા તરીકે 'શૂન્ય'ની શોધ ૧૦૦૦ વર્ષથી જૂની નથી, અને તે પ્રચલિત તો છેલ્લાં ૫૦૦ વર્ષમાં જ થયું એ જાણીને ઘણાં લોકોને આંચકો
લાગી શકે છે. જો શૂન્યનું આગમન ન થયું હોત તો સોળમી સદીમાં ન તો કાર્ટેશીયન યામ તંત્રવ્યવસ્થા કે ન તો કલન
શાસ્ત્ર વિકસી શક્યાં હોત. શૂન્યને કારણે લોકો મોટી સંખ્યાની અવધારણા કરી શકવા
લાગ્યાં, જે હિસાબ કિતાબ રાખવામાં અને તેની ખાતાવહીઓ લખવામાં ઉપયોગી થયું. વીસમી સદીમાં
આધુનિક કમ્પ્યુટર પધ્ધતિના પાયારૂપ દ્વિગુણી ગણક વ્યવસ્થાના વિકાસમાં પણ શૂન્યનું
આગવું પ્રદાન રહ્યું. આમ આજનાં આધુનિક ગણિતિક વિજ્ઞાનના પાયામાં કોઈક પ્રાચીન, જંગલનિવાસી, હિંદુસ્તાની ઋષિએ તેમનાં વિશ્વ અને ઈશ્વરને શૂન્ય અને આનન્ત્યના સ્વરૂપે કરેલ
કલ્પના રહી છે.
mea.gov.in પર ૨૩ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Gods of Zero and Infinityનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો