બુધવાર, 13 નવેમ્બર, 2019

દરેક આગેવાને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે ! - માર્શલ ગોલ્ડસ્મિથ


વાત સાવ સીધી અને સાદી છે - દરેક આગેવાને ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે. [1]
તે સાથે બીજી પણ એટલી જ સીધી એક વાત છે - આપણા સમયના કેટલાક મહાન આગેવાનો સહિત, બધા જ આગેવાનોની શરૂઆત ધમાકેદાર , ચકાચૌંધ કરી નાખનારી, નથી પણ હોતી.
ફોર્ડના પૂર્વ મુખ્ય સંચાલક એલન મુલાલ્લીનો જ દાખલો લ્યો. ફોર્ડના દંતકથા સમાન કાયાપલટનું નેતૃત્વ એલન મુલાલ્લીએ કર્યું હતું. આ આખી કથા વૉલ સ્ટ્રીટ જર્નલ પર સૌથી વધારે વેંચાણ નોંધાવનાર  પુસ્તક American Icon: Alan Mulally and the Fight to Save Ford Motor Companyમાં બહુ વિગતે વર્ણવવામાં આવેલ છે. નેતૃત્વની બારીકીભરી ખૂબીઓ જાણવામાં જેમને રસ છે તેમણે આ પુસ્તક અચુક વાંચવું જોઈએ. બોનસમાં દરેક પાને દિલ ધડક ઘટનાઓ વાંચવાનો અનેરો આનંદ પણ ખાત્રીબંધ મળશે !
એલન મુલાલ્લીની ફોર્ડમાંની કામગીરી સફળતાની દાસ્તાન છે, પણ આગેવાન તરીકેની તેમની કારકીર્દીને દરેક પગથિયે સફળતાનો વાસ નહોતો થયો.
એલન મુલાલ્લીએ તેમની શરૂઆત બોઈંગમાં ઈજનેર તરીકે કરી હતી. તેમની સંચાલન પદે નિમણૂક બહુ ટુંકા સમયમાં જ થી હતી, પણ તે જ વખતે તેમના એક કર્મચારીએ રાજીનામું આપ્યું હતું. કંઈક અંશે નારાજગી અનુભવતા એ કર્મચારીએ એલન મુલાલ્લીને પ્રમાણિકતાપૂર્વક કહ્યું  હતું કે તે માને છે કે એલનની ભૂમિકા પોતાને કામમાં મદદ કરવાની હતી, નહીં કે તેણે કરેલાં કામ ફરીથી કરીને તેની ભૂલો સામે આંગળી જ ચીંધ્યે રાખવાની.
એલન મુલાલ્લીએ આ પ્રતિભાવને દિલમાં ઉતારી લીધો અને સમજી લીધું કે તેઓ આ લેખના લેખક, માર્શ ગોલ્ડસ્મિથનાં પુસ્તક - What Got You Here Won’t Get You There- માં વર્ણવેલ આદત #૨ (બહુ વધારે પડતું મૂલ્ય પ્રદાન કરવું)અને આદત #૬ (આપણે કેટલી જોરદાર આવડત અને સૂઝવાળાં છીએ તેનો ઢંઢેરો પીટ્યે રાખવો) મુજબ વર્તી રહ્યા છે. જોકે આ વાત લેખક માર્શલ ગોલ્ડસ્મિથ એલન મુલાલ્લીને મળ્યા કે પુસ્તક પ્રકાશિત થયું તેનાથી બહુ પહેલાંની છે.  એટલે લેખક કે પુસ્તક તેનું શ્રેય લઈ શકે તેમ નથી (આદત #૧૧ - આપણા હક્કનું ન હોય તેવું શ્રેય પણ આપણા નામે ચડાવવુ.[2] )
પોતાના આ અનુભવમાંથી શીખીને એલન મુલાલ્લી સંચાલન અને નેતૃત્વ વિશેના પાઠ ભણવામાં ઊંડા ઉતરતા ગયા અને શીખતા ગયા કે સારા આગેવાન કેમ બની શકાય. લોકોને કામ કરવું એ શીખડાવવું કે તેમનું કામ કરી આપવું તે નહીં, પણ તેઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તેમાં મદદરૂપ થવું એ નેતૃત્વની ખૂબી છે , એ પાઠ તેઓ આ ઘટનામાંથી શીખ્યા.
બોઈંગનાં વર્ષોમાં એલન મુલાલ્લી નવી નવી જવાબદારીઓ સ્વીકારતા ગયા, અને તેમને તે તકો મળતી પણ ગઈ. આખરે તેમણે બોઈંગ કમર્શીયલ એરપ્લેન્સ છોડ્યું ત્યારે તે તેના પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક હતા. ૨૦૦૬નાં વર્ષમાં તેમને ફોર્ડને કળણમાંથી બહાર કાઢવા માટે બોલાવાયા. તેમણે તે કરી પણ બતાવ્યું.  ફોર્ડમાં તેમણે તેઓ જેને 'સાથે મળીને કામ કરવું' કહે છે તેવી સુગમ નેતૃત્વ (facilitative leadership)[3]શૈલીને વિકસાવી હતી.તેમણે જ્યારે ફોર્ડ છોડ્યું ત્યારે કંપની પાછી ફુલગુલાબી હાલતમાં આવી ગઈ હતી. એલન મુલાલ્લીને ૨૦૧૩માં ફોર્ચ્યુનના 'વિશ્વના શ્રેષ્ઠ આગેવાનો'માં ત્રીજાં સ્થાન માટે પસંદ કરાયા હતા.
એલન મુલાલ્લી 'દરેક આગેવાને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે'નું મૂર્તિમંત સ્વરૂપ છે. કામ કરવાનો તેમનો ઉત્સાહ લોકોમાં પ્રસરે છે. કામ અંગેનો તેમનો આનંદ એક્દમ બાળસહજ હોય છે. તેમનું કહેવું છે કે 'નેતૃત્વની બાબતે મારૂં કંઈ નથી. એ તો મારી સાથે કામ કરતાં લોકોની મહાનતાની નીપજ છે.' એમનું નેતૃત્વ આ રીતેજ સાકાર થાય છે, અને માટે જ તેમના બોલ કરતાં તેઓ જે ઉદાહરણીય વિચાર તેમની વાણી સિવાય પણ ઘણું કહી જાય છે.

અનુવાદક અશોક વૈષ્ણવ ǁ ૧૩ નવેમ્બર, ૨૦૧૯



[1] A Conversation with Marshall Goldsmith and Sam Shriver


[2]  What Got You Here Won’t Get You There માં ટોચ પહોંચવામાં અવરોધરૂપ જે ૨૦ આદતોની વાત છે તેનો પરિચય ૨૮ નવેમ્બર, ૨૦૧૯ના લેખમાં કરીશું.
[3] The Urge of Facilitative Leadership – In conversation with Jan Lele



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો