બુધવાર, 4 ડિસેમ્બર, 2019

પાંડવો પાસેથી ભારતીય કોર્પોરેટ વિશ્વએ શીખવા લાયક પાંચ પદાર્થપાઠ - દેવદત્ત પટ્ટનાઈક


કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વિજય બાદ હસ્તિનાપુર પર છત્રીસ વર્ષ રાજ કર્યા બાદ, પાંડવોએ એ રાજપાટનો ત્યાગ કર્યો. રાજ્યની ધુરા અર્જુનના પૌત્ર પરિક્ષિતના હાથમાં સોંપીને તેઓ જંગલોમાંથી થઈને હિમાલય ગાળવા નીકળી પડ્યાં. તેમને ખાત્રી હતી કે તેમણે કરેલાં પુણ્યોને કારણે તેમને સદેહે જ સ્વર્ગ મળશે. પરંતુ, એમ થયું નહીં. દ્રૌપદી રસ્તામાં લપસી પડી, તે પછી નકુળ, સહદેવ, ભીમ, અર્જુન એમ એકએક કરીને બધા ભાઈઓ પણ પડવા લાગ્યા. એ લોકો સંપૂર્ણ નહોતાં. શું હતા તેમના ગુના? દ્રૌપદીને તેના અન્ય પતિઓની સરખામણીંઆં અર્જુન માટે વિશેષ સુંવાળો ખૂણો હતો. (અમુક લોકવાયાકાઓમાં તો એમ પણ કહેવાયું છે કે છાને છાને તે કર્ણને પ્રેમ કરતી હતી.) તેના તરફ નજર કરતું એ તેના પ્રેમમાં પડી જતું એવાં તેના સૌંદર્યનો નકુળને ઘમંડ હતો,. બીજાં કોઈ પાસે ન હોય એવાં, ભવિષ્ય ભાખી શકવાનાં, પોતાનાં જ્ઞાનને પરિણામે સહદેવ તોછડાઈથી વર્તી જતો. ભીમ ખાઉધરો હતો તો અર્જુન હંમેશાં અસલામતી અનુભવતો રહેતો.
મહાભારતના મહત્ત્વનાં, વીર,આદર્શ કહી શકાય, એવાં પાંચ પાંડવોનાં પાત્રો દ્વારા ભારતીય કોર્પોરેટ વિશ્વએ આ પાંચ પદાર્થપાઠ શીખવા જોઈએ :
૧) ટીમ સંચાલન કરતી વખતે વહાલાંદવલાંની રીતરસમ ન અપનાવો.
૨) તમારા 'કરિશ્મા'નું ગુમાન ન રાખો.
૩) ભવિષ્યના પ્રવાહો ચોકસાઈથી ભાખી શકવાની ક્ષમતાને કારણે તોછાડાઈ ન કેળવો.
૪) લોભ ન કરો; બીજાંની જરૂરિયાતો માટે દુર્લક્ષ ન સેવો.
૫) તમારી આસપાસનાં લોકોની ક્ષમતાઓને પરિણામે અસલામતી ન અનુભવો.
જેમના માર્ગદર્શક, સખા, અનુશિક્ષક કૃષ્ણ જેવા વિચક્ષણ વ્યૂહરચનાકાર, રાજ્યગડવૈયા, ઈશ્વરનો અવતાર સમા  યુગપુરુષ હોય એવા પાંડવો પણ આ નબળાઇઓને ઓળખી ન શકયાં /દુર ન કરી શકયાં, એટલે દેખાય છે તેટલું આ પદાર્થપાઠનું અનુસરણ સહેલું તો નથી જ. પરિષદોની પરિષદોમાં એકેકથી સફળ ઉદ્યોગ સાહસિકો પોતાના પ્રેરણાદાયક, અનુસરણીય, અનુભવો સંચાલકો સાથે વહેંચે છે.; સફળતા અને નિષ્ફળતાની ચાવીઓ આપતાં રહે છે. 'કેમ કરવુંનાં એકએકથી ચડીઆતાં પુસ્તકો ઉભરાય છે, એકએકથી સચોટ પ્રેઝન્ટેશનો રજૂ કરાતાં પરિસંવાદો અને કાર્યશાળાઓ થતાં રહે છે. આપણે પણ શીખવું છે, ઉત્સાહીત અને પ્રોત્સાહીત થવું છે. તેમ છતાં આ બધી કાર્યશાળાઓ અને પરિસંવાદોની સફળતા વિષે કોઈ ચોક્કસ માપ નથી મળતાં, તેમ જ સફળતા મળશે કે કેમ તે પણ અનિશ્ચિત જ રહેલ છે. પાંડવો જેમ કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખે છે, પણ તેઓ કૃષ્ણ તો નથી જ - તેઓ બીજું શરીર છે; બીજા સંદર્ભમાં ઉછર્યા છે, રહે છે. એથી એ દરેકની આગવી ક્ષમતાઓ અને શક્તિઓ તેમ જ નબળાઈઓ છે. જ્ઞાનનું હસ્તાંતરણ સફળતાની, કે નિષ્ફળતાની, ખાત્રી ન આપી શકે. એક માટે જે કામ આવે છે તે બીજાં માટે વિઘ્નરૂપ પણ બની શકે છે. પોતાના જ્ઞાનના દીપક અને અનુભવની લાકડીને સહારે, પોતપોતાના સંદર્ભનાં આગવાં પરિપ્રેક્ષ્ય ધરાવતી પરિસ્થિતિઓ્માથી, પોતપોતાના જે તે સમયના સંદર્ભ અંતર્ગત, દરેકે પોતાનો માર્ગ શોધવાનો છે.
દ્રૌપદીએ જો પોતાના પતિઓમાં ઓછો વધારે પ્રેમ ન દાખવ્યો હોત, તો કદાચ તે તેમને એટલી આકર્ષક અને ચાહવા યોગ્ય ન લાગી હોત. તેમના પતિઓ તેમને ખુશ રાખવા પડાપડી ન કરતા હોત. તેમની પાસેથી દ્રૌપદી જે કંઈ કરાવી શક્યાં તે ન કરાવી શકત - જેમકે અજ્ઞાતવાસમાં ભીમ પાસે કીચકને મરાવી નાખ્યો કે જેથી તે બધાંની ઓળખ, સમય પાકવા પહેલાં, છતી ન થઈ જાય.અને નકુળ, જેમના વિષે આપણે આમ પણ બહુ જાણતાં નથી, તે તો પોતાના ભાઈઓની આભા હેઠળ ઓઝલ જ રહી જાત. પોતાનાં સૌંદર્યનું સાચું કે, મિથ્યા, અભિમાન જ તેમને જીવવા માટેનું વજૂદ દેતું હતું. સહદેવ પાસે ભવિષ્ય ભાખી શકવાની જે દૈવી શક્તિ હતી તેનો બીજાં લોકોના હિતમાં કેમ ઉપયોગ કરી શકાય તે જ તેને કોઈએ કહ્યું નહીં, એટલે બીજાં કરતાં પોતે કંઈક વિશેષ છે તેવી લાગણી તેના પર હાવી થઈ જાય તે સ્વાભાવિક છે. ભીમ જો આટલો ખાઉધરો ન હોત તો તેનાં બળમાં જે આક્રમકતા આવવી જોઈતી હતી તે આવી શકી હોત ? અસલામતીની ભાવના ન હોત તો અર્જુનને આટલી કડી સાધના કરવાનું મન થતું રહેત? કોઈક વાર આપણી નકારાત્મક બાજૂ આપણું સબળ પાસું બની જાય છે. આપણે જ્યારે સફળ થઈએ છીએ ત્યારે આપણામાંની ગમાર વૃત્તિ આપણી કૃતનિશ્ચયતામાં ખપી જાય છે. જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી સંવેદના, ભલાઈ, સરળતા, આપણી કચાશ સાબિત થાય છે.
પાંડવો જીત્યા ખરા પણ તેમનો વિજય તેમના ખાસ ગુણોને કારણે થયો હતો? કે પછી તે સાચા સમયે સાચા નિર્ણયોને કારણે થયો હતો? કે પછી પાસા જ તેમની તરફેણમાં પડ્યા? પાંડવોનું માનવું હતું કે તેઓએ જેમ કૃષ્ણની મદદથી હસ્તિનાપુર પર વિજય મેળવ્યો હતો તેમ તેઓ સ્વર્ગમાં પણ જગ્યા મેળવી લેશે. પરંતુ એમ થયું નહીં. એમના પોતાના બળ પર જ્યારે તેઓએ ઊભા રહેવાનું આવ્યું ત્યારે તેઓ નિષ્ફળ નીવડ્યા.
એકલા યુધિષ્ઠિર જ સદેહે સ્વર્ગમાં પ્રવેશ મેળવી શક્યા. તેમની સાથે સાથે જ ચાલેલા કુતરાને પણ જ્યાં સુધી સ્વર્ગમાં પ્રવેશ આપવાનું નક્કી ન થયું ત્યાં સુધી તેમણે પણ સ્વર્ગમાં પ્રવેશ ન કર્યો. તેઓ સમાનતામાં માનતા હતા. પરંતુ સ્વર્ગમાં જઈને તેઓ જૂએ છે તો તેમના તમામ અવગુણો ધોવાઈ ગયા હોય તેમ કૌરવો સ્વર્ગમાં મોજ કરી રહ્યા હતા. આથી યુધિષ્ઠિરને ગુસ્સો આવ્યો. તેમને સમાનતા વગેરેની વાતો ભુલાઈ ગઈ, કેમકે તેમના ભાઈઓ તેમની નબળાઈઓને કારણે નરકમાં સબડતા હતા. એ મહાન રાજાને યાદ કરાવાયું કે કૌરવોની છ્ટછાટ પર નિયમન રાખવાને કારણે તેઓ પૃથ્વી પર સારા રાજા નીવડ્યા હતા, પરંતુ, કદાચ,  સ્વર્ગમાં તે સારો ગુણ નહી ગણાય.
એક વિભાગના કે ટીમના વડા તરીકે સંચાલકની જે વર્તણૂક હોય તે તે જ્યારે સંસ્થાનો મુખ્ય પ્રબંધક બને ત્યારે ન ચાલે.પોતાનો દૃષ્ટિકોણ બદલવા માટે પોતાની વિચાર્સરણીને તેમણે સંદર્ભોચિત બનાવવી પડે.
  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩૦ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Five lessons India Inc can learn from the Pandavasનો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો