બુધવાર, 18 ડિસેમ્બર, 2019

આપણે ગોડસેને માફ કરી શકીએ? - દેવદત્ત પટ્ટનાઈક


કદાચ, મહાત્મા ગાંધીજીએ અત્યાર સુધી નાથુરામ ગોડસેને માફ કરી દીધો હોત. પણ જે ભારતીયોને પોતાના બિનસાંપ્રકાદાયિતાવાદી હોવાનું સાબિત કરી બતાવવું છે તેમનું શું? તેઓ કદચ, હજૂ, માફ નહીં કરે. જમણેરી હિંદુત્વવાદીઓ, જાહેરમાં ભલે ગમે તે કહેતા હોય, પણ એમણે તો ગોડસેને પહેલથી જ ગુન્હેગાર નથી માન્યો. જોકે આ બધી તો માન્યતાઓ અને સંભાવનાઓની વાત છે. પુરાણશાસ્ત્રોની જેમ.
ભારતની આઝાદીની લડત લાંબા સમય સુધી ચાલી, અને તે ખુબ સંકુલ હતી. સદીઓ પુરાણાં આપણાં ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્યની જેમ, આઝાદીની લડતને ત્યારે લડવાના દૃષ્ટિકોણ, અને અત્યારે મુલવવાના દૃષ્ટિકોણમાં, પણ અનેકાનેક વિવિધ પાસાંઓ રહેલાં છે. સૌથી વધારે પ્રભાવશાળી, અને વ્યાપક, તેમ જ સફળ પણ, અભિગમ હતો ગાંધીજીનો અહિંસાનો અભિગમ. જેનો અમલ  ભારતીય નેશનલ કોંગ્રેસ  રાજકીય રીતે કરી રહી હતી. જોકે ગાંધીજી મહદ અંશે રાજકારણની બાબતે સીધા સીધા તેમાં સહયોગી નહોતા, પરંતુ તેમના અભિગમને સ્વીકારેલ તેમના નીકટના ઘણા સાથીઓ તેનો રાજકીય રીતે અમલ કરતા હતા. સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ જેવા કેટલાક આઝાદી સંગ્રામના લડવૈયાઓ હિંસક અભિગમની તરફેણ પણ કરતા હતા. પરિસ્થિતિની કરૂણતા એ બની કે હિંસા દ્વારા આઝાદી મેળવવા તૈયાર સાથીઓ અહિંસક માર્ગ અનુસરવા માગતા સાથીઓને સામે આવી ગયા. અને હવે વાત માત્ર અમલીકરણના અભિગમની પસંદગીમાંથી નૈતિક મુદ્દાઓને સ્પર્શવા લાગી હતી.
નાથુરામ ગોડસે આઝાદીનો સૈનિક હતો., પરંતુ  તેણે ગાંધીજીની હત્યા પણ કરી હતી. એટલે તે સારો સૈનિક થયો કે ખરાબ ? તેને આઝાદીનો લડવૈયો કહી શકાય ખરો? તેને હજુ પણ દેશભક્ત કહેવાય? આપણને તે માટે છૂટ છે ખરી? તેને આઝાદીનો સૈનિક કે દેશભક્ત કહેવાથી, આપોઆપ જ તેના ગુન્હા યોગ્ય ગણાઈ જાય? માત્ર અહિંસક લોકો જ દેશભક્ત હોઈ શકે? હિંસા કે ખુન પરની કોઈ પણ ચર્ચા કરવાથી હિંસા અને ખુનને વ્યાજબી ઠેરવીએ છીએ એમ માની લઈ શકાય ખરૂં?
આપણે વધારે ને વધારે સુરૈખિક સમાજ બનતાં જઈએ છીએ. એટલે કે એવો સમાજ જેમાં શું સારૂં કે શું ખરાબ, શું યોગ્ય કે શું અયોગ્ય, શું સાચું કે શું ખોટું તેની સ્પષ્ટ લક્ષ્મણ  રેખા જ ખેંચી દેવામાં આવી છે. જે લોકો બહુ વધારે ડાબેરી ઝોક ધરાવે છે તે લોકોમાં આમ વધારે જોવામાં આવે છે, કેમ કે મોટા ભાગના રાજકીય કે આર્થિક સિધ્ધાંતો વરદાયિની ભૂમિની અબ્રાહમી પૌરાણિક માન્યતા પર આધારીત છે, જેના અનુસાર, એક દિવસ, ક્રાંતિ દ્વારા દુનિયાની બધી અસમાનતાઓ ખતમ થઈ જશે અને બધાં સમાન હોય એવી દુનિયાનું સર્જન થશે. ખુબીની વાત એ છે કે હિંદુ ધર્મના નવા રાજકીય અવતાર હિંદુત્વનો ઝોક પણ આવી જ સુરૈખતા તરફ વધતો જતો જોવા મળે છે, જેને પરિણામે હિંદુ ધર્મની ચક્રીય વિચારસરણી સાથે આજનું હિંદુત્વ વધારેને વધારે અસુખ અનુભવે છે.
ચક્રીય દુનિયાદારીમાં, ખુન સુધ્ધાં કંઈ સારૂં કે કંઈ ખરાબ નથી હોતું. એ બધી ઘટનાઓ છે. દરેક ઘટનાને કોઈ પણ પગલાનાં પરિણામ, કે ભૂતકાળમાં લેવાયેલાં કોઈ પગલાંનાં પરિણામની નજરે જોવામાં આવે છે. પોતાની સમજ અને વિવેકબુધ્ધિ અનુસાર, માનવ વિચારશક્તિ આ ઘટનાઓને સારી કે ખરાબ કે, સાચી કે ખોટી તરીકે મૂલવે છે. જે આ બધું જ જોઈ શકે છે, તે , ભગવાન, આ માનવીનો માનવીય સ્થિતિ સાથેના સંઘર્ષનો તાલ જૂએ છે અને મનમાં ને મનમાં, પ્રેમથી, મુસ્કરાય છે. 
આપણે આપણી જાતને વિશ્વાસ કરાવી દીધો જ=છે કે દુનિયાનું  સુરૈખ દર્શન જ વાસ્તવિક છે ગાંધીજી સંત છે અને ગોડસે પાપી છે. ગાંધીજીને સ્વર્ગ જ મળશે પણ ગોડસેનું નક્કી નહીં. ગાંધીજીએ પોતે પોતાની આત્મકથામાં ખોટું હતું તે લખ્યું છે, પણ તેમના માટે ખરાબ કહેતાં આપણે બીએ છીએ. એક રાજકીય વિચારધારા માટે કરીને  કે કદાચ રાજકીય વિરોધ ન થાય એટલા સારૂ, ગોડસે વિશે સકારાત્મક લખ્યું હોય એવાં પુસ્તકો કે નાટકોનો આપણે નિષેધ કરીએ છીએ. ગોડસેની વર્તણૂક માટે આપણે માનસીક કારણોની તપાસ કરીશું, - એક બાળક તરીકે તેને છોકરીનાં કપડાં પહેરાવાતા, નાકમાં વાળી પહેરાવાતી (એટલે એનું નામ નાથુરામ છે !).એ સમયના ગ્રાંમીણ સમાજમાં જેનાં પહેલાં પહેલાંના નર સંતાનો નાનપણમાં જ ગુજરી જતાં એવાં નર બાળકની ઉપર નજર ન બગડે એટલે તેને છોકરીનાં કપડાં પહેરાવવાં એ બહુ સામાન્ય પ્રથા ગણાતી. નાથુરામના એવાં ત્રણ ભાંડરૂ મરી ગયાં હતાં. જે લોકોને ગોડસે ગમે છે તેવાં લોકોને આવાં વિશ્લેષણોથી ચીડ ચડે છે તો જેમને ગોડસે નથી ગમતો તેમને જોશ ચડે છે. ઘણી વાર તો આવી સંદિગ્ધ લૈંગિક વૃત્તિ માટે વિશ્લેષકની અસ્વસ્થતા એમાં છતી થાય છે. એવાં લોકો માટે સંદિગ્ધ લૈંગિક વૃતિ ગુન્હાખોરીમાં જ પર્તિબિંબિત થાય એવું નક્કી હોય છે.
જોકે, આપણામાં કેટલાંક વિરોધાભાસીઓ પણ છે - ગાંધીજી માટે પૂરાં જોમથી, લાંબા લાંબા નિબંધોમાં, અવળૂં લખશે કે અને ડૉ. આંબેડકર વિશે સારૂં સારૂં લખશે. કે ગોડસેને સાચો ચિતરશે અને ગાંધીજીને ખોટા બતાવશે. પાકિસ્તાનમાં જિન્નાહ વિષે જરા પણ ઘસાતું નહીં લખાય, પણ ભારતમાં  કાયમ વાંકું જ લખાશે. ડૉ. આંબેડકરથી કંઈ ભૂલ થઈ શકે એવું લખવાની કોઈ હિંમત ન કરી શકે, સવર્ણ તો ખાસ. એમ કરવું એ રાજકીય આત્મહત્યા પરવડે. પણ વિરોધ વેંચાય છે. એટલે શિક્ષણવિદો અને કલ્પના સાહિત્ય લખનારાંઓ તેમના શોધનિબંધો કે નવલથાઓના વિષયમાં સંઘર્ષને રાખવાનું પસંદ કરશે. સુરૈખ દુનિયાદારીમાં આટલી બધી તાકાત છે.
પરંતુ, આઝાદીની લડતનાં લાભાર્થીઓ તો આઝાદીના લડવૈયાઓના હિસાબો રાખવા બેસી ગયાં છે, આપણે કોઈકને પ્રશંસાનાં ફૂલ ચડાવીએ છીએ તો કોઈને માથે માછલાં ધોઈએ છીએ. આપણા પૂર્વગ્રહો અને આપણી કલ્પનાઓમાં રાચવામાં આપણે ભૂલી જઇએ છીએ કે તેઓ, પોતપોતાની રીતે,બધાં દેશપ્રેમી તો હતાં જ  અને દેશની આઝાદી માટે એટલે પૂરાં જોશથી લડી રહ્યાં હતાં કે જેથી આવનારી પેઢીઓ સ્વંતંત્રતાના સૂર્યના પ્રકાશથી પ્રજ્વલિત આકાશમાં નીખરતી રહે.
મહાભારતમાં એકલા યુધિષ્ઠિરને જ સદેહે સ્વર્ગમાં પ્રવેશ મળે છે. પરંતુ તેમની સાથે છેક નીચેથી સાથે સાથે ચાલી રહેલ કુતરાને પ્રવેશ ન મળે ત્યાં સુધી તેઓ પ્રવેશ મેળવવા નથી માગતા. તેઓ સમાનતાના આગ્રહી હતા. પરંતુ, સ્વર્ગમાં તેઓ તેઓ કૌરવોને મજા કરતા જૂએ છે, જાણે કે તેમનાં બધાં પાપ ધોવાઈ ગયાં હોય. પોતાના ભાઈઓ નર્કમાં સબડે છે તે યાદ આવતાં જ યુધિષ્ઠિર ગુસ્સે થઈ જાય છે. તેઓ ભગવાનને ફરિયાદ કરે છે. જેના જવાબમાં ભગવાન તેમને કહે છે કે, તમે કુરુક્ષેત્રમાં કૌરવોને વીણી વીણીને હણી નાખ્યા, તેમનૂં રાજપાટ લઈ લીધું, તેના પર સોળ સોળ વર્ષ સુધી રાજ્ય પણ કર્યું, છતાં પણ તમે તેમને માફ નથી કરી શક્યા? કેટકેટલી સજા ભોગવશે એ લોકો? યુધિષ્ઠિર, તમે જેમને ધીક્કારતા હતા તેમને માટે તમારાં દિલમાં અનુકંપા ક્યારે જાગશેજ્યાં સુધી તમારાં દિલમાં એ કક્ષાની ઉદારતા નહીં ઊગે, ત્યાં સુધી તમે સ્વર્ગના અસલી હકદાર નહીં બની શકો.

https://www.dailyo.in/માં ૪ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

'અર્વાચીન સંચાલન વ્યવસ્થા અને  ભારતીય પૌરાણિક કથાઓ - દેવદત્ત પટ્ટનાઇક -સંપુટ ૧૧મો' માં પ્રકાશિત બધાજ લેખો એક સાથે વાંચવા / ડાઉન્લોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો