બુધવાર, 1 જાન્યુઆરી, 2020

મહત્ત્વનું છે સંદર્ભોચિત બનાવવું - દેવદત્ત પટ્ટનાઈક


જો તમે ભક્ત છો, તો તમે મંદિરે જતાં જ હશો. પરંતુ, તમે મંદિરે જતાં હો એટલે તમે ભક્ત પણ છો? જે લોકો રીતરિવાજ માટે આંધળો આગ્રહ રાખે છે અને પોતાનાં છોકરાંઓમાં પણ ભક્તિ ભાવ જાગે એટલે રીતરિવાજોને ઠોકી બેસાડવાનું ઉચિત ઠેરવે છે એવાં લોકોને હું આ સવાલ પૂછતો હોઉં છું. એ લોકો તેમનાં સંતાનોને રીતરિવાજથી એટલાં આદી કરી મૂકે છે કે રીતરિવાજનું પાલન ન કરવાનાં પરિણામોનો સંતાનોમાં ભય પેસી જાય છે. તેમને રીતરિવાજની ઘરેડ જ માફક આવી જાય છે, પણ એ રીતરિવાજોના મૂળ અર્થની ઊંડાઈ તો તેઓ ક્યારે પણ સમજી નથી શકતાં. પરિણામે,એટલું નક્કી નીવડે છે કે સંતાનો ભક્ત તો નથી જ બનતાં. પરંતુ ,પરિણામરૂપ,,એક વાત જરૂર સારી નિપજે છે - સંતાનો પર રીતરિવાજ ઠોકી બેસાડવાથી, રીતરિવાજ તો પેઢી દર પેઢી હસ્તાંતર થતાં રહે છે, પછી ભલે તે એક સુગઠીત ક્રિયાનું સુગઠીત નૃત્ય મુદ્રાઓમાં ભજવાતું/ દેખાતું ખાલી ખોખલું સ્વરૂપ બની રહે, જેમાં કરાતી અંગમુદ્રાઓનો કોઈને ન તો અર્થ સમજાતો હોય કે ન તો તેનો હેતુ ખબર પડતો હોય. આચરણ માન્યતાને ઘડે છે એમ ધારી લેતાં આચરણ સંબંધિત વિજ્ઞાન માટે આ એક મોટી દ્વિધા છે. તેમનું માનવું છે કે જો તમે વિનમ્ર બનો છો, તો તમે શિષ્ટ છો; જો તમે તમારાં સાથીઓને ધ્યાનથી સાંભળનાર છો, તો એમણે જે કહેવાનું છે તેમાં તમને ખરેખર રસ પડે છે.; જો તમે યોગ્ય પહેરવેશ પહેરતાં હો છો તો લોકો તમને ગંભીરતાપૂર્વક જૂએ છે.

અને એમ લોકો કરે છે, ખરૂં ને ? પંચતારક હૉટેલમાં તમે આધુનિક પહેરવેશ પહેરીને જાઓ. કે જરા પાશ્ચાત્ય ઉચ્ચારોવાળું અંગ્રેજી બોલો કે મોંઘી કારમાં જાઓ કે મોંઘો મોબાઈલ સાથે લઈ આવ્યાં હો તો તમને વધારે આવકાર મળતો જણાશે. લોકો બાહ્ય દેખાવને વધારે માને છે: દેખાવડાં ઉમેદવારને ઇન્ટરવ્યુ દરમ્યાન વધારે ધ્યાન આપવામાં આવે, 'સહકાર' 'ટીમ વર્ક' 'નેટવર્કીંગ' જેવા શબ્દયોગ કરો તો અગ્રણી તરીકે તમારી સ્વીકૃતિ વધારે સારી રહે. દેખાવનું માહાત્મય તો છે. સફળ લોકો મુજબ વર્તવા માટે આપણને ભારપૂર્વક કહેવામાં આવે છે. તમે જેમ એમના જેવું વધારે વર્તન કરશો, એમ સફળ થવાની તમારી શક્યતા વધારે. આપણે તેમને આદર્શ માપદંડ તરીકે સ્થાપિત કરી દઈએ છીએ; નકલ કરવી એમ કહેવા કરતાં ‘આદર્શ માપદંડ’ વધારે સારો શબ્દપ્રયોગ છે ને !

મારા એક, બહુ સન્માનીય, વ્યાવસાયિક મિત્રએ મને રામાયણ આધારિત ગુજરાતમાં પ્રચલિત એક કથા કહી, જે આજનાં નકલખોરી, કે પછી બેન્ચમાર્કીંગ (!),ના સમયમાં મને બહુ મહત્ત્વની જણાઈ. સીતાજીને પોતાની લંકામાં ઊઠાવી લાવ્યા પછી તેમને વશમાં કરવા માટે રાવણ કૃતનિશ્ચયી બની બેઠૉ હતો. તેણે સીતાને મનાવવા તેને સલાહ આપતા દેવ કે ડરાવતા દૈત્ય જેવાં અનેક સ્વરૂપો અજમાવી જોયાં હતાં, પણ એકેયમાં તેની કારી ફાવી નહોતી. છેવટે તેણે ખુદ રામનું જ રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું. એ મુજબ નક્કી કરતાંવેંત તેનાં આજુબાજુનાં બધા માટે તેને સમાનુભૂતિ જાગૃત થઈ ઊઠી. પોતાના મોટા ભાઈ કુબેર પાસેથી પડાવી લીધેલ લંકા તેમને પાછી આપવાનું તેને મન થવા લાગ્યું. આવી બધી લાગણીઓ જાગવાથી રાવણ તો ડરી ગયો, અને તેણે રામનું રૂપ ધારણ કરવાનું માંડી વાળ્યું.

આપણે એમ માનીએ છીએ કે બીજાં જેવાં દેખાઈને, બીજાંની જેમ વર્તન કરીને આપણે તેમની જેમ જ વિચારતાં પણ થઈ જશું. એક વ્યક્તવ્યમાં કોઇકે કહ્યું કે સ્ટીવ જૉબ્સને કોઈએ પ્છ્યું કે તે પોતાના કર્મચારીઓ સાથે ઉધ્ધતાઈભરી કડકાઈથી કેમ વર્તે છે. તો કહેવામાં આવે છે એ મુજબ તેનો જવાબ હતો કે તેની આ અધીરાઈ અને ઉત્કૃષ્ટતા માટેનો આગ્રહ જ આઇપૉડ બનાવવામાં તેની સફળતા માટેનાં ચાલક બળ હતાં. અહીં હવે કારણ અને અસરમાં ઉલટસુલ્ટ થતી જણાય છે. ધારણા એ છે કે જે લોકો ઉદ્દત હોય છે તે લોકો સંપૂર્ણતાના પણ આગ્રહી હોય છે. પણ સંપૂર્ણતાના એવા કેટલાય આગ્રહીઓ જોવા મળશે જે તેમના સાથીઓ સાથે સારી રીતે વર્તતા હશે અને એવા કેટાલાય ઉદ્દત લોકો જોવા મળશે જે સાવ અવ્યવસ્થિત અને અધુરાશભર્યાં હોય છે. માનવી હોવાને નાતે આપણને દરેક વાતનું કારણ શોધવાની લત લાગી હોય છે, જેનાં એક પરિણામરૂપે સફળ નેતાઓની આદતોને આપણે તેમની સફળતાનાં કારણોમાં ખપાવી દેતાં હોઈએ છીએ. સમયસર કામ કરતી વ્યક્તિ સફળ બને છે, કે કાર્યકુશળ વ્યક્તિ સફળ બને છે, કે સુઘડ પહેરવેશ પહેરેલ વ્યક્તિ સફળ બને છે કે દાદાગીરી કરતી વ્યક્તિ પોતાનો મારગ કાઢે છે કે નમ્ર વ્યક્તિનો મારગ મોકળો બનતો રહે છે એવાં બધાં તારણો આપણને બહુ ગમી જતાં હોય છે, પરંતુ, એવાં તારણ સાચાં હોય છે ખરાં? કે પછી આ બધું એટલું સહેલું છે કે તેની નકલ કરી શકાય ?

સંદર્ભની અવધારણા નકલમાં રહેલી છે તેની આ બધી ચર્ચામાં આજુબાજુ કોણ છે એ વિશેની સંવેદનશીલતા કે શૂં ચાલી રહ્યું છે તે જાણવાની ખરી ઉત્સુકતા કે શેનો ઉપાય શોધાઈ રહ્યો છે જેવી બાબતો તો ક્યાંય જોવા જ નથી મળી રહી. પારિસ્થિતિક તંત્રવ્યવસ્થા અનુસાર અનુકુળ થવાની આપણી ક્ષમતાને,કે આપણે ધારીએ એ મુજબ બીજાં પાસે, મોટા ભાગે સારી રીતે -અને તેમ નહીં તો ધાકધમકીથી - કરાવી શકવાની ક્ષમતાને, આદતો સાથે નહીં પણ સંવેદનશીલતા સાથે કે પ્રતિભાવાત્મક્તા વિશેનાં કૌશલ સાથે વધારે સંબંધ છે. સફળતાનું સુત્ર ખરેખર તો કોઈને જ ખબર નથી હોતું. સફળ લોકોને પોતાની સફળતા દોહરાવવી મુશ્કેલ પડતી હોય છે, કેમકે આસપાસના સંજોગો, બજારો, સંદર્ભો સતત બદલ્યા કરતાં રહે છે અને તેની સાથે અસરકારકતાપૂર્વક કામ લઈ શકે એવી પ્રતિભાઓનો પુરવઠૉ હંમેશાં ટાંચો હોય છે. આપણે જે જાણીએ છીએ તેનાથી કામ લઈએ છીએ, પણ એક વાત અચુકપણે સ્વીકારવી જોઈએ કે દરેક સમસ્યા આગવી હોય છે, અને સર્વસામાન્યપણે લાગુ પડી શકે એવા કોઈ ઉપાય હોતા નથી. અને એટલે જ, એવા પ્રશ્નોના ઉકેલ ખોળવા માટે આપણને મશીન નહીં, પણ માણસ જોઈએ.
                ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૬ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Contextualising Is Keyનો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧ જાન્યુઆરી, ૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો