બુધવાર, 22 જાન્યુઆરી, 2020

હું શા માટે લખું છું ? (૧૯૪૬) - જ્યોર્જ ઓર્વેલ [ ૧ ]


જ્યોર્જ ઓર્વેલનાં તખલ્લુસથી વધારે જાણીતા એરિક આર્થર બ્લૈર (જન્મઃ ૨૫ જૂન ૧૦૯૩ - અવસાન ૨૧ જાન્યુઆરી, ૧૯૫૦) ની બહુપ્રચલિત રચનાઓ, એનીમલ ફાર્મ કે નાઈન્ટીન એઇટી ફૉર એક ચોક્કસ વિચારધારાની પ્રશિષ્ટ સાહિત્ય રચનાઓમાં જે સ્થાન મેળવતી રહી છે, તેટલું જ મહત્ત્વનું સ્થાન જ્યોર્જ ઑર્વેલનું એક જબરદસ્ત પ્રભાવશાળી નિબંધકાર તરીકે પણ રહ્યું છે.
'હું શા માટે લખું છું?'["Why I Write"] (૧૯૪૬) જ્યોર્જ ઑર્વેલની લેખક બનવા માટેની પોતાની અંગત સફરને વર્ણવતો નિબંધ છે. સૌ પ્રથમ વાર એ ૧૯૪૬ની ગેંન્ગરૅલની ઉનાળૂ આવૃતિમાં પ્રકાશિત થયેલ, આ સામયિકના તંત્રીઓ, જે બી પિક અને ચાર્લ્સ નીલ દ્વારા અમુક ચુનંદા લેખકોને તેઓ શા માટે લખે છે તે સમજાવવા જણાવાયેલું.



[ ]

... news of the massacre at Guernica reaches Paris ...
બહુ નાની ઉમરથી, કદાચ પાંચ છ વર્ષની વયે જ, મને ખબર હતી કે મારે મોટા થઈને લેખક થવું છે. તે પછી, ૧૭ થી ૨૪વર્ષના ગાળામાં મેં એ  વિચાર છોડી દીધો, પણ તે નિર્ણય મેં સભાનપણે લીધેલો કે હું મારા મૂળ સ્વભાવને ક્રોધિત કરીને આમ કરી રહ્યો છું, આજ નહીં તો કાલે પણ  સ્થિર થઈને હું પુસ્તકો લખીશ ખરો.

હું ત્રણ સંતાનોમાંનું વચ્ચેનું સંતાન હતો
, પણ મારાં બન્ને ભાંડરૂઓથી મારે પાંચ પાંચ વર્ષનો ફરક હતો. હું આઠ વર્ષનો થયો ત્યાં સુધી મેં મારા પિતાને ભાગ્યે જ જોયા હશે. આ અને બીજાં અન્ય કારણોસર હું કંઈક અંશે એકલો પડી ગયો હતો. શાળામાં પણ મારી ઝઘડાળુ વર્તણૂકને કારણે હું મારા સમગ્ર શળાકાળ દરમ્યાન હું બધાંને અણગમતો બની રહ્યો હતો. એકાંકી છોકરાંઓની જેમ મને પણ કહાનીઓ ઘડી કાઢવાની અને કાલ્પનિક  લોકો સાથે સંવાદો કરવાની ટેવ પડી ગઈ હતી. મને લાગે છે કે મારી સાહિત્યિક શરૂઆતથી જ મારી આકાંક્ષાઓ અને વિખૂટા પડી જવાની અને પોતાની કિંમત ઓછી આંકવાની મારી લાગણીઓ ભેળસેળ થઈ ગઈ હતી. મને ખબર હતી કે શબ્દો સાથે અને અપ્રિય હકીકતોનો સામનો કરવા બાબતે મને ફાવટ છે. એ કારણે મેં મારૂં એક અંગત વિશ્વ બનાવી લીધું હતૂં જેમાં રોજબરોજની મારી નિષ્ફળતાઓ માટે હું મારી પાસે પાછો ફરી શકું. એમ હોવા છતાં પણ, મારાં સમગ્ર બાળપણ અને કિશોરાવસ્થા દરમ્યાન,  મારાં ગંભીરપણે, એટલે કે ગંભીર આશયથી, લખાયેલ લખાણો તો અર્ધોએક ડઝન પાનાંઓથી વધારે નહોતાં બની શક્યાં.
મેં મારી પહેલી કવિતા ચાર કે પાંચ વર્ષની ઉમરે લખી હતી, જેના માટે મારી માતા લહિયો બન્યાં હતાં. મને તે કવિતા વિશે કંઈ જ યાદ નથી, સિવાય કે તેમાં વાઘ કે એ વાઘના 'ખુરશી જેવા દાંત હતા' જેવો કોઈ શબ્દપ્રયોગ હતો. મને એવું પણ યાદ છે કે તે બ્લૅકનાં કાવ્ય 'ટાઈગર, ટાઈગર'ની નકલ હતી. અગિયાર વર્ષની ઉમરે, જ્યારે ૧૯૧૪નું યુધ્ધ ફાટી નીકળ્યું હતું, મેં એક દેશભક્તિનું કાવ્ય લખ્યું હતું, જે સ્થાનિક અખબારમાં છપાયું હતું. એવું જ બે વર્ષ પછી કિચનરનાં અવસાન પર લખેલ એક કાવ્ય પણ છપાયું હતું. હં થોડો મોટો થયો તે પછી, સમયે સમયે મેં કેટલાંક, શાહી શૈલીની અસરરવાળાં, ખરાબ કે અધૂરાં રહેલ 'કુદરત પરનાં કાવ્ય' પણ લખ્યાં હતાં. મેં એક ટુંકી વાર્તા લખવાનો પણ પ્રયાસ કર્યો હતો જે કરૂણ રકાસમાં પરિણમ્યો હતો. આ છે મારા એ સમયમાં કાગળ ઉપર જેમને મેં ઉતારવાના ગંભીર પ્રયાસો કર્યા હતો તેમનો સરવાળો.
જોકે, એ બધા સમય દરમ્યાન મેં મારી સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. શરૂમાં તે માગ્યા મુજબ લખી અપાતં સાહિત્ય હતું જે હું ઠીકઠાક ઝડપથી, મને મજા ન હોતી આવતી તો પણ, સહેલાઈથી લખી નાખી શકતો હતો  શાળાનાં કામ સિવાય મેં પ્રાસંગિક  કાવ્યકણિકાઓ, અર્ધ-મજાકીયાં કાવ્યો લખ્યાં જે આજે એમ જણાય છે કે મેં બહુ ઝડપથી ઘસડી માર્યાં હતાં. ચૌદમે વર્ષે, મેં એક જ અઠવાડીયામાં ઍરિસ્ટોફેનસની નકલ કરતું અન્ત્યાનુપ્રાસવાળું એક કાવ્ય લખ્યું. શાળાનાં સામયિકની મુદ્રણ તેમ જ હસ્તપ્રત કક્ષાએ સંપાદનમાં મદદ કરી. આ સામયિકો તમે કલ્પી ન શકો એ હદનાં, હાસ્યાપદ નકલોની કક્ષાનાં,બન્યાં હતાં. આજે હું સસ્તામાં સસ્તાં પત્રકારત્વ માટે જેટલી મહેનત લઉં તેનાથી પણ સાવ ઓછી મહેનતે એ સામયિકો તૈયાર કર્યાં હતાં.
પણ તેની સાથે સાથે, પંદર કે તેથી વધારે વર્ષો સુધી હું એક સાવ અલગ જ પ્રકારના સાહિત્યિક પ્રયોગ કરતો રહ્યો : એ પ્રયોગ હતો, મારા મનમાં જ વસેલી એક રોજનીશી જેવી, મારા વિષે એક 'કહાની' સતત બનાવ્યા કરવાનો. મારૂં માનવું છે કે બાળકોમાં અને કિશોરોમાં આ એક સામાન્ય ટેવ છે. સાવ નાનું બાળક હતો ત્યારે હું મારી જાતને રોબિન હુંડ કલ્પી લેતો. પછી તેનાં અવનવાં સાહસોના નાયક તરીકેનાં ચિત્ર મારા સામે ખડાં થઈ જતા. બસ, એ પછી તરત મારી કહાની, સાવજ અપરિપક્વ દશામાં, આત્મશ્લાઘા બનવાની બંધ  થઈ જતી. તે પછી બની  જતી એ મારી નજર જે જોતી એનું એક સાવ સામાન્ય વર્ણન. આવા સમયે મિનિટો સુધી મારા મનમાં આવું બધું ચાલતું રહેતું: ‘તેણે દરવાજો ધક્કો મારીને ખોલી નાખ્યો, અને તે ઓરડામાં દાખલ થયો. મખમલના પર્દાઓમાંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશનો એક પીળો શેરડો, ટેબલ પરના શાહીના ખડીયાની બાજુમાં પડેલ , અર્ધ-ખુલી, માચીસની પેટી પર પથરાઈ જઈ રહ્યો હતો. જમણો હાથ ખીસ્સાંમાં રાખીને તે બારી પાસેથી પસાર થયો. બહાર શેરીમાં એક પીળા-બદામી ટપકાં ધરાવતી બિલાડી ખરી પડતાં પાંદડાંની પાછળ દોડતી હતી, વગેરે વગેરે. મારી આ ટેવ હું પચીસ વર્ષનો થયો ત્યાં સુધી, મારાં બિન-સાહિત્યિક વર્ષો દરમ્યાન,  ટકી રહી. મારે યોગ્ય શબ્દો શોધવા પડતા હતા. મેં શોધ્યા પણ ખરા. વર્ણન માટેના આ પ્રયત્નો હું, લગભગ, મારી મરજીની વિરુદ્ધ, બહારનાં કોઈ અકળ દબાણ હેઠળ, કરી રહ્યો હતો. મને લાગે છે કે અલગ અલગ ઉમરે જે લેખકો મને ગમ્યા તેવા અનેક લેખકોની શેલીની ઝલક એ 'કહાની'માં જોવા મળી હશે. પણ, મને યાદ છે ત્યાં સુધી તેનાં વર્ણનોની ગુણવત્તા એટલી જ અતિ-સાવધાનીપૂર્વકની રહી હશે.
હું જ્યારે સોળેક વર્ષનો હતો ત્યારે અચાનક જ મને શબ્દના અવાજો અને સાહચર્યનો આનંદ મળી આવ્યો.પેરેડાઈઝ લૉસ્ટની પંક્તિઓ -
એટલે તેય મહામુશ્કેલી અને મહેનતથી
આગળ ખસ્યો : મુશ્કેલી અને મહેનતથી તેય.
મને હવે ખાસ અદ્‍ભૂત નથી લાગતા, તેણે તો મારૂં રોમરોમ ઝણઝણાવી નાખ્યું. 'તે'ને બદલે 'તેય' તો વળી વધારાની મજા ઉમેરે છે. વસ્તુઓને વર્ણવવાની વાતને કરીએ તો તે હું જાણતો જ હતો. એટલે, મારે એ સમયે પુસ્તકો લખવાની વાતમાં તો હવે સ્પષ્ટ હતું કે મારે  કયા પ્રકારનાં પુસ્તકો લખવાં છે. મારે વાસ્તવવાદી, કરૂણાંત, વર્ણનો અને વિગતપ્રચુર, ધ્યાનાકર્ષક રૂપકોવાળી તેમજ પોતાના સ્વરના નાદ માટે જ વપરાયેલા શબ્દોથી અલંકૃત અવતરણોથી સજ્જ, ઢગલાબંધ નવલકથાઓ લખવી હતી. હું જ્યારે ત્રીસ વર્ષનો હતો ત્યારે લખેલી, પણ જાહેરમાં મોડેથી આવેલ, નવલકથા 'બર્મીઝ ડેઝ' લગભગ આ પ્રકારની જ હતી.
લેખકના લેખન માટેનાં પ્રયોજનને વર્ણવતો બીજો ભાગ  ૧૯-૨-૨૦૨૦ના હપ્તામાં સમજીશું.

  • જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Why I Writeનો અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો