બુધવાર, 12 ફેબ્રુઆરી, 2020

અગ્રણીની અનિમેષ દૃષ્ટિ - દેવદત્ત પટ્ટનાઈક

અત્યારે આપણે જેને અફઘાનિસ્તાન તરીકે ઓળખીયે છીએ, તે ગાંધાર રાજ્યની કુંવરીની વાત આપણને સાંભળવા મળે છે. તેનું નામ આપણને હજૂ ખબર નથી. આપણે તો તેને ગાધારની કુંવરી, ગાંધારી, તરીકે જ ઓળખીયે છીએ. તેને કહેવામાં આવ્યું છે કે તેનું લગ્ન કુરૂ વંશના મહાશક્તિશાળી પુત્ર સાથે થવાનું છે. લગ્નની આગલી રાતે તેને જાણવા મળે છે કે એ કુંવર નેત્રહીન છે. એટલે કુંવરી પણ પોતાની આંખો પર કાળી પટ્ટી બાંધી દઈને પોતાને પણ દૃષ્ટિવિહીન બનાવી દે છે. આમ કરવાનું તેનૂં કારંણ શું હશે? અધિકૃત કારણ તો એ હતું કે તે પોતાના પતિની સહધર્મચારિણી હોવાને  નાતે તેમનાં દુઃખમાં સહભાગી થવા માગતી હતી. પરંતુ અનઅધિકૃત કારણ તો  હતું તેને જે રીતે છેતરવામાં આવી હતી તે માટેનું તેનું આ ગર્ભિત ક્રોધ પ્રદર્શન.. આપણે જેમને કૌરવો તરીકે ઓળખીયે છે તે સો પુત્રો પણ તેના થકી રાજાને પ્રાપ્ત થયા હતા. આ પુત્રો કુદરતી રીતે ન જોઈ શકતા પિતા અને કૃત્રિમ રીતે દૃષ્ટિવિહીન બનેલ માતાની છાયામાં ઊછર્યા. જે તેમને જોઈ શકે છે તેની નજરથી પણ વંચિત રહીને મોટા થવું તેમને કેવું લાગ્યું હશે? એ માતાના પુત્રોના મનમાં, તેમના પિતરાઈઓ-પાંડવો-ની પ્રતિભાને કારણે જે વધારે ઘેરી બની હતી એવી, સહજપણે ઘર કરી ગયેલી અસલામતીની ભાવનામાં આ હકીકતની કોઈ ભૂમિકા રહી હશે?
મહાકાવ્યમાં આગળ જતાં જણાવાયું છે કે જ્યારે ગાંધારી તેમની આંખો પરની પટ્ટી હટાવે છે ત્યારે શું થાય છે. તેમણે જીંદગીમાં બે વાર આમ કર્યું હતું - એક વાર કુરૂક્ષેત્રનાં યુધ્ધની શરૂઆત પહેલાં અને એક વાર યુધ્ધ સમાપ્ત થયું ત્યારે. આ બન્ને ઘટનાઓની કથા મહાભારતનાં લોકકથા સ્વરૂપોમાં જોવા મળે છે.
ૠષિઓનું કહેવું હતું કે આટલાં વર્ષો સુધી તેમણે દૃષ્ટિ બાંધી રાખી હતી, એટલે તેઓ હવે પહેલી વાર જેના પર નજર કરશે તે દરેક પ્રકારના અસ્ત્રશસ્ત્રથી અસરથી પર બની શકે છે. પોતાના જ્યેષ્ઠપુત્રની જિંદગીને હર કિંમતે બચાવવાના આશયથી તેમણે દુર્યોધનને તેમની સમક્ષ પૂર્ણ નગ્ન સ્વરૂપે હાજર થવા જણાવ્યું.  દુર્યોધને સૂચનાનો અમલ તો કર્યો પણ થોડી સભ્યતા દાખવવા હિસાબે તેણે પોતાની જાંઘનો ભાગ કેળનાં પાનથી ઢાંકી દીધો. ગાંધારીએ તેને પહેલી વાર જોયો. તે ખૂબ રડ્યાં. તેમણે દુર્યોધનને અસ્ત્રશસ્ત્રથી બચાવી જરૂર લીધો, પણ પૂરેપૂરો નહીં. તેમને સમજાઈ ચૂક્યું કે નિયતિએ,જાંઘ પરના એક ફ્ટકામાં, દુર્યોધનનું ભાગ્ય લખી નાખ્યું છે.
સરલા દાસે લખેલ ઊડિયા મહાભારત અનુસાર, યુધ્ધ સમાપ્ત થયું તે સમયે પાંડવો કૌરવોનાં વૃધ્દ માતાપિતાને મળવા આવ્યા. ગાંધારીએ યુધિષ્ઠિરને જોવાની ઈચ્છા કરી. કૃષ્ણએ કૌરવોમાંથી એક માત્ર બચેલા ભાઈ દુર્દાસને પટ્ટી ખોલવા કહ્યું. પરિણામે ગાંધારીની દૃષ્ટિ સૌ પહેલાં યુધિષ્ઠિર પર નહીં પણ દુર્દાસ પર પડી. દુર્દાસ તત્ક્ષણ ભસ્મ થઈ ગયો. બીજી બધી કથાઓમાં એમ કહેવાયું છે કે ગાંધારીની દષ્ટિ સૌ પહેલી યુધિષ્ઠિરના અંગૂઠા પર પડી અને તે જાંબલી રંગનો બની ગયો.
ગાંધારીની આ બન્ને કથાઓનો સીધો સંબંધ અગ્રણીની અનિમેષ દૃષ્ટિ સાથે છે. તેઓ દૃષ્ટિ કરે છે ત્યારે શું થઈ શકે છે અને નથી કરતા ત્યારે શું શું થઈ શકે છે. તેઓ જેના પર દૃષ્ટિ માડે છે તેને શું થઈ શકે છે. તેમ જ તેઓ શી રીતે દૃષ્ટિ માંડે છે તેનાથી શૂં થઈ શકે છે. એવી ઑફિસની કલ્પના કરો જેમાં કોઈને તમારી સાથે- મૅનેજમૅન્ટ વાતચીત અને સાહિત્યનો અત્યારનો ચલણી શબ્દપ્રયોગ - યથાર્થસભર સંબંધ નથી, જ્યાં લોકો તમને ભારીખમ અર્થવિહિન ક્લિષ્ટ શબ્દોમાં, પરાપૂર્વથી ચાલ્યા આવતા ઘીસાપીટ્યા જવાબો દેતા સાંભળવા મળે છે. જ્યાં દરેક સંવાદ જાણે કે માણસરૂપી મશીનમાં પડઘો પડતો હોય તેમ સામો સંભળાય છે. જ્યાં તમારી સાથે પ્રશ્નોની આપલે માત્ર નિયત ફોર્મમાં ભરીને થાય છે અને જવાબો સોફ્ટવેરનાં અલ્ગોરીધમ દ્વારા આપોઆપ નક્કી થાય છે. જ્યાં કોઈ માનવીને તમારી પડી નથી, તમે માહિતીસંગ્રહનો એક ભાગ છો, એક્સેલ શીટની એક હરોળ માત્ર છો.
આજની તારીખે ઘણી કંપનીઓમાં આ વાસ્તવિકતા છે. જેમ જેમ આપણાં સંચાલન મંડળો ગાંધારી થતાં જાય છે તેમ તેમ આપણે કૌરવો થતાં જઈએ છીએ. એ લોકો નેત્રહીન ધૃતરાષ્ટ્ર નથી, એ લોકો જોઈ શકે તેમ છે, પરંતુ જોવા માગતાં નથી. દૃષ્ટિની કિંમત બહુ ઊંચી છે. એનો અર્થ છે લોકોની લાગણીઓ સાથે હિસાબ માંડવો. સંવેદનાનો છેદ ઉડાડી દેવાય તે રીતે આધુનિક મૅનેજમૅન્ટનું ઘડતર થાય છે. સંસ્થાની દરેક વસ્તુને લક્ષ્યો, જડ,બીબાંઢાળ કાર્યપધ્ધતિઓ  અને કાર્યસિધ્ધિ માટેનાં જ કામ માત્રનાં સ્વરૂપમાં જ જોવામાં આવે છે.
તેમ છતાં, સંસ્થાની સંસ્કૃતિ બૉસની દૃષ્ટિએ શેના પર છે, કે નથી, તેના પર બહુ જ અવલંબે છે. બૉસને જો સ્વચ્છતા પસંદ છે તો બધે જ સફાઈ જોવા મળશે, બૉસને સમયપાલન પસંદ છે તો સમયની પાબંદી બધે દેખાશે, બૉસને જો માર્કેટીંગ પ્રત્યે વધારે લગાવ હશે તો સંસ્થામાં માર્કેટીંગનું વજન વધારે ગણાતું અનુભવાશે. આંખે પટ્ટી બાંધેલ ગાંધારીની જેમ બૉસ પણ અમુક ચોક્કસ બાબતો જ જૂએ છે. તેમને જે બચાવવું છે તે બચાવવા તેના પર તેની બચાવકારી નજર ફરી વળશે. શરત એટલી કે તે સમયે આપણે કેળનું પાન ન પહેર્યું હોય ! તેમને જે નથી જોઈતું, તે ટકી નથી શકતું.
કોઈના પણ વ્યક્તિગત હિતો, પ્રાથમિકતાઓ કે પસંદનાપસંદ સંસ્થા પર હાવી ન થઈ જાય એટલે સંસ્થાઓમાં અગ્રણીઓ પર તંત્ર વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ, હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓનાં અનેક નિયમનો હોય છે. એ કારણે સંસ્થાઓની કાર્યપધ્ધતિઓ અને વિચારસરણીઓ ઓછી ચપળ, ચકોર કે વ્યક્તિગત સ્પર્શવાળી જોવા મળતી હોય છે. તેની સામે ઉદ્યોગસાહસિકોન પર આ પ્રકારના બોજ નથી હોતા, એટલે તેની દૃષ્ટિ નવપ્રયોગો વિશે જોખમ ખેડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, તકની સામે ઝડપી પ્રતિભાવ આપી શકે છે. અને પરિણામે પોતાની વ્યક્તિગત ઉર્જા વડે ટીમનાં સભ્યોની વ્યક્તિગત ઉર્જાને પ્રજ્વલિત કરીને સામુહિક ઉર્જાનો ગુણાકાર કરી શકે છે. સંસ્થાના મુખ્ય પ્રબંધક અને ઉદ્યોગસાહસિકના સંદર્ભ અલગ હોય છે અને એ સંદર્ભને જોવાની તેમની દૃષ્ટિ પણ અલગ હોય છે.
જોકે ઉદ્યોગસાહસિક પણ શેના પર પોતાની દૃષ્ટિ કેન્દ્રિત કરવા માગે છે, કે કરી શકે છે, તેના પર જ બધો આધાર રહેતો હોય છે. તેની દૃષ્ટિ જો પોતાનાં સાહસને લોકપ્રિય બ્રાન્ડ બનાવવા પર હોય તો તેનું ધ્યાન તેનાં સાહસને વધારે વિશાળ પાયા પર લઈ જવા કે તેની લાંબા ગાળાની સંપોષિતા પર ઓછું અને સાહસનાં બ્રાન્ડ મૂલ્યને મહત્તમ કરવા પર વધારે રહે છે. એટલે સંસ્થાનો વિકાસ કે તેનું પ્રક્રિયાભિમુખ સંસ્થાકરણ, પુરતાં સંસાધનો ઉપલબ્ધ હોય તો પણમુર્ઝાયેલાં રહેવાની સંભાવનાઓ વધી જાય છે.
જંગલમાં શિકારી પ્રાણીઓની દૃષ્ટિ શિકારને જ ખોળતી હોય છે, તો શિકારની દૃષ્ટિ પણ શિકારીના સંભવિત હુમલાઓ પર પોતાની નજર રાખે છે. શિકારી કે શિકાર,બન્નેએ દેખાઈ નથી જવું; પરંતુ માનવીના કિસ્સાઓમાં આમ નથી હોતું. મુખ્ય પ્રબંધકે નિયમન મંડળની દૃષ્ટિનું ધ્યાન પોતાની પર રાખવામાં રસ હોય છે, સાહસનાં વિકાસના તબક્કામાં,ઉદ્યોગસાહસિકની નજર  તેનાં સાહસમાં રોકાણ કરે તેવાં નિવેષકોની દૃષ્ટિને પોતાનાં સાહસ તરફ કરવા પર રહેતી હોય છે. કોર્પોરેશનમાં ગ્રાહકને કર્મચારીઓની દૃષ્ટિનાં કેન્દ્રમાં રાખવાનું કહેવાતું હોય છે.
આ બધા દૃષ્ટિકોણનાં પોતપોતાનાં મહત્ત્વ છતાં, સંસ્થાનાં અગ્રણીની તેનાં સહયોગીઓના કામ પર, કે તેમની ભૂમિકા પર કે કંપનીની એ સહયોગી પાસેથી અપેક્ષા  પર, પડતી દૃષ્ટિ કરતાં સહયોગી એક જીવતું જાગતું વ્યક્તિત્વ છે તે પર પડે તેનું આગવું મહત્ત્વ છે.
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A leader’s gazeનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો