બુધવાર, 19 ફેબ્રુઆરી, 2020

હું શા માટે લખું છું ? (૧૯૪૬) - જ્યોર્જ ઓર્વેલ [ ૨ ]

Why I Write ના અનુવાદના પહેલા અંશમાં આપણે જ્યોર્જ ઑર્વેલની લેખક થવા વિશેની પ્રક્રિયામાં તેમણે અનુભવેલી અવઢવ જોઈ. મનના ઊંડા ખૂણે લેખક થવાની પ્રબળ ઈચ્છાની સામે દેખીતી અણઆવડતને નામે, બાલ્યાવ્સ્થાથી તરૂણાવસ્થા સુધી ધરાર નકારાત્મક ચિહ્નોના, બે વિરોધાભાસી પરિબળોને વચ્ચે અટવાયેલ લેખક હવે કોઈ ચોક્કસ માર્ગ પકડી શકે તેવી સમાનુભૂતિની ભાવના આપણા મનમાં પણ ઘેરાઈ ચૂકી છે.

આ બધી પાછળની માહિતી હું એટલા માટે આપી રહ્યો છું કે લેખકના વિકાસના શરૂઆતના તબક્કાને સમજ્યા સિવાય લેખકના ઉદ્દેશનું  મૂલ્યાંકન ન થઈ શકે. તેનાં લેખનનાં વિષયવસ્તુનું ઘડતર તો તે જે સમયમાં રહે છે તેનાથી થાય છે. તેમાં પણ જો સમય બહુમોટી ઉથલપાથલ, ક્રાંતિ,નો હોય તો તો ખાસ. પરંતુ, તે લખવાનું શરૂ કરે તે પહેલાં તેની લાગણીઓનું જે ઘડતર થયું છે  તેનાથી તે સંપૂર્ણપણે મુક્તિ ન મેળવી શકે. પોતાના સ્વભાવ પર નિયમન રાખવું અને કોઈ એક બિનપરિપક્વ તબક્કામાં, તર્કવિમુખ મનોદશામાં, અટવાઈ ન રહેવું, તે બેશક તેનું કામ છે. તેમાંથી જો તે બહાર નીકળી પણ શકે તો તે પોતાની સહજ લાગણીના આવેગના ભોગે જ હોય.
જીવન નિર્વાહ માટે લખવાની જરૂરિયાતને બાજુએ રાખીએ તો પણ મારૂં માનવું છે કે લખવા માટે - કમસે કમ ગદ્યલેખન માટે - લેખકના ચાર અતિમહત્ત્વના ઉદ્દેશ હોય છે. દરેક લેખકમાં, તે જુદા જુદા પ્રમાણમાં રહેલ હોય છે. કોઈ એક લેખકમાં સમયાનુસાર, તે જે સમયકાળમાં રહે છે તે મુજબ, અલગ અલગ પ્રમાણમાં બદલતા રહી શકે છે. તે ચાર ઉદ્દેશ આ પ્રમાણે છે :
(૧) નરી મમત - ચાલાક દેખાવાની ઈચ્છા, પોતા વિશે વાતો થાય, મૃત્યુ પછી પણ લોકો યાદ કરે બાળપણમાં ચુપ કરીને બેસાડી દેતાં મોટાંઓને દેખાડી દેવું, વગેરે, વગેરે. આવા,અને તે પણ  જબરા,આશય નથી એમ કહેવું એ તો હળાહળ છલના છે. લેખકોને આ ખાસીયત - વૈજ્ઞાનિકો, કળાકારો, રાજકારણીઓ, ધારાશાસ્ત્રીઓ, યોદ્ધાઓ, સફળ વેપારીઓ વગેરે ટુંકમાં - સમાજનાં આખાંય ઉપરનાં સ્તરની જેમ હોય છે. મોટા ભાગનાં માણસો બહુ સ્વાર્થી નથી હોતાં. ત્રીસેક વર્ષની ઉમર પછી તો બધાં એક વ્યક્તિ બનવાનું છોડી દેતાં હોય છે - તે પછી મોટા ભાગે બીજાં માટે જીવવાનું શરૂ કરતાં  હોય છે કે પછી નરી વેઠ હેઠળ દબાઈ જતાં હોય છે. પરંતુ બહુ પ્રતિભાશાળી, ધારૂં કરી બતાડે એવી, એવી એક લઘુમતી પણ છે, જે પોતાની જિંદગી અંત સુધી જીવી લેવા માગે છે. લેખકો એ વર્ગમાં આવે છે. લેખનને ગંભીરપણે લેતાં લેખકો, મારે કહેવું જોઈએ કે, ખબરપત્રીઓ કરતાં વધારે ગર્વિષ્ઠ અને સ્વકેન્દ્રી હોય છે. જોકે તેમને પૈસામાં રસ થોડો ઓછો હોય છે.
(૨) સૌંદર્યમય ઉત્સાહ - બહારની દુનિયાનાં સૌંદર્યની કે શબ્દો અને તેમની યોગ્ય ગોઠવ્ણીની અનુભૂતિ. એક સ્વર પર બીજા સ્વરના ટકરાવ, સરસ ગદ્યની મજવૂત બાંધણી કે સારી વાર્તામાં લય. પોતાને જે મૂલ્યવાન લાગે છે તે અનુભવ બીજાં સાથે વહેંચવો અને ચુકી ન જ જવો. મોટા ભાગનાં લેખકોમાં સૌંદર્યમય ઉત્સાહ ઓછો હોય છે, પણ ચોપાનીયાં કે પાઠ્યપુસ્તક લખતા લેખકોના પણ અમુક ખાસ શબ્દપ્રયોગો હોય છે જે તેને કોઈ જ ઉપયોગ સિવાય પણ ગમી જતા હોય છે; કે તેને અમુક ચોક્કસ મુદ્રણશૈલી કે હાંસિયાઓની જગ્યા જેવી બાબતો ગમી જતી હોય છે. રેલ્વે સમયસારણી સિવાયનું કોઈ પણ પુસ્તક, કોઈ પ્રકારની આવી સૌંદર્યબોધક વિચારણાથી વંચિત ન રહી શકે.
(૩) ઐતિહાસિક આવેશ - જેમ છે તેમ જ વસ્તુઓને જોવાની ઈચ્છા, ખરી હકીકતો ખોળી કાઢવાની અને તેમને ભાવિ પેઢીના ઉપયોગ માટે સંગ્રહી રાખવાની ઈચ્છા.
(૪) રાજકીય હેતુ - અહીં 'રાજકીય' શબ્દનો બહોળામાં બહોળો અર્થ કરવાનો છે. દુનિયાને અમુક ચોક્કસ દિશામાં ધકેલવાની કે કેવા સમાજ માટે પ્રયત્નશીલ  રહેવું તે વિશે બીજાં લોકોના વિચાર બદલવાની ઈચ્છા. ફરી એક વાર નોંધ લઈએ કે કોઈ, પણ, પુસ્તક રાજકીય ઝુકાવ સિવાયનું ન હોઈ શકે. કળાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ એ મંતવ્ય પોતે જ એક રાજકીય દૃષ્ટિકોણ છે.
આમ જોઈ શકાય છે કે આ બધા આવેશોને એકબીજા સાથે કેટલી ચડસાચડસી કરવી પડે છે. તે ઉપરાંત, પાછું વ્યક્તિએ વ્યક્તિએ કે અલગ અલગ સમયે ઉપરનીચે થાય તે તો વધારાનું. સ્વભાવગત - 'સ્વભાવ' એટલે પુખ્તતાને ઉંબરે પહોંચતી વખતે જે માનસીક સ્થિતિએ તમારૂં મન પહોંચ્યું હોય - હું એવી વ્યક્તિ છું જેમાં પહેલા ત્રણ આશયો ચોથા કરતાં ઘણા વધારે પ્રમાણમાં અસર કરતા હોય. શાંતિમય સંજોગોના સમયમં મેં કદાચ આલંકારિક  કે કદાચ સાદાં, વર્ણનોવાળાં પુસ્તકો જ લખ્યાં હોત, અને મારી રાજકીય વફાદારીથી હું અજાણ જ રહ્યો હોત. પરંતુ થયું છે એવું કે હું એક પ્રકારનો ચોપાનિયાંદાર જ બની રહ્યો છું. પહેલાં પાંચ વર્ષ હું જરાય ન ગોઠતા વ્યવસાય (બ્રહ્મદેશમાં, ઈન્ડીયન ઈમ્પિરીયલ પોલીસમાં) રહ્યો .તે પછીથી, ગરીબીના અને નિષ્ફળતાના દિવસો જોયા. આને કારણે સત્તા પ્રત્યેનો મારો સ્વભાવગત ધિક્કાર વધતો ગયો અને કામદાર વર્ગનાં અસ્તિત્ત્વની મને પહેલવહેલી વાર પૂરી જાણ થઈ. બ્રહ્મદેશની મારી નોકરીને કારણે મને સામ્રાજ્યવાદ સાથે થોડો પરિચય થયો હતો, પરંતુ આ અનુભવો મારાં રાજકીય દૃષ્ટિકોણને ચોક્કસ દિશામાં ઘડવા માટે પુરતા ન હતા. તે પછી હિટલર, સ્પેનિશ યુદ્ધ વગેરે આવ્યાં. ૧૯૩૫ના અંત સુધીમાં હું હજુ ચોક્કસ નિર્ણય પર પહોંચી શક્યો નહ્તો.  મારી અવઢવને રજૂ કરતી એક કવિતા મેં એ દિવસોમાં લખી હતી, તે મને યાદ આવે છે:
સુખી પલ્લીપુરોહિત હું કદાચ થયો હોત
બસો વર્ષ પહેલાં
શાશ્વત કયામતના ઉપદેશ દેતાં
અને મારાં અખરોટ ઉગતાં;
પરંતુ, જન્મ્યો, હું કમનસીબે, દુઃસમયમાં,
ખોયું મેં તે સુખદાયક નંદનવન,
મારા ઉપલા હોઠ પર રૂંવાટી ફૂટી છે
પરંતુ પાદરીઓ તો બધા સાફ દાઢીમુછવાળા છે.
પછીનો સમય હતો ઘણો સારો,
આસાન હતા અમને રાજી કરવા,
અમારા ખળભળતા વિચારોને થપથપાવીને સુવાડી દેતા
વૃક્ષોની ચાતી પર પસારીને.
વટથી બધા અજ્ઞાનને અમારી સોડમાં લેવાની હામ ભરતાં
વિખરાવતા અમે હવે આનંદો;
લીલીપીળી પાંખોવાળાં ગ્રીનફિંચ સફરજનની ડાળે
મારા શત્રુઓને ધ્રુજાવવા માટે પુરતાં.
પરંતુ છોકરીઓનાં પેટ અને જરદાળુ,
પડછાયામાં વહેતાં ઝરણાંની રૉચ માછલીઓ,
ઘોડા, વહેલી સવારે  ઉડાન ભરતાં બતકો,
એ બધાં એક સ્વપ્ન છે.
ફરી સ્વપ્ન સેવવાં નિષેધ છે;
આપણા નંદને આપણે અપંગ કરી દઈએ કે છુપાવી રાખીએ:
ઘોડા તો ક્રોમિયમ પોલાદના બનેલા હોય છે
અને નીચા જાડા લોકો તેના પર સવારી કરે.
હું એવું અળસિયું છું જે ક્યારે સળવળ્યું નથી,
હરેમ વિનાનો વ્યંઢળ;
પાદરી અને સામ્યવાદી સરકારી અફસરની વચ્ચે
યુજીન ઑરંમ જેમ હું ચાલું;
સરકારી અફસર મારૂં ભવિષ્ય ભાખે
અને રેડિયો વાગતો રહે,
પરંતુ પાદરીએ ઑસ્ટીન સેવનનું વચન આપ્યું છે ,
કેમકે ડુગ્ગી હંમેશાં પૈસા ચુકવે.
સ્વપ્નમાં હું સંગેમરમરના વિશાળ ઓરડાઓમાં રહું,
જાગું ત્યારે સાચું પણ હોય ;
હું આવા કાળ માટે જન્મ્યો નહોતો;
સ્મિથ ? કે જોન્સ? કે તમે?
લેખકની મનોદશા ઘડાઈ રહી છે- સામાજિક અને રાજકીય પ્રવાહોના થપાટ સહન કરતી કરતી. આવા સમયમાં કોઈ એક ઘટનાનો ઘણ પડે એટલે મનોદશા પાક્કો આકાર લઈ લે.
લેખકના કિસ્સામાં એ ઘટના કઈ હશે?
હવે પછીના ત્રીજા અને છેલ્લા મણકાની, ૧૮-૩-૨૦૨૦ સુધી, રાહ જોઈએ
+                                      +                                 +
  •  જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Why I Writeનો આંશિક અનુવાદ 
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો