બુધવાર, 26 ફેબ્રુઆરી, 2020

પુરાણોમાં ભાઈચારો - દેવદત્ત પટ્ટનાઈક


ભારતમાં ભાઈચારાને દોસ્તાના, યારાના તરીકે પણ ઓળખવામાં આવે છે.  ૧૯૭૫ની ફિલ્મ 'શોલે'માં  વીરૂ અને જયની, બાઈક પર ગાતી ગુંજતી, દોસ્તી આપણે જોઈ. ૧૯૯૦માં એક ખબરપત્રી. અશોક રાવ કવિએ બોમ્બે દોસ્ત નામનું સામયિક કાઢ્યું હતું. ૧૯૯૯માં હોશંગ મર્ચન્ટે 'યારાના : ગૅ રાઈટીંગ ફ્રોમ ઈન્ડિયા' નામનો સમલૈંગિકોના લખાણનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. કરણ જોહરે ૨૦૦૮માં 'દોસ્તાના' બનાવી. તે સાથે યારાના કે દોસ્તાના શબ્દો સમલૈંગિક સંબંધોનો  પર્યાય બની ગયા. ભાઈચારામાં હવે કામવાસના ભળી જતી જોઈને ઘણાં લોકોનાં મન દુભાયાં.
વેદાંતની હિંદુ વિચારધારાના સિધ્ધાંત, સરીર ત્રય, મુજબ આપણે શારીરિ્ક, માનસિક અને સામાજિક એમ ત્રણ સ્વરૂપોમાં શરીર ધરાવીએ છીએ - સામાજિક દેહ સાથે આપણું પદ અને સંપત્તિ વસે છે, જે આપણને મોભો બક્ષે છે. તે આપણાં પાછલાં કર્મોનું ફળ છે.  શારીરિ્ક શરીર બીજાં શારીરિ્ક શરીર પ્રત્યે આકર્ષણ અનુભવે છે તેને આપણે કામવાસના કહીએ છીએ. જ્યારે માનસિક શરીર બીજાં માનસિક શરીર તરફ આકર્ષાય છે ત્યારે આપણે તેને પ્રેમ કહીએ છીએ. એક સામાજિક શરીરનાં બીજાં સામાજિક શરીર તરફનાં આકર્ષણને આપણે નેટવર્કિંગ કહીએ છીએ.
કામવાસનામાં આપણે શારીરિ્ક પ્રવાહીની આપલે કરવા માગીએ છીએ.પ્રેમમાં, આપણે એક્બીજાના સાથમાં ખુશ રહીએ છીએ અને ખીલી ઉઠીએ છીએ. નેટવર્કિંગના સામાજિક કરારમાં, આપણે બીજાં ની સંપત્તિ, કે તેના અભાવ,થી  ફાયદો (કે ગેરફાયદો) ઊઠાવીએ છીએ. આ ત્રણમાંથી કયો વિનિમય સ્વીકાર્ય રહેશે તે સામાજિક નિયમો અનુસાર નક્કી થાય છે.
પુરુષ અને સ્ત્રી વચ્ચે કામાવેગની છૂટ ઉમર, વર્ણ, વર્ગ, ભણતર જેવાં સામાજિક દેહનાં પરિમાણોની મર્યાદામા છે. જો તે કામાવસ્થામાં પતિવર્તિત થાય તો પુરુષ અને સ્ત્રીની વચ્ચે પ્રેમ પર પાબંદી નથી. પુરુષ અને સ્ત્રી વચ્ચે કામાવેગ સિવાયનો પ્રેમ હાસ્યાપદ ગણાય છે. બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચે પ્રેમ સ્વીકાર્ય છે, જો તેમાં કામાવેગ ન ભળે. એકબીજાને દિલોજાનથી ચાહતા બે પુરુષોને સખા કહે છે અને બે સ્ત્રીઓને સખી. સખા ભાવ - ભાઈચારા-માં સમજાતીય સામાજિકતા - કદાચ સમજાતીય સમાજવાદ  -હશે પરંતુ સમજાતીય લૈંગિક રતિ નથી.એ એક વિશુદ્ધ સંબંધ તરીકે જોવામાં આવે છે; તેમાં કામવેગને ઘુસવા નથી દેવાતો.
તેમ છતાં, જીવન એટલું સરળ નથી હોતું. જ્યારે ભૌતિક શરીર જાતિ બદલે, કે શરીર અનિશ્ચિત જાતિનું હોય, કે માનસિક શરીર અને શારીરિક શરીર વચ્ચે વિસાંવિદિતા સર્જાય (હું અનુભવું પૌરુષત્વ, પરંતુ મારે સ્ત્રીનાં કપડાં પહેરવાં પડે), ત્યારે વાત અટપટી બની જાય છે.  આપણને વ્યવસ્થિત હોય તેવી જિંદગી ગમે છે, પણ જિંદગીને વ્યવસ્થામાં રહેવાનું ફાવ્યું નથી.
કામાવેગ સાથે આપણી સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે બૌદ્ધ સાધુઓએ ઈચ્છાને ઈચ્છાના ગ્રહ મંગળ-ને આધીન ગણાવવાનું શરૂ કર્યું. તેઓએ સમજાવ્યું કે એ મંગળ ગ્રહની ઉપર વિજય મેળવ્યા પછી જ ભગવાન બુદ્ધ કેવળ જ્ઞાન પામી શક્યા.તે પહેલાં કામ માત્ર કામવેગનો દેવ માત્ર હતો તેનાં બાણ જોમ અને સ્રર્જકતા પેદા કરી રહેતાં, જેને વસંત ઋતુના ઉત્સવોમાં બધાં ઉજવતાં.  તેનાથી વિરૂધ્ધ ભાવની કથાઓમાં કામ-મદન-ને શિવે પોતાનાં ત્રીજાં નેત્ર વડે ભસ્મ કરવો પડ્યો હતો . તેને પુનર્જીવન મળ્યા બાદ સુંદર કામ અદૃશ્ય અનંગ બની ગયો. તે પછીથી તે એક અપશબદ બની ગયો, સિવાય કે તે અમુક ચોક્કસ સામાજિક સંજોગોમાં જ દેખા દે.
એનો અર્થ એ એક રામ માત્ર એક સીતા સાથે જ રહી શકે , કે શિવ પાર્વતી સાથે જ રહી શકે. પરંતુ, કૃષ્ણએ તો પરંપરાઓનાં આવાં બંધનોમાં બંધાઈ રહેવાનું  સ્વીકાર્યું નહી. તેઓ રાધા, રૂકિમણી કે સત્યભામાને પ્રેમ કરતા હતા. રાધા સાથે પ્રેમ હતો, પણ તેમની સાથે લગ્ન ન કર્યાં, રુકિમણી  અને સત્યભામા સાથે તેમણે લગ્ન કર્યાં પણ તેમની સાથે તેમને રાધા જેટલો ઉત્કટ પ્રેમ નહોતો. તેમને દ્રૌપદી માટે પ્રેમ હતો પણ તેમાં સખ્ય ભાવ વધારે હતો. તેમને તો અર્જુન માટે પણ ખુબ જ પ્રેમ હતો, બન્ને અવિચ્છેદ્યપણે સાથે જ જોવા મળે. તેમનો સંબંધ પુરાણોમાં વર્ણવાયેલ નર અને નારાયણ ઋષિઓ જેવો હતો જેમને કોઈ દેવબાળા પણ અલગ નહોતી કરી શકી. લોકકથાઓમાં કહેવાતાં મહાભારતમાં, કૃષ્ણ અને અર્જુન, જે બન્નેને અનેક પત્નીઓ હતી, તેમણે ક્યારેક વિરોધીને ચકરાવે ચડાવવા તો ક્યારેક કોઈ સુંદરીને રીઝવવા, સ્ત્રીવેશ પણ પરિધાન કર્યા હતા. કૃષ્ણનો અર્જુન માટે અને અર્જનનો કૃષ્ણ માટે  આ પ્રેમ, બે મિત્રો વચ્ચે શક્ય હોય તેટલો ઘનિષ્ઠ પ્રેમ સખા-ભાવ છે, અનેક અપેક્ષાઓ, ફરજો અને અન્યોન્ય માટેનાં વચનોથી ઘડાયેલો,બે મિત્રો વચ્ચે શક્ય હોય તેટલો ઘનિષ્ઠ પ્રેમ છે. અર્જુને તો કૃષ્ણની રાસ લીલામાં ભાગ લેવા સમયમાં પાછળ તરફ સફર કરીને પણ સ્ત્રીવેશ ધારણ કર્યો હોવાનું પણ પદ્મ પુરાણમાં જોવા મળે છે. પરંતુ કામની વાત કોઈ પણ સંદર્ભમાં કરો તો એ ઉલ્લેખને પણ નૈતિકતાનું ઉલ્લંઘન માનનાર એક વર્ગ આપણે ત્યાં અકળાઈ ઊઠે છે.
હિંદુ સામાજિક વ્યવસ્થામાં કેસરી રંગ આશ્રમ વ્યવસ્થા સાથે સંકળાયેલો છે. બૌદ્ધ તેમજ હિંદુ બન્ને ધર્મોમાં આશ્રમોમાં બ્રહ્મચર્ય પાળવું ફરજિત હતું કેમકે તે ન કરવાથી સંન્યાસના પથ પરથી ચલિત થઈ જવાશે તેમ મનાતું. એમ પણ મનાતું કે બ્રહ્મચર્ય પાળવાથી કેટલી ગૂઢ શક્તિઓ પણ મેળવી શકાય છે. જેમ જેમ આ પ્રકારની માન્યતાઓનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ અમુક નિશ્ચિત સામાજિક મર્યાદાઓ, ચોક્કસ વિધિવિધાનો અનુસાર ન હોય તેવો  જાતીય સંબંધ અશુધ્ધિનો સ્ત્રોત મનાવા લાગ્યો. કામ સૂત્ર જેવા ગ્રંથોમાં વર્ણવાયા અનુસારનો જાતીયતાનો અનુભુવ એ એક માનવસહજ પ્રવૃતિ - ભોગ - રહેવાને બદલે આશ્રમ વ્યવસ્થામાં એક વિકારમય આદત - વાસના- ગણાવા લાગી.
સુચારૂ જાતીય સંબંધ  અને અયોગ્ય જાતીય સંબંધને, કે ધર્માનુસારના જાતીય સંબંધ કે અધર્માનુસારના જાતીય સંબંધને,અલગ તારવવા માટે નિયમો ઘડાતા ગયા. બૌધ્ધ ધર્મની શરૂઆતમાં તેની મુખ્ય આશ્રયદાતાઓ રાજગણિકાઓ હતી, પણ ધીમે ધીમે તેમના એ વ્યવસાયને છોડીને એકપતિવ્રત લગ્નસંબધ અપનાવવા માટે જ નહીં પણ જાતીયતાને સાવ ત્યજીને - તમિળ મહાકાવ્ય, મણિમેખલાઈ,માં વર્ણવાયું છે તેમ - સાધ્વી બની જવા માટે પ્રેરિત કરાતાં ગયાં.
સૈદ્ધાંતિક રીતે  કામવાસનાનો આ અસ્વીકાર રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેને મૂળ પાપ ગણીને કરાતા અસ્વીકાર કરતાં સાવ અલગ છે. મૂળ પાપનો બાઈબલનો આ વિચાર ભારતમાં બહુ પછીથી, યહુદી, ક્રિશ્ચિયન અને મુસ્લીમ વેપારિઓ થકી, અને પછીથી યોદ્ધાઓ અને સામાજ્યવાદી શાસનકર્તાઓ થકી આવ્યો.
વિનય પિટક (શાસનની ટોપલી) અનુસાર બૌધ્ધ મઠમાં પુરુષ સાધુઓ વચ્ચેના કામ વ્યવહારને રોકવા માટે નવા નિયમો બન્યા. એક યુવાન વ્યક્તિએ સાધુ થવાનું તો નક્કી કરી લીધું છે, પરંતુ પોતાના જાતીય આવેગો પર અંકુશ ન મેળવી શકવાને કારણે તે બીજા સાધુઓને પણ જાતીય સંબંધ માટે ઉત્તેજિત કરતો હતો. બીજા સાધુએ તેવા પ્રસ્તાવને અમાન્ય કર્યો અને તેને ઠપકો પણ આપ્યો.એટલે પછી તે ઘોડારમાં ગયો અને હાથીઓ અને અશ્વોના રખેવાળનો સંપર્ક કર્યો. તેઓએ તેને વાતોમાં ઉતારી અને પછી તેની મશ્કરી કરવાનું શરૂ કર્યું.અને પછી આ પાંડક વિશે (પાલીમાં પરોક્ષ અને કદાચ ત્રૈણ ભાવ ધરાવનાર સમલૈગિક) સંઘમાં કાનાફૂસી કરવા લાગ્યા. પરિણામ , નક્કી કરાયું કે પાંડકોને દીક્ષા ન આપવી અને જેમને દીક્ષા અપાઈ ચૂકી હતી તેમની દીક્ષા પાછી લઈ લેવી. આમ  એક વ્યક્તિને કારણે બધા સમલિંગીઓને સજા થઈ. વિનય પટિકમાં જોવા મળે છે, વિષમલિંગી પુરુષો માટે નહી, પણ તેવી સ્ત્રીઓ માટે  તો તેનાથી પણ વધારે આકરા નિયમો ઘડાયા, તે પછીથી પુરુષ પુરુષ વચ્ચેના જાતીય સંબંધો છાને છપને થવા લાગ્યા. જોકે, મિત્રતા ચલાવી લેવાઈ.
જાતક કથાઓમાં ભ્ગવાન બુધ્ધ અને તેમના પટ્ટશિષ્ય તેમના પુનર્જન્મમાં પણ કેટલા અવિચ્છેદ્ય હતા તેની વાત જોવા મળે છે.પૂર્વાવતારમાં તેઓ અગ્નિદાહ કરવાનો વ્યવસાય કરતા ચાંડાલો હતા. તે પહેલાંના જન્મમાં તેઓ હંમેશાં સાથે જ જોવા મળતાં હરણ હતા.  જાતક ક્થાઓમાં એવી વાત એક વૃદ્ધ સાધુ કેસવ અને તેના યુવાન શિષ્ય કપ્પા માટેના પ્રેમની પણ વાત જોવા મળે છે. રાજાએ વૃધ્ધ કેશવને પોતાની પાસે બોલાવ્યા પછી છોડવાની ના પાડી દે છે ત્યારે વૃધ્ધ સાધુની તબિયત લથડે છે. તેમની તબિયતમાં ત્યારે જ સુધારો થાય છે જ્યારે તે હિમાલય પર પાછા ફરે છે અને કપ્પાને મળે છે. બન્ને કથાઓમાં વાત સાધુઓની છે માટે તેમના સંબંધમાં, પૂર્વ જન્મ સુધ્ધામાં, કોઈ કામવાસનાની વાત નથી કરવામાં આવતી. પણ બન્ને વચ્ચે પ્રેમ જરૂર છે. આ પ્રેમને કઈ કક્ષામાં મૂકી શકાય?
સદનસીબે પ્રેમને સારા કે ખરાબ, યોગ્ય કે અયોગ્ય હોવાની છાપ નથી મારવામાં આવી. જ્યાં સુધી મર્યાદાની અંદર હોય, ત્યાં સુધી બધી જ પ્રકારના પ્રેમને મંજૂરી મળી છે.
રામાયણ આધારિત લોકકથાઓમાં હનુમાનની રામ માટેની અનન્ય ભક્તિ માટે સીતા કેવાં અકળાતાં હતાં તેની વાત સાંભળવા મળે છે.  હનુમાન રામની પડખેથી ખ્યારે પણ ખસતા જ નહીં. હનુમાનને જ્યારે જાણવા મળે છે કે રામ પ્રત્યેના પ્રેમને સીતા સિંદુરના ચાંદલા દ્વારા રજૂ કરે છે ત્યારે તેમણે પોતાનાં આખાં શરીરને સિંદુરમાં ઝબોળી દીધું. અહીં એક વિચક્ષણ અને તાકતવર, પણ પૂર્ણ બ્રહ્મચારી, એવા વાનરની છે જેમની છાતીમાં તેમના ભગવાન તુલ્ય રાજા રામ  અને તેમનાં રાણી, પત્ની સીતામા વિરાજમાન છે.સમગ્ર દુનિયામાં બે પુરુષો વચ્ચેના ઉત્કટ પ્રેમમાં પ્રેમની સાથે સાથે સજાતીય કે સમલૈંગિક કામવાસનાને પણ સ્થાન છે કે નહીં એ વિશે ઉગ્ર વાદવિવાદછે.
ગ્રીક પુરાણોમાં  એચિલિસ અને પેટ્રોક્લસની વાત છે, જે  ટ્રોજન યુધ્ધમાં સાથે સાથે રહીને લડ્યા હતા. ૨૦૦૪માં તેમના પ્રેમ સંબંધને વિશુધ્ધ બતાવતી, બ્રૅડ પિટ્ટને ચમકાવતી, ફિલ્મ બની હતી જે સરિયામ નિષ્ફળતાને વરી. તેની સામે, ૨૦૧૧માં મૅડલીન મિલરે તેમની નવલકથા 'સોંગ ઑફ એચિલિસ'માં એ બન્નેના સંબંધોને સમલૈંગિક બતાવ્યા. આજની પેઢીને આવા સંબંધ પ્રત્યે કોઇ સમસ્યા નથી , એટલે એ પેઢીને આ નવલકથા ખુબ પસંદ પડી ગઈ હતી. વાર્તામાં એ બન્નેના પ્રેમસંબંધમાં હવન હાડકું એચિલિસનાં મા, વન દેવી, થેટિસ બને છે.
બાઈબલમાં જોનાથન અને ડેવિડ વચ્ચેના પ્રેમની વાત છે. જોનાથનના પિતા, રાજા સૌલ,ને ગોલીઆથનો હત્યારો, ડેવિડ પસંદ નથી કેમકે ઈશ્વરે ડેવિડને તેનો વારસ નિયુક્ત કર્યો હતો. પરંતુ જોનાથન તેના પ્રેમમાં છે અને ડેવિડે પોતાની બહેન સાથે લગ્ન કર્યાં હતાં તો પણ  પોતાનું બખ્તર પણ તેની સાથે વહેંચીને વાપરે છે.ઘણાં વર્ષો બાદ જોનાથન યુધ્ધમાં મૃત્યુ પામે છે, ડેવિડ તેના ગમમાં ગાય છે - 'ભાઈ મારા જોનાથન, મને તારા માટે બહુ દુઃખ થાય છે, કેમકે તું મને બહુ આનંદ આપતો હતો. તારો પ્રેમ મને સ્ત્રીઓના પ્રેમ કરતાં પણ વધારે આનંદપ્રદ હતો.'  આમ, જોનાથન ભાઈ પણ હતો અને સ્ત્રીઓથી વધારે વહાલો પણ હતો.
બ્રહ્મચર્યને મહત્ત્વ આપતાં બાઈબલ વિદ્વાનો આવાં યૌન-સંબંધી અર્થઘટનો નકારે છે, પણ એલજીબીટક્યુ (સમલૈંગિક સ્ત્રી કે પુરુષ, ઉભયલિંગી, જાતિપરિવર્તિત કે વિચિત્ર) કર્મશીલોએ તો ચર્ચની વિધિઓમાં પણ એક જાતિ વચ્ચેના સંબંધો , જેને ઍડેલ્ફોપોઈસિસ (ભાઇ બનાવવો) કહે છે, પણ ખોળી કાઢેલ છે. આમ આપણે જે જોવું હોય તે જ, કે જે બાબતે આપણી સમજ પરપક્વ બની ગઈ હોય તે જ, આપણને દેખાય છે.  પ્રેમ ખરેખર અદ્‍ભુત બાબત છે, પરંતુ યૌનક્રિયા તો હિન પ્રવૃત્તિ જ ગણાય છે.
  • www.livemnt.com માં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Bromances from mythologyનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો