બુધવાર, 25 માર્ચ, 2020

નવી ભરતી કરતી વખતે અનુભવાતો દ્વિધાભાવ - દેવદત્ત પટ્ટનાઈક


મહાભારતનાં યુધ્ધની પૂર્વ સંધ્યાએ પાંડવો અને કૌરવો કૃષ્ણપાસે યુધ્ધ માટેની સહાય મેળવવાનું નક્કી કરવા ગયા. કૃષ્ણએ એક જ સવાલ પૂછ્યો, 'નિઃશસ્ત્ર એવો હું કે શસ્ત્રાસ્ર સજ્જ મારી સેના ? નારાયણ કે નારાયણી સેના ?' અર્જુને તો પળનો પણ વિલંબ કર્યા સિવાય નારાયણને માગી લીધા, એટલે કૌરવોને તો મોં ખોલ્યા સિવાય જ નારાયણી સેનાનું પતાસું મળી ગયું. આપણે જ્યારે નોકરી માટે પણ ભરતી કરવાની આવે છે ત્યારે નારાયણની પસંદગી કરવી કે નારાયણી સેનાની પસંદગી કરવી એ વિશે વિચાર કરીએ છીએ ખરા? આપણે વ્યક્તિની ખાસીયતો અને તેની સામે આપણી જરૂરિયાતોનાં લેખાંજોખાં કરીએ છીએ કે તેની પદવીઓ, ક્યાં ક્યાં કેટકેટલાં વર્ષ , કયા કયા પગારે કામ કર્યું છે તે જોઈએ છીએ? આપણે પાંડવો છીએ કે કૌરવો છીએ?
ગણાવવી તો આપણે આપણી જાતને 'સારા' પાંડવો સાથે જ હોય, 'ખરાબ' કૌરવો સાથે તો કોણ  બેસવા તૈયાર થાય. પણ મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલીમાં તો માપણીનું મહત્ત્વ છે. કેવું વ્યક્તિત્વ નારાયણમાં છે તે  કેમ કરીને માપવું ? આપણે તો વ્યક્તિ પાસે જે છે - તેની લાયકાતો, અનુભવનાં વર્ષો, કયાં પદ પર કામ કર્યું છે એવું બધું - નારાયણી - જ માપી શકીએ. 'નારાયણ'નાં વ્યક્તિત્વને ઈન્ટરવ્યુ દરમ્યાન ગમે તેટલું માપવા કોશીશ કરીએ, પણ, મહદ અંશે, તે રહેવાનું તો વ્યક્તિલક્ષી - સાપેક્ષ- જ. 
ખુબ સફળ ઉદ્યોગ સાહસિક કૉલેજ છોડીને પોતાનાં સાહસ તરફ ઢળ્યા, એવી બધી વાતો તો આપણે સાંભળીએ છીએ, પણ તેથી આપણે ત્યાં કામ કરનાર આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણેલો વિદ્યાર્થી જ હોય એમ કરવાનું કેમ કરીને બંધ કરી શકીએ ! અમુક એફએમસીજી કંપનીઓ તો બહુ સ્પષ્ટ હોય છે, માર્કેટીંગ માટે પ્રથમ કક્ષાની મૅનેજમૅન્ટ શિક્ષણ્સંસ્થા અને સેલ્સ માટે બીજી કક્ષાની મૅનેજમૅન્ટ શિક્ષણ સંસ્થા. કેટલીક કન્સલટીંગ કંપનીઓ કન્સલટન્ટ અમુક એન્જિનિયરીંગ શિક્ષણ સંસ્થામાં અને એનાલિસ્ટ બીજી અમુક એન્જિનિયરીંગ શિક્ષણ સંસ્થામાથી જ લેવાનો આગ્રહ રાખે. એ લોકોનું એવું માનવું હશે કે જે માપદંડ એ લોકોએ નોકરીપર લેવા માટેના રાખ્યા છે એવા જ માપદંડ પોતે નક્કી કરેલ શિક્ષણ સંસ્થાના પણ હશે.
આવી વિચારસરણીઓ પાછળનું એક મહત્ત્વનું કારણ તો એ હોય કે, નારાયણી, જે માપી શકાય તેમ છે તે હેતુલક્ષી - નિરપેક્ષ- છે અને ઑડીટ પરિક્ષણમાં ખરૂં ઉતરી શકે તેમ છે. મોટા પાયા પર કામ કરતી સંસ્થાઓને વ્યક્તિલક્ષીતા ઓછી પસંદ પડતી હોય છે, તે ગમે તેટલી બુદ્ધિશાળી અને તેજ ભલેને હોય ! જુદી જુદી જાતની કસોટીઓની માપણીક્ષમતાને વધારે મહત્ત્વ આપવામાં ને આપવામાં, 'નારાયણ'ને, હંમેશાં, બાજુએ કરી દેવાય. એચઆરનાં લોકોનું ધ્યાન 'નારાયણી' પર જ વધારે દોરવાય - જેને જવાબદેહી સ્વીકારવાની છે તે બૉસની પસંદગી 'નારાયણ' માટે રહેવાની.
નાનાં સ્ટાર્ટ -અપ અને મોટાં, સ્થિર કક્ષાએ પહોંચેલ, કોર્પોરેશનની ભરતી માટેની જરૂરિયાતો જુદી જુદી હોઈ શકે છે. સ્ટાર્ટ-અપને નારાયણી કરતાં વધારે જરૂર નારાયણની હોય છે કેમકે ત્યાં કામની જરૂરિયાતો હજુ વિકસવી  બાકી છે. એટલે ત્યાં એવાં લોકો જોઈએ જે નવી નવી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન બનાવતાં રહી શકે અને ખુબ જ પરિવર્તનક્ષમ હોય. તમારી શૈક્ષણિક લાયકાતો કે અનુભવથી તેનો સાચો કયાસ ન આવે.  સ્થિર-કક્ષાની સંસ્થા હવે પછીની જરૂરિયાતો શું હશે તે  ઠીકઠીક નિશ્ચિતતાથી કહી શકાય તેવા તબક્કામાં હોય છે. એટલે ત્યાં એવાં લોકોની જરૂર હોય, જે ઓછી લવચીક, વર્તમાન, તંત્રવ્યવસ્થામાં બંધબેસી શકે. અહીં નારાયણી સારી રીતે ઉપયોગી નીવડી શકે.
સગવડ ભરેલ, સ્થિર ગતિમાં આગળ વધી રહેલ  સંસ્થા છોડીને કોઈ નવાં સાહસની, ઉથલપાથલની સંભાવનાઓભરી અવ્યવસ્થાનાં વાતાવરણમાં શા માટે જોડાવાનું પસંદ કરે? પૈસા માટે? કોઈ ખાસ પ્રકારનાં જોમથી પ્રેરાઈને? પૈસા માટે કરીને સ્ટાર્ટ=અપની અનિશ્ચિતતાઓ અને અવ્યવસ્થા સ્વીકારવાની તૈયારી હશે? તેની પાસે એકદમ પ્રવાહી પરિસ્થિતિઓમાં અન્ય લોકો સાથે કામ કરી શકવા માટે આવશ્યક ધીરજ અને કૌશલ હશે? તે પોતાને ભાગે આવેલ અવ્યવસ્થામાંથી બીજાં માટે વ્યવસ્થા ઘડવા મહેનત કરવા તૈયાર હશે? વ્યક્તિની આવી બાજુઓ ઇન્ટરવ્યુ દરમ્યાન નિશ્ચિતપણે ખોળી શકાય? ઉમેદવાર તો 'ટીમ વર્ક', જોખમ-આધારિત વિચારસરણી, નેટવર્કિંગ જેવા શબ્દો વડે ઈન્ટરવ્યુ લેનારને તો પોતાની યોગ્યતા દેખાડી શકે, પરંતુ તેની ખરાઈ કરવા મટે ઇન્ટરવ્યુ કરનાર પાસે કોઈ માપ કે સાધન છે ખરાં?
અર્જુને જ્યારે કૃષ્ણની માગણી કરી હશે ત્યારે આવી બધી ગણતરીઓ મૂકી હશે? કે તેણે માત્ર પોતાના મિત્ર, પિત્રાઈ પર વિશ્વાસના જોરે એ માગણી કરી હશે? માગણી કરતી વખતે તેને અંદાજ હશે કે અણીને વખતે તે પાણીમાં બેસી જશે અને તેને કૃષ્ણ જેવા, ગીતાબોધ આપી શકે તેવા, માર્ગદર્શકની તેને જરૂર પડશે? એક પછી એક સેનાપતિઓ જ્યારે હથિયાર હેઠાં મુકવા માડ્યા ત્યારે દુર્યોધનને નારાયણી સેના કોઈ જ કામ ન આવી. મોટા ભાગે જ્યારે આપણને પણ ભવિષ્યના પડકારોનો સાચો અંદાજ જ નથી હોતો, ત્યારે નવી ભરતી કરવી એ જ બહુ મોટો પડકાર બની રહે છે.
 ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Recruitment Dilemmaનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો