બુધવાર, 18 માર્ચ, 2020

હું શા માટે લખું છું ? (૧૯૪૬) - જ્યોર્જ ઓર્વેલ [૩]

Why I Write ના આ અનુવાદના પહેલા અને બીજા ભાગમાં લેખકે તેમનાં લેખન કાર્યની ચોક્કસ વિચારધારા ઘડાવા માટેની પૂર્વભૂમિકા બાંધી હતી. આજે હવે જોઈએ કે તેઓ શું, શા માટે લખે છે.

સ્પેનની લડાઈ અને બીજી કેટલીક ઘટનાઓએ પાસા પલટી નાખ્યા. તે પછીથી, મને સમજાઈ ગયું કે હું ક્યાં છું. ૧૯૩૬ પછી ગંભીરપણે લખેલ દરેક વાકય, સીધી યા પરોક્ષ રીતે,મને જે રીતે સમજાયું તેમ, સરમુખ્યતારશાહીની વિરૂધ્ધ, અને  સમાજવાદી લોકશાહીની તરફેણમાં મેં લખ્યું છે.  આપણા આજના સમયમાં, તે સિવાય બીજા વિષય પર લખી શકાય તે વાત પણ મને બેમલતબ લાગે છે. કોઈને કોઈ અર્થમાં, બધાં જ એ વિશે જ લખે છે. સવાલ માત્ર એટલો જ છે કે તમે કઈ તરફનો પક્ષ લો છો અને કયો દૃષ્ટિકોણ અપનાવો છો. અને જેમ જેમ વ્યક્તિ પોતાના રાજકીય વલણો બાબતે વધારે સભાન થતી જાય તેમ પોતાની સૌંદર્યલક્ષી અને બૌધ્ધિક નૈતિકતા સાથે બાંધછોડ કર્યા વિના જ તે પોતાની રાજકીય વિચારધારા વ્યકત કરવા લાગે છે
છેલ્લાં દસ વર્ષોમાં મારે રાજકીય લખાણને એક કળામાં જરૂર બદલી નાખવા હતાં. મારી શરૂઆત હંમેશાં પક્ષપાતભરી, અન્યાયની લાગણી,થી થાય છે. હું જ્યારે પુસ્તક લખવા બેસું છું, ત્યારે મારી જાતને એમ નથી કહેતો કે મારે કળા સર્જનનું કામ કરવું છે. હું એટલા મટે લખું છે કે મારે કોઈ જૂઠને ખુલ્લું પાડવું છે, કોઈ હકીકત તરફ ધ્યાન દોરવું છે. મારી પહેલી નિસ્બત કોઈ સાંભળે તેની સાથે છે. પરંતુ પુસ્તકમાં, કે સામયિક માટેના લેખમાં, હું જે કંઇ લખું તેમાં જો સૌંદર્યની અનુભૂતિ ન હોય તે તો ન ચાલે. મારાં લેખનની કોઈ જ્યારે પણ તપાસશે ત્યારે તે ધરાર કોઈ મત પ્રચારની સામગ્રી  હશે તો પણ પૂર્ણ સમયના તે કોઈ પણ રાજકીય નેતાને તો સાવ અસંબંધ્ધ જ લાગશે. બચપણમાં મારામાં દુનિયાદારીની જે સમજ કેળવાઈ તેને હું સાવે સાવ છોડી શકું તેમ નથી, કે છોડવા માગતો પણ નથી. જ્યાં સુધી હું જીવતો અને હરતોફરતો છું ત્યાં સુધી, ધરતીની સતહ, અને નક્કર પદાર્થો અને નકામી દેખાતી માહિતીઓના ટુકડા, માટેની પ્રેમભરી આ ગદ્ય શૈલી માટે મારો આટલો લગાવ બન્યો રહેશે. મારી એ બાજુ દબાવી રાખવાનો પ્રયાસ મિથ્યા છે. આજના સમયે આપણા બધા પર ઠોકી બેસાડેલ, મુખ્યત્ત્વે જાહેર અને બિન-વ્યક્તિગત પ્રવૃત્તિઓ સાથે મારામાં ધરબાયેલ પસંદ અને નાપસંદને સાંકળી લેવાનો એ ઉપક્રમ છે.
, જોકે, સહેલું નથી. તેમાં રચના અને ભાષાના, તેમજ સત્યતા વિશેના નવી રીતના, પ્રશ્નો ઊભા થાય છે. આવી મુશ્કેલીઓનો એક બહુ જ સાદો દાખલો આપું. સ્પેનનાં આંતરયુધ્ધ પરનાં મારાં પુસ્તક, હોમેજ ટુ કેટલોનિઆ, સાવે સાવ રાજકીય વાતને લગતું પુસ્તક જ કહી શકાય. તે લખવામાં સ્વરૂપમાટેની મારી અમુક હદની અનાસક્તિ અને  બેપરવા દેખાઈ આવે. મારી સાહિત્યિક વૃત્તિની વિરૂધ્ધ, મેં તેમાં પૂરેપૂરૂં સત્ય કહેવાની પુરી કોશીશ કરી છે. જેને પરિણામે, બીજી અન્ય બાબતો સાથે, એક અતિ લાંબું પ્રકરણ પણ લખાયું છે. એ પ્રકરણમાં ટ્રોસ્ટકીવાદીઓ ફ્રાંસ સાથે ભળીને કાવતરામાં સામેલ હતા એ આક્ષેપનો બચાવ કરવા માટે અખબારોનાં વિધાનો અને એવી બાબતો ઠાંસી ઠાંસીને ભરી છે. આવી વિગતો માટે, વર્ષેક પછી, મોટા ભાગના વાંચકોનો કોઈ પ્રકારનો રસ રહ્યો ન હોય. તેને કારણે પુસ્તકનું મૂલ્ય પણ ઘટી જાય. જેમના માટે મને માન છે એવા એક વિવેચકે તો મને આ વિશે લાંબુંલચક ભાષણ આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે 'આવી બધી વિગતો ભરીને એક સારાં પુસ્તકને પત્રકારત્વના એક સાદા અહેવાલમાં ફેરવી કાઢ્યું છે.વાત તો તેમની સાચી હતી, પરંતુ બીજી કોઈ રીતે રજૂઆત કરવી  મને શક્ય નહોતું લાગ્યું.  નિર્દોષ લોકો પર ખોટા અક્ષેપ લગાવાઈ રહ્યા છે એવી મને જે જાણ હતી તે ઈંગ્લેંડમાં બહુ થોડાં લોકોને જાણવાની અનુમતિ હતી. આ બાબતે જો મને ગુસ્સો ન આવતો હોત તો મેં એ પુસ્તક જ ન લખ્યું હોત.
એક યા બીજાં સ્વરૂપે, પ્રશ્ન ફરી ફરીને સામે આવતો રહે છે. ભાષાનો પ્રશ્ન તો બહુ નાજુક છે. તેની ચર્ચા કરવા બેસીએ તો વાત લંબાણે પડી જાય. હું માત્ર એટલું જ કહીશ કે, છેલ્લાં થોડાં વર્ષોથી મેં ઓછું ચિત્રમય, અને વધારે ચોક્કસ લખવાની કોશીશ કરી છે. બાકી બધું તો ઠીક, પણ મેં એટલું જરૂર જોયું છે કે લેખનની કોઈ એક શૈલી પર માંડ પ્રભુત્વ આવે ત્યાં સુધી તમે તેને અતિક્રમી જાઓ છો. હું શું કરવા માગું છું તેની પૂરી સભાનતાથી  મેં 'એનિમલ ફાર્મ'માં મેં ,પહેલવહેલી વાર, રાજકીય હેતુને કળા સાથે વણી લેવાનો પ્રયાસ કર્યો. સાત વર્ષથી મેં કોઈ નવલકથા લખી નથી, પણ બહુ તરતમાં લખવા માગું છું. એ જરૂર નિષ્ફળતા વરશે. દરેક પુસ્તક નિષ્ફળ જ જાય છે, પરંતુ મને મહદ અંશે હવે સ્પષ્ટ છે કે મારે કયા પ્રકારનું પુસ્તક લખવું છે.
છેલ્લાં બે એક પાનાં પર ફરીથી નજર કરતાં એટલું સમજાય છે કે મેં એવું બતાડવા પ્રયત્ન કરો છે કે લખવા માટેનો મારો પૂરેપુરો આશય  જાહેર શ્રેયની ભાવનાનો જ હતો. હું છેલ્લે એવી છાપ નથી છોડવા માગતો. બધા લેખકો નિરર્થક, સ્વાર્થી અને આળસુ હોય છે, અને તેમના આશયનાં ઊંડાણમાં કંઇને કંઈ રહસ્ય ધરબાયેલું હોય છે. પુસ્તક લખવું એ કોઈ અતિશય પીડાદાયક બીમારી જેવો ભયાનક, થકવી નાખતો સંઘર્ષ છે. જેનો ન તો વિરોધ થઈ શકે કે ન તો જેને સમજી શકાય એવો શેતાન તમારા પર સવાર ન થયો હોય તો પુસ્તક લખવાનૂ  કામ તમે હાથ પર જ ન લો. એટલું જ સમજાય છે કે પોતા તરફ ધ્યાન ખેંચવા માટે મોટેથી ભેંકડો તાણતાં બાળક જેવી જ એ એક શેતાની સહજ વૃતિ છે. અને તેમ છતાં, એ પણ હકીકત છે કે કંઈ પણ વાંચવા જેવું તો જ લખી શકાય છે તમે તમારાં વ્યક્તિત્વને હંમેશાં ભુંસી ન નાખતાં રહો. સારૂ ગદ્ય બારીના કાચ જેવું હોય છે. હું ચોક્કસપણે તો નથી કહી શકતો કે મારો કયો આશય સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે, પણ કયા આશયની પાછળ દોરવાવું તે મને સમજાય છે. મારાં કામ પર પાછી દૃષ્ટિ કરતાં મને દેખાય છે કે જ્યારે જ્યારે મારી પાસે કોઈ રાજકીય હેતુ નહોતો ત્યારે મેં સાવ નિર્જીવ પુસ્તકો ઢસડી નાખ્યાં છે, જેમાં હું રંગરંગીન ફકરાના ફકરાઓ, બેતુક વાક્યો, અલંકારીક વિશેષણો અને મોટા ભાગે,નર્યા પાખંડ તરફ ભટકી જતો રહ્યો છું.
પ્રસ્તુત લેખમાં જ્યોર્જ ઑર્વેલ માત્ર લેખન વિશે પોતાની વિચારસરણી જ રજૂ કરીને અટકી ન્થી ગયા. જે કોઈ પણ લેખક થવા માગે છે તેમને ચોક્ખોચણક સંદેશો આપતા ગયા છે - લખો તો ચોક્કસ આશય સાથે લખો. તે આશય માત્ર તમારાં લખાણને સુંદ્ર બતાવીને વાહ વાહ મેળવવાનો હોય, તો તમારાં લખાણની કિંમત એક ચોપાનિયાંથી વધારે નહીં બને. તમારો આશય બીજાંને ખુશ કરવાનો, બીજાં કરતાં વધારે શિષ્ટ, સારાં, સાહિત્યિક દેખાવાનો પણ ન હોવો જોઈએ. તમે જે લખો તે તેમને, તમારાં હૃદયનાં ઊંડાણથી, સ્પર્શતું, ગમતું હોવું જોઈએ. તમારૂં લખેલું જો તમને જ નથી જચતું, તો બીજાંને તે ગમશે કે નહીં તે સાવ મહત્ત્વનું નથી રહેતું. હા, તમને જે ગમે છે તેને તમે સાહિત્યનાં 'રૂપાળાં' સ્વરૂપમાં, સ્વાભાવિક્પણે, મુકી શકતા હો તો તે અલગ બાબત છે. સારૂં સાહિત્ય સર્જવા માટે આ બન્ને બાબતો એક સાથે હાજર હોય તે આવશ્યક પણ છે. કળા જો જીવંત ન જણાય તો તે માત્ર દેખાડો છે. દિવાલ પર ચિત્ર દોર્યું હોય તો દિવાલ રંગથી ઢંકાયેલી નહીં, પણ ચિત્ર વડે બોલતી થવી જોઈએ.
તમે લખો છો તે માત્ર એક વ્યવસાય નથી, અને જો માત્ર  વ્યવસાય જ ગણતાં હો તો, લખવાનું બંધ કરીને કંઈક બીજું કરો.
જ્યોર્જ ઓર્વૅલનો સંદેશ કદાચ કડવો જણાતો હશે, પણ તે એક 'સાચા' લેખક- કળાકાર-ની દિલની લાગણીને વાચાના સ્વરૂપે લખાઈ છે.
જ્યોર્જ ઓર્વૅલનાં મોટ ભાગનં લખાણોમાં આવી અંદરથી ધબકતી સંવેદના ઝીલાતી રહી છે. માટે જ તેમના બીન-સાહિત્યિક લેખો આજે પણ, ઉમદા 'સાહિત્યિક' રચના તરીકે, વાંચવા ગમે છે.  
જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Why I Writeનો આંશિક અનુવાદ 
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

આ અનુવાદના ત્રણેય આંશિક અનુવાદને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે પર હું શા માટે લખું છું ? (૧૯૪૬) ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો