એક મંત્રીએ નાચગાન બંધ કરાવી દીધાં કારણકે તેનાથી
સમાજ ભ્રષ્ટ થાય છે. એ જ મંત્રી ગુટકા કે
તમાકુવાળાં પાન ખાવાથી થતાં મોંના કેંસરથી મૃત્યુ પામ્યા. હવે સારકાર ગુટકા તમાકુ
ખાવા પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. જે તબીબો
આ ભયાનક કેંસર સામે સારવાર કરવાની લડત કરી રહ્યાં છે તે બધાંનું કહેવું છે
કે આ સારી વાત છે.
અમુક બાબતો આપણાં ચિત્ત- વિચારશક્તિને ભ્રષ્ટ કરે છે તો બીજી અમુક આપણાં
શરીરને ભ્રષ્ટ કરે છે. આવા બગાડથી ચિત્ત
અને શરીરને બચાવવા માટે અમુક વસ્તુઓનો આપણે નિષેધ કરવો રહ્યો. જેમ સિગરેટનો નિષેધ
કરાઈ રહ્યો છે તેમ અમુક ફિલ્મો કે જોક્સનો પણ નિષેધ કરવાથી સમાજને સુધારી શકાશે.
ફિલ્મો પરના નિષેધ કે સેન્સરનો વિરોધ કરતા રાજકારાણીઓ કે ફિલ્મ સિતારાઓ પાછા બીજા
મંચ પર બીજી વસ્તુઓના નિષેધનો પ્રચાર પણ કરતાં હોય છે.
આપણે ચરબીવાળા અને કાર્બોહાઈડ્રૅટ્સવાળા પદાર્થોને ખોરાકમાં પરહેજ કરીએ છીએ
જેથી શરીર પર બિનજરૂરી ચરબી ન જામે અને આપણે તંદુરસ્ત રહીએ. બાળકોને આપણે વિડીયો
ગેમ્સથી દૂર રાખીએ છીએ જેથી તેઓ પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપી શકે. યુવાનોને
જે પાર્ટીઓમાં ડ્ર્ગ્સ કે વધારે પડતી
મુક્ત કામુકતાપ્રચુર વાતાવરણ હોય તેવી પાર્ટીઓમાં જવાનો નિષેધ કરીએ છીએ. આપણે
જાહેરમાં લાગણીઓનાં પ્રદર્શન પર પણ પ્રતિબંધ કરીએ છીએ. હોળીમાં રંગો કે દિવાળીમાં
ફટાકડા પર પ્રતિબંધ કરીએ છીએ જેથી પર્યાવરણ પરની અવળી અસરો ઘટાડી શકાય. આપણી
આસપાસનાં પર્યાવર્ણીય પરિવેશને પ્રદુષિત કરત ઉદ્યોગો પર આપણે અનેક જાતના અંકુશ
લગાવવા મથી રહ્યાં છીએ. એવું લાગે છે કે આજના સમાજમાં નિષેધ એ સભ્યતા માટેનું એક
સાધન બની ગયું છે. જે વસ્તુથી આપણે રોષ ચડે તેના પર પ્રતિબંધ ઠોકી દઈએ છીએ.જ્યારે
બીજાંને સલામત રાખવાં હોય ત્યારે આપણે પ્રતિબંધ લાગુ કરી દઈએ છીએ.આપણે 'એ લોકોનાં ભલાં માટે' અને મોટા ભાગે તો 'આપણી પોતાની માનસીક
સ્વસ્થતા' જાળવવા માટે પ્રતિબંધનો ઉપયોગ કરતાં રહીએ છીએ.
અને તેમ છતાં દરેક પ્રતિબંધની એક કિંમત ચુકવવી પડતી હોય છે. જેમકે, ડાન્સ બાર બંધ કરો તો તેની સાથે
સંકલાયેલાં લોકોની આજીવિકા કે તંબાકુ સમૂળું બંધ કરો તો તેને લગતા વ્યવસાયો પર
નભતાં લોકોની આજીવિકાના પ્રશ્નો. પણ એટલે શું ડ્ર્ગની દલાલી / ફેરાફેરી કરતા
લોકોને પણ તે કામ ચાલુ રાખવા દેવું જોઈએ ? દારૂના ઉત્પાદન અને વિતરણ વગેરે સાથે સંકળાયેલા
માંધાતાઓનું શું કરીશું? દારૂબંધીથી સ્વચ્છ અને સલામત સમાજ જ વિકસે છે એવાં ઉદાહરણો તો ક્યાંય નથી જોવા
મળતાં !તેને કારણે તો ગેરકાયદે વેંચાતા દારૂનો વ્યવસાય ખુદ એક મોટું દુષણ બની ગયેલ
છે.
દરેક સંસ્કૃતિની ઓળખ એ શું ચાલવા દે છે અને શું પ્રતિબંધિત કરે છે તેનાથી થાય છે. પણ એ દરેકનો અમલ અલગ અલગ રીતે થતો હોય છે. પશ્ચિમમાં શું
નિષેધ કરવું કે ન કરવું તેનો નિર્ણય બહુધા તે યોગ્ય છે કે નહીં તેના પર લેવાતો હોય
છે. તેની પાછળ વ્યક્તિની સ્વાતંત્ર્યતા અને તેના સાહસના હક્ક પર તરાપ જેવાં નૈતિક
ધોરણની ગણતરી જોવા મળતી હોય છે. એ સાબિત કરવું જરૂરી છે કે નિષેધનું કારણ કોઈ
પૂર્વગ્રહથી પ્રેરિત નથી, પણ તર્ક અને આંકડાઓના પુરાવા આધારિત છે. આમ, ઘણા ઉત્તર યુર્પોરોપિય
દેશોમાં, અમુક ચોક્કસ વૈજ્ઞાનિક આધારો પરથી એમ ઠરાવાયું છે કે સગીર વયનાં બાળકોને અમુક
આકરી સજા ન ફરમાવી શકાય. તે જ રીતે બીમાર વ્યક્તિને જેલ ન કરી શકાય. જે દેશો આમ
નથી કરી રહ્યા તે બધાને જંગલી, બિનવૈજ્ઞાનિક અને પછાત ગણવામાં આવે છે.
પરંપરાગત ભારતીય મૉડેલ બધા નિષેધોને 'ધર્મ-સંકટ'નાં સ્વરૂપે જૂએ છે, અહીં ધર્મ-સંકટનો વ્યાપક અર્થ કોઇપણ સજીવનાં માનસિક કે શારીરિક દેહ પર
અનિવાર્ય હિંસાનો પ્રયોગ થાય છે એમ કરવામાં આવે છે. અહીં સહી કે ગલતના નિર્ણયની
વાત નથી; અહીં તો તે કરવું જ પડ્યું માટે કર્યું છે તેવો ભાવ છે. તેના માટે અચૂકપણે જે
કિંમત ચૂકવવી પડે તેને પણ સહી લેવી જ રહે. આમ આવાસોની રચના અકરવી હોય તો જંગલો અને
હરિયાળીનો નાશ કરવો પડે; સભ્યતાના વિકાસ માટે કુદરતના અપાયેલા ભોગની કિંમત સભ્ય સમાજે તો ચૂકવવી જ રહી.
લગ્ન સંસ્થામાં પતિપત્નીની વફાદારી તો
નિભાવવી જ રહી; તેમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય ક્યાંક નિયમન હેઠળ આવે તો એટલી કિંમત ચૂકવવી રહી.
શાણપણ આવાં પરિણામો ભોગવવાની શક્તિ કેળવવામાં છે, તેને તર્ક દ્વારા સમજવા સમજાવી દેવામાં નહીં.
દરેક પ્રકારનો નિષેધ યોગ્ય કે અયોગ્ય નથી. તે તો સભ્યતા માટે આપણે ચુકવવી પડતી
કિંમત છે, કેમકે દરેકમાં તો ઉચિત સ્વવનિયમન કરવાની આવડત કે દાનત દાખવવા જેટલી પરિપક્વતા
નથી હોતી. તે સમજપૂર્વકનું સમાધાન ન કરી શકવાની માનવીય નબળાઈનું સૂચક છે, પોતાની નિતિમત્તાની
આપવડાઈનો દંભ કરવાની કે જોરતલબીથી ઠોકી બેસાડવાની બાબત નથી.
‘ધ મિડ ડે’ માં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Required, not righteousનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો