A
Hanging (૧૯૩૧) જ્યોર્જ ઑર્વેલનાં મૂળનામ, ઍરિક આર્થર બ્લેર,
હેઠળ જોહ્ન મિડલટન મર્રીનાં સાહિત્યિક
સામયિક 'ધ એડેલ્ફી (The Adelphi)માં પ્રકાશિત થયેલ એક લઘુ
લલિત નિબંધ છે. તેમાં જ્યોર્જ ઑર્વેલ જ્યારે બર્માંમાં ૧૯૨૨થી ૧૯૨૭ દરમ્યાન
બ્રિટિશ ઈમ્પિરીયલ પોલીસમાં સેવારત ત્યારની એક ઘટનાનું બહુ જ સચોટ વર્ણન
જોવા મળે છે. અહીં 'જોવા' મળે
છે એ પ્રયોગ એટલા સારૂ કર્યો છે કે વાચકના મનોઅક્ષુ સામે આખું દૃશ્ય ખરેખર ભજવાઈ
રહ્યું હોય એવી અનુભૂતિ આ નિબંધ વાંચતાં
વાંચતાં થાય છે.
“A
Hanging” એક ગુન્હેગારને
ફાંસીની થયેલ સજાનું વર્ણન છે. ઑર્વેલે આ ઘટના ખરેખર જોઈ હશે કે કેમ તે નિશ્ચિતપણે
કહી નથી શકાતું, કેમકે એક સમયે ખુદ ઑર્વેલે પણ એમ
કહ્યાનું નોંધાયું છે કે તે તો 'એક વાર્તા માત્ર છે'. પરંતુ એ પણ હકીકત છે કે ‘A Hanging’ તેમનો
એક એવો નિબંધ છે જેમાં તેમણે જીવનનાં એક પાસાંને અંદરની બાજૂએથી જોયું છે. તેમનો
દૃષ્ટિકોણ જેટલો નિખાલસ છે એટલો જ શબ્દો ચોર્યા વગરની ચોખ્ખેચોખ્ખી વાત કરનારો પણ
છે.
પરિસ્થિતિનું
વર્ણન આપણને જકડી પણ રાખે છે અને બ્રિટિશ રાજની જુલમી રીતભાત તરફ રોષ પણ પેદા કરે
છે. આખી પરિસ્થિતિને ઑર્વેલે બેરહમ પ્રમાણિકતા અને અસંદિગ્ધતાથી રજૂ કરેલ છે.
ફાંસીને માંચડે ચડી રહેલા કેદીના ઠંડા મિજાજથી લઈને તે પ્રાંગણમાં થઈ રહેલા
નાનામાં નાના અવાજને અને હલચલને તેમણે એક કુશળ તસ્વીરકારની પેઠે શબ્દોમાં ઝીલી
લીધેલ છે. તેમાંથી નિપજતાં શબ્દચિત્રમાં બ્રિટિશ અફસરો દ્વારા કેદીઓ સાથેની
અમાનવીય વર્તણૂક અને બેપરવાપણું આપણી સમક્ષ ખડું થઈ રહે છે. વાચક પણ ખુદ એ ઘટનાઓનો
પ્રત્યક્ષ સાક્ષી હોય તેવી લાગણી અનુભવતો થઈ જાય છે.
આ
લઘુ નિબંધનો અનુવાદ આપણે બે ખંડમાં આવરી લઈશું.
[૧]
«Hangman» © 2000 Maxim Barhatov
વરસાદમાં ભીંજાયેલ, બર્માની સવાર થઈ રહી હતી.
ટીનનાં પીળાં પડી ગયેલાં પતરાં જેવો મુડદાલ પ્રકાશ ઊંચી દિવાલો પરથી વંકાઈને
જેલનાં પ્રાંગણમાં પથરાતો હતો., ફાંસીની સજા પામેલા કેદીઓ
માટેની, સળિયાઓની બેવડી હારથી આગળ્ના ભાગને આવરી લેવાયેલ, પ્રાણીઓનાં પાંજરાં જેવી, કાળકોટડીઓની બહાર અમે રાહ
જોતા ઊભા હતા. દસ દસ ફૂટની લંબાઈ પહોળાઇ ધરાવતી એ દરેક કોટડીમાં પથારીના નામે એક
ચટાઈ અને એક ઠીબડાં જેવાં પાણીનાં માટલાં સિવાય બીજું કશું નહોતું. તેમાની કેટલીક
કોટડીઓમાં ઘાટા ઘઉંવરણા રંગની ચામડીવાળા કેટલાક માણસો છેક અંદરની તરફ પોતાની આસપાસ
ધાબળીઓ વીંટાળીને પલાંઠી વાળીને બેઠા હતા. આ બધા હવે પછીનાં બે એક અઠવાડીયામાં
જેમને ફાંસી દેવાની હતી તેવા કેદીઓ હતા.
તેમાંના એકને તેની કોટડીમાંથી બહાર લવાયો. સાંઠકડી જેવો દેહ
ધરાવતો તે કોઈ હિન્દુ હતો. અસ્ત્રા વડે કાળજીપૂર્વક કાપી કઢાયેલા તેના વાળવાળી
તેનાં માથાની ટાલ કંઈક ચમકતી હતી. તેની આંખોમાં કોઈ પ્રવાહી ધુંધળાશ છવાયેલી દેખાતી
હતી. તેનાં શરીરનાં પમાણમાં તેની મૂછો, ફિલ્મોમાં મજાકીયાનાં પાત્ર
ભજવનારાએ પોતાના ચહેરા પર નકલી મૂછોનાં જાડામસ થર કર્યા હોય એટલી વિચિત્રપણે, વધારે
ભરાવદાર હતી. છ લાંબાપહોળા હિંદુસ્તાની વૉર્ડનો
તેને ફાંસીનાં માચડા તરફ પુરેપુરી તકેદારીથી લઈ જવા તૈયારીઓ કરી રહ્યા હતા.
તેમાંના બે વૉર્ડનો હાથમાં ભરી બંદૂકો લઈને ઊભા હતા અને બીજાઓએ કેદીને હાથકાડી
પહેરાવી અને તેમાં એક સાંકળ પરોવીને તે સાંકળને પોતાના પટાઓ જોડે બાંધી. તેના
હાથને પીઠ તરફ ખેંચીને પાછળથી દોરડાંથી કસીને તેનાં ખભા બાંધી લેવાયા હતા. તેઓ
તેને સાવ ઘસાઈને ચાલતા હતા> તેઓના એક હાથ વડે તેઓએ તેના
ખભાને એમ પકડી રાખ્યો હતો કે તેમને સતત લાગ્યા જ કરે કે તે એમની સાથે જ છે.
પાણીમાંથી કાઢ્યા પછી હજુ પકડનારની હથેળીમાં તરફડીને પાણીમાં પાછી કુદી પડવા મથતી
હોય એવી માછલીની જેવી સંભાળ લેવાઈ રહી હોય તેવું આ દૃશ્ય લાગતું હતું. પણ અહીં જે કંઈ બની રહ્યૂ હ્તું તેમાં જાણે તેને
કોઈ જ રસ ન હોય એમ પેલો કેદી તો કોઈ જ પ્રકારનો વિરોધ કર્યા સિવાય તેને બાંધવા કસાયેલાં
દોરડાંમાં ઢીલોઢફ થઈને ઊભો હતો.
જેલનાં ટાવરનાં
ઘડિયાળમાં આઠ વાગ્યાના ટકોરા થયા. તે સાથે દૂરનાં બૅરેક્સમાંથી બ્યુગલના એકલવાયા
તીણા સ્વર સવારની ભીની હવામાં પ્રસરી રહ્યા. અમારા બધાથી અળગા ઊભેલા જેલના સુપરિન્ટેન્ડન્ટે, બેધ્યાનપણે
બુટની એડીથી જમીનપરની કાંકરી ખોતરતાં ખોતરતાં, બ્યુગલનો સ્વર સાંભળતાંવેંત હાથ ઊંચો કર્યો. તેઓ
લશ્કરના તબીબ હતા. દાંત સાફ કરવાના બ્રશ
જેવી બરછટ તેમની ભુખરી મુછો હતી એટલો જ ચિડીયો તેમનો અવાજ હતો. 'ફ્રાસિસ, ભગવાન માટે કરીને હવે જલદી કરશો.' તેમણે અકળાઇને કહ્યું, 'અત્યાર સુધીમાં તો કેદી મરી જવો જોઈતો હતો. તમે લોકો
હજુ પણ તૈયાર નથી?'
વડા જેલર, ફ્રાંસિસ એક જાડા દ્રવિડ હતા. તેમણે ડ્રીલ
માટેનો સફેદ યુનિફોર્મ અને સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેર્યાં હતાં. પોતાના જાડા
કાળા હાથને હલાવતાં હલાવતાં તેમણે જવાબ આપ્યો, ‘સાહેબ, બસ,
હ્વવે બધું સંતોષપૂર્ણ રીતે તૈયાર જ છે. જલ્લાદ પણ તૈયાર ઊભો છે.
અમે બસ અહીથી નીકળ્યા જ સમજો.'
‘સારૂં
ચાલો, ઝડપથી પગ ઊપાડો. જ્યાં સુધી આ બધું પતી નહીં જાય ત્યાં
સુધી કેદીઓને સવારનો નાસ્તો નહીં મળે.'
અમારી
ફાંસીના માંચડા તરફની કૂચ શરૂ થઈ. બે વૉર્ડનો તેમની બંદુકોને નિશાન તાકવાની
તૈયારીમાં હાથમાં ઢળતી પકડીને કેદીની એકએક બાજૂએ ચાલી રહ્યા હતા; બીજા બે કેદીને અડીને,
તેના ખભા અને હાથ પર હળવી પકડ રાખીને, એક સાથે
ધક્કો પણ મારતા હોય અને દોરી જઈ પણ રહ્યા હોય તેમ ચાલતા હતા. મેજિસ્ટ્રેટ અને
અમારા જેવા બીજા બધા તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા હતા. અમે હજૂ માંડ દસેક વાર જેટલું ચાલ્યા હશું,
ત્યાં આખું સરઘસ અચાનક જ, કોઈ જ હુકમ મળ્યા
સિવાય, કે કોઈ ચેતવણી મળ્યા સિવાય જ, રોકાઈ
ગયું. એક ભયાનક ઘટના બની ગઈ હતી - ભગવાન જાણે ક્યાંથી એક કુતરો, ઓચિંતો, પ્રાંગણમાં આવી ચડ્યો હતો. તે મોટે મોટેથી
ભસતો ભસતો અમારી તરફ જ ધસી રહ્યો જણાતો હતો. અમારી નજ્દીક પહોંચ્યા પછી, જાણે આટલાં બધાં માનવ પ્રાણીઓને જોઈને ખુશ થઈ ગયો હોય તેમ અમારી પાસે
પુંછડી પટપટાવતો નાચવા લાગ્યો. તે હતો પણ ખુબ રૂંછડાવાળો, મોટો,
ભારે શરીરવાળો. તે અર્ધો
એરિડેલ નસ્લનો તો અર્ધો સ્થાનીય નસ્લનો હોય તેવું જણાતું હતું. થોડીક વાર તો એ અમારી આસપાસ નાચ્યો કૂદ્યો,
પણ પછી અચાનક જ તે કેદી તરફ ધસ્યો, અને કેદીની
પાસે કૂદી કૂદીને તે કેદીના ચહેરાને ચાટવાની કોશીશ કરવા લાગ્યો. બધા એવા બઘવાઈને
પાછા હટી ગયા હતા કે કુતરાને પકડી લેવો જોઈએ એ વાત જ વિસરાઈ ગઈ હોય એમ લાગતું
હતું.
‘આ
હરામી.કુતરાને અહીં કોણે ઘૂસી આવવા દીધો?' સુપરિન્ટેન્ડન્ટ
સાહેબ બરાડ્યા, 'કોઈ પકડો એને.'
ફાંસીની સજા
પામેલા કેદીના વળાવિયાઓની ટુકડીમાંથી અલગ કરાયેલ એક વૉર્ડન અડઘણપણે કુતરાની પાછળ
દોડ્યો. કુતરાએ પણ તરાપ મારી, અને વૉર્ડનની પક્ડથી આઘે ભાગ્યો. તેને હવે આ આખી રમતમાં મજા પડી રહી હોય
તેવું લાગતું હતું. એક યુવાન યુરેશિયન જેલરે જમીન પર પડેલા થોડા કાંકરા ઊપાડ્યા ને
કુતરા પર નિશાન તાકીને ફેંક્યા. કુતરાએ તે ઘા પણ ચૂકવી દીધો. હવે તે ફરી પાછો
અમારી તરફ ધસવા લાગ્યો હતો. તેના ભસવાનો અવાજ જેલની દિવાલોમાં પડઘાતો હતો. વૉર્ડનો
હાથમાં જકડાયેલો કેદી કોઈ જાતની નવાઇ બતાવ્યા વિના આખી ઘટના જોઈ રહ્યો હતો,
જાણે કે આ પણ ફાંસી પહેલાંની રસમોનો એક ભાગ જ કેમ ન હોય. થોડી
મિનિટો, અને ધમાચકડી પછી કુતરો જબ્બે તો થઈ શક્યો. મારો
રૂમાલ તેના કૉલરને બાંધીને અમારી કૂચ આગળ વધી, કુતરાનું
કરાંજવાનું અને તેનાં બંધનને ખેંચ્યા કરવાનું ચાલુ જ હતું.
ફાંસીના
માંચડાથી હવે અમે ચાલીસેક વાર દૂર હશું. મારી નજરમાં અમારી આગળ કૂચ કરી રહેલ
કેદીની ખુલ્લી બદામી, ચળકતી પીઠ હતી. તેના બંધાયેલા હાથને કારણે તેને ચાલવામાં થોડી તકલીફ પડતી
હતી, એક હિંદુસ્તાની ચાલતી વખતે પગ કડક, ઘુંટણેથી સીધા ન રાખે એટલે જે લચકદાર ચાલ ચાલે તેવી તેની લચકદાર, પણ સ્થિર ગતિની, તેની ચાલ પર કોઈ અસર લડતી જણાતી
નહોતી. દરેક પગલે તેના સ્નાયુઓ એક ચોકાસ જગ્યાએ ખસતા ને પાછા ફરી આવતા હતા,
તેના વાળની લટ ઉપરનીચે નાચતી હતી, ભીના
કાંકારાઓવાળી જમીનપર તેનાઅં પગલાંની છાપ પડતી જતી હતી. તેને બન્ને બાજુએથી જકડીને
પકડી રાખ્યો હોવા છતાં એક વાર રસ્તામાં ભરેલ પાણીનાં છાબલાંથી બચવા કમાલની રીતે તે
એક તરફ ખસી પણ ગયો હતો.
જરા
નવાઈ ભર્યું જરૂર લાગે છે,
પણ એ ઘડી સુધી મને અહેસાસ નહોતો થયો કે
એક જીવતાજાગતાં માણસને ખતમ કરી નાખવાનો અર્થ શું થાય. જ્યારે મેં એ કેદીને
છાબલાંથી બચવા એક ડગલું આઘો ખસી જતો જોયો,
ત્યારે જીવનની ભરતીના પૂરા જુવાળમાં
લહેરાતી એક જિંદગીને ટુંકાવી નાખવાનાં એ વર્ણવી ન શકાય એવાં ખોટાં કામનાં રહસ્યને
મારી સામે ખુલતું જોયું. એ કેદી કોઈ હિસાબે મૃત્યુને ઢુકડો નહોતો, બલ્કે જીવનથી એટલો જ
છલોછલ ભર્યો હતો જેટલાં હું અને તમે છીએ. તેનું દરેક અંગ બરાબર કામ કરતું હતું, ખોરાક તે પચાવતો હતો,
તેની ચામડી નવપલ્લવિત થતી રહેતી હતી, નખ વધતા હતા,
પેશીઓ ગઠિત થતી રહેતી હતી. બધું જ
સંન્નિષ્ઠ મૂર્ખતાની લયમાં મથી રહ્યું હતું. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હશે ત્યારે
પણ હવામાં લટકી પડેલ તેનાં શરીરના નખ વધતા જ રહેશે. તેની આંખો પીળી પચરક કાકરીને
અને ભૂખરી દિવાલોને જોતી રહેશે. એક નાના છાબલાં જેવી અણચિંતવ્યી ઘટના વિશે તેને બરાબર બધું યાદ હતું,
તેનું મગજ બરાબર તર્ક
કરી રહ્યું હતું, અને આગળનું જોઈ પણ રહ્યું હતું. અમારી
જેમ એ પણ આગળ વધી રહેલ ટુકડીનું જ અંગ હતો,
અમારી જેમ જ તે જોતો હતો, સાંભળતો
હતો, અનુભવતો હતો, એ જ જગતને સમજતો પણ હતો;
અને તેમ છતાં હવે પછીની ગણતરીની
મિનિટોમાં, એક ઝાટકા સાથે, અમારામાંનો એ એક જતો રહેશે - એક વિચારશક્તિ ઓછી થઈ જશે, એક વિશ્વ ઓછું થઈ જશે.
+ +
+ +
લેખકની
સંવેદના, વિચારશક્તિ, નિરીક્ષણ સૂઝ અને લેખની અસરને પૂરેપૂરી માણવા ,
સમજવા માટે આ તબક્કે એક વિરામ લેવો જ
ઉચિત જણાય છે !
હવે
શું થશે તે જાણવાની ઈતેજારીનું સમાધાન હવે પછીના ૨૦ મે, ૨૦૨૦ના લેખના બીજા ભાગમાં કરીશું.
- જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, A Hangingનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો