આપણામાંથી બાળપણમાં
'સાપ-સીડી'ની રમત તો ભાગ્યેજ
કોઈ નહીં રમ્યું હોય. તેમાં દરેક હરોળમાં દસ ખાનાં હોય એવી દસ હરોળ મળીને કુલ ૧૦૦
ખાનાં દોરેલાં હોય.કેટલાંક ખાનામાં સાપનું મોં હોય તો કેટલાકમાં સાપની પુંછડી હોય.
કેટલાકમાં સીડીની શરૂઆત હોય તો કેટલાકમાં સીડીનો અંત અને અમુક ખાનાં ખાલી હોય.
પાસો ફેંકવાનો અને જેટલા દાણા પડે તેટલાં ખાનાં આગળ વધવાનું. છેલ્લે જે ખાનું આવે
તેમાં જો સાપનું મોં હોય, તો તે સાપની
પુંઃછડી સુધીનાં ખાનામાં નીચે ઉતરી જવાનું. જો સીડીની શરૂઆત આવે તો એ સીડીના અંત
સુધીના ખાનાં સુધી ઉપર ચડી જવાનું. જો ખાલી ખાનું આવે તો બીજીવાર પાસો ફેંકવાથી
નસીબમાં કેટલા દાણા મળશે તેની રાહ જોવાની.
આપણા હાથમાં તો માત્ર પાસો ફેંકવાનું
જ છે. બાકી કેટલા દાણા પડશે, અંતે સાપનું મોં
આવશે,કે સીડીની શરૂઆત
આવશે કે ખાલી ખાનું આવશે તે તો નસીબને આધીન છે. નસીબ સવળું ઉતરશે કે અવળું તે આપણા
અંકુશમાં નથી, તે તો એવાં બળના
વશમાં છે જેના પર આપણો કોઈ અંકુશ નથી. સાચા અર્થમાં તો પાસા પર આપણો ખરેખર કોઈ
અંકુશ નથી. એટલે, સરવાળે જુઓ તો આખી
રમત પર જ આપણો કોઈ અંકુશ નથી. જ્ઞાન-ચૌપર કે મોક્ષ-પતન તરીકે પણ ઓળખાતી આ રમત કોઈ
જૈન સાધુએ કે હિંદુ ઋષિએ ઘડી કાઢી હશે, જેના વડે કર્મના સિધ્ધાંતને સમજાવી
શકાય.
કોઈ પણ પ્રવૃત્તિ જુગાર છે
હા, આપણી (પાસો ફેકવાની) પ્રવૃત્તિ કે પછી સાપ કે સીડીમાં દેખાતાં પરિણામ જુગાર છે
તેમ જાણવું બહુ નિરાશાજનક નીવડી શકે છે.
કોઈ પણ પ્રવૃત્તિ એક જુગાર જ છે. આ તો કોઈ જાતનાં નિયંત્રણ આપણા હાથમાં આપ્યા
સિવાય ચાલતી ગાડીમાં બેસાડી દીધાં હોય એવી લાચાર દશા છે. આનું નામ જ જીવન છે?
સ્વાભાવિક છે કે તો પછી એવી રમત રમવાનું કોઈને પણ ન ગમે. પરંતુ પ્રવૃત્તિનો
અભાવ તો પ્રમાદ છે. શેમાંય પણ ભાગ ન લેવો, સંકળાવું નહીં, કોઇ આનંદ નહીં, ખેલનાં બીજાં ખેલાડીઓ સાથે કોઈ સંબંધ નહીં એ તો
બીજાંઓને રમતાં જોતા, કે પરિણામોને કારણે જન્મતા તેમના ઉત્સાહ કે નિરાશાની મજાક ઉડાવતા સંન્યાસીએ
પસંદ કરેલ માર્ગ બરાબર છે. પરંતુ સંન્યાસીનું જ્ઞાન અને અનુભવ ધરાવતા, સમજદાર ગૃહસ્થ રમતમાં
ભાગ લે છે, પણ તેનાં પરિણામો સાથે લાગણીનાં બંધનમાં બંધાતો નથી, તેને માણે છે, પણ સમજે છે કે હાર કે
જીતનાં પરિબળો પર તેનો કોઈ અંકુશ નથી. એ તો બધો સંભાવનાઓનો ખેલ છે.
બદનસીબીનો સાપ આપણને પાછાં પાડી દે છે તો સદનસીબીની સીડી આપણને આગળ લઈ જાય
છે.ક્યારેક સાપની પુંછડી આપણને સીડીનાં પગથિયાં પર લાવી મૂકે છે. આમ દુર્ભાગ્યના
પડછાયામાં સદભાગ્ય સંતાયું હોઈ શકે છે કે પછી સદભાગ્યના પગલે પગલે પાછળ દુર્ભાગ્ય પણ ચાલ્યું આવતું હોઈ
શકે છે.આપણા માર્ગમાં શું છે તે તો આપણને ક્યારેય ખબર નથી પડવાની. જીંદગીનું બીજું
નામ જ અચરજોનો ભંડાર છે, જેમાંથી સાહસની મજાનો રણકાર સંભળાતો રહે છે.
આ સાપ અને સીડી આવ્યાં ક્યાંથી હશે? એક માન્યતા અનુસાર તે કુદરતી પ્રક્રિયા સ્વરૂપ આપણાં
કર્મો છે. કર્મો આપણા દ્વારા કરાતી પ્રવૃત્તિઓ અને પ્રતિપ્રવૃત્તિઓનાં પરિણામોનો
સમુહ છે. સત્કાર્યો એકઠાં થઈને સીડી બને છે અને દુષ્કૃત્યો એકઠાં થઈને સાપ બને છે.
વધારે સત્કર્મો કરી શકાય અને ઓછામાં ઓછાં દુષ્કૃત્યો થાય એમ શી રીતે કરી શકાય ? ખરેખર જોઈએ તો કોઈને જ
આ વિશે ખબર નથી. આપણા હાથમાં તો માત્ર પાસો જ છે. તેને સાપનાં મોં પાસે ફેંકો કે
સીડીનાં પગથિયાં પાસે ફેંકો, તે તો એક જ સરખી રીતે વર્તે છે. ક
કૃત્ય સારૂ છે કે ખરાબ છે કે કોઈ ક્રિયાની પ્રતિક્રિયા સારી આવશે કે ખરાબ
તે નક્કી કરવા માટે કોઈ જ નિશ્ચિત માર્ગ નથી ખોળાયો.
સાપ અને સીડીની રમતમાં આપણે એક મોજાં પર સવાર થઈ જઈએ છીએ. એ મોજું આપણને ઉપર
પણ ઉંચકી શકે છે કે નીચે પણ પછાડી શકે છે. તેની રચના અનેક કુદરતી પરિબળો વડે થાય
છે. આપણે તો તેના પર માત્ર સવારી જ કરી
શકીએ. જોકે આપણે એવી ભ્રમણામાં રહેતાં
હોઈએ છીએ કે એ મોજું આપણે રચ્યું છે. કૃષ્ણએ ભાગવદ ગીતામાં આપણને યાદ કરાવ્યું જ
છે, કે 'તું કર્તા છો જ નહીં; કર્તા તો કુદરત છે, તું તો માત્ર પ્રેક્ષક છો.'
આપણે એમ કહી શકીએ કે જીવન એ કર્મોનું સરવૈયું છે, જેમાં સદ્ભાગ્યો અને
દુર્ભાગ્યોનાં ખાતાંઓની જમા ઉધારનો હિસાબ રખાય છે. ભાગ્ય સદ્ છે કે નહીં તે નક્કી આ જન્મ અને પૂર્વજન્મોનાં
ભૂતકાળમાં કે હવે પછીના જન્મોનાં કરેલાં
કૃત્યો દ્વારા થાય છે. આ બાબતે ઋષિઓ મૌન ધારણ કરવાનું પસંદ કરે છે,કેમકે આપણૂં જીવન કેમ
ઘડાઈ રહ્યું છે તે વિશે કોઈને જ કશી ખબર નથી. કેટલાંક લોકો એમ માને છે કે આપણે
ભૂતકાળમાં કરેલાં આપણાં કામોથી જ આપણું નસીબ ઘડીએ ચીએ. કે પછી એમ પણ બનતું હશે કે
ઉપરનીચેની ચડવા પડવાની સાપસીડીની આ રમત કોઈ આયોજન પણ નથી કરી રહ્યું કે નથી કોઈ
એના પર નિયમન રાખી રહ્યું. આપણા હાથમાં તો આપણે આપણા અનુભવોને કઈ દૃષ્ટિએ
જોઈએ છીએ તેટલું જ છે. નસીબ સારૂં હોય તો આપણે રાજી થઈએ અને વાંકું હોય તો નિરાશ
થઈએ. આપણે એમ માનીએ છીએ કે સારૂં કે ખરાબ નસીબ આપણા હાથની રચના છે ? કે પછી આપણે એમ મનીએ
છીએ કે આ વિશ્વ, ઈશ્વર, કુદરત કે પછી આ ખેલ, ને કારણે આપણે આ સદભાગ્યનાં કે દુર્ભાગ્યનાં ભાગી બન્યાં છીએ ?
નિયંત્રણની પેલે પાર
મોક્ષ એ સ્થિતિ છે જેમાં દુનિયા માનવ
નિયંત્રણની પાર છે પણ લાગણીઓની પાર નથી તેમ સમજાય છે. આપણે ખેલ પર નિયંત્રણ કરવાની
કોશીશ કરી શકીએ, આપણી ચાલમાં ઘાલમેલ કરી શકવાની કોશીશ કરી શકીએ છીએ કે દુનિયાની ઘટનાઓને તર્ક
વડે સમજાવવાની કોશીશ કરી શકીએ છીએ. ખેલ વડે પિડીત હોવાની કે ખેલ પર વિજય પામનારા
નાયકની પદવી આપણે આપણી જાતને બક્ષી શકીએ છીએ.
અથવા તો, સ્વીકારી લઈએ કે બધાં જેમ રમે છે તેમ જ આ ખેલને રમી શકાય. ક્યારેક આપણે
ફાયદામાં રહ્યાં હોઈએ કે તો ક્યારેક નુકસાનમાં. ક્યારેક નીચે સરકી પડીએ કે તો
ક્યારેક ઉપર ચડી શકીએ.
મજા તો આપણી અને બીજાં ખેલાડીઓની લાગણીઓને જોવામાં છે અને આ પ્રકારની અનેકવિધ
રમતો જેવાં આપણાં જીવનમાં મિત્રો બનાવતા રહેવામાં છે.
‘ધ સ્પિકીંગ ટ્રી’ માં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Karmic Hisab-Kitabનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો