બુધવાર, 8 એપ્રિલ, 2020

કોરોનાવાયરસનાં સંક્રમણના સમયે એક પિતાનો પત્ર

જ્યારે આપણાથી બહાર નીકળી શકવાનું બંધ થઈ ગયું છે, ત્યારે હવે આપણી સફર આપણી અંદર તરફ શરૂ કરવા લાગ્યાં છીએ. એ સફરમાં આપણને જણાવા લાગ્યું છે કે આપણી ખરી જરૂરિયાતો કેટલી ઓછી છે અને સાદી સાદી વાતોમાંથી પણ કેટલી મજા લુંટી શકાય છે !

(અને પછી….વિશ્વ થંભી ગયું….) 


મારાં વહાલાં,

ગઈ સદીના આઠમા દાયકામાં જન્મેલી અમારી પેઢીને ૨૦૨૦ એક જાદુઈ આંકડો લાગતો હતો. દેખીતી રીતે દૂર જણાતાં એ વર્ષની પૂરેપૂરી સપ્રમાણતા સાથે અમને , તેમ જ અમારા પછીની તમારી પેઢીને, એક અદમ્ય આકર્ષણ થઈ ચુક્યું હતું. ઊડતી કારોની, તબીબી ચમત્કારોની, પરગ્રહ સફરોની, વૈશ્વિક રામરાજ્યથી પણ ચડી જાય એવા કલ્પનાતીત પ્રદેશની, સાઈબોર્ગની ચોતરફ હાજરી દર્શાવતી અનેકવિધ અપેક્ષાઓને પોતાના ગર્ભમાં સમાવી રહેલ,એકવીસમી સદીના બીજા દાયકાની વિદાયનું આ વર્ષ કેવું અદભૂત, અને છતાં દરેક હાથમાં સ્માર્ટફોનની નક્કર હાજરીને કારણે હોવાને કારણે વાસ્તવિક પણ, જણાઈ રહ્યું હતું.

જોકે ૨૦૨૦ના આરંભથી જ તેની આવી ક્રાંતિકારી આભા ધુંધળી પડવા લાગી. આશાઓ કરમાતી જતી જણાવા લાગી. અવકાશ સફરનાં માનવજાતનાં સ્વપ્ન ધનાઢ્યોના મિથ્યાડંબરોની કાલ્પનિક ખ્વાહિશોની પાછળ લુપ્ત થતાં જણાવાં લાગ્યાં. વિશ્વની ૧ % વસ્તીએ પોતાનાં સોનેરી પાંજરાઓમાં વિશ્વના અર્ધાંથી વધારે સંસાધનોને પોતાના ભોગવિલાસ માટે એકત્ર કરી મૂક્યાં. તેમાં કશું અજુગતું થઈ રહ્યું હોય એવું પણ જણાતું નહતું. ડિજિટલ ક્રાંતિને પરિણામે સેવેલું સૂર્યપ્રકાશથી ઉજ્જ્વલિત આદર્શ સમાજવ્યવસ્થાનું યુટોપિયન વિશ્વનું સ્વપ્ન દૃષ્ટિભ્રમ જણાવા લાગ્યું. તેને બદલે ૧૪૦ અક્ષરોનાં અલંકૃત, પણ અર્થવિહિન ટ્વિટ્સનાં ઊફૂટી નીકળેલાં ઝાળાં કે શબ્દોની ટપાટપીની ભરમારવાળી ફેસબુક કે વ્હૉટ્સએપ્પ પોસ્ટ્સની સમજ્યા પહેલાં જ ફોરવર્ડ કરાયેલી ઝડીથી આપણું મગજ બહેર મારવા લાગ્યું. ટેક્નોલોજિએ આપણને ટુકડાઓમાં વહેંચાઈ રહેલો સમાજ, આપવડાઈ પડઘાવતી પોતાની એક ખુણામાં સમાતી દુનિયા, અનુ-સત્યથી છવાયેલ જાહેર પ્રત્યાયન માધ્યમો અને વિલક્ષણ અસંવેદના પ્રચુર નેતૃત્વની ભેટ આપી. બદામી રંગનાં લાખો પેકેટોમાં પ્રી-પૅક્ડ ખાદ્યસામગ્રીઓ આપણે બારણે પહોંચવા લાગી. હાથે રાંધવાની, લોકો સાથે વાતચીતના જીવંત વ્યવહારો કરવાની મજા શું હોય તે જ ભુલાવા લાગ્યું. ખાઓ,પીઓ, વાપરો, પોસ્ટ ફોરવર્ડ કરો, પંખીઓનો ચહેકાટ કાનમાં હેડફોન ભરાવીને સાંભળો - બસ એ જ હવે આપણી દુનિયા બનવા લાગી. એવામાં ૨૦૨૦નો પ્રવેશ થયો.

અને … દુનિયા… અચાનક … થંભી ગઈ.

૧૯મી સદી પુરી થતાં થતાં એચ જી વેલ્સે રોગકારક સુક્ષ્મ જીવાણુઓ સામેની પ્રતિરોધક શક્તિના અભાવથી મંગળવાસીઓનાં પૃથ્વી પરનાં આક્રમણથી જરામાં બચી ગયેલ વિશ્વની વાત કરતાં લ્ખ્યું છે કે 'ઇશ્વરે તેનાં અકળ શાણપણથી પૃથ્વી પર મુકેલાં, એક તુચ્છ જણાતાં, સુક્ષ્મ જીવાણુએ આક્રમણને નિશ્ફળ કર્યું'.

આજે એ જ તુચ્છ, સુક્ષ્મ , તેને સજીવ પણ કહેવું કે કેમ તે પણ જે હજુ વિવાદમાં છે એવાં,નરી આંખે તો દેખાતાં પણ નહીં એવાં, જીવાણુએ પોતાની જાતને સભ્ય મનાવનાર, વિજ્ઞાન પ્રચુર જ્ઞાની, પરમાણુની શક્તિને નાથી શકનાર માનવીને ઘુંટણે ટેકવી દીધો, અને તેણે રચેલી દુનિયાનાં પૈડાં ચક્કાજામ કરી મૂક્યાં.

અચાનક આપણે હવે કંઈ જ વધારે ઉપભોગ કરી શકતાં નહોતાં.

આપણી આસ્થાને ટ્કાવી રાખતાં મંદિરો, દેવળો, મસ્જિદો અને એવાં બધાં સમુહ ભક્તિસ્થળો એક પછી એક બંધ થવા લાગ્યાં. કૃત્રિમ-પ્રજ્ઞાથી સંચાલીત માનવ સર્જિત રૉબોટ્સ વડે ધમધમતાં કારખાનાઓ ભેંકાર બનવા લાગ્યાં. બજારો ઉજ્જડ થઈ ગયાં. શેર બજારોનાં તળિયાં નવીં ઊંડાઈએ ખાબકવા લાગ્યાં.

વિશ્વના એક એક દેશે પહેલાં નકાર ભણ્યો, પોતાની મેળે લાડાઈ આદરી, આમને સામને રોષ પ્રગટ કર્યો, અને છેવટે બધાંએ સ્વીકારી લીધું.

ચુપચાપ આપણે ઘરોમાં ભરાઈ ગયાં અને વિષાણુ સામેની લડાઈ બહાર લડાતી રહી. એક ક્ષણ માટે તો આપણને લાગ્યું કે આપણે કોઈ દુઃસ્વપ્નની તંદ્રામાંથી જાગૃત થઈ રહ્યાં છીએ ! બધું ખરેખર, કાયમ માટે, સારૂં થશે ?

જિંદગીની જરૂરિયાતોની યાદીને કદી થંભવા ન દેવાથી પેદા થતા તણાવના ભારની જે ઘુંસરી આપણે ખભા પર વેંઢારી રહ્યાં છીએ તે એક ઘેલછા છે? આપણા બેંકનાં ખાતાંઓમાં શૂન્યો ઉમેરતા રહેવાનું, કે જુદાં જુદાં સામાજિક માધ્યમો સાથે 'લાઈવ' રહેવા માટે એપ્સ ડાઉઅનલૉડ કરતાં રહેવાનું, કે જિંદગીમાં માત્ર આ ભરવું પેલું ભરવું આજે ભરવું અને કાલે ભરવું એવું કરતાં રહેવાનું જ, માત્ર અગત્યનું છે ? આ બધું કોણે, ક્યારે નક્કી કર્યું તે યાદ છે ખરૂં?

જ્યારે જીવનમાં આવું બધું થોડું થોડું હતું ત્યારે જીવન જીવવાની મજા કેવી હતી, એ યાદ આવે છે? રજાના દિવસે બપોરે કેવો મીઠો કંટાળો આવતો? સાંજ પડ્યે તૈયાર થઈને બેસો, પણ કશે જવાનું જ નહોતું, એટલે ઘરમાં નાનીમોટી રમતો રમતાં સ્વયંભૂ મિત્ર-મહેફિલો બની જતી ! લોકોની સામે બેસીને વાતોના તડાકા મરવા કે હાથમાં ફોનનું રિસિવર પકડીને કલાકો સુધી થતી ગપસપને માણવા માટે કંઈ કેટલાંય સામાજિક પ્રસંગોમાં ન પહોંચવાનાં બહાનાં ખોળી કાઢવા માટે મગજને મળતી કસરતની મજા યાદ આવે છે ! પોતાનાં બાળકો કે નાનાં ભાઈબહેનોનાં ઘરકામમાં મળેલ કૂટપ્રશ્નોના જવાબ ન મળે ત્યારે ભોઠપ છુપાવવાના કરાતા કારસા યાદ આવે છે ને ! ઘરની બારીની બહાર પંખીઓનો કલબલાટ અને દૂરના મુખ્ય માર્ગ પર પ્રસરેલ શાંતિ સાંભળવાની મજા યાદ આવે છે ને ! ઉનાળાની રાત્રે અગાસી પર સુતાં સુતાં ચોખ્ખાં આકાશમાં દેખાતા તારા યાદ છે ?

આજે જ્યારે બહાર જવા પર તાળાબંધી છે ત્યારે ઘરમાં, અને મનમાંને મનમાં, માણેલી એ મજાઓ તરફ વિચારો વળી રહ્યા છે. હવે સમજાવા લાગ્યું છે કે ખરા અર્થમાં આપણી જરૂરિયાતો કેટલી ઓછી છે. એ ઓછી જરૂરિયાતોની, તેનાથી વધારે ઓછી પૂરી થતી માત્રા છતાં, એ જીવન કેવું મીઠું, કેટલું ભર્યું ભર્યું હતું. મૉલના સુપર માર્કેટમાં કે ઓનલાઈન સ્ટોરની એપમા વીસ વીસ બ્રાન્ડોની આ અને પેલી વસ્તુઓની આપણને ખરેખર કોઈ જ જરૂર નથી. જીવનમાં જરૂરી સંબંધોનાં જોડાણ, આપસી સમજની સંવેદના અને એકબીજાં માટે વણકહ્યો પ્રેમ, તેમ છતાં, અખૂટ મળતાં હતાં. યાદ આવે છે - ટેલીફોન કૉલમાંથી પ્રસરતી હુંફ, સોસાયટીને નાકે ટોળે વળીને એકસાથે બધાં સાથે વાત કરવાની ગડબડો, કોઈ દૂરના સગાંસંબંધીના મૃત્યુથી થતી ગમગીની, બસ સ્ટેન્ડ કે લોક્લ ટ્રેનનાં સ્ટેશનની બહાર ગૌરવભેર બુટ પોલીસ કરી આપતા છોકરા પાસે ગાળેલી એ પાંચદસ મિનિટો,કૉલેજમાં મિત્ર કે ઑફિસમાં સહકાર્યકર સાથે આપોઆપ અચાનક જ ગળે મળી જવું…. ફરી ફરીને યાદ આવે છે

એ બધાંને કારણે આપણે જીવતાં જાગતાં ધબકતાં માણસ હતાં, આજે તાળાબંધીમાં એ માનવસહજતા ફરી સ્ફુરી રહી છે, જેને કોઇ રોગવિષાણુ ક્યારે પણ હણી નહીં શકે.

હંમેશાં તમારી જ નજદીક વસેલો….

 

ગ્રીન એકર્સ ઍકેડેમી દ્વારા આજનાં પરિવર્તનશીલ વિશ્વમાં આગળ વધવામાં મદદરૂપ શિક્ષણ અને અપૂર્વ નટવર પરીખ  ગ્રૂપ દ્વારા રીઅલ એસ્ટેટનાં વ્યવસાયોનાં સંચાલન કરતા ઉદ્યોગ સાહસિક, રોહન પરીખ  વ્હૉર્ટન સ્કૂલ ઑફ બીઝનેસ, ઇન્સીડ અને ધ જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને તેઓ જાહેર નીતિઓ અને સામાજિક સાહસો માટેના શોખ માટે સમય ફાળવે છે. તે ઉપરાંત  ધ ઈન્ડિયન એક્ષપ્રેસ, સ્કૉલ.ઈન, ધ બીઝનેસ વર્લ્ડ,  ધ આંત્રપ્રૉન્યૉર.કૉમ જેવાં વિવિધ માધ્યમ પર નિયમિતપણે તેમના શોખના વિષયો  પર લેખ પણ લખતા રહે છે.

  • શ્રી રોહન પરીખના ૪ એપ્રિલ, ૨૦૨૦નાં 'ધ ઈન્ડિયન એક્ષપ્રેસ'માં પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ, A father’s letter in the times of coronavirus નો અનુવાદ  
  • અનુવાદકઃ: અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૮ એપ્રિલ, ૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો