બુધવાર, 15 જુલાઈ, 2020

પુસ્તકોની દુકાનની યાદો (૧૯૩૬) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

જ્યોર્જ ઑર્વેલને આ કામમાં રસ નથી તે તો દેખાય જ છે, છતાં પણ જૂનાં પુસ્તકો વેંચતાં વેંચતાં જ્યોર્જ ઑર્વેલે ગ્રાહકો, તેમની ટેવો, કઈ વસ્તુઓ કેમ વેચાતી હતી જેવી બાબતોનું બહુ ઝીણવટથી નિરીક્ષણ કર્યું છે -

મને અમારા શાળાના દિવસોમાં અમદાવાદનાં ગુજરી બજારમાંથી જૂનાં સામયિકો અને પેરી મેસનની પુસ્તકો ખરીદવામાં જે રસ પડતો તે યાદ આવે છે. અમે, અને અમારાં જેવાં અમુક ચોક્કસ પ્રકારનાં પુસ્તકો ખરીદનાર ઘણાં ગ્રાહકોને એ પુસ્તકો વેંચનારાં બરાબર યાદ રાખીને તેમના રસનાં પુસ્તકો બતાવતાં. એ પછીનાં વર્ષોમાં અંગ્રેજી નવલક્થાઓ ખરીદવાં માટે ફુટપાથ ૧૦૦૦/૧૫૦૦ પુસ્તકોની 'દુકાન'ની મુલાકાતોની પણ આછી આછી યાદો આજે ફરી આંખ સામે આવે છે. એ વેંચનારાઓએ એ પુસ્તકો ક્યારે  પણ વાંચ્યાં નહીં હોય, પણ પુસ્તકોના આટલા ઢગલાંથી પણ તેઓ આપણી માગણી મુજબનું પુસ્તક પળવારમાં હાજર કરી આપતા.

એ બધી 'દુકાનો'માં આજે મોટા પુસ્તકમેળામાં પણ જોવા ન મળે એવાં પુસ્તકો મળી જતાં.

જ્યોર્જ ઑર્વેલની એક સમયની અહીં હાજરીની યાદ સ્વરૂપ તકતી

પુસ્તકો  ભાડેથી આપવામાં લોકોનો ખરેખર રસ શેમાં છે તે જાણવા મળી જાય છે. એક બાબત આંખે વળગે છે તે એ છે કે લોકોને 'ક્લાસિક અંગ્રેજ નવલથાકારોમાં બહુ રસ નથી રહ્યો. કોઈ પણ સીધી સાદી ભાડે પુસ્તક આપતી લાયબેરીમાં ડિક્ન્સ, ઠાકરે, જેન ઑસ્ટેન, ટ્રૉલોપ્સ જેવા લેખકોને તો મુકવાનો કોઈ અર્થ જ નથી. એમને તો લોકો હાથ પણ નહીં અડાડે. ૧૯મી સદીની નવલકથા જોતાંવેંત જ લોકો કહી દે છે કે, 'ઓહ, એ તો બહુ જૂની છે', અને તરત જ ત્યાંથી આગળ ખસી જશે. તેમ છતાં ડિકન્સને  શેક્સપીઅર જેટલો જ  વેંચવો સહેલો છે. ડિકન્સ એવા લેખકોમાં છે જેને લોકો વાંચવાલાયક' યાદીમાં અચુક રાખવા માગશે. એ લેખકો બાઈબલ જેટલા જ જુનાં પુસ્તકોની દુકાનમાં યાદ કરાય છે. કાનોપકાન સંભળેલી વાતથી લોકોને જેમ ખબર હોય  છે કે મોસિસ ઝાડીઓમાં બલુશેશની એક ટોપલીમાં મળી આવ્યા હતા અને તેમણે ઈશ્વરના 'પાછલા ભાગ' જોયા હતા એમ બીલ સાઈક્સ ધાડપાડુ છે, કે મિ. મિકૉબરને માથે  ટાલ છે તે પણ લોકોને ખબર હોય છે.

બીજી એક બાબત જે વધારે ધ્યાન ખેંચે છે તે છે અમેરિકન પુસ્તકોની ઘટતી જતી લોકપ્રિયતા. દર બે ત્રણ વર્ષે પ્રકાશકોને ચિંતામાં નાખી દેતી બીજી બાબત છે ટુંકી વાર્તાઓ માટેની નીરસતા. પોતાના માટે પુસ્તક પસંદ કરવાનું કહેતી વ્યક્તિની શરૂઆત 'મારે ટુંકી વાર્તાઓ નહીં જોઈએ' કે  અમારા એક જર્મન ગ્રાહક જેમ કહે છે તેમ 'મને ટુંકી વાર્તાઓની ઈચ્છા નથી.' એ રીતે જ થતી. તેમને કારણ પૂછીએ તો ક્યારેક તેઓ એમ જણાવે કે દરરોજ નવાં નવાં પાત્રો સાથે આત્મીયતા કેળવવા માટે ખાસ તૈયારી જોઈએ.  તેમને નવલકથામાં ઓતપ્રોત થવું એટલે વધારે ગમે છે કે પહેલાં પ્રકરણ પછી તેની કોઈ ખાસ માગણી નથી રહેતી. જોકે, મારૂં માનવું છે કે આ પરિસ્થિતિ માટે વાચકો કરતાં લેખકોનો વાંક વધારે છે. આજના સમયની, મોટા ભાગની, અંગ્રેજી કે અમેરિકન, ટુંકી વાર્તાઓ, નવલકથાની સરખામણીમાં,સાવ નિષ્પ્રાણ અને ફાલતુ લાગતી હોય છે. જે ટુંકી વાર્તાઓની માંગ ઠીક ઠીક વધારે છે તે ડી એચ લૉરેન્સની છે. તેમની નવલકથાઓ જેટલી જ તેમની નવલિકાઓ લોકપ્રિય છે.

પુસ્તક વેચાણના વ્યવસાયમાં મને પડવું ગમે? અમારા માલિકના ખાસ્સા દયાભાવ છતાં, અને મેં અહીં બહુ મજાના દિવસો પણ પસાર કર્યા છે છતાં, મારો જવાબ 'ના' છે.

વ્યવસાયની થોડી સમજ હોય અને ખીસ્સાંમાં પુરતી મૂડી હોય તો પુસ્તક વેચાણમાથી જીવનનિર્વાહ કરવાનું અઘરૂં નથી. બહુ દુર્લભ પુસ્તકો જ રાખવા જેવો આગ્રહ ન રાખો તો આ વ્યવસાય શીખવામાં બહુ મુશ્કેલી ન પડે.  તેમાં પણ જો તમને પુસ્તકોમાં અંદર શું છે તેની થોડી પણ ખબર હોય તો તો તમને ખાસ્સો ફાયદો રહી શકે છે. મોટા ભાગના પુસ્તક વિક્રેતાને જોકે  ખબર નથી હોતી ! તેમની જરૂરિયાતોની છાપાંઓમાં આવતી જાહેઅરખબરોથી જ આ વાતનો સહેલાઈથી અંદાજ મેળવી શકાય છે. બોઝવેલનાં 'ધ ડીક્લાઈન એન્ડ ફૉલ'ની જાહેરાત ન જોવા મળે તો ખાત્રી રાખજો કે ટી એસ એલિયટની  'ધ મિલ ઑન ધ ફ્લૉસ'ની જાહેરાત નજરે ચડશે જ !

વળી, આ વ્યવસાય માણસ માણસ વચ્ચેના સંબંધનો છે એટલે એક હદથી વધારે તેનું સામાન્યીકરણ શકય નથી. નાના કરીયાણાના વેપારી કે દૂધવાળાને જે રીતે તેમના વ્યવસાયમાંથી હટાવી શકાયા છે તેમ મોટા પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓનાં જોડાણ નાના પુસ્તક વિક્રેતાઓ જોડે ન કરી શકે. જોકે નાના પુસ્તકવિક્રેતાઓના કામના કલાકો બહુ લંબાઈ જાય છે. હું તો જોકે ખંડ સમયનો કર્મચારી હતો, પણ અમારા માલિક અઠવાડીયાના બોંતેર કલાક કામ કરતા હતા; તેમાં પુસ્તકો ખરીદવા વગેરે જેવાં કામો માટે જે સમય ફાળવવો પડે તે વધારાનો. આમ પુસ્તકવિક્રેતાનું જીવન બહુ કષ્ટભર્યું અને લાંબે ગાળે, બીનઅરોગ્યપ્રદ બની રહે છે.

શિયાળામાં પુસ્તક વેચાણની દુકાન ઠંડીગાર હોય એ વણલખ્યો નિયમ છે, કેમકે જો તેને બહુ હુંફાળી રાખવામાં આવે તો બારીઓ પર ધુમ્મસ બાજી જાય, અને પુસ્તક વિક્રેતા તો જીવે છે જ બારીઓ પર. વળી પુસ્તકો બીજી કોઈ પણ વસ્તુ કરતાં હંમેશાં પર વધારેને વધારે ધુળ જામેલી જ હોય. ફુગને પણ પોતાનું સ્થાન જમાવવા માટે પુસ્તકોથી વધારે સારૂં સ્થાન નથી મળતું !

આ બધાં સિવાય પુસ્તકના વ્યવસાયમાં ન જવાનું વિચારવા માટેનું મારૂં ખરૂ કારણ તો એ છે કે ત્યાં રહ્યે રહ્યે મારો પુસ્તકો માટેનો પ્રેમ જ ઓસરી ગયો. પુસ્તક વિક્રેતાએ પુસ્તક વિશે કેવાં કેવાં જુઠાણાં ચલાવવાં પડે છે ! એટલે પછી પુસ્તકો માટે તેને અભાવ જ થવા લાગે ને ! અને એટલું ઓછું હોય તેમ તેમના પરની ધૂળ તો ઝાટક્યે જ રાખવાની અને અહીંથી તહીં ખસેડ્યા જ કરવાનાં. એક સમય હતો જ્યારે મને પુસ્તકો માટે ખરેખર લગાવ હતો - મને તે જોવાં ગમતાં અને તેનાં પાનાંઓમાંથી આવતી એક ચોક્કસ ગંધ ગમતી, તેના પર  ફરતાં આગળાંઓનો સ્પર્ષ  શરીરમાં ઝણઝણાટી પેદા કરતો, ખાસ તો એ પુસ્તક જો પચાસેક વર્ષ જૂનું હોય. નાનાં ગામનાં લિલામમાં એક શિલીંગમાં  આખો ઢગલો ખરીદી લેવાની મજા જ કંઈક જુદી આવતી.

એ પ્રકારના ઢગલાઓમાંથી ગૌણ મનાતા ૧૯મી સદીઓના કવિઓ,ચલણમથી બહાર બની ચુકેલ ગેઝેટીયર, વિસરાઇ ચુકેલ નવલકથાઓ, જુનાં વર્ષોનાં સામયિકોનાં બાંધેલા અંકો જેવાં અનઅપેક્ષિત, કેટલાય હાથફેરા જોઈ ચુકેલ પુસ્તકો મળી જવાની મજા જ કંઈક જુદી છે. બપોરે આડા પડ્યા હોઈએ ત્યારે કે રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે કે કોઇ જ જાતનાં પ્રયોજન વગર અડધો પોણો કલાક પસાર કરવાનો હોય ત્યારે આવાં એકાદ પુસ્તક જેવું હાથવગું બીજું કોઈ વાંચન નથી.

પરંતુ મેં જેવું પુસ્તક વિક્રેતા દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું, કે મારી પુસ્તકોની ખરીદી બંધ થઈ ગઈ. એક સાથે હજારોની જથ્થાબંધ સંખ્યામાં જોવા મળતાં પુસ્તકોને કારણે પુસ્તક વાંચનની ભુખ એવી મરી જાય છે કે પુસ્તક જોતાંવેંત તબિયત અમળાવા લાગે. હજુ પણ ક્યારેક ક્યારેક પુસ્તક ખરીદું જરૂર છું, પણ  જો તે ખરેખર વાંચવાનો હોઉં તો જ, ખરીદવા ખાતર નથી ખરીદી બેસતો. કામનું ન હોય એવું પુસ્તક તો હવે હું ભૂલેચુકે પણ નથી ખરીદતો. પીળાં પડતાં જતાં પાનાંઓની મીઠી સુગંધનું હવે મને આકર્ષણ નથી રહ્યું. મને હવે તેમાંથી વાંચનનો દેખાડો કરતા ગ્રાહક અને પુસ્તક પર વળી ગયેલી ફૂગની બુ આવે છે.

+      +       +

પુસ્તકોનાં વેંચાણ કરતી દુકાનમાં પુસ્તકો વેંચવાનું કામ કરવું કેવું કઠિન નીવડી શકે છે તે જ્યોર્જ ઑર્વેલ બહુ સચોટપણે વર્ણવે છે. ખરેખર રસથી પુસ્તક ખરીદનાર ગ્રાહક મળતાં રહે તો તો કદાચ તમારો રસ જળવાઈ રહે, પણ દરેક બજારનો એક વણલખ્યો નિયમ છે કે બજારમાં આવતી દરેક વ્યક્તિ ખરીદાર નથી હોતી અને ખરીદારોમાંનાં બધાં સાચાં કારણોસર ખરીદનારાં નથી હોતાં.

વેંચાણ કરવું એ તમારો વ્યવસાય છે તેટલે તેને પુરી કાર્યદક્ષતાથી કરવું એ આપણી નૈતિક ફરજ છે તે તો ઠીક પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જરૂરિયાત છે એ ભાવનાનો માનસીક બોજ તેમાં જે થોડો ઘણો પણ રસ હોય તે કરમાવી નાખી શકે છે.

દરરોજ છપ્પન ભોગ રાંધતો રસોયો પોતે તો રોટલી-દાળ-ભાત-શાકનું સાદું ભોજન જ પસંદ કરે એવા કવિ ન્યાયની યાદ જ્યોર્જ ઑર્વેલની કલમ કરાવી જાય છે.

  • જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Bookshop Memoriesનો આંશિક અનુવાદ 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો