બુધવાર, 8 જુલાઈ, 2020

પશ્ચાતાપ વિશેની ધારણા - દેવદત્ત પટ્ટનાઈક

બળાત્કારના ગુનામાં સજા પામેલ વ્યક્તિ પોતાની જવાબદારી સ્વીકારી લે અને પશ્ચાતાપ કરે એમ આપણે કેમ માની લેતાં હશું? આ અપેક્ષા આપણે આપણા મનમાં જ ધારી બેસીએ છીએ. એ જ્યારે આપણી અપેક્ષા મુજબ વર્તાવ નથી કરતો ત્યારે આપણને નિરાશા થાય છે, ગુસ્સો આવે છે કે લાચારી અનુભવાય છે. માનવ સ્વભાવની એ આપણી કમસમજણ છે જે આપણા ઘણા નિર્ણયો નક્કી કરે છે અને નિરાશાઓનાં અનંત ચક્કર શરૂ કરે છે.

માણસ અમુક રીતે જ વર્તે એમ આપણે ઈચ્છીએ છીએ. આપણી અપેક્ષા માનવી દયાળુ બને, ઉદાર અને બીજાંની પરવા કરતો બને, આપણાં ધોરણ મુજબનો ખાનદાન અને માનવતા ધરાવતો બને. પરંતુ આપણે એ ભુલી જઈએ છીએ કે આપણે પશુઓમાંથી વિકસ્યાં છીએ, અને પશુઓમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા સામેનાંને મારી નાખવું એ કુદરતી ક્ર્મ છે. આપણે ઈચ્છીએ તેમ તે વર્તે એટલા માટે આપણે નિયમો ઘડીએ છીએ અને ઈનામો આપીએ છીએ. નિયમોના પાલન માટે અલગ ન્યાયવ્યવસ્થા પ્રસ્થાપિત કરીએ છીએ.  જ્યારે નિયમો અને આપણે ગોઠવેલી વ્યવસ્થા કામ નથી કરતાં ત્યારે આપણે અકળાઈ ઊઠીએ છીએ. આપણે  આશા કરીએ છીએ કે નિયમોનું પાલન ન કરનાર પર નિયમોનું સભ્ય સમાજને છાજે તેવું અમલીકરણ કરાવીશું એટલે એમનાં જેવાં બીજાં પર એમ ન કરવાનો દાખલો બેસશે .પરંતુ એમ થતું નથી. ઉલટાનું બીજાં અમુકને તો એમાં પોતાની તરફ ધ્યાન ખેંચવાની તક દેખાય છે. દુનિયા તમારી ત્યારે જ નોંધ લે છે જ્યારે  તમે નઠારાં બનો.

નિયમ તોડનારાંઓમાંથી ઘણાં એમ માનતાં હોય છે કે સમાજ તેમની ઇચ્છાઓ અને લાગણીઓનો પરવા જ નથી કરતો. સમાજને તો માત્ર નિયમોની જ પડી છે. કાયદા વડે સ્ત્રીઓ, બાળકો, સમલૈંગિકો, ધનાઢ્ય કે ગોરાં કે ઉચ્ચ વર્ગોને જ રક્ષણ મળે છે. તો પછી, નધણીયાતાં, તરછોડાયેલાં કે ભુલાઇ ચુકેલાંઓએ બીજાના હક્કોનાં રક્ષણની દરકાર શું કરવા કરવી જોઈએ? એટલે તેઓ નિયમોનું પાલન નથી કરતાં. પંતંગિયાની પાંખો કાપી કાઢવાની કે કાનખજુરીયાના પગ કાપી કાઢવાની કે કુતરાંને પથરા મારવની રમત વડે પોતાનાં અસ્તિત્ત્વની નોંધ લેવડાવતાં બાળકોની જેમ તેમને પોતાનું મહત્વ મળતું દેખાય છે. તેમને લાગે છે કે તેઓ હજુ જીવે છે. માર્ક્વીસ દ સાદ પોતાનાં પુસ્તકમાં લખે છે તેમ તે પોતાનો અંકુશ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે.

જે લોકો સમાજે તાણેલી લીટી  પર નથી ચાલતાં એવાં લોકોને, આજના ધર્મનિરપેક્ષ વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દોમાં, આપણે 'સમાજવિરોધી' કે 'મનોવિકૃત' કહીએ છીએ. પહેલાંના સમયમાં આવાં લોકોને (દાનવ વૃત્તિ ધરાવતાં) દુષ્ટ કહેવામાં આવતાં. આપણે  જેમ રોગી પશુઓને વીણી કાઢવા માગીએ છીએ તેમ આ લોકોને પણ વીણી કાઢવા માગીએ છીએ. પણ માણસોને એમ વીણી નાખવાનું સહેલું નથી; એમ કરવા જતાં આપણે 'અસભ્ય' કહેવાઈ જઈએ. એટલે વચ્ચેનો માર્ગ કાઢીને આપણે તેમને પાગલ કહીને 'પાગલોનાં દવાખાનાંઓ'માં કેદ કરી દઈએ છીએ, જેથી તેઓને જાહેર જીવનથી જ દૂર કરી દઈ શકાય. આપણી શિષ્ટતા, અને આપણી વિશિષ્ટતાને પણ, આગળનું સ્થાન અપાવવા માટે ઘણી વાર આક્રોશ વધારે હાથવગું સાધન નીવડે છે.

આપણી આજુબાજુ આપણે જોઈએ છીએ કે મુસલમાનો ગોરાઓને ઉડાવી દે છે, ગોરાઓ કાળાને ગળેથી દબાવીને મારી નાખે છે; ભારતના પુરુષો (સપૂતો નહીં!) ભારતની દીકરીઓપર (માઓપર નહીં) દુષ્કૃત્યો કરતા રહે છે; સંગ્રાહાલયમાં સચવાયેલાં સંસ્કૃતિ અને સભ્યતાનાં પ્રતિકોને લુંટીબાળી મુકવામાં આવે છે. અમુક લોકો ફિલ્મોમાં મજાકો પર કે ખાણીપીણીની આદતો કે જાતીય ટેવો કે અમુક સામાજિક સેવાઓને જોતાંવેંત વધારે પડતું આધુનિક કે સભ્ય કહીને નાકનું ટીચકું ચડાવે છે.  આવી બધી બાબતો પર વળી અર્થહીન નિષેધો પણ ઠોકી દેવામાં આવે છે. આવાં લોકોને અભણ, જંગલી, પછાત, કે ઉગ્રવાદીઓ કે કટ્ટરપંથીઓ કહી દેવામાં આવે છે.   ફિલ્મો ભલે 'સારાં કેમ બનવું'ને પરદા પર બતાવતી રહે , પણ એક વર્ગ તો તેને તુચ્છકારના ભાવથી ઉતારી પાડવામાં જ સંતોષ માને છે.

મોટા ભાગનાં લોકો માટે નિયમો માટેનો આ તિરસ્કાર મર્દાનગી,આક્રમ્રકતા કે સત્તા માટેની મહેચ્છાનાં શૌર્યનું પ્રતિક છે. આપણી ધ્યાન બહાર રહી ગયું છે કે કાયદાનાં પાલન અને એકસમાનતાના પાઠ  પોતે જ દમનકારક બની રહ્યાં છે. આ વાત આપણે સ્વીકારીશું નહીં તે વળી અલગ બાબત છે. આ સંજોગોમાં, પશ્ચાતાપ એ ઘુંટણ ટેકવી દેવાની અને હાર માની લેવાની નિશાની બની રહે છે.

ગુનાની સજા થઈ ચુકેલાં આપણને એ મજા માણવા દેવા તૈયાર નથી. એમના મનમાં તો તેઓ ભોગ બનેલ છે, એવાં શહીદ છે જેઓએ પોતાનું માથું ઝુકવા નથી દીધું. તેઓ આત્મગૌરવના તેમના ખયાલને વળગી રહેલ છે, પોતાની કલ્પનાના દેશનાં રાષ્ટ્રપ્રેમનાં ગીતો તેઓ ગાઈ રહ્યાં છે. ઘણાં લોકો તેમને ચુપચાપ  ટેકો પણ આપે છે. આપણે આશા કરીએ છે કે એક દિવસ આ બધાંનો અંત આવશે. દુનિયામાં રામરાજ્ય પ્રસરી રહેશે. જોકે અહીં પણ એવાં તો કેટલાક લોકો હજુ પણ હશે જેમને કાયદો તોડવામાં કે મહેફિલોમાંથી ધક્કા મારીની કાઢી મુકાવામાં કે ધોબી ઘાટ પર રાણીનાં કપડાં ધોતાં ધોતાં રાજા રાણીના સંબંધોની વફાદારીની પંચાત કરવામાં (જ) મજા આવે છે.

  • મિડ ડે માં ૮ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The assumption of remorse નો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો