બુધવાર, 29 જુલાઈ, 2020

મૌલિક વિચારકોની અજાયબ ટેવો - ઍડમ ગ્રાન્ટ | TED2016


TED2016માંના The surprising habits of original thinkers વિષય પરનાં તેમનાં વ્યકત્વ્યમાં સંસ્થાજન્ય મનોવૈજ્ઞાનિક ઍડમ ગ્રાન્ટ 'મૌલિક વિચારકો' પરના તેમના અભ્યાસને રજૂ કરે છે.

તેમના આભ્યાસ માટે પ્રેરણાનું ચાલક બળ આપ્યું હતું તેમના, વ્હૉર્ટન સ્કુલ ઑફ યુનિવર્સિટી ઑફ પેન્નસિલ્વેનિયાના એક વિદ્યાર્થી દ્વારા એ લોકોએ શરૂ કરેલ એક સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવાનાં આમંત્રણની ઘટનાએ. એ ચાર મિત્રો એક નવું સ્ટાર્ટ-અપ શરૂ કરી રહ્યાં હતાં. એ વિદ્યાર્થીઓનો દાવો હતો કે તેઓએ વિચારેલ આ ઓનલાઈન વેપારનું મોડેલ આ પ્રકારની પેદાશો માટે ચાલી રહેલ કામ કરવાની પધ્ધતિને ધરમૂળથી બદલી કાઢશે. જોકે આ પરિયોજના પ્રથમ પ્રયાસે જ સ્વીકાર્ય ન બને તો તેમણે સમર જૉબ દરમ્યાન ઈન્ટર્નશિપ પણ કરી અને પછીથી પરિયોજનામાં કંઇ અવળસવળ થાય તો વૈકલ્પિક આયોજનના ભાગ રૂપે તેમણે નોકરીઓ પણ શોધી રાખી હતી.

તેમની સમક્ષ આવેલ પ્રસ્તાવમાં આ કારણે ઍડમ ગ્રાન્ટને પહેલો સંશય પેદા થયો. તે પછી બીજા છ મહિના વીતી ગયા. પેલા વિદ્યાથી મિત્રોએ શરૂ કરવા ધારેલ કંપની શરૂ કરવા માટેના નિર્ધારીત દિવસના આગલા દિવસ સુધી તો હજુ તેમની વેબસાઈટનાં જ ઠેકાણાં નહોતાં.

બસ, આ હતું કહેવતમાનું ઊંટ પરનું છેલ્લું તણખલુ જેને કારણે ઍડમ ગ્રાન્ટનું આ પરિયોજનામાં રોકાણ કરવા રૂપી ઊંટ બેસી પડ્યું. ઍડમ ગ્રાન્ટે રોકાણ ન કર્યું.

એ કંપની હતી વૉર્બી પાર્કર - ચશ્માનું ઓનલાઈન વેચાણ કરતી, વિશ્વની સૌથી વધારે અભિનવ પ્રયોગશીલતા માટેનું સન્માન મેળવનાર, એક બિલિયન ડોલરનો વેપાર કરતી કંપની. ૨૦૧૦માં શરૂ થયેલ આ કંપની આજે ઈટચુનાના સ્ટોર દ્વારા પણ વેચાણ કરે છે. તેમણે ગ્રાહકને પાંચ ફ્રેમ, ગ્રાહકની પસંદની જગ્યાએ 'ટ્રાયલ'માટે મોકલવાનો એક નવીન પ્રસાર અભિગમ અમલ કર્યો. તેમની સફળતા માટે તેમની જૂદી જૂદી વિવિધ વ્યૂહરચનાઓને કારણભૂત માનવામાં આવે છે, પણ સફળતાની ચમક્દમકની પાછળ ત્રણ પાયાના સિધ્ધાંતોનો ફાળો મહત્ત્વનો ગણાય છે.

§  ગ્રાહક સાથે અનુભવોની સહભાગી અનુભૂતિ - વાર્બી પાર્કરના કિસ્સામાં ફ્રેમ ગ્રાહકને ત્યાં ટ્રાયલ પર મોકલાવાથી ગ્રાહકને પોતાના સમયે, પોતની રીતે જ ટ્રાયલ કરવાની તક માત્ર નથી મળતી, પણ ચશ્માં પોતાને કેવાં લાગે છે તે પોતાનાં કુટુંબીજનો કે મિત્રો કે સાથીદારો સાથે ચર્ચા વિચાર કરવાની પણ તક ગ્રાહકને મળે છે. વેબ સાઈટ પર દરેક ફ્રેમ માટે ગ્રાહકને જોઈએ તેવી બધી જ માહિતી ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત ગ્રાહક લાઈવ ચૅટ કરીને ના વિચારો, મતવ્યો કે પોતાની જરૂરિયાતો કંપની સાથે વહેંચી પણ શકે છે.
§  દરેક ગ્રાહકની આગવી જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજવાની પ્રતિબધ્ધતા - વૉર્બી પાર્કર ગ્રાહક દ્વારા પ્રત્યેક ખરીદી કે ટ્રાયલ જેવી લેવડદેવડનું વિશ્લેષણ આધુનિકતમ ડેટા એનૅલિટીક્સની મદદથી કરે છે. ગ્રાહકની માનસીકતાને સમજવા માટે પરંપરાગત પ્રત્યક્ષ વાતચીતથી  માંડીને આધુનિકતમ ટેક્નોલોજી સુધીની દરેક સંભાવનાઓનો પૂરો લાભ લેવા તેમની ટીમ પ્રતિબધ્ધ રહે છે.
§  બ્રાન્ડ શિસ્ત - ઓનલાઈન વેચાણ હોય કે સ્ટોરમાંથી થતું વેચાણ હોય, પહેલી હરોળ્ના સેલ્સ કર્મચારીથી લઈને ડેટા એનાલિસ્ટ કે ડીઝાઈનર કે નાણાં-હિસાબ વિભાગનો કર્મચારી કંપનીની બ્રાંડનો એમ્બેસેડર છે. ઓનલાઇન ગ્રાહક હોય કે સ્ટ્રોરનો ગ્રાહક બન્નેની ખરીદ સમયનો અનુભવ એક સરખો જ રહે તે માટે સતત જાગરૂકતા જાળવવામાં આવે છે.
આવા વાર્બી પાર્કરના પ્રસ્તાવને તેમણે જવા દીધૉ એ વાતે ઍડમ ગ્રાન્ટને મૌલિક વિચારકોનો પધ્ધતિસરનો અભ્યાસ કરવા પ્રેર્યા. આ અભ્યાસ દરમ્યાન તેમને અમુક અચરજભરી વાતો જોવાજાણવા મળી
  • ¾    મૌલિક વિચારકો શરૂઆત કરવામાં શૂરાં હોય પણ કામ પુરૂં કરવાં પુરતો વિલંબ કરી લેતાં હોય છે. આ વિલંબ તેમની સર્જનાત્મકતાને વેગ પૂરો પાડવાનું  કામ કરે છે.

¾    એડમ ગ્રાન્ટે એ પણ જોયું કે મૌલિક વિચારકોને પણ સામાન્ય લોકો જેવા જ ભય અને સંશય  હોય છે. ફરક એટલો જ કે એ લોકો તેની સાથે અલગ રીતે કામ લે છે. પોતા વિષે સંશય હોવો અને વિચાર અંગે સંશય હોવો એ બે પ્રકારના સંશયોમાંથી મૌલિક વિચારકોના સંશયો વિચાર અંગેના સંશયોના પ્રકારના હોય છે. એ લોકો જે દેખીતું છે તેને સ્વીકારી લેવાને બદલે નિરાંતે અલગ અલગ દૃષ્ટિકોણથી ચકાસે છે. નિર્ણયો લેવામાં કે તારણો બાંધવામાં તેઓ કદી પણ ઉતાવળ નથી કરતાં. દરેક બાબતે તેમનો અભિગમ deja vuનો - આ તો પહેલાં જોયું અનુભવ્યું છે -નો નહીં પણ vuja de  - પહેલાં જોયેલાં જાણેલાંને નવી દૃષ્ટિથી નિહાળવું -નો રહેતો હોય છે.
¾    મૌલિક વિચારકોને ડર પણ હોય છે. પરંતુ એ ડર નિષ્ફળ જવાનો નથી હોતો. પુરતા પ્રયત્નો ન પણ કર્યા હોઈ શકે એ શકયતાનો ડર તેમને હોય છે. નાદારી નોંધાવા ચુકાવા સુધી પહોંચી ચૂકેલા એકમને ફરીથી ધમધમતું કરવામાં, કે નવું સાહ્સ શરૂ કરવામાં જ, નિષ્ફળતા મળે તે તો તેમને અપેક્ષિત હોય છે.એ લોકો જણે છે કે, લાંબે ગાળે, આપણે જે કંઈ કરી શક્યાં તેનો રંજ નથી હોતો, રંજ તો હોય છે આપણે જે  જે કરવું જોઇતું જ=હતું તે બધું જ  ન કરી છુટ્યાં તેનો. વિજ્ઞાન, કે કુદરત, જો કંઈ પણ ફરીથી કરી શકવાની તક આપે તો એ તક જે કંઈ નહોતું કરી શકાયું તે કરવા મળવાની હોય એવી જ તેમની અભિલાષા રહે છે.
¾    મૌલિક વિચારકોને જે કંઈ વિચારો આવે છે તે બધા જ કંઈ નિશાન પર જ લાગે તેવા હોય છે એમ  પણ નથી હોતું. તેમને પણ નબળા વિચારો આવે છે. વાસ્તવમાં તો નબળા વિચારો જ ઢગલબંધ લેખે હોય છે, પણ એ વિચારોને આવવા દેવાથી જ 'સારા' વિચારોને પેદા થવાનો અવકાશ મળે છે. મૌલિક વિચારકોમાં નબળા વિચારોને કારણે નિરાશ થયા વિના હજુ નવા વિચારો કરતા રહેવાની હામ હોય છે, તે માટે જરૂરી હોવી જોઈએ એટલી ધીરજ પણ હોય છે. તમે જો ચારેબાજુ નજર ફેરવશો તો દેખાશે કે સૌથી વધારે સફળ થયેલા લોકોએ અનેક નિષ્ફળતાઓ પણ જોઈ જ હોય છે. સમાજ તો સફળતાને પૂજે છે, એટલે તેમની નિષ્ફળતાઓની વાત ઢંકાયેલી રહી જતી હોય છે. વાર્બી પાર્કરના જ સંસ્થાપકોને તેમની બ્રાન્ડ માટે નામ શોધવું હતું એ માટે એ લોકોએ ૨,૦૦૦ વિકલ્પોને ખોળવા પડ્યા હતા.
આડવાત - કંપનીનું મૂળ નામ તો જૅન્ડ ,ઇન્ક.છે. વાર્બી પાર્કર જૅક કેર્વૉકનાં સામયિકમાં  આવતાં બે પાત્રોનાં નમ છે.
આમ, હવે પછી જો નીચે મુજબની ત્રણ અજાયબ ટેવોવાળી વ્યક્તિ(ઓ) મળી જાય તો તેમને નજરઅંદાજ કરવાનૂ ભુલ ન કરી બેસીએ -
     ¾    આરંભ કરવામાં એકદમ શૂરા પણ પુરું કરવામાં વિલંબકારી - પોતાની સર્જનાત્મકતાને ખીલવાની પુરી તક આપવા માટે ક્યારેક આમ કરવું પણ પડે.
¾    પોતાના જ વિચારો વિષે સંશય કરવો અને કંઈક હજુ કરવા જેવું હતું તે નથી થઈ શક્યું એ વાતનો ભય - પોતે જે વિચાર્યું છે કે જે કરે છે તેટલું પુરતું નથી, પણ પોતાના વિચારોને દરેક શકય દૃષ્ટિકોણથી ચકાસવા  અને પોતે જે પણ કંઈ કરવું જોઈએ એ કરવામાં કોઈ જ પ્રકારની કચાશ નથી રહી ગઈ એ ભાવના વિચારોને અને પ્રયત્નોને વધારે સામર્થ્યવાન બનાવવા માટે સ્વ-પેરણા પુરી પાડે છે.
¾    ઢ્ગલોએક ખરાબ વિચારોમાંથી ઉમદા, અભિનવ, 'સારા' વિચારો રાખવા - વિચાર વિચાર છે. તે સારો કે ખરાબ તે સમયનો સંદર્ભ, અને તે સાથે શું 'સારૂ' અને શું ખરાબ' એ નક્કી કરતી આપણી વિવેક બુધ્ધિ,નક્કી કરે છે. કામના ન હોય તેવા વિચારોનું પ્રમાણ ઘટે એ માટે સભાન અભ્યાસ કરવો ઘટે. પણ તેમ કર્યા બાદ પણ આપણી વિચારશક્તિને કુઠિંત ન દેવા દેવી, કે જેથી વિચારો વિષે મુક્ત વિહાર કરવાની ટેવ ન છૂટી જાય. ઋગવેદમાં કહ્યું છે તેમ आः नो भद्राः कर्तव्यो यन्तु विश्वतः - દરેક દિશામાંથી (ઉમદા) વિચારો આવતા રહો.
એડમ ગ્રાન્ટનાં TED2016 વ્યક્તવ્ય - The surprising habits of original thinkers -  નું વિવરણાત્મક રૂપાંતરણ

         (ગુજરાતી સબટાઈટલ્સનું કામ કાર્યાધીન છે)
રૂપાતરકાર: અશોક વૈષ્ણવ ૨૯ જુલાઈ ૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો