બુધવાર, 5 ઑગસ્ટ, 2020

પ્રાચીન શિષ્ટ ભાષા - દેવદત્ત પટ્ટનાઈક


મારાં માતાપિતા આજથી પચાસેક વર્ષ પહેલાં ચેન્નઈ થઈને ઊડીસાથી મુબઈ આવીને સ્થિર થયાં. એટલે મારાં મૂળની ઉડીયા ને રહેઠાણની મરાઠી એમ બન્ને ભાષા બહુ સારી રીતે બોલી શકું છું. એટલે જ્યારે એમ જાણવા મળ્યું કે આ બન્ને ભાષાઓને ભારતની શિષ્ટ પ્રાચીન ભાષાઓનો દરજ્જો મળેલ છે ત્યારે બહુ આનંદ થયો. બન્ને ભાષા કમસે કમ ૧,૦૦૦ વર્ષથી વધારે જૂની તો હતી જ, કદાચ ૨,૦૦૦ વર્ષ જૂની પણ હોય. જોકે ૨,૦૦૦ વર્ષનું  તેમનું જૂનું હોવું એ કદાચ અટકળ ગણી શકાય.
ભાષાઓનું નદીઓ જેવું છે નદીઓ નવા નવા પ્રદેશમાંથી પસાર થતી જાય અને તેનું સ્વરૂપ બદલતું જાય છે, નવી નવી પ્રશાખાઓ સાથે તે ભળતી જાય છે કે નવી શાખાઓમાં તે ફંટાતી જાય છે. ભાષાઓનું પણ કંઈક એવું જ છે. કોઈ ભાષાની 'પ્રાચીન શિષ્ટ'નો દરજ્જો આપીને તેને 'વધારે જૂની' કે'વધારે શુદ્ધ', કે 'વધારે મૌલિક' ગણવીને આપણે આપણો અહં જ પંપાળીએ છીએ. પરંતુ એનો અર્થ એ નહીં કે આપણે દરેક ભાષાનાં ઈતિહાસ કે ભૂગોળને સ્વીકારવાનું બંધ કરી દઈએ.
'પ્રાકૃત' શબ્દ પ્રકૃતિ (કુદરત) પરથી આવેલ છે. ભાષાના સંદર્ભે તે દર્શાવે છે કે  એ ભાષા એ પ્રદેશમાં લોકોનાં અંદરોઅંદરના સંવાદ અને આદાનપ્રધાનમાંથી સ્વાભાવિકપણે વિકસી છે. 'સંસ્કૃત' શબ્દ સંસ્કૃતિ પરથી આવેલો છે. ભાષાના સંદર્ભે એ દર્શાવે છે કે ભાષાશાસ્ત્રીઓ દ્વારા ચળાઈને તે શુધ્ધ બનેલ છે. તાર્કિક રીતે જોતાં, પહેલાં પ્રાકૃત  ભાષા વિકસી હોય અને પછી તેમાંથી સંસ્કૃત ભાષા ઘડાઈ હોય. પરંતુ પ્રચલિત લોકમત પ્રમાણે સંસ્કૃત દેવોની ભાષા છે જે ઋષિઓ દ્વારા સામાન્ય માણસ સુધી પહોંચી છે. ભારતવર્ષની દરેક ભાષા તેનું વધતુંઓછું અશુધ્ધ સ્વરૂપ છે. આ દલીલ સાથે ભાષાશાસ્ત્રીઓ સહમત નથી થતા. હકીકતે વૈદિક સંસ્કૃત પુરાણોની સંસ્કૃત કરતાં સાવ જ અલગ છે. પુરાણોની સંસ્કૃત ભાષા બહુખ્યાત વ્યાકરણવિદ પાણિનીની મહેનતનું ફળ છે. તેઓ કહેતા કે ઘડો ખરીદવા કુંભાર પાસે જવાય , પણ ભાષા માટે તો ભાષાશાસ્ત્રીએ પણ બજારમાં જવું પડે. આ કથનમાં ભાષાના વિકાસમાં કોઈનાં જ્ઞાનની અધિકૃતતાના નહીં પણ માનવીય આદાનપ્રદાનનાં યોગદાનનાં મહત્ત્વને પુષ્ટિ મળે છે. 'સંસ્કૃત' કહેવાથી તે બ્રાહ્મણોની જ ભાષા છે તેવું અર્થઘટન તો બહુ પછીથી વિકસ્યું.
બ્રાહ્મણો જ્યારે સંસ્કૃતનું અસ્તિત્વ ટકાવી રહ્યા હતા ત્યારે શેરીઓમાં પ્રાકૃત, પહેલાં પાલી, માગધી અને અર્ધ-માગધી અને તે પછી પશ્ચિમમાં મહારાષ્ટ્રી(મરાઠી) કે પૂર્વમાં ઉડીયા કે દક્ષિણમાં તમિળ જેવી, અન્ય ક્ષેત્રીય ભાષાઓ વિકસાવી રહી હતી. મહાન ઋષિ અગત્સ્યને જેનું શ્રેય આપણે આપીએ છીએ તે તમિળ ક્દાચ સંસ્કૃતથી પણ પહેલાંની ભાષા છે. જોકે એ બાબતે પણે ચોક્કસ કહી શકીએ તેમ નથી.
સંસ્કૃત સાથે હળી ભળીને તેણે કન્નડ, તેલુગુ અને મલયાલમ જેવી બીજી ઘણી ક્ષેત્રીય ભાષાઓને જન્મ આપ્યો, જે પણ પ્રાચીન શિષ્ટ ભાશાઓમાં સ્થાન મેળવે છે. વેદોમાં પણ સંસ્કૃત સિવાયના દ્રવિડ શબ્દોની હાજરી એ ભાષાઓની પ્રાચીનતા ચીંધે છે. ઉત્તરમાં આક્રમણખોરો અને વાયવ્યમાં વેપારીઓ સાથે ફારસી અને અરબી ભાષાઓ આવી જે ત્યાંની અપભંશ સ્થાનિક ભાષાઓ સાથે મળીને અવધિ અને બ્રજ ભાષાઓ સહિતની ખડીબોલી જેવી નવી જ ભાષાઓ સ્વરૂપે વિકસી. એ ભાષાઓમાંથી આપણે આજે જેને ઉર્દુ કે હિંદી કહીએ છે તે વિકસી. આ ભાષાઓ, રાજકીય કારણોસર,  અનુક્રમે પાકિસ્તાન અને ભારત પુરતી મર્યાદિત રહી ગઈ છે. આજનાં આધુનિક રાજયોની શાસન વ્યવસ્થાઓને પોતાની ભાષાઓ નક્કી કરવાનું ગમે છે જે સ્વાભાવિક રીતે જ પ્રવાહી બની રહે છે.
તે પછી છે આદીવાસી જાતિઓની ડઝનબંધ ભાષાઓ. વિદ્વાનોએ વેદોમાં ૩૦૦ કેટલા મોંડા ભાષાના શબ્દો ખોળી કાઢ્યા છે. ભારતીય લોક ભાષા સર્વેક્ષણની જવાબદારી જેમના શિરે છે એવા પ્રોફેસર ગણેશ દેવીનું કહેવું છે કે વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર ભલે ૧૨૨ ભાષાઓ ભારતમાં બોલાય છે, પણ હકીકતે તો પોતપોતાના આગવા ઇતિહાસ અને ભૂગોળના દૃષ્ટિકોણ ધરાવતી  ૭૮૦ જેટલી આગવી ભાષાઓ અસ્તિત્વમાં છે.આમાંની ઘણી ભાષાઓને પોતાની લિપી નથી. કાળક્રમે જેમ જેમ વિશ્વ વધારે ને વધારે એક ભાષા તરફ સરતું જશે તેમ તેમ આવી ભાષાઓનાં બોલી તરીકે ઉપયોગ કે અસ્તિત્વ પણ ઘટતાં જશે.
  • મિડ ડે માં ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A Classical Language  નો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો