બુધવાર, 19 ઑગસ્ટ, 2020

ભારતીય વ્યાપારીની કામચલાઉ રસ્તો કાઢવાની વૃત્તિ - દેવદત્ત પટ્ટનાઈક

 

એક વેપારી જ્યોતિષી પાસે જાય છે. જ્યોતિષી તેને જણાવે છે કે તેના જીવનમાં કરૂણ ઘટના બનશે કે પછી કોઈ કદુવાનો પ્રભાવ તારો માર્ગ રોકશે. વેપારીએ શાંતિથી બધું સાંભળ્યું, અને છેલ્લે ટાઢકથી પૂછ્યું, 'મહારાજ, કોઈ ઉપાય?' એને કામચલાઉ રસ્તો જોઈતો હતો, જેથી ગ્રહોને તે માત દઈ શકે, ભવિષ્યવાણીને ખોટી ઠેરવી શકે. એને ખબર છે કે કંઈને કંઈ 'ઉપાય' તો હોય જ. નસીબે તેને માટે જે નક્કી કર્યું છે તે તેને સ્વીકાર્ય નથી; તેને તો નસીબને ફાંટે ચડાવવું છે. આવો છે ભારતીય લોકોનો પ્રારબ્ધવાદ અને આવી છે તેમની એના માટેની 'આસ્થા' !

આ પ્રકારની કથાઓ આપણે ચારેકોર સાંભળી શકીશું. અસુર બ્રહ્મા પાસે જાય, તપ કરે, બ્રહ્માજી પ્રસન્ન થાય, અસુર અમરત્વ માગે. બહ્માજી અમરત્વ ન આપી શકે એટલે અસુર લગભગ અમર બની જવાય તેવું કંઈક વરદાનમાં માગી લે. હવે વારો દેવોનો છે. તેઓ અકળાય ને જાય વિષ્ણુ પાસે અને ઉપાય માગે. વિષ્ણુ કોઇ દેવીને આહ્વાન કરે, જે અસુરનાં અભેદ્ય લાગતાં વરદાનનાં કવચમાંથી કોઈ નબળી કડી ખોળી કાઢે અને અસુરનો નાશ કરવાનો 'ઉપાય' ખોળી કાઢે. બસ, આ ચક્ર ચાલ્યા જ કરે. જે અશક્ય હતું તેને કામચલાઉ પણે શક્ય બનાવી દેવાયું.

આપણને આડું અવળું જોવાની ટેવ પડેલી છે. ધોરી માર્ગ બંધ હોય ત્યારે કામચલાઉ માર્ગ વાપરવાની પણ આપણને ફાવટ છે. ક્યારેક તો ધોરી માર્ગ ખુલ્લો હોય તો પણ આપણને આપણાં ગંતવ્ય પર ઓછા સમયમાં પહોંચાડી શકે એવો એકાદો ટુંકો રસ્તો પણ ક્યાંક હશે એમ માનીને આપણી શોધ ચાલુ જ રહેતી હોય છે. એટલે જ ભરચક ટ્રાફિકવાળા રસ્તા પર પણ ભારતીય રાહદારીઓ પોતાના મટે ખાસ બનાવેલા ઓવર  બ્રિજ કે અંડર બ્રિજ વાપરવાને બદલે ધરાર રસ્તા પરથી થઈને જ સામેની બાજુએ જશે. પોતાની સલામતીની પરવા કર્યા વિના, તેમને રોકવાની કોશીશ કરતા  ટ્રાફિક કર્મચારીને સમજાવી પટાવી કે છેવટે તોડ કરીને પણ રસ્તો ઓળંગ્યો એ એમના માટે પરમ સુખની વાત છે.

આપણાં જુગાડુપણાંનું મૂળ આપણી આ મનોદશામાં રહેલું છે

જુગાડ ભારતમાં બહુ પ્રચલિત છે. આપણે તેનં ગમે એટલાં ગુણગાન ગાઈએ, પણ એકંદરે તો તે અણગમતી વાત હોવી જોઈએ. જુગાડ તંત્રવ્યવસ્થા સાથે એક પ્રકારની છેતરપિંડી છે. તંત્રમાં છીડાં શોધીને તેમાંથી રસ્તા બનાવવાની કે પછી તંત્રવ્યવસ્થાની સાડીબારી ન રાખવાની એ પધ્ધતિ જ કહી શકાય.

જુગાડ સાંદર્ભિક, બીજી વાર ન પણ કરી શકાય તેવી, આકસ્મિક સુધારણા છે. સાંદર્ભિક એટલે કે તે એ જ  સમયે, તત્કાલ ઉપલબ્ધ સંસાધનો વડે વિચારાયેલ ઉપાય હોય છે. બીજી વાર ન પણ કરી શકાય કેમકે તે અન્ય નાવીન્યસભર ઉપાયો જેમ એ જ પ્રકારની બીજી સ્થિતિઓમાં પણ લાગુ પડાય તેવું વિચારાયું જ નથી હોતું. આકસ્મિક સુધારણા એટલે તે કોઈ પણ પૂર્વ આયોજન વિના કરાયેલ નાના નાના ફેરફારો છે જેના વડે કોઈ મોટાં નાટકીય પરિવર્તનો અપેક્ષિત પણ નથી.

જુગાડના ઘણા અર્થ નીકળે છે. કોર્પોરેટ વિશ્વમાં તે જરા ઊંચી કક્ષાના થાગડથીગડ કરનાર માટે વપરાય છે. પરંતુ ઉડીયામાં 'જોગાડુ' શબ્દપ્રયોગ બહુ હૈયાઉકલતવાળી' વ્યક્તિ માટે કરાય છે, જે 'ગમે તેવા અવરોધો વચ્ચે પણ ધાર્યું કામ કરી શકે છે'. તો દિલ્હીની ગરીબ વસ્તીઓમાં 'આજ કા જુગાડ કરના' એટલે કે 'બધી મુશ્કેલીઓ છતાં આજનો દિવસ ટકી જવું' એવો શબ્દપ્રયોગ કરાતો જોવા મળે છે. જુગાડનું એક મૂળ 'જોગ', 'યોગ'નું અપભ્રંશ સ્વરૂપ, પણ માનવામાં આવે છે, જેનો અર્થ અલગ અલગ પડેલાં ઘટકોને એક્સુત્રે બાંધવાં એવો થાય છે. જુગાડુ વ્યક્તિ પણ ભાત ભાતનાં પરિબળોને ઉપાય માટે એક દિશામાં કામે લગાડતો 'જોગી' છે. આજના ભાષાલંકર મુજબ 'યોગી' એક ઉન્નત સાધુ છે, પણ ગ્રામિણ કલ્પનાવિશ્વમાં તો જોગી એક જાદુગર, એક કરામાતી છે જે હઠીલાં કુદરતી પરિબળોને નાથીને દુકાળમાં વરસાદ લાવી શકે, નિઃસંતાનને સંતાન આપી શકે. એટલે કે જ્યારે  બધા જ માર્ગ બંધ દેખાતા હોય ત્યારે તે કોઇ એક 'ઉપાય' શોધીને પણ રસ્તો કાઢે.

ભારતની સંસ્કૃતિ જ આજે વિપુલતા તો કાલે ખાલી હાંડલાંની રહી છે. પરંપરાગત રીતે તે વરસાદ પર આધારિત છે. જે વર્ષે ચોમાસું સારૂ એ વર્ષ સોનાનું અને જ્યારે દુકળ હોય ત્યારે 'જુગાડ' કરી કરીને અસ્તિત્ત્વ ટકાવી લેવું. આમ જુગાડ એ અછતની નિપજ છે, જેમાં સામાન્યતઃ શક્તિશાળી આને સમૃધ્ધ લોકોને જ ઉપલબ્ધ હોય એવી સગવડો ટાંચાં સાધનોવાળાં લોકોને ઉપલબ્ધ કરી શકવાની આવડતની વાત રહેલ છે. અહીં તમને હરોળ તોડીને આગળ જવાનો માર્ગ મળે છે. હરોળમાં ઊભીને પોતાનો વારો આવે એની રાહ જોવામાં તો શકય છે કે તમારો વારો આવે ત્યારે કંઈ જ બચ્યું ન હોય. બીનવિકસિત દેશમાં કોઈ પણ 'વ્યવસ્થા' આખરે તો નબળા વર્ગને જ અન્યાયકર્તા નીવડતી જોવા મળે છે.  કેમકે ત્યાં હંમેશાં રોટલો નાનો અને ખાનાર જાજાં એવો જ તાલ હોય છે. એટલે સાધનસંપન્ન લોકો વચ્ચે જ તે પૂરો થઈ જાય.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૦ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A Bypass in Business  નો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો