બુધવાર, 26 ઑગસ્ટ, 2020

નવલકથાના બચાવમાં (૧૯૩૬) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 એવું કહેવાની ભાગ્યેજ જરૂર હશે કે અત્યારે નવલકથાની પ્રતિષ્ઠા તળિયે બેઠી છે.  આજથી બારેક વર્ષ પહેલાં, 'હું નવલકથા નથી વાંચતો' એમ  થોડા ક્ષોભ સાથે કહેવાતું. તેની સામે આજે સ્થિતિ એ છે કે હવે તેમ સમજી વિચારીને, ગર્વથી કહેવામાં આવે છે. જોકે એ વાત સાચી છે કે જેને બુદ્ધિજીવીઓ વાંચી શકાય એવા નવલકથાકારો ગણે છે તેવા આજના સમયના, કે પછી લગભગ આજના સમયના, થોડાક નવલક્થાકારો બચ્યા છે ખરા. પરંતુ મુદ્દો એ છે કે સરેરાશ સારી-સામાન્ય નવલકથાઓની અવગણના થવાની સામે તેવી જ સરેરાશ સારી-સામાન્ય પદ્ય કે વિવેચન કૃતિઓને હજુ પણ ગંભીરતાથી લેવામાં આવે છે. એનો અર્થ એ કે જો તમે નવલકથાઓ લખતાં હો, તો તમે બીજા કોઈ પ્રકારનું લખતાં હોત તેના કરતાં તમારો ચાહક બુદ્ધિજીવી વર્ગ આપોઆપ જ ઓછો થઈ જશે.સારી નવલકથાઓ લખવાનું અશક્ય બનતું ગયું છે તેમ થવા માટે બે બહુ દેખીતાં કારણ છે. અત્યારે જ  નવલકથાનું સ્તર દેખીતું જ ગબડતું દેખાય છે. તેમાંય મોટા ભાગના નવલકથાકારોને જો એ સમજાય કે તેમની નવલકથાઓ કોણ વાંચે છે તો એ ગીરાવટ હજુ વધારે ઝડપી બનશે. આ બાબતે દલીલોને, બેલૉકના વિચિત્રપણે દ્વેષીલા નિબંધમાં કહેવાયું છે તેમઅવકાશ જરૂર છે કે નવલકથા સાહિત્યનું પામર કહી શકાય તેવું સ્વરૂપ છે અને તેનાં ભવિષ્યનું કોઈ જ મહત્ત્વ નથી. મને શંકા છે કે આ અભિપ્રાય વિરોધ કરવા યોગ્ય પણ નથી. ખેર, હું એમ ધારી લઉં છું કે નવલકથાને બચાવી લેવા જેવી છે અને તેને બચાવી લેવા માટે બુદ્ધિજીવીઓને તેને ગંભીરતાથી લેવા માટે મનાવી લેવા પણ પડશે. નવલકથાની પ્રતિષ્ઠાની અવદશા માટે ઘણાં કારણો પૈકી એક કારણનું, જે મારા અભિપ્રાય મુજબ મુખ્ય કારણ છે - વિશ્લેષણ કરવું જરૂરી બની રહે છે.

મુશ્કેલી એ છે કે નવલકથાનું અસ્તિત્વ બુમબરાડા પાડીને ખતમ કરાઈ રહ્યું છે. કોઈ પણ વિચાર કરતી વ્યક્તિને પૂછો કે તે 'કેમ નવલકથા નથી વાંચતી' તો બધાંની પાછળ મોટા ભાગે તેનું કારણ હશે કંટાળાજનક, ચાર પૈસાની વિજ્ઞાપનો જેવી, સમીક્ષાઓ. આ વાત સમજવા માટે એક જ ઉદાહરણ પૂરતું થઈ રહેશે. ગયા અઠવાડીયાનાં સન્ડે ટાઈમ્સમાં તે પ્રકાશિત થયેલ છે : ‘આ પુસ્તક વાંચ્યા પછી પણ જો તમારો આત્મા ખુશીથી નાચી ન ઊઠે તો સમજજો કે તમારો આત્મા મરી ચૂક્યો છે. વિજ્ઞાપન પ્રકારની સમીક્ષાઓનાં લખાણો પર નજર કરવાથી જોઈ શકાશે કે અત્યારે પ્રકાશિત થતી લગભગ દરેક નવલકથા માટે કંઈ આવું જ લખાઈ રહ્યું છે. સનડે ટાઇમ્સને થોડી પણ ગંભીરતાથી લેતાં કોઈને માટે પણ જીવન આ દોડને પહોંચી વળવા માટેનો એક લાંબો સંઘર્ષ છે.  તમારી સામે દિવસની પંદરને લેખે નવલકથાઓ ફંગોળાતી રહે છે. પાછી એ દરેક એવી ઉત્કૃષ્ટ રચના છે કે એકને પણ ખોવી એ તમારા આત્મા માટે જીવનું જોખમ છે ! તેને કારણે પુસ્તકાલયમં પુસ્તક પસંદ કરવું અઘરૂં બની ગયું છે. તેમાં પણ જો તમે કોઈ પણ એક પુસ્તક જોતાંવેંત આનંદની કિલકારીઓ ન કરી ઊઠો તો તમને ગુન્હાહિત લાગણી થઈ આવે. જોકે, ખરેખર તો, મહત્ત્વની દરેક વ્યક્તિ આ બધાંથી છેતરાતી નથી, અને નવલકથાઓની સમીક્ષા માટે તેમને નીપજેલ તિરસ્કારનો ભોગ નવલકથાઓ બની રહી છે. જ્યારે તમારા પર થોપી દેવામાં આવતી દરેક નવલકથાને પ્રતિભાશાળી વ્યક્તિના શબ્દો તરીકે નવાજવામાં આવતી હોય ત્યારે તમને પણ દરેક નવલકથા કચરો જ હશે એમ જણાય એ પણ સ્વાભાવિક છે. સાહિત્યના બુદ્ધિજીવીઓમાં આ માન્યતાને હવે સાચી જ માની લેવામાં જ આવે છે. તમને નવલકથા પસંદ છે તેમ સ્વીકારવું એ આજે ઠંડો મીઠો કોપરાંપાક માટે જ ગાંડો પ્રેમ છે કે પછી તમને રૂપર્ટ બ્રુક કે જેરાર્ડ મૅનલી હૉપકિન્સ જ વધારે પસંદ છે તેમ કહેવા બરાબર છે.

આ બધું દેખીતું છે. મારૂં જે વિચારવું છે તે અત્યારે પેદા થયેલી સ્થિતિમાં ઓછું દેખીતું કહી શકાય તેવું છે. દેખીતી દૃષ્ટિએ પુસ્તકોની સાથે થતી છેતરપિંડીઓ સાવ સીધી અને ભાવનાશૂન્ય ક્પટ છે. ઝ એક પુસ્તક લખે છે, જેને ય પ્રકાશિત કરે છે અને સ સામયિકમાં ક્ષ તેની સમીક્ષા કરે છે. જો સમીક્ષક સારો નહીં હોય, તો પ્રકાશક ય તેની જાહેરખબરો બંધ કરી દેશે. એટલે ક્ષ એ 'અભૂતપૂર્વ ઉત્કૃષ્ટ કૃતિ' જાહેર કરવી પડે, અથવા કામથી હાથ ધોવા પડે. તત્ત્વતઃ, પરિસ્થિતિ આ છે. નવલકથા સમીક્ષાનું સ્તર ખાડે જવાનું મહદ અંશે કારણ એ છે કે દરેક સમીક્ષકની પાછળ, સીધી યા આડકતરી રીતે, કોઈને કોઈ પ્રકાશક પુંછડું આમળવા બેઠો જ છે. પરંતુ મૂળ વાત દેખાય છે તેવી અસભ્યપણે નથી થતી. આ આખાં કપટ સાથે સંકળાયેલ દરેક પક્ષ સભાનપણે એક સાથે પગલાં નથી લેતો. વળી આ પરિસ્થિતિમાં એ લોકો થોડે અંશે તો પોતાની ઇચ્છાની વિરૂધ્ધ મુકાયા છે.

સૌથી પહેલી બાબત તો એ ધ્યાન પર લઈએ કે મોટાભાગે જેમ કરાતું આવ્યું છે તેમ (બીચકૉમ્બરની કૉલમ, passimની જેમ), એમ મની ન લઈએ કે જે પ્રકારની સમીક્ષાઓ લખાય છે તે નવલક્થાકારોને ગમે છે, કે તેઓ તે લખાવા માટે જવાબદાર છે. તેણે એવી દિલધડક લાગણીમય રચના લખી છે જે અંગ્રેજી ભાષા હશે ત્યાં સુધી અમર રહેશે એવું કોઈ કહી જાય તે કોઈને પણ ન ગમે. જોકે કોઈ એવું કંઈ ન કહે તો પણ થોડી નિરાશા તો થાય, કેમકે દરેક નવલકથાકારને એમ કહેવાય જ છે અને જો તેને એકને અપવાદરૂપે કંઈ કહેવામાં ન આવે તો તેનો અર્થ એમ પણ થયો કે તમારૂં પુસ્તક નહીં વેંચાય. એક જ ઘરેડમાં, વેતનદાર સમીક્ષકો દ્વારા, પુસ્તકનાં છેલ્લાં કવર પાનાં પર લખાતી પ્રશસ્તિ જાહેરાતના વધારા જેવી, સમીક્ષાઓ જોકે એક રીતે વાણિજ્યિક આવશ્યકતા છે. આવી નાદાન સમીક્ષાઓ ઘસડી કાઢતા એ બીચારા વેતનદાર સમીક્ષકનો પણ દોષ કાઢવા જેવું નથી. એના જેવા ખાસ સંજોગોમાં બીચારો તે સિવાય બીજું લખી પણ શું શકે ! સીધી કે આડકતરી લાંચનો પ્રશ્ન બાજુએ પણ રાખીએ તો પણ જ્યાં સુધી એવું માની લેવામાં આવતું રહેશે કે દરેક નવલકથા સમીક્ષા લખવાને લાયક છે ત્યાં સુધી નવલકથાઓની સારી સમીક્ષા જેવું આમ પણ સંભવી શકે તેમ નથી.

પહેલી વાત તો એક બારમાંથી અગિયાર પુસ્તકો તો તેનામાં રસનો તણખો જ પ્રગટાવી નહીં શકે. એ બધી સામાન્ય કક્ષાની નવલક્થાઓ કરતાં વધારે ખરાબ નથી, એ બધી તો બહુ વધારે પડતી રસહીન, જીવનહીન, અર્થહીન, રચનાઓ છે. લખવા માટે જો તેને પૈસા ન મળતા હોત તો તેમાંનાં એકપણ પુસ્તકનું એક પાનું પણ એ ન વાંચે. જો કદાચ વાંચે તો પણ સાચી સમીક્ષામાં તો તે 'આ પુસ્તકે મને કંઈ વિચારવા પ્રેરેલ નથી' થી વધારે  કંઈ જ લખી ન શકે. પણ એવું લખવા માટે તેમને કોઈ પૈસો પણ ચુકવે ખરૂં? દેખીતી વાત છે , ના. એટલે શરૂઆત જ અહીંથી થાય છે કે જે પુસ્તકને તેને મન સાવ નકામું છે, તેના માટે ક્ષ એવી ખોટી પરિસ્થિતિમાં મુકાયો છે કે તેણે ત્રણસોએક શબ્દનું ઉત્પાદન તો કરવું જ પડે. મોટા ભાગે તે પુસ્તકનું કથાવસ્તુ ટુંકમાં લખી કાઢે (જેને કારણે તેણે પુસ્તક વાંચ્યું જ નથી એમ લેખકને ખબર પડી જાય !) અને પછી તેના માટે બેચાર સારી સારી વાતો લખી કાઢે, જે એટલું જ જુગુપ્સાપ્રેરક ખુશામતીયું હોય જેટલું  દેહનું હાટડું લઈને બેઠેલી સ્ત્રીનું હાસ્ય.

જોકે આ બધાં કરતાં પણ એક વધારે દુષ્ટ તત્ત્વ છે. ક્ષ એ માત્ર પુસ્તક વિશે વાત જ નથી કરવાની, પણ તેણે અભિપ્રાય પણ આપવાનો છે કે પુસ્તક સારૂં છે કે ખરાબ. ક્ષ માં કલમ પકડવાની આવડત છે એટલે એટલે તે મુરખ તો નથી જ કે ધ કોન્સ્ટન્ટ નિમ્ફ અત્યાર સુધીમાં લખાયેલી સૌથી વધારે જબરદસ્ત કરૂણિકા છે. શક્ય છે કે તેને ગમતા નવલકથાકાર, જો તેને ભૂલેચુકેય નવલકથા ગમતી હોય તો, સ્ટેન્ઢાલ કે ડિકન્સ કે જેન ઔસ્ટેન, કે ડી એચ લૉરેન્સ કે પછી દોસ્તોયવસ્કી કે બીજા કોઈ વિરલ, કે આજકાલના ચીલાચાલુ નવલકથાકારથી અનેક ગણો સારો નવલકથાકાર હોઈ શકે છે. આમ, તેણે શરૂઆત જ પોતાનાં ધોરણને એકદમ નીચે લઈ જઈને કરવાની છે.

+     +     +     +

'નવલકથાના બચાવમાં જ્યોર્જ ઑર્વેલ નવલકથાના એકપક્ષી તરફદાર નથી જણાતા. દરેક નવલકથાની ચર્ચા થવી જ જોઈએ તેવું તેઓ સ્પષ્ટપણે નથી માનતા. તેમ છતાં નવલકથાના પ્રસાર માટે જે દેખીતી પધ્ધતિઓ અપનાવાઈ રહી છે તે જેમ જેમ વધારેને વધારે સુસંસ્કૃત બનાવવાની કોશીશો કરાય છે તેમ તેમ તે વધારે કંટાળાનજક બનતી જાય છે અને નવલકથાનાં વર્તમાન તથા ભવિષ્ય બન્નેને પારાવાર નુકસાન કરી રહેલ છે.

જોકે જ્યોર્જે ઑર્વેલ દરેક સીધી રીતે  કહેવાતી વાતને અંતે કંઈ આશ્ચર્યજનક વળાંક પણ મૂકી દેતા હોય છે તેવું અત્યાર સુધી થતું રહ્યું છે તેમ આપણે જોયું છે.

એટલે અહીં પણ આગળ જતાં શું શું ખુલશે તે જાણવાની ઉત્સુકતા હવે વધતી જાય છે.

+     +     +     +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, In Defence of the Novelનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો