બુધવાર, 14 ઑક્ટોબર, 2020

ઈશ્વરનો પુનર્જન્મ - દેવદત્ત પટ્ટનાઈક


શરૂઆત થઈ ગઈ છે. ઉડીશાનાં પુરીનાં જગન્નાથ મંદિરના મુખ્ય દેવ જગન્નાથ, તેમનાં પત્ની સુભદ્રા, મોટા ભાઈ બલરામ અને તેમનાં સુદર્શન ચક્રનાં મૃત્યુ અને પછી પુનર્જન્મની. નવક્લેવર તરીકે ઓળખાતી, ત્રણ મહિના ચલતી આ પ્રક્રિયામાં આ દેવો  જુનાં શરીરનો ત્યાગ કરીને નવો દેહ ધારણ કરે છે. દસ્તાવેજિત ઈતિહાસ અનુસાર આ પ્રક્રિયા, કમ સે કમ, છેલ્લાં ૪૦ વર્ષથી, દર ૧૪ કે ૧૫ વર્ષે  અધિક અષાઢ માસમાં કરાતી આવી છે.  આ વર્ષ ઈ.સ ૨૦૧૫ - વિ.સં. ૨૦૭૪-નું છે. આ પહેલાં અષાઢમાં અધિક માસ** ઈ.સ. ૧૯૯૬ - વિ.સં. ૨૦૫૫માં હતો, તેજ રીતે હવે પછીનો અધિક અષાઢ માસ ઈ.સ. ૨૦૩૪- વિ.સં. ૨૦૯૩-માં હશે.

આ પ્રક્રિયામાં દેવોની મૂર્તિઓ માટેનાં દારૂ બ્રહ્મા તરીકે ઓળખાતાં ખાસ લીમડાનાં વૃક્ષોની શોધ કરવામાં આવે છે. એ દારૂ બ્રહ્મા પર અમુક ખાસ ચિહ્નો હોવાં જોઈએ જેમકે કોઈ પંખીનો માળો ન બન્યો હોય, પણ કીડીનો રાફડો, સાપ અને વિષ્ણુનાં પ્રતિકો  જરૂર હોવાં જોઈએ. એક વાર આવાં વૃક્ષો શોધી કઢાયા બાદ તેમને વિધિપૂર્વક પુરી લઈ આવવામાં આવે છે. તેના પરની કોતરણી હજુ બીજી વિધિઓ અનુસાર, બધાંથી સંતાડીને કરાય છે.નવી મૂર્તિઓને પછી, થોડાં અઠવાડીઆં બાદ, ભર ઉનાળાંમાં,  જૂની મૂર્તિઓની બાજુમાં રખાશે. જે રાત્રે ખાસ પુજારીઓ આંખે પાટા બાંધીને મંદિરમાં દાખલ થઈ, પોતાના હાથોને કપડાંમાં વીંટાળીને, જગન્નાથની જૂની મૂર્તિમાંથી બ્રહ્મ-પ્રસાદ (આત્મા-પદાર્થ) કાઢીને નવી મૂર્તિમાં સ્થાપન કરે તે રાત્રે સરકાર દ્વારા આખાં શહેરમાં અંધારપટ રાખવામાં આવે છે. એ પદાર્થ શું  છે તે કોઈ જાણતું નથી. કંઈ કેટલી માન્યતાઓ છે કે ખુદ કૃષ્ણનાં જ અસ્થિ અવશેષ  કે પછી બુધ્ધના અસ્થિ અવશેષથી લઈને કોઇ પવિત્ર રત્ન કે કોઈ બહુજ વિરલ અશ્મિ  (શાલિગ્રામ) થી લઈને તાંત્રિક યંત્ર કે પછી કદાચ કોઈ અન્ય ગ્રહનો પદાર્થ પણ ! પુરાણ કથાઓ પરથી દિલધડક થ્રિલર કથાઓ સર્જતા અશ્વિન સાંઘીની નવી વાર્તા માટે આમાં પુરતો મસાલો છે !

એ દૈવી પદાર્થનાં આ મુજબ સ્થાનાંતરણ પછી જૂની મૂર્તિને હટાવીને નવી મૂર્તિ સ્થાપન કરાય છે. જૂની મૂર્તિઓને  મુખ્ય મંદિરનાં વિસ્તારમાં જ આવેલ કોઈલી વૈકુંઠ ઉદ્યાનમાં ભૂમિદાહ સંસ્કાર કરવામાં આવે છે. નવી મૂર્તિઓને જાહેર જનતાનાં દર્શનાર્થે તે પછીની રથયાત્રામાં ખુલ્લી મુકવામાં આવે છે.

મંદિરનો ભૂતકાળ સાથે સામંજ્યસ્યપૂર્ણ વ્યવહાર ખાસ નોંધપાત્ર છે. ૠગવેદમાં લાકડાનાં પવિત્ર  થડીયાંનો કદાચ ઉલ્લેખ છે. તેનાં મૂળ સવરા આદિજાતીઓની કથાઓમાં જોવા મળે છે. બૌદ્ધ ધર્મની પણ બહુ પ્રાચીન સમયની ઊંડી અસર જોવા મળે છે.  જોકે અત્યારે તો મંદિર પૂર્ણતઃ વૈશ્નવ મંદિર છે, જ્યાં કૃષ્ણના બહેન અને ભાઈ હિંદુ ધર્મનાં શાક્ત અને શૈવ પાસાંઓને મૂર્તિમંત કરે છે. જૂદી જૂદી વિધિ કરનાર પુજારીઓ અલગ અલગ જ્ઞાતિઓમાંથી આવે છે. જેમ કે મૂર્તિઓની સેવાપૂજા કરનાર દૈત્ય-પતિ તરીકે ઓળખાતા પૂજારીઓ બ્રાહ્મણ નથી હોતા. દેવોની મૂર્તિઓ અને રથને કંડારનાર પૂજારીઓ મહા-રાણા તરીકે ઓળખાતી કારીગર જ્ઞાતિના હોય છે. અને તેમ છતાં, મંદિરમાં હિંદુ સિવાય અન્ય કોઈને પ્રવેશ નથી મળતો. સંત કવિ સલાબેગાના પિતા મુસ્લિમ હતા, એટલે તેમણે મંદિરના દ્વારની બહાર ઊભીને જગન્નાથની ભક્તિ કરી. દંતકથા અનુસાર, જગન્નાથે ખુદ પતિત પાવન સ્વરૂપે  મંદિરની બહાર આવીને તેમને દર્શન આપ્યાં હતાં તે પછી રૂઢિચુસ્ત પૂજારીઓએ તેમને ફરીથી મંદિરમાં પવેશ નહોતો આપ્યો.

કોઈ પણ અવળી સવળી સ્થિતિમાંથી તેની મૂળ સ્થિતિ પર પાછાં આવવાની તેની શક્તિ પણ કમાલની છે. મંદિર અને મૂર્તિઓને યવન રાજા રક્તબાહુ (કે પછી ઈન્ડો-ગ્રીક કે હુણ આક્રમણકારીઓ) એ પાંચમી કે દસમી સદીમાં અનેકવાર અભડાવી હશે. ૧૬મી સદીના મુસ્લ્મિમ ધર્મમાં વટલાયેલ કાલ પહાડ જેવા મંદિર તોડનારાઓએ પણ મંદિરને નુકસાન કર્યાં છે.

પરંતુ, મંદિર અને મૂર્તિઓ દરેક વખતે ફરી બેઠી થઈને વધારે સમૃધ્ધ થતાં રહ્યાં છે. મૂર્તિ  થોડી બેઢંગી છે- તેનાં હાથ અને પગ પુરેપુરાં વિકસ્યાં ન હોય તેવાં છે, (નોંધ - આ બાબતે પણ એક અલગ માન્યતા કથા છે, જે અલગ ચર્ચાનો વિષય છે.)  આંખો ગાડાંનાં પૈડાં જેવી છે. પરંતુ, તેના ચહેરા પર કાયમ સ્મિત જ હોય છે. કેમકે મંદિરો તૂટતાં રહેશે, શરીરો સડતાં રહેશે, જ્ઞાતિ યુધ્ધો ચાલ્યા જ કરશે , ધર્મો આવશે અને જશે, રાજાઓ લડી મરતા રહેશે, પરંતુ દિવ્યત્ત્વ હંમેશ ટકી રહેશે.  તે પેલાં રહસ્યમય બ્રહ્મ પદાર્થની જેમ તે એક સ્વરૂપમાંથી બીજાં સ્વરૂપમાં અવતરતું રહેશે.

મિડ ડેમાં ૫ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Rebirth of a God નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

**

અધિક માસ - સરળ ખગોળીય સમજ

વાસ્તવિક રીતે જોઇએ તો કાળગણના (ક્રોનોલોજી) ની દ્રષ્ટિએ અધિક માસની ગોઠવણને એક વિશિષ્ટ સમજ અને સૈદ્ધાંતિક સૂક્ષ્મ ગણતરીનું ઊજળું ઉદાહરણ ગણી શકાય. ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષના ૧૨ ચાંદ્રમાસ સૂર્ય ચંદ્રની ગતિ- સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

એક ચાંદ્રમાસની લંબાઇ ૨૯.૫ (સાડા ઓગણત્રીસ) દિવસ જેટલી હોય છે. આવા ૧૨ ચાંદ્રમાસનું એક ચાંદ્રવર્ષ બને છે, જે લગભગ ૩૫૪ દિવસનું થાય છે. બહુ ચોક્કસપણે ગણીએ તો ચાંદ્રવર્ષની લંબાઇ ૩૫૪ દિવસ-૦૮ કલાક- ૪૮ મિનિટ- ૩૪ સેકન્ડ જેટલી છે. જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણ આધારિત સૌરવર્ષ (ઋતુચક્ર) ની લંબાઇ ૩૬૫ દિવસ- ૦૬ કલાક-૦૯ મિનિટ-૦૯ સેકન્ડ છે. આમ, સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ ૧૦ દિવસ-૨૧ કલાક- ૨૦ મિનિટ- ૩૫ સેકન્ડ (આશરે ૧૧ દિવસ)  જેટલું નાનું છે. આ તફાવત એક વર્ષને અંતે ૧૧ દિવસ જેટલો, બે વર્ષને અંતે ૨૨ દિવસ જેટલો અને ત્રણ વર્ષને અંતે ૩૩ દિવસ જેટલો થઇ જાય છે. જો આ તફાવતોને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેને અવગણવામાં આવે તો આપણા તહેવારો-ઉત્સવો-વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય (અંગ્રેજી તારીખની સાપેક્ષમાં ૧૧ (અગિયાર) દિવસ જેટલાં દર વર્ષે વહેલા આવી જાય.) આમ થવાથી તહેવાર-વ્રત પર્વનો ઋતુઓ સાથેનો વૈજ્ઞાનિક સ્તરે જે  મેળ આયોજિત કરાયો છે તે જળવાઇ રહે નહીં. આમ ન થાય તેવા શુભ હેતુથી આપણા પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ-પંચાંગ ગણિતના વિદ્વાનોએ ચાંદ્રવર્ષમાં એક વધારાનો માસ (અધિક માસ) ઉમેરવાનું સમજપૂર્વકનું આયોજન કર્યું છે.

મધ્યમમાન (એવરેજ ગણતરી) મુજબ એક અધિક માસ પછી ૩૨ મહિને બીજો અધિક માસ આવે છે, જ્યારે પ્રત્યક્ષ પંચાંગ મુજબ ગણતરી કરી સ્પષ્ટમાનથી એક અધિક માસ પછી બીજો અધિક માસ ૨૮થી ૩૫ માસ દરમિયાન આવે છે. અંગ્રેજીવર્ષ (ગ્રેગોરિયન કેલેન્ડર) ૩૬૫ દિવસનું છે. જ્યારે સૂર્યની ગતિ આધારિત ઋતુચક્ર સાથે સંકળાયેલું સૌર વર્ષ અગાઉ જણાવ્યા મુજબ ૩૬૫ દિવસ- ૬ કલાક- ૯ મિનિટ- ૯ સેકન્ડ જેટલી લંબાઇનું છે. આમ ગ્રેગોરિયન કેલેન્ડર વર્ષ પણ સૌર વર્ષ કરતાં લગભગ ૬ કલાક નાનું છે. આ ૬ કલાકનો તફવત ચોથા વર્ષે ૨૪ કલાક (૧ દિવસ) નો થતો હોવાથી દર ચોથા વર્ષે ૩૬૬ દિવસનું લીપ વર્ષ ગણીને ફેબ્રુઆરી માસના ૨૮ ને બદલે ૨૯ દિવસ લેવાય છે.

પારસી સન હંમેશાં ૩૬૫ દિવસનો હોય છે. (૧૨ માસ. દરેક માસના ૩૦ રોજ. પછી પાંચ ગાથાના પવિત્ર દિવસો મળીને ૩૬૫ દિવસ થાય છે) આથી પારસી પતેતી દર ચોથા વર્ષે લીપ વર્ષમાં એક તારીખ વહેલી આવે છે. તેમાં દર ૧૨૦ વર્ષને અંતે એક અધિક માસ ઉમેરવાની પ્રથા છે.

સૂર્ય દિવસ એક સુર્યોદયથી બીજા સૂર્યોદય્નો સમય છે તો ચાંદ્ર દિવસ ચંદ્રને સૂર્યની સાપેક્ષ ૧૨ ખસવામાં લાગતો સમય છે. ઘણી વાર ચાંદ્ર દિવસ સૂર્યોદય પછી શરૂ થાય અને બીજા સૂર્યોદય પહેલંલાં પુરો થઈ જાય. આવું બને ત્યારે તિથિનો ક્ષય કરી એક તિથિ ઉડાડી દેવામાં આવે. સાદા ગણિત મુજબ જો બે સૂર્યોદય વચ્ચે તિથિ સમાપ્ત ન થતી હોય ત્યારે વૃદ્ધિ તિથિ (ધોકો) ગણાય છે. એ જ રીતે બે અમાસ (એક ચાંદ્રમાસ) વચ્ચે સૂર્યસંક્રાંતિ (સૂર્યનું ચંદ્રની એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર) આવે નહીં ત્યારે તે ચાંદ્રમાસને અધિક માસ ગણવામાં આવે છે. તેની સામે જે ચાંદ્રમાસમાં બે સૂર્યસંક્રાન્તિ આવી જતી હોય તે 'ક્ષયમાસ' કહેવાય છે.

અધિક માસ હંમેશાં ચૈત્રથી આસો માસ દરમિયાન જ આવી શકે છે. સાધારણ રીતે કારતકથી ફગણ વચ્ચે અધિક માસ આવતો નથી. આમ છતાં ઘણા વર્ષોમાં ક્યારેક (જવલ્લે જ) અધિક ફાગણ આવી શકે છે, પરંતુ કારતકથી મહા સુધીના ચાર મહિના (કારતક, માગશર, પોષ અને મહા) કદાપિ અધિક માસ તરીકે આવતા નથી. તો ક્ષય માસ માત્ર કારતક, માગસર કે પોષમાં જ આવી શકે છે. જે વર્ષમાં ક્ષય માસ પડતો હોય એ વર્ષમાં અધિક મસ પણ પડતો જ હોય. આમ કોઈ પણ વર્ષ ૧૨ મહિનાથી ઓછું નથી હોતું. આવી સ્થિતિ ૧૯ કે ૧૪૧ વર્ષોનાં અંતરે જ  શક્ય બને છે. જેમકે વિ.સં. ૨૦૨૦ (ઈ.સ. ૧૯૬૩), ૨૦૩૯  (ઈ.સ. ૧૯૮૨) અને ૨૦૫૮ (ઈ.સ. ૨૦૦૧)માં ક્ષય માસ આવ્યા પછી હવે વિ.સ. ૨૧૫૦ (ઈ.સ. ૨૦૯૩)માં ક્ષય માસ થવાની સંભાવના છે.

[નોંધ- આવું થવાની સમજ હજુ સુધી મારા ધ્યાન પર નથી આવી.]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો