બુધવાર, 21 ઑક્ટોબર, 2020

નવલકથાના બચાવમાં (૧૯૩૬) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 

નવલકથાનાં કથળતાં જતાં ધોરણને કારણે સાહિત્યના એ પ્રકાર જ લુપ્ત થઈ જશે એવી અમગળ ભવિષ્યવાણી કરનારાને જ્યોર્જ ઓર્વેલ તર્કબધ્ધ જવાબ આપવા માગે છે. સામાન્યથી પણ નિમ્ન પ્રકારની નવલકથાઓના વધારે પડતા ફાલને તેઓ નવલકથાની વર્તમાન દશા માટે જવાબદાર ગણે છે તેનાથી વધારે જવાબદાર નવલકથાઓની યાંત્રિકપણે ઘસડી કઢાતી સમીક્ષાઓને તેઓ ગણે છે.

લેખના આ અંતિમ ભાગમાં નવલકથા લુપ્ત થશે કે કેમ તે વિશે જ્યોર્જ ઑર્વેલનો નિષ્કર્ષ અને નવલકથાનાં અસ્તિત્વને બચાવી શકાય તેમ હોય તો  તેના સંભાવિત ઉપાયો વિશે જ્યોર્જ ઑર્વેલના વિચારો જાણવાની તાલાવેલી રહે છે.


સૌ પહેલી જરૂરિયાત  કક્ષાનાં સ્તરના કમ નક્કી કરવાની છે. બહુ મોટી સંખ્યાની નવલકથાઓનો તો નામોલ્લેખ જ જરૂરી નથી હોતો (જો પેગ'સ પેપરની દરેક હપ્તાવાર વાર્તાઓની સંન્નિષ્ઠપણે સમીક્ષા થાય તો 'વિવેચન' પર કેવી ભયંકર અસર થાય તે કલ્પી જુઓ). જે થોડી નવલકથાઓનો નામોલ્લેખ કરી શકાય તેમ છે તે  પણ અલગ અલગ ક્ક્ષાની હોય છે. રેફલ્સની કથાઓ સારાં પુસ્તક છે. તે જ રીતે ધ આઈલેન્ડ ઑફ ડૉ. મોરૈ કે લા ચાર્ટુઝ દા પર્મે (La Chartreuse de Parme) કે  પછી મૅકબેથ પણ સારી કથાઓ છે. પરંતુ એ દરેક અલગ અલગ કક્ષાએ 'સારી' છે. તે જ રીતે ઈફ વિન્ટર કમ્સ કે ધ વેલ-બીલવેડ કે એન અનઓફિસિયલ સોસીઆલિસ્ટ કે ધ લાઈફ એન્ડ એડવેન્ચર્સ ઑફ સર લૉન્સલૉટ ગ્રીવ્સ પોતપોતાનાં અલગ અલગ સ્તરે 'ખરાબ' છે. આ એક એવી હકીકત છે જેને ભુલાવે ચડાવવાનો ભાડુતી સમીક્ષકોએ ખાસ વ્યવસાય બનવી દીધો છે. નવલકથાઓને અ, , , ડ અને એ રીતે આગળ એમ અલગ અલગ કક્ષાઓમાં સજ્જડપણે, વર્ગીકૃત કરવાની તંત્રવ્યવસ્થા ઘડી કાઢવી શક્ય તો છે, જેથી કોઈ સમીક્ષક નવલકથાને વખાણે કે વખોડે, વાંચકને તો ખ્યાલ આવી જાય કે તેને કેટલું ગંભીરપણે લેવું.  અને સમીક્ષકોને લાગે વળગે છે ત્યાં સુધી તેમણે પણ નવલકથાની કળા વિશે પરવા રાખનાર બનવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, ઉચ્ચભ્રૂ કે નીચી પાંપણ કે સમથળ પાંપણ  રાખનાર નહીં પણ સ્થિતિસ્થાપક ભમ્મર ધરાવનાર સમીક્ષક બનવું પડશે. એવા સમીક્ષકો બનવું પડશે જેમને તકનીકમાં રસ હોવા ઉપરાંત પુસ્તકમાં ખરેખર શું છે તે જાણવામાં રસ હોય. આવાં, બહુ લોકો અસ્તિત્વમાં છે - જેમાંના અમુક તો બહુ જ ખરાબ ભાડૂતી સમીક્ષકો છે, જેમના વિષે હવે પ્રાર્થના કરવાનો પણ કોઈ અર્થ નથી - જેમનાં ભૂતકાળનાં કામ પરથી જ ખબર પડી જાય છે કે એમણે તો મંડાણ જ આ રીતે  કર્યું છે.

તે ઉપરાંત, વધારેને વધારે નવલકથા સમીક્ષાઓ બિનવ્યાવસાયિક કલાશોખીનો વડે લખાતી થાય તો ઘણું સારૂં રહે. જો સમીક્ષક અભ્યસ્ત લેખક ન હોય, પણ તે નવલકથા તેને ઊંડાણથી અસર કરી ગઈ હોય તો  એક સક્ષમ પણ કટાળો ખાઈને લખતા લેખક કરતાં એ નવલકથામાં શું છે તે તે વધારે સારી રીતે કહી શકે. એટલે જ,  તેમાંની બધી મુર્ખામીઓ છતાં અમેરિકી સમીક્ષાઓ બ્રિટિશ સમીક્ષાઓ કરતાં વધારે સારી હોય છે; તેમાં કદાચ અનાડીપણું ભલે દેખાય, પણ તેનો કલાપ્રેમ વધારે વિશુધ્ધ અને વાસ્તવિક હોય છે. 

મારૂં માનવું છે કે મેં સુચવેલ આવા કોઈક ઉપાય વડે નવલકથની પ્રતિષ્ઠા પુનઃપ્રસ્થાપિત થઈ શકે છે. અગત્યની જરૂર એક અખબારની જ છે જે પ્રવર્તમાન સાહિત્ય સાથોસાથ ચાલતું રહે, છ્તાં પોતાનાં ધોરણને ડુબવા ન દે. એ અખબાર બહુ જાણીતું પણ ન હોવું જોઈએ, જેથી પ્રકાશકો તેમાં જાહેરાત ન આપતા હોય. પરંતુ એક વાર તેમને જાણ થાય કે નવલકથાનાં જે વખાણ થયાં છે ખરા અર્થમાં વખાણ જ છે, તો તેઓ  પુસ્તકના જાહેરાતીયાં લખાણમાં તેની જરૂર નોંધ લેશે. અખબાર ભલે થોડું ઓછું જાણીતું હોય, પરંતુ સમીક્ષાનાં સામાન્ય સ્તરને થોડે ઘણે અંશે સુધારવામાં તે જરૂર ચાલકબળ નીવડશે. રવિવારીય અખબારોનો બાલીશ બકવાસ એટલા માટે જ ચાલી રહ્યો છે કે તેની સાથે સરખામણીમાં તેની વિરૂધ્ધ ઊભું રહે તેવું કંઈ લખાતું અને છપાતું નથી. જાહેરાતીયા સમીક્ષાઓ તે પછી પણ ચાલુ રહે તો પણ જ્યાં સુધી કંઈને કંઈ શિષ્ટ સમીક્ષાઓ લખાતી રહેશે ત્યાં સુધી તે લોકોને યાદ કરાવતી રહેશે કે નવલકથાનાં ક્ષેત્રમાં, હજૂ પણ થોડું અલગ, વાંચવાલાયક, યથાર્થ લખનાર લોકો જીવે છે ! જેમ ઈશ્વરે વચન આપ્યું છે કે જ્યાં સુધી દસ પણ સાચકલી ધાર્મિક વૃતિવાળાં લોકો હશે ત્યાં સુધી તે સદોમ (શહેર)નો નાશ નહીં કરે, તે જ રીતે ક્યાંક પણ એવા નવલકથા સમીક્ષક છે તેમની દાઢીમાં તણખલું નથી એટલી ખબર પડતી રહેશે ત્યાં સુધી નવલકથા પ્રત્યે સદંતર તિરસ્કાર અને નિરસતા નહીં પેદા થાય.   

અત્યારે તો, તમને નવલકથાની થોડી પણ કદર હોય, અને વળી જો તમે નવલકથા લખતાં પણ હો તો વાતાવરણ બહુ જ નિરાશાજનક છે.'નવલકથા' શબ્દપ્રયોગ સાંભળતાંવેંત 'જાહેરાતીયાં લખાણ', 'અદ્‍ભૂત પ્રતિભાવાન' કે 'રાલ્ફ સ્ટ્રૉસ' જેવા શબ્દપ્રયોગ આંખ સામે આવી રહે છે,જેમ થાળીમાં 'ચિકન' જોતાં વેંત  'બ્રેડ સૉસ'ની યાદ આવી જાય. બુદ્ધિશાળી લોકો નવલકથાને લગભગ અવશપણે ટાળે છે; એટલે પ્રસ્થાપિત નવલકથાકારોના ભુક્કા બોલી જાય છે અને 'જેમણે કંઈ કહેવાનું છે' તેવા નવા લેખકો તેમની પસંદ કોઈ અન્ય સાહિત્ય સ્વરૂપ તરફ વાળી દે છે. તે પછી જે અધઃપતન થાય તે તો સ્વાભાવિક જ છે. કોઈ પણ સ્ટેશનરી વેચનારની દુકાનનાં કાઉન્ટર પર થપ્પી કરેલ ચાર પૈસાની લઘુનવલો પર નજર કરો. આ બધી નવલકથાની પતનશીલ સંતાનો છે, જે મેનન લેસકૌટ અને ડેવિડ કોપરફિલ્ડ વચ્ચેના સંબંધ જેવા વરુ અને પાલતું કુતરા વચ્ચેના સંબંધને દુહાઈ આપે છે. એ પણ શક્ય છે કે બહુ ટુંક સમયમાં જ નવલકથાના હાલ પણ ચાર પૈસાની લઘુનવલો જેવા જ થઈ જાય, જોકે તેનાં દર્શન તો છ સાત પૈસાનાં પુસ્તકાવરણમાં અને પ્રકાશકોનાં બેન્ડવાજાનાં શોરગુલમાં જ થતાં રહેશે. ઘણાં લોકોએ કાળવાણી ભાખી છે કે નવલકથા ટુંક સમયમાં જ દષ્ટિગોચર નહીં થતી હોય. જે કારણો કહેવા બેસો તો લાંબી યાદી બને, પણ જે છે સાવ દેખીતાં, તેને કારણે હું એમ નથી માનતો કે નવલકથાઓ સાવેસાવ ઓજલ બની જશે. જો શ્રેષ્ઠ સાહિત્યિક બૌદ્ધિકો તેના તરફ પાછાં નહી વળે તો,આજની કબર પરની સમાધિઓ કે પંચ કે જ્યુડી ગાર્લેન્ડ શૉની જેમ જ અત્યંત બેકદર, તિરસ્કારભરી અને અવનતી અવસ્થામાં તે દિવસો ગુજારશે.

જ્યોર્જ ઓર્વેલ એક તારણ બાબત નિશ્ચિત છે કે નવલકથાનો કાયમ માટેનો અંત તો નહીં જ થાય. તેમણે સમગ્ર લેખ દરમ્યાન નવલકથની હાલની દશા માટેનાં જે કારણો ગણાવ્યાં છે, અને તેના પરથી નવલકથાને બચાવવા માટે જે સુચનો કર્યાં છે તેના પરથી જો વાંચકો અને નવાં નવાં લેખકો તેના તરફ વળશે તો જેવી વાંચકો અને લેખકોની કક્ષા તેવી નવલકથાની દશા રહેશે.  ક્યાંક ક્યાંક તેજતારલાની રોશની પણ નજરે ચડતી રહેશે. નહીં તો, છેવટે, મરવાને વાંકે પણ, નવલકથા જીવતી તો રહેશે !

આપણે તો આજે આ લેખના લગભગ એક સદી પછીના સમયકાળમાં છીએ. તમને શું લાગે છે, નવલકથાની આજની દશા વિશે ?

+     +     +     +

'In Defence of the Novel’ પહેલવહેલો (૧૯૩૨થી ૧૯૪૯ સુધી પ્રકાશિત થતાં રહેલાં) ન્યુ ઈંગ્લિશ વિકલી, લડન, ગ્રેટ બ્રિટનમાં ૧૨ અને ૧૯ નવેમ્બર, ૧૯૩૬ના રોજ પ્રકાશિત થયેલ

+     +     +     +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, In Defence of the Novelનો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો