કહેવાય છે કે ચીનમાં પહેલાં ધોરી માર્ગ બાંધે અને પછી શહેર રચના કરે. આપણે ત્યાં ઊંધું છે. પહેલાં શહેર ઊભું થઈ જાય, પછી ખબર પડે કે તેને કોઈ ધોરી માર્ગનું તો જોડાણ જ નથી . સામાન્યપણે આપણે આવી વાતોને હસી કાઢીએ છીએ. પણ જે શહેરમાં રહેતું હોય તેને માટે આ સ્થિતિ નિરાશાજનક છે. પરંતુ ભારતમાં આ વાસ્તવિકતા તો છે જ. ભારતીય લોકો આવાં કેમ હશે?
ભારતીયો
આયોજનમાં નબળા છે અને તેમને એવું બધું 'શીખવાડવું' પડે છે એવાં કથનોમાં જાતિવાદ,સાંસ્કૃતિક અહંકાર કે પછી યથાર્થ પરિપ્રેક્ષ્યની
સમજણનો અભાવ છલકે છે. એનો જન્મ એ
માન્યતામાંથી થયો છે કે આયોજન બધાં માટે જરૂરી અને ફાયદાકારક છે. પણ વાસ્તવમાં
એવું છે ખરું? મૂળભૂત ધારણા
વિશે સવાલ કર્યા સિવાય આ વર્તણૂકનાં મૂળ કારણ સુધી નહીં પહોંચી શકાય. જોકે આને આપણે
સમસ્યા ન કહેવી જોઈએ. કોઈ પણ વસ્તુને સમસ્યા ગણવાની શરૂ થાય એટલે આપણી સંરક્ષણાત્મક
વૃતિ સજાગ બની જાય છે. આપણને એ જ તો નથી જોઈતું.
જિંદગીના
દરેક કોયડાનો હલ લાવવો જ પડે એ બહુ આધુનિક અમેરિકી વિચાર છે, જેનાં મૂળ
તારણહારની વિભાવનાની ગ્રંથિમાં રહેલ છે, જેમાં આપણે આપણી જાતને રૂપેરી પડદાના એ 'મહાનાયક' તરીકે જોઈએ
છીએ જે દુનિયાને વિલનોની ચુંગાલમાંથી બચાવવાનું બીડું લઈ બેઠા હોય છે. આ મનોદશા અમેરિકી અભ્યાસક્રમોનું પ્રભુત્ત્વ
રહેતું આવ્યું છે તેવી આજની મૅનેજમૅન્ટ કૉલેજો દ્વારા દરેક પ્રકારની સંસ્થા સુધી
પ્રસરી રહે છે. આ મનોદશામાં જે સમસ્યા છે તેમ સ્વીકારવા તૈયાર નથી એવાં લોકો 'એ તો નકારવાદી છે' એવી રોગવિજ્ઞાનની પરિભાષાનાં નામે ઓળખવાનું શરૂ થઈ
જાય છે.
ભારતમાં બે
સાવ વિરોધાભાસી વિચારો ઉદભવ્યા. એક હતી નશ્વરતા('અનાત્ત' - અનાત્મા)ની બૌધ્ધ વિચારસરણી અને તેને બીજે છેડે હતી હિંદુ ધર્મની શાશ્વતતા (આત્મા)ની વિચારસરણી.
દુનિયા જો બદલતી જ રહેવાની હોય, તો આયોજન
કરવાનો અર્થ જ શું રહ્યો? અને જો
દુનિયા બદલવાની જ ન હોય તો પણ આયોજન કરવાથી શું વળશે? આમ બન્ને વિચારસરણીઓ આયોજનની જરૂર સામે તો પડકાર ફેંકે જ છે.
એમ પણ દલીલ
કરી શકાય કે દૂર પૂર્વ એશિયાના અમુક દેશો કરતાં તો ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો ઓછો રહ્યો છે. જોકે એ દેશો પર ચીનની
કન્ફ્યુશિયસ પરંપરાની પણ એટલી જ અસર છે. સિંગાપોર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.
અહીં ઈશ્વરના આદેશથી શહેનશાહે રાજ્યમાં આચાર પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને તંત્રવ્યવસ્થા વડે સુશાસન વ્યવસ્થા
જાળવી રાખવાની છે. એટલે અહીં આયોજન જરૂરી બની જાય છે. ચીનનો રાજ્યદરબાર સદીઓ સુધી બધાં લોકો જેનું સંન્નિષ્ઠપણે પાલન કરતાં એવી
અનેક સંકુલ આચાર પદ્ધતિઓની શ્રેણીઓનાં આયોજન વડે નિયમન કરાતો રહ્યો હતો.
ચીનની આયોજન
માટેની અપેક્ષા કન્ફ્યુશિયસની વિચારસ્રણીમાં વ્યવસ્થા માટેનાં મહત્ત્વનાં કારણે
છે. અમેરિકી વિચારસરણીમાં આયોજન માટેનું મૂલ્ય અબ્રાહમી પરંપરામાં વર્દાયિત ભૂમિ (the Promised
Land_ જેરૂસલેમ -નું એ પરંપરામાં જે એક
મહાન સમાજની રચનાનાં અપેક્ષિત આખરી સ્થાન તરીકેનું જે મહત્ત્વ છે તેના પરથી ઘડાયું
છે.
આ બધાંથી અલગ,ભારતીય સમાજ વર્ણ વ્યવસ્થા આધારીત રહ્યો છે, જેના દરેક વર્ગમાં (રાજકારણ અને ઊંચનીચના અધિક્રમ છતાં
પણ) વ્યવસાય આધારિત સંઘ વ્યવસ્થા હતી. દરેક વર્ગના દરેક લોકો પોતપોતાના પારંપારિક
વ્યવસાયના દાયરામાં જ રહેવા પ્રથાનુબંધિત હતા. દરેક વ્યવસાયનાં ઘરો પણ એક જગ્યાએ
હોય. આમ બજારમાં (કે ગામના જાહેર મેળામાં) જ એકબીજાને મળવાહળવાનું થાય. આમ 'સામાજિક' ભાવના 'સર્વમાન્ય નિયમ'ને કારણે નહીં પણ 'પોતપોતાના વ્યવસ્યાય /વર્ગમાં અલગ રહેવાનાં
સર્વમાન્ય વલણ'ને
કારણે ઘડાતી હતી, તે સિવાય સી પોતપોતાતાના 'વાડા'માં (સહેતુક
શ્લેષ !) જ રહે. દરેક સમુદાયનો એક વડો -મુખી - રહેતો જે બધાંની રહેણીકરણીની
આચારસંહિતા નક્કી કરતો. એ જે યોજના ઘડે તેનો અમલ થતો. આમ વર્ણ આધારિત સમુદાયમાના
પ્રસંગો અને સંસ્થાઓમા બહુ ચોક્કસ આયોજન થતું અને અમલ થતો. હિંદુ મંદિરોની બહુ જ
સંકુલ પ્રણાલિકાઓનું વ્યવસ્થાપન પુજારીઓ બહુ જ સમજીવિચારીને કરેલા આયોજન વડે
સુચારૂ રૂપે કરતા. વેપારી સમુદાયો પણ બહુ વ્યવસ્થિતપણે કામ કરતા, જેની પાછળ પણ એક સુનિશ્ચિત આયોજન પ્રક્રિયાનું
યોગદાન રહેતું., એ માત્ર એક
સુઆયોજિત વ્યક્તિગત બાબત નહોતી બની રહેતી. લોકશાહી સંસ્થાઓના વિકાસની સાથે
ઔપચારીકપણે સામાજિક માળખાં તુટતાં ગયાં, કેમકે એ વ્યવસ્થામાં નાગરીકે તેની સદીઓ પુરાણી
વ્યવસાય પ્રમુખ વર્ણવ્યવસ્થા વિચારસરણીને ભુલી જવા પર ભાર મુકાયો છે.
ભારતીય લોકો
આયોજન તો બહુ પાક્કું કરે, અને જો તેનો
અમલ કરે તો પણ બહુ કચાશભર્યો કરે. યોજનાનો સારી રીતે અમલ કરવા માટે યોજના માટે માન
હોવું જોઈએ. કન્ફ્યુશિયસ પધ્ધતિમાં સત્તાને માન આપવું તે સભ્યતાની નિશાની ગણવામાં
આવે છે, અબ્રાહમી
વિચારસરણીમાં એમ માનવામાં આવે છે કે જો તમને ઈશ્વર માટે પ્રેમ છે તો તેનો આદેશ
અક્ષરશઃ પાળો. જે રીતે કેથોલિક ચર્ચે યુરોપ પર લગભગ ૧૦૦૦ વર્ષ સુધી પોતાના
પ્રભાવનું આધિપત્ય જમાવ્યું હતું તેના
પરથી આપણને એ પરંપરામાં આજ્ઞાપાલનને જે મહત્ત્વ આપવામાં આવે છે તે જણાઈ આવે છે.
આટલો જ સ્પષ્ટ સમર્પણભાવ આપણને ઈસ્લામમાં પણ પોતાની પરંપરા પ્રત્યે દેખાઈ આવે છે.
ભારતમાં તો
માત્ર કુળ - ગુરુ, વડીલ, કુટુંબના મુખી કે માતા-ની સત્તાને જ માન અપાય છે. તે
સિવાય કોઈને પણ માન અપાતું નથી, એટલે લોકશાહી
પધ્ધતિથી ચુંટાયેલ શાસક કે પોતે પણ એક પગારદાર જ છે તેવા સાહેબની આજ્ઞાનો આદર તો
કરવો હોય તો જ કરાય, હા, જો સાહેબ
(એટલે કે, માલિક) નોકરીનો પગાર આપવાની, કે નોકરીમાંથી કાઢી મુકવાની, સત્તા ધરાવતો
હોય,
તો તેનું થોડું માન રાખવું પડે.
એટલે આજની દેશમાં કે પ્રોફેશનલી સંચાલિત થતી કંપનીમાં જ્યાં સુધી સ્પષ્ટ સત્તા
નિર્દેશ જોવા ન મળે ત્યાં સુધી આજ્ઞાપાલન દરેક વ્યક્તિની મુન્સફી પર આધાર રાખે છે.
વળી, ભારતમાં તો એમ પણ કહેવામાં આવે છે કે તમારો ઈશ્વર
તમારામાં જ છે. એનો અર્થ એ કે દરેક પોતપોતાની કલ્પના વડે કોઈ ટુંકો માર્ગ ખોળીને 'ઉપાય' ખોળી કાઢે, કે કોઇ ચાલાકીપૂર્ણ 'જુગાડ' શોધીને
સમસ્યાનો તત્પુરતો હલ ખોળી નાખે. જ્યારે બધાં જ
'ઉપાય' ખોળીને કે 'જુગાડ' કામે લગાડીને, આયોજનને બાજુએ રાખવા લાગે ત્યારે યોજનાનું કાગળ પર
પણ મહત્ત્વ ન રહેવાનો સમય બહુ જલ્દી પાકી જાય છે. પછી ધીમે ધીમે કામ ત્યારે જ થાય
છે,
જ્યારે છેલ્લી ઘડીએ કોઈ વડીલ કે 'સાહેબ' બુમાબુમ કરી
મુકે,
કે પછી ધમકાવીને ધુળ કાઢી નાખે.
ભારતમાં તો હવે કામ થઈ જવા માટે આ પધ્ધતિ 'ભારતીય પરંપરા'નું સ્થાન લેવા સુધીની નોબત આવી ચુકી છે.
જે સમાજમાં
અર્થતંત્ર, રાજકારણ, સામાજિક બાબતો, શિક્ષણ, જ્ઞાતિ, ધર્મ જેવાં અનેક વધઘટપાત્ર પરિબળો હોય ત્યાં બધાંને
સંતોષ કરે એવો કોઈ એક નકશો તૈયાર કરવો ખાસ કરીને અઘરો છે. આપણે ભુલી જઈએ છીએ કે
આયોજન બહુ જ હિંસક સ્તરના, નિર્દય, અમલ વડેજ સફળ
બની શકે છે. એક વાર યોજના પર સહમતિ થાય , પછી વિરોધના નાનામોટા સુરને ચુપ જ કરી દબાવી દેવા
પડે. પરંતુ આટલાં બધાં વૈવિધ્યો, અનેક
પ્રકારની લઘુમતીઓ સાથેના દેશમાં કોઈ પણ બાબત પર સર્વસંમતિની કલ્પના દિવાસ્વપ્ન છે.
એવા સંજોગોમાં સહકાર મેળવવો પણ અઘરૂં કામ બની જાય છે. પરિણામે જેમને કામ કરવું જ
છે તે કંટાળીને, ક્યાં તો નાના
નાના સમુહોમાં કામ કરશે અને નહીં તો સરમુખત્યાર વલણ અપનાવશે. ભારતના અતિવિશાળ વ્યાપ અને
વૈવિધ્યને કારણે સરકારનું શાસન માળખું પણ એટલી હદે સંકુલ બની રહે છે કે બે વિભાગો વચ્ચે આપસી
સંવાદ પણ ભાગ્યેજ થાય. પરિણામ એ આવે કે જે
આયોજન કર્યું છે તેનો સફળ અમલ કરવો હોય તો દરિયા જેટલી ધીરજ જોઈએ, જે બહુ ઓછાં લોકોમાં, બહુ જ ઓછાં પ્રમાણમાં, હોવાની સંભાવનાઓ છે.
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Unable to Plan નો અનુવાદ : અબ્રાહમી ||વૈશ્વિક પુરાણ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૮ ઓક્ટોબર, ૨૦૨૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો