બુધવાર, 11 નવેમ્બર, 2020

સરસ્વતીનો શ્રાપ - દેવદત્ત પટ્ટનાઈક

સરસ્વતીના શ્રાપ વિષે બહુ વર્ષો પહેલાં એક સંગીત શિક્ષક પાસેથી સાંભળ્યું હતું. તેમનું કહેવું હતું કે શરૂઆતમાં વિદ્યાર્થી તેનાં સંગીત કૌશલ્યને વિકસાવવા સખત મહેનત કરે છે. તેમં પણ જો તે ધારી સફળતાની કક્ષા ન મેળવી શકતો જણાય, તો તે વધારે સખત મહેનત પણ કરે છે. આ 'તાલીમ'નો તબક્કો છે. એક દિવસ આવે છે જ્યારે તે સફળ બને છે. શ્રોતાગણ તેની પ્રસ્તુતિને તાળીઓથી વધાવી લે છે. આ 'તાળી'ની ગુંજ તેના કાનોમાં ગુંજવા લાગે છે. એ ગુંજનો ધીમે ધીમે તેને નશો ચડે છે. હવે તે માત્ર તાળીઓ માટે જ પોતાની રચનાઓ પ્રસ્તુત કરે છે. 'તાળી'ઓ પાછળની દોટમાં હવે તે 'તાલીમ'ને ભુલવા લાગે છે, અને પરિણામે તેનાં કૌશલ્યોનો વિકાસ રૂંધાતાં રૂધાતાં કરમાવા લાગે છે.

જ્યારે આ જ વાત સંપત્તિનાં દેવી લક્ષ્મીના સંદર્ભમાં કરવામાં આવે છે ત્યારે બદલી જાય છે. સફળતાની સાથે - ખ્યાતિ, સમૃદ્ધિ - લક્ષ્મી પણ આવે છે. હવે કળાકાર એક ખેલ કરનારો બની જાય છે, જે વધારેને વધારે ખ્યાતિ અને સમૃદ્ધિ માટે જ ખેલ કરવા લાગે છે; ત્યારે વિદ્યા ને જ્ઞાનની દેવી સરસ્વતી ભુલાઈ જાય છે. આમ લક્ષ્મી સરસ્વતી પર છવાઈ જાય છે. સરસ્વતી હવે વિદ્યાને વ્યવસાયમાં ફેરવી નાખનાર વિદ્યાલક્ષ્મી બની કીર્તિ અને સમૃદ્ધિનું સાધન બની રહી જાય છે.

આમ આપણે જોઈએ છીએ કે જે જે જગ્યાએ અનુયાયીઓ ગુરુની પાછળ ગાંડા બને છે, ત્યાં ગુરૂઓ સંપ્રદાયોના મુખીયા બની જાય છે. પછી તેઓ પોતાની જ છાપનાં વમળમાં ફસાઈ જાય છે. કવિઓ અને અભિનેતાઓની પાછળ ગાંડા થતા તેમના પ્રશંસકો તેમને નવાં પદ્યોમાં કે અભિનયમાં નવાં વસ્તુઓ ખોળવા નથી દેતા; સંગીતકારો અને કળાકારો હવે પ્રેક્ષકદીર્ઘા માટે રચનાઓ કરે છે, જેને પરિણામે હવે તેઓ પોતાને જ બેવડાવે છે. એ લોકો એમ માની બેસે  છે કે જેની માંગ છે તે રચીશું તો જ 'તાળી' મળશે. ભ્રમણા હવે તેમના માટે વાસ્તવિકતા - 'તાલીમ'નું આખરી લક્ષ્ય - બની રહે છે. 

તાલીમનો હેતુ શું છે ? એ આપણને જીવન નિર્વાહ માટે કમાણી કરવા સક્ષમ બનાવવા માટેનું સાધન માત્ર છે ? કે પછી તે આપણને દુનિયાની સમજ પુરી પાડવા માટે, સમૃદ્ધિને તેના ખરા સંદર્ભમાં સમજવા માટે અને તાળીપરનું અવલંબનને અતિક્રમવા માટે છે ? આપણી આજની શિક્ષણ વ્યવસ્થાએ જ્ઞાનને માત્ર કમાણીનાં સાધન તરીકે કરી મુક્યું છે. શિક્ષણનો અર્થ જ લક્ષ્મીની પાછળની દોટનો બની ગયો છે : એટલે શાળાને વચ્ચેથી જ છોડી દીધા પછી અબજોપતિ બનેલાં લોકો દ્વારા સંપત્તિની ટોચે પહોંચ્યા પછી 'સમાજનું ઋણ ચુકવવા'ની વાતો આજે માનથી જોવાય છે.  જે ધનાઢ્યોએ સફળતા મેળવ્યા પછી પણ ધન, દોલત અને કીર્તિની વાંછનાને અતિક્રમી છે તેમની વાતો ક્યાંય સાંભળવા નથી મળતી.

સરસ્વતી સફેદ, અથવા તો કહો કે રંગવિહિન, કાપડનાં વસ્ત્રો પરિધાન કરે છે. તેમણે કોઈ ઘરેણાં નથી પહેર્યાં. વિધવા જેવો વેશ પહેર્યો છે ? ના, આપણે સાધુ જેવો પરિવેશ શબ્દ પ્રયોગ કરવાનું ઉચિત સમજીશું. એમની મૂર્તિઓને આપણે ઘરેણાં વગેરેથી સજીએ છીએ, જોકે તેમને તો આવી કોઈ જરૂરિયાત જ નથી. લક્ષ્મીજીનું આનાથી સાવ વિપરિત છે. તેઓ તો લગ્નમંડપમાં બેસવા જઈ રહેલી કન્યા જેવાં કે કોઈ મહારાણી જેવાં સજ્યાંધજ્યાં હોય છે. સરસ્વતીને લાલ રંગ જ પરિહાર્ય છે કેમકે પ્રજનનક્ષમતા સાથે સંબંધિત કોઇ પણ બાબતથી તેઓ દૂર જ રહે છે.

અને તેમ છતાં કળાને હંમેશાં પ્રલોભન અને કામુકતા સાથે જ સાંકળવામાં આવે છે. એ લાગણીઓ અને ઈન્દ્રિયોને ઉશ્કેરે એવી ગાંધર્વ વિદ્યા છે. અહીંથી ઉદ્‍ભવે છે પુરાણ કાળની રાજનર્તકીઓ, ગણિકાઓએ, અને પછી મધ્ય કાળની તવાયફો અને દેવદાસીઓએ, જેમાં પારંગત બનવું આવશ્ય્ક ગણાવા લાગ્યું એ ૬૪ કળાઓનો. વાંકીચુંકી વહેતી  નદીને હંમેશાં જળકન્યા સાથે સાંકળવામાં આવી છે. એ દૃષ્ટિએ, સરસ્વતી નદી પણ એક દેવકન્યા જ છે..

પણ તે અલગ પ્રકારની દેવકન્યા છે જે બંધનમાં નથી રહેતી, જે કદી પણ 'તાળી'ને પોતાને જકડી લેતી સાંકળ નહીં બનવા દે. તેમે માટે 'તાલીમ' વડે મળતી સ્વતંત્રતા તેને કોઈ પાસેથી, કે ખુદ પાસેથી પણ,  પ્રમાણ મેળવવામાંથી મુક્તિ અપાવે છે. તેને તાળીઓ અને ખુશામત, કીર્તિ અને સમૃદ્ધિ વડે પોતે પોતાને બરાબર સમજે છે એવી પુનઃપુષ્ટિની જરૂર નથી. તે પોતાના હાથમાં એક-તારો લઈને પોતાનાં ગીતો ગાવાંમાં, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતી જોગણ જેમ, તેની પાછળ પડનારને મોહિત કરવામાં, મસ્ત છે. પણ તેના પર તમારો કોઈ માલીકી ભાવ નથી ચાલવાનો. એવો માલીકી ભાવ આપણને જ ફાંસામાં પકડે છે. એ સંપત્તિની માલીકીનો મોહ અને તેને ખોઈ બેસવાનો ભય આપણને ચંચળ લક્ષ્મીના દાસ બનાવી મૂકે છે. સરસ્વતીનો એ શ્રાપ છે. 

  • મિડ ડે માં ૧૨ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Curse of Saraswati  નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો