સંચાલન કળા ને વિજ્ઞાન ઉપર એક પુસ્તક તરીકે બાઈબલનો ખુબ જ પ્રભાવ રહ્યો છે. અબ્રાહમી પુરાણવિદ્યાભ્યાસનાં ઘણાં વિષયવસ્તુઓએ આધુનિક સંચાલનનાં ઘડતરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવેલ છે. જોકે આ બાબતે બહુ નવાઈ ન લાગે કેમકે મોટા ભાગના આધુનિક સંચાલન સિધ્ધાંતોના પ્રણેતાઓ યુરોપ-અમેરિકા સંસ્કૃતિની નિપજ છે. મુખ્ય સંચાલકનો આપણો ખ્યાલ, પોતાના અનુયાયીઓને વરદાયિત ભૂમિ (the Promised Land) તરફ દોરી જતા, પયગંબરના જેવો છે. પયગંબર માલિક નથી. તેમની ભૂમિકા બહુ બહુ તો એક વ્યવસ્થાકર્તા જેવી કહી શકાય. એ ઈશ્વરના બોલની જાણ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે ઈશ્વરના બોલનું પાલન થાય. તેઓ પણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. તેમની જો ચૂક થઈ હોય તો ઈશ્વર તેમને પણ સજા કરી શકે છે.
એટલે જ કહેવાય છે કે વરદાયિત ભૂમિ
સુધી દોરી જનારા મૂસા (Moses)ને વરદાયિત ભૂમિ પર પ્રવેશ નહોતો
આપાયો,કેમકે તેમણે ઈશ્વરના એક આદેશનું પાલન નહોતું કર્યું. જ્યારે
અનુયાયીઓ તરસે મરતાં હતાં ત્યારે ઈશ્વરની મદદની રાહ જોયા વગર જ તેમણે પોતાના
દંડૂકા વડે શિલામાંથી પાણી કાઢ્યું હતું. આમ તેમણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો ભંગ
કર્યો હતો. ઈઝારાયેલના રાજા ડેવિડ ઈશ્વરનું મંદિર નથી બાંધી શકતા કેમકે તેમણે
પોતાના સૈનિકની પત્ની, બાથશૅબા, જોડે વ્યભિચારયુકત સંબંધ રાખ્યો હતો.
સંચાલન તંત્રની આખી વ્યવસ્થાનો
પાયો વિવેકપૂર્ણ નિર્ણયશક્તિ છે. આજનું સંચાલન વિજ્ઞાન એ કક્ષાની તટાસ્થ અને
હેતુલક્ષી નિર્ણયશક્તિ માટે માપનશાસ્ત્રની ઉપર નિર્ભર છે. એટલે આજે ચારેતરફ અવનવાં
સ્કોરકાર્ડ્સ, ઑડીટ્સ, એનાલિટિક્સ વગેરે તરફ વધારેને વધારે ઝુકાવ જોવા મળે છે. તમે
ધારી કાર્યસિદ્ધિ કરી આપો તો તમે બહુ સારાં. પણ જો તમે તેમ ન કરી શકો તો તમે સાવ
નકામાં. એટલે કાર્યસિદ્ધિ બાબતે હંમેશં ચિંતા બની રહે છે. મુખ્ય સંચાલક, અને સંચાલન મંડળના અન્ય ઉચ્ચાધિકારીઓ પણ તેમાંથી બકાત નથી.
નીચેનાં કર્મચારીઓ એમ માને છે કે ઉચ્ચ સંચાલન મંડળમાં બેઠેલ વ્યક્તિ તો બહુ જ
સતાશાળી હોય. પણ ખરેખર, એવું કદી પણ હોતું નથી. એ લોકો પણ
તેમના ઈશ્વર, નિયામક મંડળ,ને જવાબ દેવા પાત્ર છે.
મુખ્ય સંચાલકને લગતાં માપની વાત
આવે ત્યારે, માપનના માપદંડો સંસ્થા તેના
જીવનવિકાસના કયા તબક્કામાં છે તેના પર આધાર રાખે છે. શરૂઆતના તબક્કામાં તેમના દ્વારા કરાયેલ સંસાધનોની વહેંચણી કેટલી
ઉચિત અને ન્યાયોચિત છે તેનાથી તેમની કાર્યસિદ્ધિ મપાય છે. પરિપક્વતાના તબક્કામાં
તેની પાસેથી રોકાણ પર આકર્ષક વળતરની અપેક્ષા રખાય છે. પછી જ્યારે સંસ્થાનાં બજારો
સંતૃપ્ત કક્ષાએ પહોંચી ચુક્યાં હોય, ત્યારે એક બાજુ ખર્ચાઓ પર કાપ
મુકવાની આવડત અને બીજી તરફ સંસ્થાની
વૃદ્ધિ માટે નવાંનવાં બારાં ઉભાં કરવાની ક્ષમતા મહત્ત્વની બની રહે છે. જોકે મુખ્ય
સંચાલકની કાર્યસિદ્ધિના માપદંડને સંસ્થાની કાર્યસિદ્ધિ સાથે સરખાવી ન શકાય. મુખ્ય સંચાલકની ભૂમિકા તો
સંસ્થાનું ઘડતર કરવાની છે. મુખ્ય કાર્ય-સંચાલકનું ધ્યાન વર્તમાન તરફ વધારે હોય છે, જ્યારે મુખ્ય સંચાલકનું ધ્યાન ભવિષ્યનાં ઘડતર પર વિશેષ હોય
છે.
મુખ્ય સંચાલકનાં વ્યક્તિત્વની સાથે
સાથે તેમનાં નિયામક મંડળ સાથેનાં સંબંધનાં સ્વરૂપ પણ ઘણો આધાર છે. દરેક મુખ્ય સંચાલક
તેમની પોતાની આગવી વિચારસરણી પ્રેરિત કામ કરવાની શૈલી સાથે લાવે છે. જેને માપવો
બહુ અઘરો છે એ અગત્યનો માપદંડ એ છે કે નવો મુખ્ય સંચાલક ઉપરનાં અને નીચેનાં
સત્તાનાં સમીકરણો સાથે કેવા પ્રકારે મેળ બેસાડીને પોતાનો પ્રભાવ સુનિશ્ચિત કરે છે.
એ કોઈ પણ નવા ફેરફારો દાખલ કરતાં પહેલાં તે વર્તમાન પરિસ્થિતિ સમજવા જેટલી ધીરજ
ધરાવે છે ? કે પછી ઘણાં ગરમ લોહીવાળા યુવાનની
જેમ પહેલાં કદમથી જ ફેરફારો અમલ કરવા ઉત્સુક છે?
નિયામક મંડળે એ એક વાત પણ ધ્યાનમાં
રાખવી જરૂરી છે કે મુખ્ય સંચાલક અંદરથી આગળ વધેલ છે કે બહારથી લવાયેલ છે. જો તે
અંદરની જ વ્યક્તિ હોય તો પોતે જે પરિચિત છે તે સંબંધો સાથે તેમણે કામ લેવાનું રહે, પણ જો તે બહારની વ્યક્તિ હોય તો નિયામક મડળે હાલના સંચાલકો
આ પદ માટે યોગ્ય નથી એવી જે માન્યતા ધરાવી, તે અંગે અંદરના
લોકોની દુભાયેલી લાગણી ધુંધવાતી હોવાની સંભાવનાઓ પણ રહે છે. જેને પરિણામે સંભવતઃ
જન્મતી બિનમૈત્રિપૂર્ણ ભાવનાએ પેદા કરેલ વિરોધના સામા પ્રવાહે નવા મુખ્ય સંચાલકે
વર્તમાન ઉચ્ચાધિકારીઓ સાથે કામ લેવાનું
રહે.
નિયામક મંડળો દ્વારા ૩ થી પ વર્ષના
જ ગાળા માટે અનુબંધિત મુખ્ય સંચાલકો નીમવાનું જે ચલણ છે તે ઘણી વાર સંસ્થા માટે એ નુકસાનકારક
નીવડી શકે છે. એવા નિયામકોને બજારનાં લાંબા ગાળાનાં વલણો અનુસાર સંસ્થાને દોરવાને
કે ઘડવાને બદલે પોતાનાં બોનસ રળી લેવામાં વધારે રસ હોવાની સંભાવનાઓ વધારે છે.
સંસ્થાના વર્તમાન સંદર્ભ, કે તેને અસર કરી શકનાર ભાવિ પરિબળો
કે સંસ્થાના વ્યવસાય અને વ્યવસાયના મૂળભૂત ઉદ્દેશ્યોની બારીકીઓ સમજવા જેટલો તેની
પાસે સમય જ નથી હોતો. સંસ્થામાં કામ કરતાં લોકોના કૌશલ્યો તેના માટે મશીનના એવા પૂર્જા
છે જેને તે બરાબર તેલપાણી કરીને ધમધમતા રાખી શકે. લોકોનાં મૂલ્યો, માન્યતાઓ કે ભાવનાઓ જેવી મશીન આંતરિક ડીઝાઈનને ભવિષ્ય માટે
વધારે સક્ષમ રાખી શકે તેવી બાબતો પાછળ સમય ખર્ચવો તેને પરવડે તેમ નથી હોતો. પહેલે
વર્ષે લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં કાચાં પડે છે એવાં 'ઢીલાં' લોકોને કાઢવાની પાછળ તે ધ્યાન આપે
છે,
અને પછી બીજાં અને ત્રીજાં વર્ષે પોતાને સોંપાયેલી
ચાવીરૂપ જવાબદારીઓના લક્ષ્યાંકોના આંકાડા સિધ્ધ કરવાની પાછળ તે પોતાની શક્તિઓ
લગાડે છે. પરિણામે,જેમ મોટા ભાગે જોવા મળ્યું છે તેમ, હવે પછી આવનારા નવા સૂત્રધારને તો પરદાપર દેખાતાં આકર્ષક
ચિત્રની પાછળ આડેધડ પડેલ ગોઠવણીઓની ગેરવ્યવસ્થાઓ જ નજરે પડે છે.
ઘણી વાર નિયામક મંડળ એ તપાસતાં
રહેવાનું ચુકી જાય છે કે મુખ્ય અધિકારી ખરેખર સંસ્થાનું ઘડતર કરે છે કે (પોતાની)
વ્યક્તિપૂજાનું વાતાવરણ ઊભું કરે છે. ઘણા મહાન નેતાઓ એ વડનાં વિષાળ વૃક્ષ જેવા હોય
છે જેની નીચે કોઈ બીજું વૃક્ષ નથી ઉગી શકતું (કે પછી તેઓ નથી ઉગવા દેતા). તે લોકો
સામાન્ય ક્ક્ષાનાં લોકોને જ કામે રાખીને અંતે સંસ્થાનું પારિસ્થિતિક તંત્ર જ
સામાન્ય કક્ષાનું બનાવી નાખે છે. એ તંત્ર પછી તેની જ આજ્ઞાઓ અને ઈચ્છાઓનું જ
આંધળું પાલન કરે છે. જ્યાં કશે પણ તેઓ પોતાના કહ્યામાં ન રહે એવી પ્રતિભા જુએ
ત્યાંથી તેને વિદાય કરવા આકાશપાતાળ પણ એક કરી નાખે. એ સંજોગોમાં સંસ્થામાં નવી પ્રતિભા વિકસવાની અત્યાર સુધી જે એક
વ્યવસ્થા ઊભી થઈ હોય તે પડી ભાંગે છે. જોકે પ્રતિભા વિકાસ માટે તેઓ ઉપર ઉપરથી તો એ
લોકો પાછા બહુ ચિંતા જરૂર દેખાડે ! આવા મુખ્ય સંચાલકોની મહેચ્છાનો અંત આટલેથી નથી
આવતો. તેઓ તો નિયામક મંડળને પણ પોતાના પ્રભાવ હેઠળ રાખવા માગે છે. રીઝેલા દેવ તો
ક્યારેક પણ રૂઠી શકે, પણ પોતાના તાબામાં આવી ગયેલ દેવ તો
ભક્ત જેટલું ખવડાવે એટલું જ ખાય ! આમ હવે તો ઈશ્વર પણ પોતાનું આસન નહીં ચળાવી શકે
તે નિશ્ચિત કરી લેવાય .
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, How fares the King? નો અનુવાદ : અબ્રાહમી | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો