બુધવાર, 2 ડિસેમ્બર, 2020

સંસ્થાજન્ય સંસ્કૃતિને સંપોષિત રાખવી

સંસ્થાજન્ય સંસ્કૃતિને સંપોષિત રીતે જાળવી રાખવાને લગતું સાહિત્ય પણ અનેકવિધ સંસોધનો, અનુભવ કથાઓ તેમજ ઊંડાણપૂર્વકની સૈધ્ધાંતિક છણાવટોથી માત્રાની દૃષ્ટિએ જેટલું વિપુલ છે તેટલું જ ગુણાત્મક દૃષ્ટિએ સમૃધ્ધ છે. અનેક લેખકોએ તેમના અનુભવોના નિચોડને 'આમ કરવું જોઈએ'ની યાદીઓ સ્વરૂપે પણ પ્રસિધ્ધ  કરી છે, જે સંસ્થાજન્ય સંસ્કૃતિના સંપોષણ તબક્કામાં કાર્યરત સંચાલકોને ખુબ મદદરૂપ બની શકે તે કક્ષાની છે. એ બધા લેખોમાંથી અહીં કેટલાક પ્રતિનિધિ લેખો વિષય વિશે વિવિધ વિચારોની રજૂઆતને સમજવા પુરતા મુકેલ છે. –

વિષયને લગતા કેટલાક વિડીયો

સફળતાને લાંબે ગાળે ટકાવી રાખી શકવાનો આધાર બદલતાં વાતાવરણ સાથે અનુકૂલિતિ થવાની સંસ્થાની ક્ષમતા પર છે. એ ફેરફારો વિક્ષેપકારક ટેક્નોલોજિ પરિવર્તન કે આર્થિક વ્યવસ્થાને મોટે પાયે અસર કરતાં વૈશ્વિક કે રાષ્ટ્રીય પરિબાળોમાં થતા ફેરફારો જેવા બાહ્ય ફેરફારો હોઈ શકે છે કે પછી સંસ્થાનાં માળખાઓમાં થતા ફેરફારો કે પ્રક્રિયાઓમાં થયેલા આમુલ ફેરફારો જેવાં આંતરિક ફેરફારો પણ હોઈ શકે છે. આ માટે, ઘણી વાર, લેખિત નિયમોને અતિક્રમી ઉચ્ચતમ આકાંક્ષાજન્ય વર્તણૂકો સુધી પહોંચવાની જરૂર પડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ નિયમો કે પૂર્વ-દૃષ્ટાંત ન હોય, કે સ્પષ્ટ ન હોય, ત્યારે મૂલ્યોને સાંકળી લેતા સિધ્ધાંતો વાણી, વિચાર અને વર્તનમાં ઉતારવા. સંસ્થાએ ભવિષ્યમાં કોઈક નવી જ  રીતે વિચારવું કે કામ કરવું પડશે એ  પ્રકારના ભાવનાત્મક, અમૂર્ત, વિચારને, ઘણી વાર, ઉચ્ચ કક્ષાના સંચાલકો સહિત ઘણાં કર્મચારીઓ પણ સમજી ન શકે તે સ્વાભાવિક છે. એટલે, 'જેમ છે તે બરાબર તો છે' એવી માનસિક સ્થિતિમાં રહેતાં લોકોમાં નવાં ભવિષ્ય માટેની ચેતના અને સમજ જગાડવાં જ પૂરતું નથી બની રહેતું.  સરળ, સમજી શકાય એવાં સાંસ્કૃતિક ધારાધોરણો અને વર્તણૂકો લોકોનાં મનમાં ઠસાવવાં પણ પડશે જે સંસ્થાનાં આગવાં વ્યક્તિત્વને અને આત્માને ગ્રાહકોમુખી પગલાંઓમાં અને જમીની સ્તરનાં નક્કર પરિણામોમાં પરિવર્તિત કરી શકે. આ બધું કરતાં રહેવાનું જોશ લોકોમાં ટકી રહે એ માટે અંતિમ લક્ષ્ય બાબતે અને ત્યાં સુધી પહોંચવા માટે આવશ્યક વિચારસરણી અને લેવાં પડતાં રહી પગલાંઓ બાબતે લોકો સાથે સતત સંવાદ બનાવ્યે રાખવો પડશે .

અહીં એ ખાસ યાદ રાખવું પણ જરૂરી બની જાય છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિએ અંતિમ લક્ષ્ય નહીં પણ  અંતિમ લક્ષ્ય સિધ્ધ કરવા માટેનાં વિવિધ સાધનોમાંનું એક છે. અંતિમ લક્ષ્ય તો સંસ્થાની વ્યૂહાત્મક કાર્યસૂચિ છે. આમ, સંસ્થાજન્ય સંસ્કૃતિને સંપોષિત રાખવાને સીધો સંબંધ, સંસ્થાના ગતિશીલ ઝડપે બદલતા રહેતા વ્યાપક સંદર્ભને પ્રસ્તુત રહે તે રીતે સંસ્થાની સંપોષિત સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા સાથે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વ્યૂહાત્મક વિકલ્પોની પસંદગીને અને સંસ્થાની રોજબરોજની કાર્યપધ્ધતિઓને અતિક્રમીને ક્ષિતિજ સુધી પ્રસરેલાં અનાગત ભવિષ્ય સુધી દીર્ઘદર્શનને વિસ્તારવાની આ વાત છે.

 --------------------- ◙ ---------------------- 

સંસ્થાજન્ય સંસ્કૃતિના ૨૦૨૦માં મહિનાવાર પ્રકાશિત થયેલ અલગ અલગ મણકાને એકસૂત્રે એક જ ફાઈલમાં ગોઠવ્યા છે, જે હાયપરલિંક પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો