બુધવાર, 9 ડિસેમ્બર, 2020

યક્ષણીની યાચના - દેવદત્ત પટ્ટનાઈક

 યક્ષણી પરની કેરળમાં સાંભળવા મળતી કથાઓ બહુ મજા પડે તેવી હોય છે. મોટા ભાગની કથાઓ, લગભગ, આ પ્રકારે શરૂ થતી હોય :

એક એકલો મુસાફર, બન્ને બાજુ ડાંગરનાં ખેતરોની વચ્ચેથી થઈને નીકળતી જંગલની સાંકડી કેડીઓ પર, રાત્રે ચાલ્યો જતો હતો. મગજ સુધ્ધાંને તર કરી દે એવી જુઈનાં ફૂલોની સુગંધથી દોરવાઈને તે તાડનાં ઝાડ તરફ દોરવાવા લાગે છે. ત્યાં પહોંચીને તે જૂએ છે તો એક અતિ મોહક સુંદર સ્ત્રી બેઠેલી છે - એ ભયભીત જણાતી હતી. એ સ્ત્રીએ મુસાફરને વિનંતિ કરી કે આવી કાળી રાત્રીએ તેને પોતાનાં ઘર સુધી જતાં ડર લાગે છે, એટલે તે એને પોતાને ઘરે મુકી જાય. સ્વાભાવિક જ છે કે, વાતાવરણમાં ફેલાયેલી આહલાદક ફોરમ અને સામે ઊભેલ મોહક સૌંદર્યને જોઈને એ એકલો મુસાફર આ વિનંતિ સાંભળીને પાણીપાણી થઈ જાય અને તેનામાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના છલકાઈ ઊઠે, અને તે તરત જ એ વિનંતિનો સ્વીકાર કરી લે. થોડું અંતર ચાલતાં ચાલતાં એ રૂપસુંદરી મધુરી ઘંટડીના રણકાર જેવા તેના સ્વરમાં ચકોર, સુક્ષ્મ વિનોદભરી વાતો કહેતી જાય છે. એવામાં અચાનક તે શરમાઈને મુસાફરને પાનનું બીડું ખાવા વિશે પૂછે છે. 'હું તો મારાં પાનમાં પોચી સોપારી અને પાનના સુગંધિત મસાલા અને કાથોચૂનો નંખાયાં હોય તો જ પાન ખાવાનું પસંદ કરૂં છું. પરંતુ મારી પાસે ચુનો નથી. તમારી પાસે હોય તો મને આપો' એમ પણ તેણે કહ્યું. મુસાફર પણ મનમાં સમજી શક્યો છે કે આ કોઈ સામાન્ય શિષ્ટાચારની દરખાસ્ત નથી. આ તો ત્યાંની સ્થાનિક આચાર સંહિતા પ્રમાણે સ્ત્રી દ્વારા આત્મીયતા દર્શાવવાની એક પહેલ ગણાય છે.  જેવો મુસાફરે પોતાના થેલામાંથી ચુનો કાઢીને એ રૂપસુંદરીને આપવા હાથ લંબાવ્યો કે એક ઘર સામે દેખાયું: એ ઘર પણ કોઈ સામાન્ય ઘર નહોતું, પણ કોઈ અમીર ખાનદાનનું ભવ્ય રહેઠાણ હતું. સ્ત્રીએ તેના મધુર અવાજમાં મુસાફરને પૂછ્યું,'અંદર નહી આવો?' આ કામબાણથી ઘવાયેલો મુસાફર તેની પાછળ પાછળ ઘરમાં દાખલ થયો. પરંતુ દરવાજો બંધ થતાંવેંત એ રમણી તીક્ષ્ણ, મોટા દાંત અને અણીયાળા નહોરવાળી ભયાનક ડાકણ બની ગઈ – તે તો યક્ષણી હતી ! બીજે દિવસે તાડનાં ઝાડ હેઠળ લોકોને એ મુસાફરનાં શરીરનાં થોડા વાળ અને પાનના રંગથી ખરડાયેલ દાંત જેવા અવશેષો વિખરાયેલા પડેલા જોવા મળ્યા. 

યક્ષણીને માત્ર લોઢું જ દૂર રાખી શકે છે.એટલે મુસાફરોને સલાહ અપાતી કે યક્ષણીને જ્યારે ચુનો આપવો હોય ત્યારે તેને પાંડડાં પર લખવાની લોખંડની કલમની ધાર પર મુકીને આપવો. મત્ર-વાદીઓ તરીકે જાણીતા મંત્રતંત્રના આ જ્ઞાતાઓને યક્ષણીણેને કાબુ લેવાની યુક્તિઓ ખબર હતી. એ લોકો યક્ષણીને ઝેરકચોલાંના વૃક્ષ સાથે લોખંડની ખીલીઓથી જડી દેવાની કળામાં પાવરધા હતા.

ઘણાં લોકોનું એમ પણ કહેવું છે કે હૃદયભંગ થયેલી કોઈ સ્ત્રી પ્રેત થઈ ગઈ હશે તે યક્ષણીનાં સ્વરૂપે દેખાતી હોઈ શકે. એટલે જ તેઓ પૃથ્વી પર જ ભટકતી રહે અને ફુટડા યુવાનોને લલચાવીને પોતાના પ્રેમી પરનું વેર આખી  પુરુષ જાત પર વાળતી હતી.

અને તો પછી સ્ત્રી જાતિને ડર કોનો હૉઈ શકે ? યક્ષનો ! ના, કેરળની કથાઓ અનુસાર તેમને તો ડર ગાંધર્વનો હોય છે !! મધુર કંઠનો એ સ્વામી સ્ત્રીઓને એવી અસાનીથી મોહપાશમાં પળોટી શકતો. કે એવી અંધશ્રધા ફેલાઈ ગઈ છે કે સ્ત્રીએ ક્યારે પણ આંતર્વસ્ત્ર પહેર્યા વગર સુવું નહીં.

યક્ષણી અને ગાંધર્વને જે દૃષ્ટિથી કેરળમાં જોવામાં આવે છે તે પૌરાણિક કે બૌદ્ધ કે જૈન  પરંપરાગત દંતકથાઓમાં  સામાન્યપણે રજુ કરાતી રીત કરતાં સાવ અલગ છે.  આ દંતકથાઓમાં યક્ષણી વનદેવી બતાવાય છે જે જળકન્યા  અપ્સરાઓથી અલગ છે. એમને ચિત્રોમાં પુષ્ટ અને ભરાવદાર સુંદરીઓ તરીકે દર્શાવાય છે, જે વૃક્ષોની ડાળીઓને વીંટળાઇને ચીપકી રહેલી હોય છે અને તેમનાં નશીલાં હાસ્યને કારણે વૃક્ષો ફૂલો અને ફળોથી લચી પડે છે. તો વળી, ગાંધર્વો ગગનગામી ગાયનવાદન કળાકારો છે જે દેવોનું મનોરંજન કરે છે. એ લોકો તો નિરુપદ્રવી સુકુમારો છે જે બહુ બહુ તો ચુસ્ત બ્રહ્મચારી સાધુઓને સંતાપે છે. માત્ર કેરળમાં જ તેઓ ભયંકર દૈત્યોમાં ફેરવાઈ જાય છે : એવી ચુડેલો બની જાય છે પુરુષને કામુકતાથી આકર્ષે છે અને નાશ કરે છે, અને અનુક્રમે એવું દુઃસ્વપ્ન બની જાય છે જે સ્ત્રીને કામુકતાથી આકર્ષે છે અને તેનો નાશ કરે છે. આ  કથાઓમાં એકંદરે અજાણી વ્યક્તિ સાથે કામુક સંબંધો રાખવા બાબતે ચિંતા દેખાય છે: તે આજકાલની બી-ગ્રેડની હોરર ફિલ્મોનાં ચાહક છોકરાછોકરીઓને એક પરંપરાગત ચેતવણી છે, જેઓ જ્યારે પિકનિક વગેરેમાં યુવાવય સહજ કામક્રીડાઓ માણવા મંડી પડે છે ત્યારે બુકાનીધારી 'દૈત્યો' ડંડા અને સાંકળો લઈને તેમની પાછળ પડી જતા હોય છે.

બીજી એક મહત્ત્વની બાત એ છે કે કેરળમાં યક્ષણી, બહુ બધાં લોકો દ્વારા પ્રશંસા પામતી અને પુજાતી, દેવી પણ બની જઈ શકે છે. તેમનાં, સુંદર તેમ જ ભયાનક, ચિત્રો મંદિરોની દિવાલો પર જોવા મળે છે કેમકે દૈવી સંગતમાં તેમને શાતા વળે છે, જેમકે તિરુવનંતપુરમના અડેલીને આરામની મુદ્રામાં જોવા મળતા વિખ્યાત પદ્મનાભ સ્વામી (વિષ્ણુ), જે કોઈ જાતના ન્યાયાન્યાયની પડપુંછમાં પડ્યા સિવાય જ યક્ષણીને બરાબર સમજે છે.

  • મિડ ડેમાં ૧૯ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The Yakshi’s solicitation    નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો