શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : પીટરનો સિધ્ધાંત

 'મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતોશ્રેણીમાં  અલગ અલગ સિધ્ધાંતોનો પરિચય કરીશું. 

+                  +                  +                  +

પ્રાસ્તાવિક

નામસ્રોત (eponym) એવી વ્યક્તિ કે જગ્યા કે ચીજ છે જેના પરથી, કોઈનું, કે કોઈક ચીજનું, નામ પડ્યું હોય, કે પડાયું છે એમ મનાતું હોય.

જોનાથન સ્વિફ્ટ દ્વારા લખાયેલ, અંગ્રેજી સાહિત્યની બહુખ્યાત રચના 'ગુલીવર્સ ટ્રાવેલ્સ'ના ચોથા ખંડમાં વાર્તાનો નાયક ગુલિવરનો મેળાપ અડઘણ અને અસભ્ય દેખાતં લોકો સાથે થાય છે જેમને તે 'યાહૂસ' (Yahoos) નામની ઓળખ આપે છે. આજે પણ અંગ્રેજી ભાષામાં Yahoosનો એક અર્થ તો  અબોધ, અડઘણ કે જંગલી લોકો તરીકે જ થાય છે. અમેરિકામાં Yahoo આનંદમિશ્રિત આશ્ચર્યોદ્‍ગાર તરીકે વધારે પ્રચલિત થયેલો જોવા મળે છે. આ અર્થનો સૌથી અસરકારક  ઉપયોગ  ઇન્ટરનેટ સેવાઓ સંબંધિત વ્યવસાય ધરાવતી, ઘર ઘરમાં એ નામથી જાણીતી, કંપની  ‘Yahoo!’ પોતાનાં નામની ઓળખ તરીકે કર્યો છે.

નામસ્રોત સાથે જોડાયેલો એક બીજો, મહદ સ્વરૂપે જરૂર કમનસીબ કહી શકાય એવો, કિસ્સો વિખ્યાત 'વિલન' પ્રાણનો છે, વાસ્તવિક જીવનમાં નખશીખ સજ્જન એવા પ્રાણની 'દુર્જન' તરીકેની ખ્યાતિને કારણે કેટલીય પેઢીઓના છોકરાનાં નામ 'પ્રાણ' નથી રખાયાં !

આમ, નામસ્રોત એક એ નામવાળી વ્યક્તિની ખ્યાતિ (કે માની લેવાયેલ કુખ્યાતિ) સાથે 'ફેવિકોલનાં જોડાણ (હા, એક વધારે નામસ્રોત સર્વનામ) સંદર્ભ કે જોડાણ બનાવી દે છે કે એ નામસ્રોત સાંભળતા (કે વાંચતાં) જ આપણને શું  કહેવાઈ રહ્યું છે તે સમજાઈ જાય.

વિજ્ઞાન, ઈતિહાસ વગેરેમાં પણ નામસ્ત્રોતીય પારિભાષિક શબ્દો વ્યાપકપણે પ્રયોજાતા જોવા મળે છે. કેટલાંક ઉદાહરણો -

  •       ફેરનહાઈટ (ઉષ્ણતામાન માપવાનો એક અંક) - ગેબ્રીઅલ ડેનીઅલ ફેરનહાઈટ
  •       ડીઝલ (ઑટોમોબાઈલ્સમાં વ્યાપક =પણે વપરાતું ઈંધણ) - રૂડૉલ્ફ ડીઝલ
  •       અમેરિકા (અમેરિકા ખંડ)- અમેરિગો વૅસ્પ્યુસ્સી
  •       ગાંધી વાદ - મહાત્મા ગાંધીની વિચારસરણી અને જાહેર જીવન શૈલી, કે

રીગનોમિક્સ - અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગનની આર્થિક નીતિઓ,  કે

થેચરીઝમ - બ્રિટનનાં પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરની આર્થિક નીતિઓ , કે

મોદીનોમિક્સ - ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક વિચારસરણી.

List of eponymous laws માં જુદા જુદા નામસ્રોતીય નિયમો, સિધ્ધાંતો, કહેવતો કે એવાં સચોટ કથનો કે આગાહીઓની યાદી તેમ જ (અંગ્રેજી) વિકિપીડિયા પરના તેને લગતા લેખોની હાયપર લિંક જોવા મળે છે – જેમ કે પાર્કિન્સનનો નિયમ. અન્ય અમુક કિસ્સાઓમાં કોઈની રચના કે કાર્ય કે પ્રકાશનને પરથી નામસ્રોતીય નિયમ બન્યો હોય - જેમકે મૂરનો નિયમ. અમુક અન્ય કિસ્સાઓમાં નિયમોને તે નિયમને લગતું  બહુ નોંધપાત્ર યોગદાન કરનારનું જ નામ અપાતુ પણ જોવા મળે છે, જેમકે મર્ફીનો નિયમ. અમુક એવા કિસ્સઓ પણ છે જેમાં કોઈ જ નામ સાથે સંબંધ ન હોય તો પણ નિયમ કે સિધ્ધાંત સાથે કોઈ વ્યક્તિનું નામ જોડાયું હોય.


+                  +                  +                  +

 પીટરનો સિધ્ધાંત

પીટરનો સિધ્ધાંત મેણેજમૅન્ટ કૉલેજોમાં શીખવવામાં આવતો એક એવો બહુહ્યાત સિધ્ધાંત છે જેનો ઉદ્‍ભવ શૈક્ષણિક  હેતુ માટે ન થયો હોય. એક સંશોધન અભ્યાસમાંથી નિપજેલ તારણને ૧૯૬૯માં પહેલી વાર પ્રકાશિત થયેલ પુસ્તક - “The Peter Principle, Why Things Always Go Wrong”, લેખકો પીટર જે લૉરેન્સ અને રેમન્ડ હલ્લ- માં એક સુગઠિત નિયમ સ્વરૂપે પ્રકાશિત કરાયો. પુસ્તકમાં જે કથનો મુકાયાં છે તે આજે ૫૦ વર્ષ પછી પણ જેટલાં પ્રસ્તુત રહ્યાં જણ્યાય છે, તેટલાં જ પ્રસ્તુત કદાચ હવે પછીના ૫૦ વર્ષોમાં પણ રહે તો નવાઈ ન કહેવાય. પુસ્તકમાંના સિધ્ધાંત, કથનો અને કિસ્સાઓની લોકપ્રિયતાઓ અંદાજ એ વાત પરથી પણ બાંધી શકાશે કે બીબીસી વન દ્વારા એ પુસ્તકને ૧ પ્રવેશક + છ છ વૃતાંતના બે ભાગમાં પારિસ્થિતિક હાસ્ય શ્રેણી - The Peter Principle - સ્વરૂપે ૧૯૫૫થી ૨૦૦૦ના સમયગાળામાં પ્રકાશિત કરવામાં આવી હતી. થોડી શોધખોળ કરવાથી યુટ્યુબ પર આ વૃતાંતો જોઈ શકાય છે.

પીટરનો સિધ્ધાંત આ રીતે રજુ કરાયેલ છે - 'પદાનુઅધિક્રમમાં, દરેક કર્મચારી,ઉપર ચડતાં ચડતાં, પોતાની અક્ષમતાની કક્ષાએ પહોંચે છે.'

આમ થવા માટેનું એક સૌથી વધારે સબળ અને સંભવિત કારણ એ છે કે કર્મચારીની પદાનુક્રમમાં બઢતી તેની વર્તમાન કામગીરીની સફળતાના આધાર પર અપાતી હોય છે. હાલની જગ્યા પર તેની ક્ષમતાનો આ માપદંડ તેને હવે પછી ઉપરનાં જે પદમાં બઢતી થશે તે પદને લગતી કામગીરીની જવાબદારીઓ માટે એટલો જ જરૂરી કે પ્રસ્તુત હોય તેવું આવશ્યક ન પણ હોય - મોટા ભાગના કિસ્સાઓમાં તો નથી જ હોતું. દાઢમાં કાંકરો રાખીને કહીએ તો એમ કહી શકાય કે, હાલની જયા માટે ખુબ સક્ષમ કર્મચારીને ગુમાવી ને વધારે જવાબદારીઓવાળાં પદ માટે ઓછાં સક્ષમ કર્મચારીને લઈ અવાયેલ છે.


તે ઉપરાંત, ઉપરનાં પદો પર કામ કરતાં સંચાલકોની પદાનુધિક્રમથી ઘડાયેલ મનોસ્થિતિ પણ આ ઘટનાક્રમને ફાલવા ફુલવા દેવામાં વધારે અનુકૂળ રહેતી હોય છે.

મોટા ભાગની સંસ્થાઓમાં, ખરી પરિસ્થિતિ છતી થાય, ત્યાં સુધીમાં એ કર્મચારી સંસ્થાના પદાનુક્રમની સીડી પર, કમસે કમ, બેએક વાર તો પર બઢતી મેળવી જ ચુકતો  હોય છે. સમયનાં વહેણ સાથે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યાં પીટરનો ઉપસિધ્ધાંત - અમુક સમય બાદ, સંસ્થાનાં દરેક પદ પર અક્ષમ વ્યક્તિ જ જોવા મળે છે - જ હકીકત બની જાય છે. 

અક્ષમતા છુપાયેલી રહેવાનુ બીજું કારણ છે ' કામ તો સામાન્ય રીતે (મોટા ભાગના કિસ્સાઓમાં, નીચેનાં સ્તરે) એવાં કર્મચારી વડે જ કરી લેવાય છે જેઓ તેમની અક્ષમતાનાં સ્તરે હજુ નથી પહોંચ્યાં.

અહીં આપણો મુખ્ય આશય પુસ્તકનો કે તેને લગતાં થયેલ બધાં જ સંશોધન / સાહિત્યનો પરિચય કરવાનો નથી. હા, એટલું જરૂર કહી શકાય કે આજે પણ આ પુસ્તક વાંચવું એટલું જ રસપ્રદ, અને ઉપયોગી, નીવડી શકે છે. પુસ્તકને માત્ર એક કટાક્ષ કથા તરીકે વાંચીએ તો પણ, અને એક મહત્ત્વના વિષયની અબ્યાસપૂર્ણ ચર્ચા તરીકે ગંભીરપણે વાંચીએ તો પણ, પદાનુક્રમવાદશાસ્ત્રની સાથે બહુ સારો, અને અનેક જગ્યાએ ઉપયોગી નીવડે એવો, પરિચય અવશ્ય થશે.

આ પુસ્તકની અને સંસ્થામાંનાં પદાનુક્રમની બહાર પણ  નજર કરીશું તો પીટરનો સિધ્ધાંત લાગુ પડતો હોય તેવાં ઉદાહરણો ડગલેને પગલે જોવા મળશે. આ માટેની પરિસ્થિતિઓ પેદા થાય છે ક્યાં તો કુદરતના પરિવર્તનના સ્વાભાવિક ક્રમથી ઉત્પન્ન થતા કે માણસે હાથે કરીને ઊભા કરેલા સંજોબોને કારણે. સંસ્થાઓ અને તેમાંના પદાનુક્રમોની સરખામણીમાં વાસ્તવિક જીવનમાં  પીટરના સિધ્ધાંતની પ્રસ્તુતતાના પ્રકાર કે અસરો પણ જરૂર હોઈ શકે છે, કેમકે અહીં, તત્ત્વતઃ, સામે આવી રહેલા, કે આવી પડેલા, સંજોગો સાથે વ્યક્તિ, કે વ્યક્તિઓનો સમુહ, શી રીતે કામ લઈને પોતાનો વાંછિત આશય સિધ્ધ કરી શકે છે તે બાબત મહત્ત્વની બની રહે છે.

કુદરતમાં તો એ જ ટકી શકે છે જે પરિવર્તનનાં ચક્ર વડે પેદા થતાં રહેતાં મોજાંઓ સામે પોતાની આશય સિદ્ધિની નાવ ધારી દિશામાં, ધારેલાં લક્ષ્ય સુધી પહોંચાડવા સામર્થ્યવાન છે. માણસને પરિવર્તનો સામે ઘુંટણ ટેકવી દેવા મજબુર કરનાર એ સંજોગો કુદરતનાં પરિવર્તનના સ્વાભાવિક ક્રમને કારણ પેદા થઈ શકે છે કે પછી માણસ દ્વારા તે, જાણ્યેઅજાણ્યે, ઉભા કરેલા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, પોતાના સમયનો સૌથી સામર્થવાન બાણાવળી અર્જુનમહાભારતનાં યુદ્ધના પહેલા જ દિવસે સામે પક્ષે પોતાના વડીલો, બંધુઓ અને સખાઓને જુએ છે ત્યારે યુધ્ધ એ જ ધર્મની ક્ષત્રિયવટનો મૂળભુત સિધ્ધાંત ચાતરી બેસે છે. કે પછી, છ ફ્રેંચ ઓપન અને લાગલગાટ પાંચ વિમ્બલડન ખિતાબ માત્ર ૨૬ વર્ષની વયે જીતવાનો ઇતિહાસ રચી શકનાર બ્યૉર્ન બૉર્ગ તેની છઠ્ઠી વિમ્બ્લડન ફાઈનલમાં માત્ર એટલા માટે હારી ગયો હોવાનું મનાય છે કે તેનાં પોતાનાં કૌશલ્યને વધારે ઊંચાં સ્તરે લઈ જવા માટે તેને પ્રેરણા પુરી પાડી શકે તે કક્ષાની હરિફાઈ હવે તેને નહોતી મળી રહી. બીજી એક આશ્ચર્યની વાત એ પણ છે કે જે હરીફોને તેણે ફ્રેંચ ઓપન કે વિમ્બલડન હરાવ્યા હતા એ જ હરીફો સામે તે એક પણ અમેરિકન ઓપન ખિતાબ નહોતો જીતી શક્યો.

દલીલ ખાતર એમ જરૂર કહી શકાય કે વ્યક્તિની કળા કે અન્ય ક્ષેત્રમાં કૌશલ્ય્ની આવશ્યકતાઓને વ્યાપાર/ ઉદ્યોગના સંજોગોની આવશ્યકતાઓ સથે સ્રરખાવવૌં ઊચિત ન કહેવાય. તો ચાલો ઔદ્યોગિક ક્રાંતિના પહેલાં ચરણથી આજનાં ચોથાં ચરણ સુધી અનેક લોકોનાં જીવન પર થયેલી અસરોને બદલતા જતા સંજોગોની અવનવી માંગના સંદર્ભમાં યાદ કરીએ. ઔદ્યોગિક ક્રાંતિનાં પહેલાં ચરણથી લઈને આજનાં ચોથાં ચરણ સુધી જે એક માત્ર ફરક પડ્યો છે તે પરિવર્તનની જટિલતા અને દર પુરતો જ છે. જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ આગળ વધતી ગઈ તેમ તેમ પરિવર્તનો વધારે ને વધારે જટિલ બનવાની સાથે પરિવર્તન થવાનો દર વધારે ને વધારે ઝડપી બનતો ગયો છે.. શતાબ્દીના અંતમાં 'પરિવર્તન એ જ હવે અચળ છે' ની કડવી વાસ્તવિકતા તો હવે બહુ આસાન પરિસ્થિતિ લાગવા મંડી છે ઔદ્યોગિક ક્રાંતિનાં ચોથાં ચરણના આજના VUCA (ચંચળતા, અનિશ્ચિતતા, જટિલતા અને સંદિગ્ધતા) સમયમાં હવે તો પરિવર્તન એવી વિક્ષેપકારી અતિઝડપથી થતા બદલાવોની ગતિમય પ્રવાહી પરિસ્થિતિ બની રહેલ છે  જેમાં 'શ્રેષ્ઠ પ્રણાલી તો ગઈકાલ હતીશ્રેષ્ઠ વિચારસરણી હવે આજ અને આવતીકાલ છે.'

હળવે હાથે જોરનો ધક્કો ખાવો હોય તો


આ પુસ્તક કે તેને લગતાં અન્ય સાહિત્યને વાંચવાનો જોગ થાય કે ન થાય, પણ એક વાત તો નિશ્ચિતપણે સ્વીકારવામાં જ શ્રેય છે કે દરેક વ્યક્તિ, કે વ્યક્તિઓના સમુહ,કે પછી સંસ્થાને પણ, સમય સમયે અક્ષમતાનું ગ્રહણ લાગુ તો પડે જ છે. તેમાંથી બચી શકવાનો એકમાત્ર મારગ છે - જિંદગીભર, સંજોગોની માંગ અનુસાર જૂનું ભુલતાં રહો અને નવું શીખતાં રહો. જે લોકો અક્ષમતાનાં ગ્રહણની અસરોને થોડેઘણે અંશે દૂર કરી શકયાં હશે તેમણે, પોતાના સભાન પ્રયાસો વડે કે બહારના પરિબળોનાં દબાણ હેઠળ, અજાણ્યેપણ, કંઈક તો નવું શીખ્યું જરૂર હશે.

+                  +                  +                  +

પીટરના સિધ્ધાંતનો ખેલ આટલેથી પુરો નથી થતો. હજુ તો પીટરના સિધ્ધાંતની  ઉલટી બાજુ, પીટરના સિધ્ધાંતના અન્ય જોડીદારો ડિલ્બર્ટનો સિધ્ધાંત - જે સંચાલન વાયવસાયિકો માટે ચિંતાજનક સિધ્ધાંત છે- કે પછી ગેર્વૈસનો સિદ્ધાંત કે કોસેની ટોચ સીમા…… તો હજુ આપણી પ્રતિક્ષા કરી રહ્યા છે.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો