બુધવાર, 6 જાન્યુઆરી, 2021

જ્યારે તપસ્વીએ અપ્સરાને હંફાવી - દેવદત્ત પટ્ટનાઈક

ભગવદ ગીતાનું સૌ પહેલું વિવેચન (ભાષ્ય) મહાવિદ્વાન શંકરને હાથે લખાયેલું મળે છે. ઈતિહાસકારોના મત મુજબ શંકરનો સમયકાળ  ઈ.સ. પૂર્વે ૯મી સદીમાં, એટલે કે બુદ્ધનાં ૧૩૦૦  વર્ષ પછી, અને ગીતાનાં આખરી સ્વરૂપની રચનાનાં લગભગ ૫૦૦ વર્ષ બાદ મનાય છે. જોકે એક બીજા વર્ગનાં માનવા અનુસાર, શંકર બુદ્ધના સમકાલીન હતા અને ગીતા લગભગ ૫૦૦૦ વર્ષ જૂની રચના છે.

શંકરનો સમયકાળ ઇતિહાસનો એવો સમયખંડ છે જ્યારે બૌદ્ધ ધર્મનાં વળતાં પાણી હતાં, પૌરાણિક હિંદુત્વ તેની ટોચ પર હતું, અને ઈસ્લામ ભારતવર્ષમાં દક્ષિણમાં સમુદ્ર વાટે આવતા વેપારીઓ અને ઉત્તરમાંથી આવતા યુધ્ધખોર આક્રમણકારોને પગલે પગલે પોતાનો પગ જમાવી રહ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બૌધ્ધ ધર્મ અને હિંદુ ધર્મમાં નાટકીય કહી શકાય એવું પરિવર્તન થઈ ગયું હતું. મૂળતઃ એકબીજાની વિરોધી વિચારસરણીઓ એકબીજાંનો વિરોધ કરવાને બદલે એકબીજાની એટલી હદે નકલ કરવા લાગી હતી કે એકને બીજાંમાંથી ઓળખવું અઘરૂં બની ગયું હતુ.  ગ્રીકોના ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ભારત આવવાનાં અને મુસ્લિમોના ઈ.સ. દસમી સદીમાં પોતાનો પ્રભાવ વધારવાનુ  શરૂ થયું તે વચ્ચેનાં હજારો વર્ષ દરમ્યાન  આવું રૂપાંતરણ થયું હતું.

બૌધ્ધ ધર્મ તેની જુની થેરવાદની વિચારસરણીમાંથી મહાયાનની ગૃહસ્થી જીવનની નવી વિચારસરણી તરફ વળી ચુક્યો હતો.: જીવનનો ત્યાગ કરનાર બુદ્ધ હવે બોધિસત્વ તરીકે ઓળખાતા બહુઆયામી સંરક્ષક બની ચુક્યા હતા.  બુદ્ધનાં પૂર્વજીવનની કથાઓ (જાતક કથાઓ) એ સમયે કહેવાતી હતી જ્યારે તેઓ વિકટ સંજોગોમાં જીવી રહેલાં સાથીઓ પ્રત્યે બહુ વધારે સંવેદના બતાવતા  જ્ઞાનની શોધમાં બુદ્ધે પોતાની પત્ની, પુત્ર અને કુટુંબનો ત્યાગ કર્યો હતો. પરંતુ હવે નવાં ચલણમાં નારીજાતિ માટે કુણાશ વર્તાતી હતી.લોકોને પૂર્ણતા (પારમિતા) તરફ દોરી જતાં, સંવેદનાની દેવી (તારા) ક્યાંક સ્વતંત્રપણે બોધિસત્વ તરીકે દેખા દે છે તો ક્યાંક કડક અને વૈરાગી બુદ્ધ સાથે ગાઢ આશ્લેષમા દેખાય છે. તેમને કમળધારિણી ગૌરવ છટામય નર્તકીનાં સ્વરૂપમાં વધારે કલ્પવામાં આવ્યાં કે પછી એક હાથમાં અતિપ્રભાવશાળી પૌરૂષ સ્વરૂપ વજ્ર અને બીજા હાથમાં નારી સહજ લયના દ્યોતક ઘંટને પકડી રાખેલ દેવી સ્વરૂપે પણ દર્શાવાયેલ જોવા મળે છે.


તો તેનાથી સાવ ઉલટું હિંદુ ધર્મની બાબતમાં બનતું જોવા મળે છે. હિંદુ ધર્મમાં માનવ જીવન ક્રમમાં ગૃહસ્થાશ્રમને ખાસ મહત્ત્વ અપાતું હતું, તેને બદલે સંન્યસ્ત જીવન શૈલીની હવે બોલબાલા થવા લાગી હતી. શંકર સહિતના આદરણીય ગણાતા ગુરુઓ (આચાર્યો), જેમની લગ્નવિધિઓ જ બહુ પ્રચલિત હતી તેવા શિવ કે વિષ્ણુનાં મંદિર સંકુલોમાં જ નિવાસ કરતા હોવા છતાં, ચુસ્તપણે બર્હ્મચર્ય પાળતા હતા. તેઓ  ક્યાં તો લગ્ન જ ન કરતા અને જો કદાચ વિવાહીત હોય તો પોતાની પત્નીઓથી અંતર રાખતા.  એટલી હદે કે શંકર પર તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લેવાના પણ આક્ષેપ થતા, કેમકે તેઓ, મંદિરોમાં સ્થાપિત સાકાર (સગુણ) દેવી દેવતાઓને બદલે મનનાં નિરાકાર (નિર્ગુણ)દૈવી તત્ત્વ પર વધુ ભાર મુકતા હતા  શંકર જે વૈદિક તત્ત્વજ્ઞાનમાં ગીતાને  ઈંદ્રિયજન્ય અને ભૌતિક આસક્તિને માયા ગણવામાં આવે છે એવા વેદાન્તના સાર સ્વરૂપે ગીતાને જૂએ છે, જે  ઈન્દ્રિય અને ભતિક આસક્તિને શક્તિ માનતાં તાંત્રિક વૈદિક તત્ત્વજ્ઞાન કરતાં અલગ પડે છે મન્ડન મિશ્રનાં પત્ની, ઉભય  ભારતી, પાસે પોતાને ઈન્દ્રિયજન્ય આનંદ અને શૃંગાર કળા વિશે જ્ઞાન ન હોવાની કબુલાત કરતા કિસ્સામાં હિંદુ વિચારસરણીમાં ગૃહસ્થ અને સંન્યસ્ત જીવન શૈલીની મૂળભૂત માન્યતાઓમાં જે અંતર પડવા લાગ્યું હતું તેના પર ધ્યાન દોરે છે.


આ પરિવર્તનને પરિણામે નારીજાતિના અધિકારોની બાબતે અડચણો વધી, જેમાં સૌથી વધારે અપમાનજનક વિભાવના નારીની 'શુધ્ધતા / પવિત્રતા'ને લગતી બાબતો સાથે સંબંધિત જતી. આ વિભાવનામાંથી વિકસેલ 'નારી પવિત્રતા'ના 'સિધ્ધાંત'માં નારી જાતિ માટે જે આચારસંહિતા ઘડાઈ તે મહદ અંશે પુરુષપ્રધાન વિચારસરણીના રંગે જ રંગાયેલી હતી. એક દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે સમય જતાં ઈસ્લામ અને વિક્ટોરિયા યુગમાં આ વિચારસરણી સંકુચિત ધારાધારણોનાં મૂલ્યોનાં સ્વરૂપમાં વધારે વિગતમાં વિકસી, અને જતે દહાડે તો આધુનિક શિક્ષણવિદો વડે 'બ્રાહ્મણવાદી' તરીકે પ્રસ્થાપિત અને વર્ગીકૃત પણ થઈ.

આજે પણ હિંદુત્વમાં ગૃહસ્થ ધર્મ કરતાં સંન્યસ્ત શૈલીનું માહાતમ્ય વધારે જોઈ શકાય છે : બ્રહ્મચારી સંન્યાસીનું સ્થાન નર્તકી અપસરા કરતાં વધારે પવિત્ર ગણાય છે. જેણે જાતીય સંબંધના અનુભવનો '' પણ નથી અનુભવ્યો તે સમાજને ઉપદેશા આપે છે કે કેવો જાતિય સંબંધ વધારે યોગ્ય અને ઈચ્છનીય હોઈ શકે, કયો સંબંધ સારો અને કયો ખરાબ !

  • મિડ ડેમાં ૨૬ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, When the ascetic overpowered the nymph   નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા


મૂળ લેખનાં રેખાંકન સિવાયનાં બન્ને ચિત્ર માત્ર સંદર્ભ સ્પષ્ટ કરવા નેટ પરથી અન્ય સ્રોત પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશન અધિકાર મૂળ કર્તાના બાધિત રહે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો