બુધવાર, 31 માર્ચ, 2021

ન્યાયમાં આપણો વિશ્વાસ - દેવદત્ત પટ્ટનાઈક

 

આપણા દેશ પરનાં અંગ્રેજ શાસન દરમ્યાન બનેલી મોટા ભાગની અદાલતોમાં આંખે પાટા બાંધી, હાથમાં ન્યાયનું ત્રાજવું લઈને ઊભેલી એક સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર જરૂર જોવા મળશે. ન્યાયમૂર્તિની દેવીની આ કલ્પના હેસીઓડની ગ્રીક દેવોની વંશાવલી, થીઓગોની,માં ઝીઅસની દિકરી ડાઈક પર આધારીત છે. ડાઈક માનવ ન્યાય સાથે સંકળાયેલ છે, જ્યારે તેમની માતા થેમિસ દૈવી ન્યાય સાથે સંકળાયેલ છે. તેનાં કલાત્મક નિરૂપણોમાં તે હાથમાં ત્રાજવું પકડીને ઊભેલાં બતાવાય છે. તેમનાં રોમન સ્વરૂપ, જસ્ટિસિઆને આંખે પટ્ટી બાંધેલ બતાવવામાં આવે છે. તેમને ભલાં ભોળાં દેખાતાં, કુરૂપ એડીકીઆ (અન્યાય)ને ગળું દબાવી દેતાં અને લાકડીથી ફટકારતાં કે પોતાની તલવારથી મારી નાખતાં દેખાડાય છે. પૌરાણિક કથાનકો અનુસાર, જ્યારે કોઈ લડાઈઓ જ નહોતી એવા સુવર્ણ અને રૌપ્ય યુગમાં તેઓ માનવી સાથે રહેતાં હતા. પણ માણસ પર ધીમે ધીમે લોભ હાવી થતો ગયો, એટલે ન્યાય ભુલાતો ગયો. પરિણામે ડાઈક ત્યાંથી નાસી જઈને પોતાના પિતા પાસે, માઉન્ટ ઓલિમ્પસનાં ઊંચાં શિખરો પર, માનવ સમાજના ભ્રષ્ટાચારથી  દૂર, રહેવા ચાલ્યાં ગયાં.

જોકે ન્યાયને ત્રાજવાં સાથે સરખાવવાનો વિચાર તો બહુ જૂનો છે. તેનું મૂળ ઈજિપ્તનાં ન્યાયનાં દેવી માત અને પછીથી આઈસીસ સાથે જોડાય છે. માતના પિતા મૃત વ્યક્તિનાં હૃદયનું વજન કરીને નક્કી કરતા કે તે વ્યક્તિ ઑસાઈરિસમાં દાખલ થવા પાત્ર છે, કે પછી તેને મૃત્યુ પામ્યા પછીનાં જીવનનો લાભ ન મળવો જોઈએ અને સીધો દૈત્યોને ભક્ષ્ય તરીકે આપી દેવો જોઈએ. ન્યાય તોળવાનો આ વિચાર ઈજિપ્શીયન પુરાણોમાંથી ગ્રીક પુરાણોમાં આવ્યો અને ત્યાંથી પછી ખ્રિસ્તી પુરાણોમાં આવ્યો. એટલે ખ્રિસ્તી પુરાણોમાં  મહાદેવદૂત માઈકેલ ત્રાજવું પકડીને ઊભેલા જોવા મળે છે. પાપ મનનો ભાર વધારે છે, જેને પરિણામે પાપીને નર્કમાં સડવાનું આવે છે. પુણ્યશાળી સ્વર્ગમાં જાય છે.

જોકે, ભારતમં હવે આપણે ધીરે ધીરે એવું સ્વીકારતાં જઈએ છીએ કે તવંગર, પામતાં પહોંચતાં કે બહુખ્યાત  લોકો, 'સમરથકો નહીં દોષ' ના ન્યાયે મોટા ભાગે નિરપરાધી ઠરાવાય છે, અને સ્વર્ગમાં જવાનો દરવાજો તેમના માટે કાયમ ખુલ્લો હોય છે. એવું પણ મનાય છે કે, પુરાવાઓના થોકડે થોકડાઓ એવી રીતે ખડકીને, કિસ્સાની વિગતો કે તપાસની પ્રક્રિયામાં કોઈક ખામી બતાવીને, કે છેલ્લે શંકાનો લાભ આપીને પણ, ન્યાયાધીશ પણ તેમને નિર્દોષ જ ઠેરવે છે. જેમની પાસે આવાં સાધનો નથી તેમને આમાંનો કોઈ જ લાભ નથી મળતો. નીચલી અદાલતોના ચુકાદાઓને ઉચ્ચ ન્યાયાલયોમાં જે રીતે મનાઈ હુકમો મળે છે કે ફેરવી કઢાય છે તે જોઈને નીચલી અદાલતોના નાયાધીશો બહુ  જ નિરાશ પણ થતા હશે. એક રીતે આ એક પ્રકારની ન્યાયિક સામંતશાહી છે. પરંતુ અદાલતોની નિંદા કરવી એ તો ઈશ્વરની નિંદા કરવા સમાન છે, કેમકે અદાલતો અને ન્યાયિક તંત્રવ્યવસ્થા અબ્રાહમી પુરાણકથાઓની એ ધારણા પર રચાઈ છે  કે ઈશ્વરના અગ્નિ અને નર્કનાં અગ્નિનાં ઈંધણ (ગંધક)ના ભયથી લોકો ખોટું કરતાં ડરે છે, અને ઈશ્વર (અને ન્યાયાધીશો પણ) કદાપિ ખોટા ન હોય.

ઘણા પૌરાણિક સમાજોમાં ન્યાય કરતાં પહેલાં પુરુષ અને સ્ત્રીનાં સ્થાનનાં મહત્ત્વને અચુક ધ્યાનમાં લેવાતું, અને તેમ કરીને કિસ્સાનાં વ્યાપક સંદર્ભોને પણ ધ્યાનમાં લેવાતા. ઘણા સમાજમાં તવંગર વ્યક્તિ ગરીબ માણસને મારી નાખે તો એ તવંગર  વ્યક્તિને ફરજ પડાતી કે તે ગરીબ વ્યક્તિને મસમોટો દંડ ભરે. આમ વેરઝેરને વ્યાવહારિકતાથી ઢાંકી દેવાતું. મનુસ્મૃતિમાં સજા  કેટલી આકરી કરવી તે એ વ્યક્તિની જાત પર આધારિત રહેતું ઘણા સમાજમાં ન્યાયની કક્ષા નક્કી કરવાં સારાં અને ખરાબ કામોને પણ તોળવામાં આવતાં. જો ખોટાં કામો કરતાં સારાં કામો વધારે હોય તો સજા ઓછી થતી. તે જ રીતે જો ખોટાં કામો વધારે હોય તો સજા આકરી થાય. આવા હિસાબી લેખાંજોખાંની ન્યાયપધ્ધતિ હિંદુસ્તાન સહિત ઘણા સમાજમાં છે. હિંદુ માન્યતા મુજબ, યમના લેખાં અધિકારી ચિત્રગુપ્ત પુણ્ય અને પાપના હિસાબનો ચોપડો રાખે છે. કદાચ આ જ કારણે આપણે ત્યાં ખોટું કરનારાં ઈશ્વર અને મંદિરો પ્રત્યે વધારે , જાહેરમાં તો ખાસ, આસ્થા ધરાવે છે, જેથી કદાચ ન્યાય તોળવાના દિવસે ન્યાય તોળનાર પ્રામાણિકપણે ન્યાય કરવાને બદલે પ્રેમભાવથી વધારે દોરવાતા દેવદૂત બનવાનું વધારે પસંદ કરે.  એ સમયે પોલીસ અને આરોપીએ તો મોં વકાસીને તંત્ર પર ભરોસો મુકવાને કારણે મુર્ખા બની રહેવાનું જ અનુભવવાનું રહે છે.

 

  • મિડ ડે માં ૧૭ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, In justice we trust નો અનુવાદ : અબ્રાહમી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો