બુધવાર, 24 માર્ચ, 2021

હબસીઓ (ને ગણતરીમાં લીધા) સિવાય (૧૯૩૯) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 બ્રિટિશ પોલીસની નોકરીમાં બ્રહ્મદેશના રહેવાસ દરમ્યાન સામ્રાજ્યવાદ અને ફાસીવાદ, કે /અને સ્પેનના આંતર વિગ્રહ દરમ્યાન આપખુદ સરમુખત્યારશાહી શાસનોને બહુ નજદીકથી જોયા પછી દરેક માણસ માટે સમાનાધિકારની સમાજવાદી ભાવના જ્યોર્જ ઑર્વેલમાં વધારે પ્રબળ બનવા લાગેલી.

આ બાબતે તેમના વિચારોની પ્રસ્તાવના તેમણે પ્રસ્તુત લેખના પ્રથમ હિસ્સામાં કરી જે આપણે આંશિક અનુવાદ []માં  વાંચી ગયા. હવે આંશિક અનુવાદ [૨]માં,  આ વિષય પરની કેટલીક નક્કર વિચારસરણીઓ વિશે પ્રકાશિત સાહિત્ય પરના તેમના વિચારો  દ્વારા,  તેઓ લેખને અંતે જે તારણ પર તેઓ પહોંચશે તેનો આધાર બનાવી રહ્યા છે.

[૨]


આ સંદર્ભમાં શ્રીમાન ક્લૅરંસ એ સ્ટ્રૈટનાં બહુ ચર્ચિત પુસ્તક ‘યુનિયન નાઉ’ની વાત કરવી યોગ્ય બની રહેશે. ‘પીસ બ્લૉક’ના સમર્થકોની જેમ, શ્રી સ્ટ્રૈટ પણ લોકશાહીઓ સરમુખત્યારશાહી સામે એકઠી થાય એમ ઈચ્છે છે. જોકે તેમનું પુસ્તક આ સિવાય બીજી બે બાબતોની દૃષ્ટિએ ખાસ છે.પહેલી વાત તો એ કે તેઓ બીજા કરતાં ઘણા આગળ જાય છે અને એક એવી યોજના રજૂ કરે છે જે થોડી ચોંકાવનારી હોવા છતાં રચનાત્મક પણ છે. બીજી બાબત એ કે ૧૯૨૦ના દાયકાનાં અમેરિકન ભોળપણ જેવાં હોવા છતાં તે તેમના વિચારો ઠીક ઠીક સુગઠિત છે. યુદ્ધનો વિચાર તમને ખરેખર ઘૃણાસ્પદ જણાય છે. વળી તેઓ ધરાર એવા આડંબરનો આંચળો ઓઢીને એવું નથી માનતા કે બ્રિટનના પ્રભાવમા આવતાંવેંત કોઈ પણ દેશ લોકશાહીને સ્વીકારી લે. એમનું પુસ્તક એક પ્રકારે પરીક્ષણ માટેનો મુદ્દો રજૂ કરે છે, જેમાં તમને ઘેટાં અને બકરાંનો સિદ્ધાંત તેની ચરમસીમાએ જોવા મળશે. તમે જો તેને એ સ્વરૂપમાં નહી સ્વીકારી શકો તો ડાબેરીઓ જે સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે તે તો તમને કદાપિ સ્વીકાર્ય નહીં બને.

શ્રી સ્ટ્રૈટની રજૂઆતને સંક્ષિપ્તમાં આ રીતે કહી શકાય. તેઓએ જે પંદર દેશો ગણાવ્યા છે તેમણે સ્વૈચ્છિક રીતે એકઠા થઈને, કોઈ સંધ કે જોડાણ નહીં પણ, યુ એસ એ જેવું સમવાય એકજૂથ તંત્ર બનાવવું જોઈએ, જેની એક સર્વસામાન્ય સરકાર હોય, સર્વસામાન્ય ચલણ હોય, અને સંપૂર્ણપણે મુક્ત આંતરિક વેપાર હોય. તેઓ જે પહેલાં પંદર રાષ્ટ્રો ગણાવે છે તેમાં યુ એસ એ, ફ્રાંસ, ગ્રેટ બ્રિટન, બ્રિટીશ તાજનાં સ્વાયત્ત સંસ્થાનો અને યુરોપની નાની લોકશાહીઓ હોય, એમાં તેમણે ત્યારે હજૂ સ્વતંત્ર રાષ્ટ્ર હતું તે ચેકોસ્લોવાકીઆને બાકાત રાખેલ છે. પછી જેમ અન્ય રાષ્ટ્રો પોતાને આ વિચાર માટે યોગ્ય સાબિત કરતાં જાય તેમ તેમ તેમને પણ તેમાં પ્રવેશ આપી શકાય. આ આખા પ્રસ્તાવમાં એટલું અભિપ્રેત જ રહ્યા કરે છે કે સમવાય રાષ્ટમાં પ્રવર્તતાં શાંતિ અને સમૃદ્ધિ બીજાં રાષ્ટ્રોને પણ તેમાં જોડાવા પ્રેરણા આપશે.

આ તબક્કે એ વાતની નોંધ લેવી જોઈએ કે શ્રી સ્ટ્રૈટની યોજના દેખાય છે એટલી દીર્ધદૃષ્ટા નથી, તેઓ જે કહે છે તે આમ પણ થવાનું નથી કેમકે સદહેતુ ધરવાતા સાહિત્યકારો જે બાબતની હિમાયત કરે તે બહુધા થતું નથી હોતું. વળી, એ યોજનામાં એવી પણ કેટલીક મુશ્કેલીઓ છે જેની શ્રી સ્ટ્રૈટ ચર્ચા જ નથી કરતા, પણ એવી ઘટનાઓનું થવું તે બહુ સંભવિત છે. ભૌગોલિક સ્તરે, યુ એસ એ અને પશ્ચિમી યુરોપની લોકશાહીઓ ગ્રેટ બ્રિટન કરતાં એક એકમ તરીકે વધારે નજદીક છે. તેમનો મોટા ભાગનો વેપાર એકબીજાં સાથે છે, પોતાને જે કંઈ જોઈએ છે તે પોતાના જ પ્રદેશમાંથી જ તેઓ મેળવી લે છે, અને શ્રી સ્ટ્રૈટ જેમ સુચવે છે તેમ, કદાચ, તેમની સામુહિક તાકત એટલી બધી થશે કે, યુ એસ એસ આર અને જર્મની મળીને પણ વિચારે તો પણ તેના પર હુમલો કરવો એ આકાશકુસુમવત ખયાલ બની રહી શકે. તો પછી આ યોજનામાં મૂળભૂત કહી શકાય એવી ખામી કઈ કહી શકાય ? એમાં એવું કંઈ શુ રંધાતું હોઈ શકે જેની વાસ આવી શકે? અને વાસ આવે છે તે તો નિશ્ચિત જ છે.

તેમાંથી જે વાસ આવે છે તે, હંમેશની જેમ, મિથ્યાડંબર અને પોતે જ સારા અને સાચા છે તેવાં મિથ્યાભિમાનની છે. શ્રી. સ્ટ્રૈટ પોતે આડબર નથી ધરાવતા, પરંતુ તેમનું દીર્ઘદર્શન સીમિત છે. બકરાં અને ઘેટાંઓની તેમની યાદી પર જ નજર કરો. બકરાંની તેમની યાદી (જર્મની, ઈટલી, અને જાપાન) વિશે કોઈ વાંધો ઉઠાવી શકાય તેમ નથી. એ બધાં તો બેશક બકરાં જ છે, અને પાછા નર બકરા પણ છે જ. પણ તેમની ઘેટાંઓની યાદી! બહુ ધારી ધારીને ન જોઈએ તો યુ એસ એ તો તપાસમાં લગભગ તો પાર ઉતરી જાય. પણ ફ્રાંસનું શું? અને ઈંગ્લેંડ? તો પછી બેલ્જીયમ અને હૉલેંડનું શું? તેમની જ વિચારસરણીના અન્ય વિચારકોની જેમ સ્ટ્રૈટ પણ, ટાઢે કોઠે, મસમોટાં બ્રિટિશ અને ફ્રેંચ સામાજ્યોને પણ લોકશાહીઓના શીર્ષક હેઠળ ગોઠવી દે છે, જ્યારે વાસ્તવમાં તો એ ગોરેતર શાસિત પ્રજાનું સસ્તી મજૂરી માટે શોષણ કરવાના ઢાંચા માત્ર છે.

+     +      +     +

ગોરેતર પ્રજાનું સામ્રાજ્યશાહી દ્વાર થતું શોષણ એ જ્યોર્જ ઑર્વેલને ખરેખર ચુભતો મુદ્દો છે, જેના વિશે તેમના વિચારો આ લેખના ત્રીજા આંશિક અનુવાદમાં હવે પછી સમજીશું..

                                                               +     +      +     +

  • જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Not Counting Niggers નો આંશિક અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો