બુધવાર, 21 જુલાઈ, 2021

જોગીઓનો યોગ - દેવદત્ત પટ્ટનાઈક

યોગને ત્રણ દૃષ્ટિએ જોઈ શકાય: આધુનિક દૃષ્ટિ જેમાં તે બધી જ ભૌતિક અને માનસિક સમસ્યાઓનું સર્વગ્રાહી ઉપચારશાસ્ત્ર છે; ભગવદ ગીતામાં વિગતે વર્ણવાયેલ ઉપનિષદની દૃષ્ટિ જેમાં તે આત્મજ્ઞાન માટેની બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક પદ્ધતિ છે અને છેલ્લે, સિદ્ધ દૃષ્ટિ જેમાં તે અલૌકિક શક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે. આ જે ત્રીજો દૃષ્ટિકોણ છે તેના વિશે ખાસ ચર્ચાઓ થતી નથી જોવા મળતી, અને તેમ છતાં, છેલ્લા થોડા વર્ષો પહેલાં, મોટા ભાગના ભારતીયોને તેની ખાસ્સી જાણ રહેતી હતી.

જોગી ફરતો રહેતો પવિત્ર વ્યક્તિ, તપસ્વી, કીમિયાગર, યાચક અને જાદુગર જેવાં અનેક સ્વરૂપને એક કરેલું સ્વરૂપ છે. તેની આ જાદુઈ શક્તિઓનુ મૂળ તેના બ્રહ્મચર્ય અને ઈન્દ્રિયનિગ્રહમાં મનાય છે. તે સિદ્ધિ મેળવી ચૂકેલો જોગી, સિદ્ધ જોગી, તરીકે પણ ઓળખાય છે. તેની પાસે તે ધારે ત્યારે પોતાનું કદ અને આકાર બદલવાની શક્તિ હોય છે તેમ મનાય છે, તે હવા, જમીન અને પાણી પર ચાલી શકે છે, એક હાથને ઈશારે શુન્યમાંથી અન્ન પેદા કરી શકે છે, પ્રાણીઓ અને પશુઓને વશ કરી શકે છે, દર્દીઓને સાજાં કરી શકે છે, સર્પદંશમાંથી સાજાં કરી શકે છે, બંજર જમીનને ફળદ્રુપ બનાવી શકે છે, વંધ્યાને સંતાનપ્રાપ્તિ બક્ષી શકે છે, ઉષ્ણતામાનની આત્યંતિક સીમાઓ સહન કરી લે છે, ધારે ત્યારે દેવો કે દૈત્યોનું આહ્વાન કરી શકે છે, કે મૃત્યુ પામેલાંઓને જીવંત કરી શકે છે. તે વાઘ, મોર કે આખલા પર સવારી કરતો પણ નજરે પડે છે કે પછી ગુફાઓ કે પર્વતોનાં શિખરો પર ધ્યાન ધરતો જોવા મળે છે.

આજે આવી શક્તિઓ ધરાવવાનું કહેતો જોગી બહુ સારૂં કહેવું હોય તો તાંત્રિક અને નહીં તો ઢોંગી કહેવાય છે. જોકે તેને કારણે જો જોગી જીવતો હોય તેના આશ્રમોમાં, અને જો મૃત્યુ  પામેલ હોય તો તેની સમાધિઓ પર, હજારો લાખોની સંખ્યાં ભક્તો, તેની જાદુઇ શક્તિઓથી મંત્રેલી,પવિત્ર રાખની પડીકીઓથી પોતાનાં દુઃખદર્દો મટાડવા માટે,  ઉભરાતાં અટકતાં નથી.

યોગ અને તંત્ર વચ્ચે ઘણી સામ્યતાઓ છે. બન્ને માનવીય ચેતના (પુરુષ) અને કુદરત (પ્રકૃતિ) વચ્ચેના મૂળભુત ભેદને સ્વીકારે છે.યોગ પ્રકૃતિને અચેતન માને છે જ્યારે તંત્ર પ્રકૃતિને, પોતાની આગવી ઇચ્છા ધરાવતી, ચેતન, સમજે છે. એટલે જ તંત્રમાં પ્રકૃતિને શક્તિ (દેવી) કહે છે, જ્યારે યોગમાં પ્રકૃતિને, જેના મોહપાશને તોડવો આવશ્યક છે એવી, માયા કહી છે. તંત્રના અનુયાયી શક્તિ પર પોતાનો અંકુશ પ્રસ્થાપિત કરવા માગે છે જ્યારે યોગ માયાથી મુક્તિ ઇચ્છે છે. એટલે તાંત્રિક જાદુટોણા કરતા ભૂવામાં ખપે છે અને યોગી (આધ્યાત્મિક) સાધક કહેવાય છે. જોકે વાસ્તવમાં આ ભેદરેખા બહુ અસ્પષ્ટ ભાળવામાં આવતી હોય છે.

તંત્ર અને યોગનાં રહસ્યોને સામાન્ય માણસ માટે સહજ બનાવવાનું શ્રેય ગોરખનાથને જાય છે. તેમના પહેલાં આ ગૂઢ બોધ જેણે નાથ પંથની દિક્ષા લીધી હોય તેમના માટે જ ઉપલબ્ધ થતો. નાથ પંથ અને તેમના બોધ વિશે બહુ માહિતી ઉપલબ્ધ નથી. જે કંઇ જાણવા મળે છે તે લોક દંતકથાઓમાં જ જોવા મળે છે, કેમકે નાથ પંથીઓ લેખિત પરંપરાઓને બદલે મૌખિક પ્રણાલીઓમાં વધારે માનતા હતા.

નાથ જોગીઓને અલગ પાડી દેતી એક ખાસિયત છે એ લોકો દ્વારા કાનની બુટને બદલે  કાનની ધાર પરની કોમલાસ્થિ પર, બરાબર મધ્યમાં, પહેરવામાં આવતું કર્ણકુંડળ છે, જેને કારણે એ લોકો કાનફટા જોગીઓ તરીકે પણ ઓળખાય છે. તેમની જનોઈ ઉનની બનેલી હોય છે, ગળામાં મણકાઓની માળા અને તેમની લંગોટને કમર સાથે બાંધી રાખવા માટેનો ઉનનો દોરો તેમનાં અન્ય નોંધપાત્ર પરિધાનો છે. આ બ્રહ્મચારી સાધુઓ એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી, લાલ કે ગેરુઆ રંગનો લાંબો ઝભ્ભો, કાંડે અને ઘુંટીએ રુદ્રાક્ષની માળા, હાથે કપાળે રાખનાં ત્રિપુંડ, હાથમાં યોગ દંડ અને લાંબો ચિપીયો, ક્યારેક ત્રિશૂળ પણ, તેમ જ ભિક્ષાપાત્ર અને લોટો તેમ જ ચલમ પણ તેમની આગવી ઓળખ છે. યોગ દંડ બેસતી કે સુતી વખતે ટેકા તરીકે કામ આવે. લોટો પાણી પીવા તેમ જ વિધિઓ માટે હાથપગ ધોવા કે સ્નાનાદિમાં કામ આવે, ચલમમાં તેઓ અફીણ કે ગાંજો ફૂંકે, ચિપીયો અને ત્રિશૂળ ધુણી જગવી રાખવામાં અને રાખ એકઠી કરવામાં કામ આવે. નાથ જોગીના મૃતદેહને બેઠેલી અવસ્થામાં જ માટીમાં ખાડો કરીને અંતિમ વિદાય આપવામાં આવે અને એ સ્થળે સમાધિ બને.

'અલખ નિરંજન' કોઈ પ્રકારનાં લક્ષણો વિનાની નિર્લેપ, દોષરહિત વ્યક્તિ એટલે કે નિરાકાર ઈશ્વર) ના મોટેથી ઉચ્ચારો વડે તેઓની સંબોધન કરવાની રીત પણ તેમની એક ઓળખ છે. ગૃહસ્થ જીવન નાથ જોગીઓ માટે સ્પષ્ટપણે તુચ્છતાયોગ્ય છે. તેઓ દિવ્યત્ત્વને કોઈ સ્વરૂપમાં બાંધી રાખવા નથી માગતા. એટલે મંદિરોની પુજાવિધિઓ, આ આહાર કરવો અને તે ન કરવો એવા નિયમોમાં તેમ જ નાતજાતમાં  માનતા  વૈશ્નવ કે શૈવ કે શાક્ત પંથીઓ નાથ પંથીઓને શંકાની નજરે જુએ તેમાં નવાઈ પામવા જેવું નહીં.

ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશમાં ઘણી જગ્યાએ નાથ જોગીઓને 'પીર' પણ કહીને પુજે છે. એ સ્થાનિક લોકો માટે જે પીર બાબાઓનાં મંદિરો કે દરગાહો હતી તે હવે હવે મોટાં તીર્થ સ્થાનો બની રહેલ છે, જ્યાં દરેક ધર્મ અને કોમનાં લોકો પોતાનાં જીવનના પ્રશ્નોના ઉપાયોની શોધમાં પીરને ચરણે માથું ટેકવા, ચાદર ચડાવવા નિયમિતપણે આવે છે.

 

  • ધ સ્પીકીંગ ટ્રીમાં ૨૦ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Yoga of the Jogisનો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો