બુધવાર, 28 જુલાઈ, 2021

મર્રાકેશ (૧૯૩૯) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 Marrakech ના અનુવાદના અંશ [૨]થી આગળ

આખું મોરોક્કો એટલું વેરાન છે કે સસલાંથી મોટું કોઈ પ્રાણી અહીં જીવી શકે નહીં. આ એ જ મોરોક્કો છે જે એક સમયે ગાઢ જંગલોથી છવાયેલું રહેતું અને આજે ઝાડપાન વગર ઈંટોનાં રોડાં જેવી માટી ધરાવતી જમીનનો ખરાબો બની ગયું છે. જોકે તેના મોટા ભાગમાં, કમકમાં આવી જાય એવી મજુરી કરીને, વાવણી થાય છે. બધું જ હાથથી કરવામાં આવે છે. ઊંધા કેપીટલ એલ જેમ વળી ગયેલ સ્ત્રીઓની લાંબી લાંબી કતારો ખેતરોમાં જાય, પોતાના હાથોથી કાંટાળાં ઝાડવાં  ખેંચી કાઢતી આવે અને નીરણ માટેના રજકાનો ઘાસચારો એકઠો કરવા માગતા ખેડૂતો તેની કાપણી કરવાને બદલે એક એક ડાળી છૂટી કરે જેથી દરેક ડાળીનો જે એકાદ ઈંચ બચે તે ફાયદો મળે. લાકડામાંથી બનેલું હળ એટલું ગરીબડું હોય કે તેને આરામથી ખભા ઉપર ઉપાડી શકાય, તેને છેડે નીચે લોખંડનો એક ખરબચડો ખીલો લગાડ્યો હોય જે જમીનમાં ચારેક ઈંચ સુધીના ઊંડા ચાસ પાડી શકે. આમ પણ તેની સાથે જોતરાતાં અહીંનાં પશુ એનાથી વધારે તાકાત લગાડી પણ ન શકે. હળ સાથે એક ગાય અને એક ગધેડો જોડવાનું બહુ સામાન્ય છે. બે ગધેડાની તાકાત પુરતી ન પડે અને બે ગાયને ખવડાવું ન પરવડે. ખેડૂતો પાસે રાંપડી પણ હોય નહીં, એટલે એ લોકો જમીનને અલગા અલગ તરફથી  અનેકવાર ખેડે, જેથી કાસ પાડીને ખેડ્યું હોય એવું ખેતર દેખાવા લાગે. તે પછી પાવડાથી નાના નાના લંબગોળ ટુકડાઓના આકારમાં લાવવું પડે, જેથી જે કંઈ પાણી પિયતમાં આપી શકાય તે બચાવીને વાપરી શકાય. રડ્યાંખડ્યાં વરસાદી તોફાનો પછીના એકાદ બે દિવસ સિવાય ક્યારેય પુરતું  પાણી ન હોય. ખેતરોની સીમાઓ પર ત્રીસ ચાલીસ ફૂટ ઊંડી નહેરો ખોદવામાં આવી હોય જેના વડે ભૂતળ હેઠળ વહેતી દદૂડીઓમાંથી થોડું ઘણું પાણી ખેંચી શકાય.

દરરોજ બપોર પછી મારા ઘર પાસેથી વૃધ્ધ સ્ત્રીઓની એક કતાર પસાર થતી દેખાય. દરેકના માથાંપર બળતણનાં લાકડાંની એક ભારી હોય. ઉમર અને તડકાને કારણે એ લોકો મસાલો ભરેલાં  મમી જેવાં બની ગયેલાં દેખાય. બધાં જ સાવ નાનકડાં અને દુબળાં તો હોય જ. એમ લાગે છે કે મોટા ભાગની આદીવાસી પ્રજાઓમાં અમુક ઉમર થયા પછી સ્ત્રીઓ બાળકનાં ક્દમાં સંકો્ચાઇ જતી હોય છે. એક દિવસે માંડ ચારેક ફૂટનું હોય એવું એક આ પ્રાણી માથે લાકડાંનો મોટો ભારો ઉપાડીને મારી સામેથી ધીમે ધીમે ખસતું દેખાયું. મેં તેમને રોક્યાં અને તેમના હાથમાં (ફાર્ધિંગથી થોડી વધારે કિંમતનો) પાંચ સાઉનો એક સિક્કો મુક્યો. તેનો જવાબ તેણે લગભગ ચીસ જેવા તીણા સીસકારામાં આપ્યો, જે કંઈક અંશે આભાર, પણ વધારે તો આશ્ચર્યની નિશાની હતી. મને એમ લાગે છે કે તેના દૃષ્ટિકોણથી તેની નોંધ લઈને હું કુદરતના નિયમનો લગભગ ભંગ કરી રહ્યો હતો. તેમણે બુઢી સ્ત્રી એટલે કે ભારવાહક પશુની તેમની સ્થિતિ સ્વીકારી લીધી હતી. જ્યારે કોઈ એક કુટુંબ મુસાફરી કરતું હોય ત્યારે પિતા અને વયસ્ક દીકરાને આગળ ગધેડા પર સવારી કરતા અને બુઢી સ્ત્રીને પછળ પાછળ, સામાન ઊંચકીને પગ ઘસડતી જતી જોવી એ તો સાવ સામાન્ય બાબત હતી.

આ લોકો નજરમાં નોંધાય નહીં તે વાત સૌથી વધારે નવાઈ પમાડે તેવી હતી. કેટલાંય અઠવાડીયાંઓ સુધી, દરરોજ લગભગ એજ સમયે, વૃધ્ધ સ્ત્રીઓની કતાર ઘર પાસેથી, માથે બળતણનાં લાકડાંની ભારીઓ સાથે, ખોડંગાતી ખોડંગાતી, પસાર થાય એટલે મારી નજરમાં તે દેખાય પણ મેં તેમને જોયાં જ છે એમ લાગતું નહીં. મને તો એમ જ લાગતું કે બળતણનાં લાકડાંની ભારીઓ પસાર થાય છે. એક દિવસે હું તેમની પાછળ પાછળ ચાલ્યો જતો હતો ત્યારે ઊંચીનીચી થઈ રહેલ લાકડાંની ભારીને કારણે મારૂં ધ્યાન ગયું  કે નીચે કોઈ માણસ પણ છે. પછી મને માટીનાં રંગનાં શરીરો દેખાયાં. એ શરીરો સંકોચાઈને હાડકાં અને ચમકતી ચામડી બની ગયાં હતાં અને બોજના ભાર હેઠળ બેવડા વળી ગયાં  હતાં. તેની સામે મને મોરોક્કોની ધરતી પર પગ મૂકે પાંચ મિનિટ નહોતી થઈ એટલામાં જ  મને ગધેડાઓ પર લદાયેલ ભાર નજરે ચડી ગયો હતો. તે જોઈને મને ગુસ્સો પણ ચડ્યો હતો. ગધેડાની સાથેનો વ્યવહાર જરા પણ યોગ્ય નહોતો એ બાબતે કોઈ શંકા નથી. મોરોક્કોના ગધેડા સેંટ બર્નાર્ડ કુતરાઓથી મોટા નહીં હોય.  એ કુતરાઓ બ્રિટિશ લશ્કરમાં એટલું વજન ઉપાડે જે પંદર હાથના ખચ્ચર માટે પણ વધારે ગણાય. વળી તેમની પીઠ પરનું જીન તો અઠવાડીયામો સુધી તેમની પીઠ પરથી ઉતારવામાં પણ ન આવે. પણ વધારે દયાજનક વાત તો એ છે કે ધરતી પરનું  આવું સહુથી વધારે આજ્ઞાંકિત પ્રાણી એટલી હદે એક વફાદાર કુતરાની જેમ તેના માલિકને અનુસરે છે કે લગામ કે મોરડાની કોઈ જ જરૂર નથી રહેતી . દસબાર વર્ષો  એકધારૂં કામ કર્યા પછી એક દિવસે તે અચાનક જ કાયમ માટે ઢળી પડે છે. માલિક તેને એક ખાડો ખોદીને દાટી દે અને તેનું શરીર હજુ ટાઢું પણ ના પડ્યું હોય તે પહેલાં ગામનાં કુતરાંઓએ તેનાં આંતરડાંની જ્યાફત પણ માણી લીધી હોય.

પશુઓ સાથે થતાં આવા વ્યવહારોથી આપણું લોહી ઉકળી આવે, જ્યારે – એકંદરે- માનવીઓ સાથે આવા દુર્વ્યવહારોની આપણે નોંધ પણ ભાગ્યેજ લઈએ છીએ. હું કોઈ એક હકીકતની  તરફ અંગુલિનિર્દેશાં કરવા મારી આ ટીપ્પણી નથી કરી રહ્યો. ઘઉંવર્ણી ચામડી આપણી બાજુમાં જ હોય તો પણ આપણને તે દેખાતી નથી. પીઠ પર ગારાં  પડેલ ગધેડા માટે દરેકને દયા આવશે, પણ કમરેથી વળી ગયેલ બૂઢી સ્ત્રીઓ પરનો લાકડીઓનો બોજ તો કોઈ અકસ્માત જ કોઈની નજરે પડે છે.

 

સારસ પક્ષીઓ ઉત્તર તરફ ઊડી રહ્યાં હતાં ત્યારે હબસીઓની, લાંબી, પાયદળની એક કતાર દક્ષિણ તરફ કૂચ કરી રહી હતી. તેની પાછળ સ્ક્રૂ-ગન બંદૂકોનું તોપખાનું અને તેની પણ  પાછળ પાછું પાયદળ એમ બધું મળી ચાર થી પાંચ હજાર લોકોની  એ કૂચમાં, તેમના ભારે બુટના તાલબધ્ધ ઠકઠક અવાજની સાથે લોખંડનાં ભારેખમ પૈડાંઓનો ચીચુડાટ રસ્તાને ભરી રહ્યો હતો.

એ લોકો, આફ્રિકાની સહુથી કાળી પ્રજા મનાતા, સેનેગલીઓ હતા. એ લોકો એટલા કાળા હતા કે તેમની ગરદન પર તેમના વાળ ક્યાંથી શરૂ થાય છે તે પણ કળી ન શકાય. તેમનાં જબરદસ્ત શરીરો આખાં શરીરને ઢાંકતા ખાખી ગણવેશમાં ઢંકાયેલાં હતાં, તેમના પગ લાકડાંના કકડા જેવા બૂટમાં ઠૂંસ્યા હોય તેમ જણાતું હતું, અને પતરાંની દરેક હેટ માથાંનાં કદ કરતાં બેએક માપ નાની દેખાતી હતી. આવી હાલતમાં એ લોકો દૂરથી કૂચ કરીને આવ્યા હતા. એમાણે ઊંચકેલા થેલાઓના વજન હેઠળ એ લોકો વળી ગયા હતા અને જિજ્ઞાસાભર્યા તેમના શ્યામ ચહેરાઓ પરસેવામાં ચળકી રહ્યા હતાં.

એ લોકો મારી સામેથી પસાર થતા હતા તેવામાં એક ઊંચા, બહુ જ યુવાન, હબસીએ મારી તરફ – નહીં દુશ્મનાવટપૂર્ણ, નહીં તોછડી, નહીં અતડી કે નહીં કુતૂહલપૂર્ણ પણ -  એવી દૃષ્ટિ કરી જે જરા પણ અપેક્ષિત ન કહી શકાય. એ એવી  શરમાળ, ભોળી હબસી નજર હતી, જે હકીકતે ગહન માનની નજર હતી. એવું કેમ હશે તે મને કળાતું હતું. એ બીચારો ફ્રેંચ  નાગરિક હતો અને એટલે તેને જંગલમાંથી ઉપાડી અહીં ફરશ સાફ કરવા અને ગેરીસન શહેરોમાં સિફિલિસનો રોગગ્રસ્ત થવા  માટે લાવવામાં આવ્યો હતો. તેની નજરમાં ગોરી ચામડી માટે પૂજ્યભાવ હતો. તેને એમ જ પઢાવવામાં આવ્યું છે કે  ગોરી પ્રજા તેની માલિક છે, જે એ હજુ પણ માને છે.

પરંતું જ્યારે એક ગોરા માણસ સામેથી શ્યામ રંગનું લશ્કર કૂચ કરી જતું હોય ત્યારે, એ બે ટકાનો સમાજવાદી હોય તો પણ, તેને એક જ વિચાર આવે કે ક્યાં સુધી આ લોકોને  મૂરખ બનાવતાં રહી  શકીશું? એમની બંદૂકો આપણી સામે ખેંચાવામાં હવે કેટલી વાર હશે?’  

આ ખરેખર આશ્ચર્યજનક બાબત હતી. ત્યાં દરેક ગોરા માણસના મનમાં આ વાત ઘોળાતી જ હતી. મારા મનમાં હતી, ત્યાં ઉભેલા દરેક જોનારાના મનમાં હતી, ઘોડેસવાર દરેક અફસરનાં  મનમાં હતી અને તેમની સાથે કૂચ કરી રહેલા બિન-આયુક્ત સાર્જંટ અફસરોમાં પણ હતી. એ એવું એક રહસ્ય હતું જે અમને બધાને  ખબર હતી, અને અમે તેમ કહી દઈએ એવા ભોળા પણ નહોતા.  માત્ર એ હબસીઓ જ અજાણ હતાં. સશસ્ત્ર સિપાહીઓની એક બે માઈલ લાંબી એ કતાર પશુઓનાં ધણ જેવી, રસ્તા પર વહી જતી દેખાતી હતી જેના પર (પોતાને) મહાન (માનતાં) ગોરાં પક્ષીઓ ચળકતા કાગળ જેમ, સામી દિશામાં  વહી રહ્યાં હતાં.

+                      +                      +                      +

દરેક માનવી માટે સમાન તક અને હક્કની વિભાવનાસભર જ્યોર્જ ઓર્વેલનું સંવેદનશીલ હૃદય માત્ર ચામડીના રંગના ફરકને કારણે સામેની વ્યક્તિને ક્યાં તો ગુલાંમ ગણતી કે ક્યાં તો તેનાં અસ્તિત્ત્વની જ નોંધ ન લેતી મનોવૃતિને કારણે દ્વવે છે. વૃદ્ધ યહૂદી સ્ત્રીઓની શારીરિક તેમાં જ માનસિક દશા કે લશ્કરમાં કામને નામે વેઠ કરવાતા હબસીનું તેમણે જે ભાવથી વર્ણન કર્યું છે તે આપણને પણ હલબલાવી જાય છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Marrakech નો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો