બુધવાર, 4 ઑગસ્ટ, 2021

ફરીથી સમાધિ ભણી - દેવદત્ત પટ્ટનાઈક

સામાન્યપણે પ્રચલિત સમજણ અનુસાર સમાધિ પવિત્ર  વ્યક્તિ (કે આજે હવે મોટા નેતા)નું સ્મારક સ્થળ માનવામાં આવે છે, જ્યાં ક્યાં તો એ વ્યક્તિની અંતિમ  ક્રિયા થઈ હોય કે પછી તેનાં અસ્થિને સંગ્રહવામાં આવ્યાં હોય. જેમકે દિલ્હીમાં  આવેલ ગાંધી સમાધિ- રાજ ઘાટ. પરંપરાગત રીતે હિંદુ સાધુઓનો અંતિમ સંસ્કાર અગ્નિદાહથી જ થાય છે, પરંતું અમુક પંથના યોગીઓના મૃત દેહને દફન કરવામાં આવે છે, તે સ્થળ પછીથી તેમની સમાધિ તરીકે એક તીર્થ સ્થાન બની રહે છે..

હિંદુઓનો એક વર્ગ એમ માને છે કે પવિત્ર વ્યક્તિઓ મૃત્યુ નથી પામતી, પણ યોગ સાધનાથી, પોતાના નશ્વર દેહમાંથી જીવન ચાલક બાળ (જીવા-આત્મા)ને સ્વેછાએ મુક્ત કરે છે જેથી તે અલૌકિક, અનંત જીવન ચાલક બળ (પરમ-આત્મા)માં વિલીન થઈ જઈ શકે.

કહેવાય છે કે, કોઈ પણ પ્રાંતિય ભાષા (મરાઠી)માં સર્વ પ્રથમ ગીતાના રચયિતા સંત જ્ઞાનદેવ, બહુ નાની ઉમરે સમાધિસ્થ થયેલા. આ સમાધિ પ્રક્રિયાને ઇતિહાસકાર ડી ડી કોસામીએ  આત્મહત્યા કહીને તેમના બહોળા ભકત વર્ગને વ્યથિત કરી મૂકેલા. 

આત્મહત્યાને (ઈશ્વરની સામે કરેલ) પાપ ગણતાં  ખ્રિસ્તી પુરાણોનું  આધુનિક વિચારધારામાં વણાઈ જવાના બહુ પહેલાંથી જ પોતાની સ્વેચ્છાએ આત્મહત્યા કરવી, કે અન્નજળનો (જૈન ધર્મમાં સંથારો’) ત્યાગ કરીને જીવાત્માને મુક્ત કરવો કે (રામાયણમાં રામે લીધેલી જળ સમાધિની જેમ) પાણીમાં ડૂબી જવું, કે (કુખ્યાત અને હવે પ્રતિબંધિત સતી થવાની જેમ) પોતાને અગ્નિને સમર્પિત કરી દેવું વગેરે અલગ અલગ પ્રકારોની કથાઓ હિંદુ શાસ્ત્રોમાં ઠેર ઠેર જોવા મળે છે.   

જોકે યોગ સૂત્રમાં સમાધિ શબ્દપ્રયોગ અષ્ટાંગ યોગ સાધનના છેલ્લાં છેલ્લા તબક્કા માટે પ્રયોજાય છે. ગુરુઓ પણ આ તબક્કાની વાત કરતી વખતે તે ખરેખર શું છે એ વિષે થોડા અસ્પષ્ટ જ બની જતાં હોય છે.

અષ્ટાંગ યોગના આઠ તબક્કાઓને તર્કબદ્ધ રીતે સમજીએ તો આ વિશે કંઈક સૂચન મળે છે. જેમકે, સામાજિક બંધનોથી અંતર કરાવાનું  યોગ સુત્રના પહેલા તબક્કા સૂચવાયું છે. તે પછી તબક્કાવાર રીતે આગળ વધીએ જાત પરના નિયમ, આસન, અને શ્વાસોચ્છશ્વાસ કે ઇન્દ્રીયનિગ્રહ વડે વધારેને વધારે પોતાની અંદર ઉતરતા જવાનું કહેવાયું છે. અને છેલ્લે માત્ર આત્મા સાથે જ સંપર્ક રહે તેવાં અંદરનાં એકાંતની પરમ સ્થિતિને સમાધિ કહેલ છે.

મનની અંદર ઊંડે ને ઊંડે જઈને એકાંતની શોધનો આશય શો હોઈ શકે? એ શોધનું પરિણામ સમગ્ર બ્રહ્માડનું કૈવલ્ય – કેવળ, પૂર્ણ જ્ઞાન - છે. પતંજલિ તે સિદ્ધિ પ્રાપ્તિને  ઈશ્વર-સમકક્ષ સ્થિતિ કહે છે, જેનાં સ્થૂળ સ્વરૂપમાં તે વ્યક્તિ પાણી પર ચાલી શકે છે કે આકાશમાં ઊડી શકે છે. બૌદ્ધ ધર્મમાં તેને શૂન્યતાની  સ્થિતિ કહે છે, જ્યારે હિંદુ ધર્મમાં તેને અનંતની સ્થિતિ કહે છે

આ વિચારને હજુ પણ સરળતાથી સમજવા માટે તેમાં સમાસ પામતા બે શબ્દો- સમ અને આધિ - ને જોઈએ. સમ ભારતીય શાસ્ત્રીય સંગીતનો પહેલો સુર છે. આધિ (આદિ) એટલે મૂળ સ્વરૂપ. આમ સમાધિ એટલે પોતાનાં મૂળ સ્વરૂપનાં  પહેલાં  પગથિયાં તરફ પહોંચવું . આપણું એ મૂળ કયું? આપણાં જીવતર વૃક્ષનું બીજ કયું? જવાબને બે પાસાં છે -.

એક તરફ, વેદાંતમાં વૃક્ષ એ દૈવત્વ છે, જેને અન્ય રીતે ચેતના કે પરમ-ચૈતન્ય કહે છે. તે અભૌતિક છે, અને માટે સ્થળ અને કાળના નિયમોથી પર છે.  બીજી તરફ, તંત્રમાં વૃક્ષ દેવી, પ્રકૃતિ, છે, આપણાં મૂળ તો પ્રકૃતિમાં, અતિપ્રાથમિક અજીવ કોષની કક્ષાનાં દ્રવ્યમાં, જ છે. વેદાંતના માર્ગે આશ્રમ પ્રથાનો જન્મ આપ્યો જ્યાં સમાજ અને સંસારથી દૂર રહીને ઇન્દ્રિયનિગ્રહ સિધ્ધ કરી શકાય. તંત્રનો માર્ગ ઈન્દ્રિયાસક્ત ગૂઢ તંત્ર વિદ્યા તરફ દોરી જાય છે, જે ખરેખર તો ઇન્દ્રિય શક્તિને અનેક ગણી વધારતી પ્રક્રિયા છે. આમ આ બંને વૈદિક વૃક્ષની બે શાખાઓ જ છે.   

બીજી દૃષ્ટિએ જોઈએ તો સમાધિ એવો માર્ગ છે જે સંસાર ત્યાગી ચૂકેલા સાધુને ફરીથી લૌકિક જગતમાં, મૃત્યુ અને વ્યાધિ સાથે પૂર્ણપણે સમાધાન મેળવ્યા બાદની સ્થિતિમાં, પાછા લાવે છે. કોઈ તેને અમરત્વ કહે છે તો અન્ય કોઈ તેને મરણાધિનતાના ભયથી મુક્તિ કહે છે.  તેનું કબરમાં દાખલ થવું એ મૂળ (આધિ), ગર્ભ,માં પૂન:પ્રવેશ (સમ) છે

  • મિડ ડેમાં ૨૧ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Return to Samadhi નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો