Marrakech ના અનુવાદના અંશ [૧]થી આગળ
જ્યારે તમે યહુદી
વાસ પાસેથી પસાર થાઓ ત્યારે તેમને મધ્યયુગના યહૂદીવાડા કેવા હશે તેનો કંઈક ચિતાર
આવે. મૂર શાસકો હેઠળ યહુદીઓને અમુક મર્યાદિત વિસ્તારોમાં જ જમીન ખરીદવાની છૂટ હતી.
સદીઓ સુધી આ મુજબનો વર્તાવ સહન કરી કરીને હવે તેઓએ અતિશય ભીડભાડની પરવા કરવાનું છોડી
દીધું હતું. મોટા ભાગની શેરીઓ છ ફૂટથી પણ વધારે સાંકડી હતી, ઘરો બારીઓ વિનાનાં હતાં, અને સુજેલી આંખોવાળાં છોકરાઓ, અકલ્પનીય સંખ્યામાં માખીઓનાં વાદળો જેવા સમુહોમાં રખડતાં જોવા મળતાં હતાં.
શેરીની વચ્ચે પેશાબની નાની સરખી નદી વહેતી જોવા મળે
બજારમાં યહુદીઓનાં
વિશાળ કુટુંબો,
ગુફા જેવાં દેખાતી, માખીઓથી બણબણતી છાપરીઓમાં
કાળા ઝભ્ભા અને કાળી કિપ્પાહ (કે યાર્મુલ્કે) ટોપીઓ પહેરીને કામ કરતાં જોવા મળે.
સુથાર પ્રાગૈતિહાસિક લેથની સામે પલાંઠીવાળીને બેઠો હોય, તેની ખુરશીના પાયા વીજળી ઝડપે લેથને ફરતું રાખતા હોય. તેના જમણા હાથમાં
ધનુષપટ્ટી હોય અને ડાબો હાથ ફરસીને દોરતો હોય. આખી જીંદગી આ જ આસનમાં બેસવાને
કારણે તેનો ડાબો પગ મરડાઈને બેઢંગી બની ગયો હોય. તેની બાજુમાં તેનો છએક વર્ષનો
પૌત્ર સહેલાં સહેલાં કામોમાં તેને મદદ કરતો હોય.
હું કંસારાઓની દુકાનો
પાસેથી પસાર થઈ જ રહ્યો હતો કે કોઈનું ધ્યાન ગયું કે હું સિગરેટ સળગાવી રહ્યો છું.
પલકવારમાં, આજુબાજુની
અંધારી બખોલોમાંથી,ઉત્તેજિત યહુદીઓ ધસતા આવ્યા. તેમાંના મોટા
ભાગના તો સફેદ ફરફરતી દાઢીઓવાળા ડોસાઓ હતા.
એ બધા જ સિગરેટ માટે બુમરાણ મચાવી રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે એક દૃષ્ટિહીન
માણસે પણ કોઈ એકાદ એવી બખોલની પાછળથી સિગરેટની વાત સાંભળી, અને હવામાં હાથ ઉલાળતો, રીખતો રીખતો આવીને સિગરેટ માગવા લાગ્યો.
એક જ મિનિટમાં સિગરેટનું મારૂં આખુ પૅકેટ ખાલી
થઈ ગયું. મારૂં માનવું છે ત્યાં સુધી આમાંનો એક પણ માણસ દિવસના બાર કલાકથી ઓછું કામ
નહોતો કરતો, અને
છતાં એ દરેક માટે એક સિગરેટ પણ બહુ અશક્ય જણાતો વૈભવ હતો.
યહુદીઓ પણ આત્મનિર્ભર
સમાજમાં રહેતા હતા એટલે ખેતીવાડી સિવાય એ લોકો પણ આરબો જેવા જ વ્યવસાયો કરતા હતા. ફળ
વેચનારાઓ, કુંભારો, સોનીઓ,
લુહારો, કસાઈઓ, મોચીઓ, દરજીઓ,ભીસ્તીઓ, ભિક્ષુકો, હમાલો જેવા કોઈ પણ વ્યાવસાયિક તરફ નજર કરશો
તો યહુદી સિવાય બીજું કોઈ જોવા નહીં મળે. હકીકતે તો ૧૩,૦૦૦ હજાર જેટલા યહુદીઓ આ થોડાક એકર જમીન
પર વસતા હતા. સારૂ હતું કે હિટલર હજુ અહીં પહોંચ્યો નથી. કદાચ એ આવી તો રહ્યો જ લાગે
છે. જોકે, માત્ર
આરબો જ નહીં પણ ગરીબ યુરોપિયનોને મોઢેથી પણ યહુદીઓ માટે અણછાજતી અફવાઓની કાનાફૂસી સાંભળવા
મળી રહે.
‘હા, મારા
મિત્ર, એ
લોકોએ મારી પાસેથી મારૂં કામ છીનવીને યહુદીને આપી દીધું. યહુદીઓ ! તમને ખબર છે,દેશના ખરા શાસકો તો એ લોકો જ છે. બધો પૈસો
એમની પાસે જ છે. બેંકો, નાણાં, બધું જ તેમના અંકુશ હેઠળ છે.’
‘પરંતુ,’ મેં
કહ્યું, ‘શું
એ સાચું નથી કે સરેરાશ યહુદી કલાકની એક પેનીના હિસાબે મજૂરી જ કરે છે?'
‘આહ, એ
તો માત્ર દેખાડો છે! ખરેખર તો તેમાંનો એકોએક નાંણાંની ધીરધાર કરે છે. યહુદીઓ તો બહુ
લુચ્ચા છે.’
બરાબર એમ જ જેમ,આજથી લગભગ બસો વર્ષ પહેલાં, જ્યારે બુઢી, ગરીબ બાઈઓને એક વખતને પેટ ભરીને ખાવાનું
મળે એટલું પણ કામ નહોતું મળતું, તો પણ કામણટુમણ કરવા માટે કરીને તેમને
સળગાવી મરાતી.
જે બધાં હાથેથી કામ
કરતાં હોય તે અમુક અંશે અપ્રગટ રહેતાં હોય છે. જેમ તેમનું કામ વધારે અગત્યનું એટલાં
એ લોકો ઓછાં પ્રગટ થતાં જોવા મળે. તેમ છતાં, ગોરી ચામડી તો છતી થઈ જ રહે. ઉત્તર યુરોપમાં,
ખેતરોમાં કામ કરતા માણસ તરફ કદાચ પાછું વળીને નજર પણ નહીં કરીએ.
જિબ્રાલ્ટરની દક્ષિણે કે સુએઝની પૂર્વમાં તો શક્ય છે કે એ તમારી નજરે જ ન પડે. અનેક
વાર આ મારા ધ્યાન પર આવ્યું છે. ઉષ્ણકટીય જમીની દૃશ્યમાં માણસ સિવાય બાકી બીજું બધું
જ નજરે ચડશે.સુકી ભઠ જમીન, કાંટાળાં
નાસપતી, નાળિયેરીઓ, દૂરના પહાડો વગેરે બધું નજરે ચડશે, પણ પોતાની જમીનનો પટ્ટો ખેડતો ખેડૂત નહીં દેખાય. એક તો તેને જોવામાં આમ પણ રસ ઓછો, અને તેમાં પાછો એ એ જમીનના રંગમાં ભળી ગયેલો
હોય.
આટલા માટે જ ભુખમરાથી
પીડાતા આફ્રિકા અને એશિયાના દેશો પ્રવાસન સ્થળો તરીકે સ્વીકૃત બની રહ્યા છે. દીન-હીન
પ્રદેશો સુધી સસ્તા પ્રવાસો ગોઠવવાનું કોઈ વિચારે નહીં. પણ જ્યાં માણસની ચામડી ઘઉંવર્ણી
હોય છે, ત્યાં તેમની ગરીબી સહેલાઈથી ધ્યાન પર નથી આવતી. કોઈ ફ્રેંચ માટે મોરોક્કો એટલે
શું? નારંગીની વાડી કે સરકારી નોકરીમાં ફાળે પડતું એક કામ. કે કોઈ એક અંગ્રેજ માટે તે
શું અર્થ ધરાવે?
ઊંટો,કિલ્લાઓ, નાળિયેરીઓ, પરદેશી (ફ્રેંચ) લિજનેરો (લશ્કરી ટુકડીનો એક માણસ), તાંબાની તાસકો કે ડાકુઓ? વસ્તીના નવમા ભાગ માટે જીવન અંતહીન છે, બંજર બનતી જતી જમીનમાંથી જે કંઈ અન્ન નીચોવીને કાઢી શકાય તે માટે કમ્મરતોડ વૈતરૂં
કરે છે, એ વાત પર ધ્યાન ગયા વિના જ અહીંયાં વર્ષોનાં વર્ષો સુધી રહી શકાય.
+ + + +
મોરોક્કોમાં સામાન્ય - ખાસ તો બહોળી સંખ્યામાં વસતી ગોરી ચામડી
નથી માટે લઘુમતી તરીકે પીસાતી વસ્તીનાં- જનજીવનનું સચોટ ચિત્ર આ અંશમાં જ્યોર્જ ઑર્વેલ
આપણી સમક્ષ મુકે છે. અહીં તેઓ એ વાત પર ધ્યાન ખેંચવા માગે છે કે બીનગોરી ચામડીવાળી
પ્રજા, અને તેમના જીવનના સંઘર્ષો તો ગોરી ચામડીવાળાંને 'દેખાતાં' જ નથી.
તે પછી હવે ત્રીજા અને અંતિમ અંશમાં તેમને શું, અને શા માટે,
શૂળની જેમ ખુંચે છે તે રજૂ કરવા જ્યોર્જ ઑર્વેલ તૈયાર છે.
+ + + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Marrakech નો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો