બુધવાર, 17 નવેમ્બર, 2021

મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

'મારો દેશ જમણેરી કે ડાબોડી'(‘My Country Right or Left’) અમેરિકામાં બહુ પ્રચલિત એવાં દેશભક્તિનાં સૂત્ર 'મારો દેશ સાચો કે ખોટો' સાથેની શબ્દરમત છે. ૧૮૧૬માં એક રાત્રિભોજન પછી સદ્‍ભાવ પ્રસ્તાવમાં નૌકા દળના કૉમોડોર સ્ટીફન ડ્કૅટરે ‘મારો દેશ ! અન્ય દેશો સાથેના વ્યવહારોમાં હમેશાં સાચો જ ઠરે; સાચો કે ખોટો હોય તો પણ (એ) મારો દેશ (છે) !'('In her intercourse with foreign nations may she always be in the right; but right or wrong, our country!’) એવું કહ્યું. આ પ્રસ્તાવ કાળક્રમે ટુંકાવાતાં ટુંકાવાતાં 'મારો દેશ ! સાચો હોય કે ખોટો; સાચો હોય તો હંમેશાં સાચો ટકાવી રખાય અને (જો કદાચ) ખોટો હોય તો સાચો કરાય.'(‘My country, right or wrong; if right, to be kept right; and if wrong, to be set right.’) એવું સૂત્ર બની ગયું.

જ્યોર્જ ઑર્વેલ આ વિચારબીજને આગળ ચલાવીને, પોતાના વિચારોમાંના, દેખીતી રીતે cવિરોધી જણાતા એવા, જમણેરી અને ડાબેરી પ્રવાહોને એકબીજામાં ભેળવી દેવાનું જણાવે છે. એ સંદર્ભમાં, તેમનો પ્રસ્તુત લેખ, ‘મારો દેશ જમણેરી કે ડાબેરી'(‘My Country Right or Left’) આપણી સમક્ષ લેખકનું એક વિરલ રેખાચિત્ર રજુ કરે છે જે એક તરફ પરિવર્તન માટે ક્રાંતિકારી તીવ્રેચ્છા રાખે છે અને બીજી તરફ દેશના સમૃદ્ધ વારસા માટેનો પ્રેમ છે; 'પરિવર્તન સિવાય કંઈ જ સ્થાયી નથી' એ ઉક્તિ અનુસાર, દેશને નાટ્યાત્મક અને મહત્ત્વના ફેરફારો સિવાય બચાવી ન શકાય એવો સંદેશ અભિપ્રેત કરે છે. એ શકય બનાવવા માટે પહેલાં વિશ્વયુદ્ધ પછી જે આગ પર ઇતિહાસની રાખ વળી ગઈ છે તેને તેઓ ફરી પ્રજ્વલિત કરે છે. [1]
પોતાના સાહિત્યિક વસિયતનામાનો અમલ કરવાનું જેમને ઑર્વેલે સોંપ્યું હતું તેમની પાસેની ૧૯૪૯ની નોંધ અનુસાર તેઓ નહોતા ઈચ્છતા કે "The Lion and the Unicorn" અને "The English People" ની સાથે આ લેખ પણ તેમનાં મૃત્યુ પછી ફરીથી પ્રકાશિત થાય[2].

+                      +                      +                      +

સામાન્યપણે પ્રચલિત માન્યતાથી ઉલટું, વર્તમાન કરતાં ભૂતકાળ વધારે ઘટનાપ્રધાન નથી હોતો. આપણને એવું એટલે લાગે છે કે આપણે જ્યારે ભૂતકાળ તરફ નજર કરીએ છીએ ત્યારે જે ઘટનાઓ વર્ષોના અંતરે થઈ હોય તે બધી એક સાથે જ નજરની સામે ગોઠવાતી જણાય છે…..

[૧]

સામાન્યપણે પ્રચલિત માન્યતાથી ઉલટું, વર્તમાન કરતાં ભૂતકાળ વધારે ઘટનાપ્રધાન નથી હોતો. આપણને એવું એટલે લાગે છે કે આપણે જ્યારે ભૂતકાળ તરફ નજર કરીએ છીએ ત્યારે જે ઘટનાઓ વર્ષોના અંતરે થઈ હોય તે બધી એક સાથે જ નજરની સામે ગોઠવાતી જણાય છે. વળી આપણી યાદોમાંની ભાગ્યે જ કોઈ યાદ ખરેખર જ તરોતાજા હોય છે. એ તો ભલું થજો ૧૯૧૪-૧૯૧૮ના મહાવિશ્વયુદ્ધથી આજ સુધી પ્રકાશિત થયેલ એ પુસ્તકો, ફિલ્મો અને સંસ્મરણોનું જેને કારણે વર્તમાનમાં આપણને જે જોવા નથી મળતી એવી એ યુદ્ધની ભવ્ય, વીર રસાત્મક લાક્ષણિકતાઓનાં ભાવવિશ્વનું ચિત્ર આપણી સમક્ષ રમી રહે છે.

પરંતુ જો તમે લડાઈ જોઈ હોય, અને જો તમે પછીથી થયેલ બાહ્ય ઉમેરણોથી પોતાને વેગળાં કરી શકો, તો જણાશે કે એ સમયની મોટી ઘટનાઓને લીધે મોટા ભાગે તમે હલબલી નહોતાં ગયાં. મારું માનવું છે કે પાછળથી જેટલું નાટકીય રૂપ આપવામાં આવેલું એટલી અસર તો 'માર્ન યુદ્ધ'ની લોકમાનસ પર થઈ નહોતી. 'માર્ન યુદ્ધ' (First Battle of Marne) એવો શબ્દપ્રયોગ ઘણાં વર્ષો પછી પ્રચલિત થયો તે પહેલાં મેં એ સાંભળ્યો (પણ) હોય એવું મને યાદ નથી. એટલું જ માત્ર યાદ છે જર્મનો પેરિસથી માત્ર ૨૨ માઈલ દૂર હતા- બેલ્જિયમના અત્યાચારોની કહાનીઓ સાંભળ્યા પછી એ ડરાવહ તો ચોક્કસ હ્તું - અને પછી કોઈ અકળ કારણસર તેઓ પાછા ફરી ગયા હતા.

જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે હું અગિયાર વર્ષનો હતો. મેં જે કંઈ પછીથી જાણ્યું તે બાદ કર્યા પછી પ્રમાણિકપણે જો મારી યાદદાસ્તને વ્યવસ્થિત રૂપે ગોઠવી લઉં તો યુદ્ધનાં થોડાં વર્ષો પહેલાં ટાઈટેનિક ડુબવાથી થયેલ નુકસાનથી જેટલું દુઃખ થયું હતું એવું કશું જ યુદ્ધ બાબતે મને થયું હોય તેવું કંઇ યાદ નથી. પ્રમાણમાં સાવ ક્ષુલ્લ્ક કહી શકાય તેવી આ દુર્ઘટનાએ આખાં વિશ્વને ખળભળાવી દીધેલું. એ ખળભળાટ હજુ સુધી શમ્યો નથી. એ દિવસોમાં સવારના નાસ્તાના ટેબલ પર એ ઘટનાના ખુબ દુઃખદાયક પ્રસંગો વિગતે વંચાતા તે મને યાદ છે (એ દિવસોમાં અખબારપત્ર મોટેથી વાંચવાની ટેવ બહુ પ્રચલિત હતી). મને એ પણ યાદ છે કે કમકમાટી પેદા કરતી એ બધી ઘટનાઓમાંથી છેલ્લી ઘડીએ ટાઈટેનિક એકદમ આગળ મોરા તરફ ઝુક્યું અને તેથી સમુદ્રની ઊંડી ગર્તામાં સમાઈ ગયાં તે પહેલાં તેના પાછલા ભાગને પકડીને ઊભેલાં બધાં લોકો હવામાં કમસે કમ ત્રણસો ફૂટ ઊંચે ફંગોળાયાં હતાં એ ઘટના હતી.. મને એ વાંચીને પેટમાં જે ગોળો ચડ્યો હતો તે આજે પણ મને અનુભવવાનું હું રોકી શકતો નથી. યુદ્ધની કોઈ ઘટનાએ મને આટલી તીવ્ર લાગણી નથી કરાવી.

+                      +                      +                      +

જ્યોર્જ ઑર્વેલ આટલે સુધીમાં તો એટલી ઉત્સુકતા જગાવી ચુક્યા છે કે હવે તેઓ શું કહેવા માગે છે તે જાણવાની બેહદ તલબ જાગી ઊઠવી સ્વાભાવિક છે.

આપણે એ વિશે મૂળના લેખના આંશિક ભાગ ૨માં ૧૫-૧૨-૨૦૨૧ના રોજ વાત કરીશું….

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, My Country Right or Leftનો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો